Aapnu Gujarat
બ્લોગ

બાલાકોટ પર એર સ્ટ્રાઇક કરી મોદી સરકારે કડક સંદેશ આપ્યો

કેટલીક ઘટના બની રહી હોય ત્યારે મહત્તવની લાગે ખરી, પણ તેમાંથી ઐતિહાસિક કેટલી સાબિત થશે તે દાયકા પછી જ સ્પષ્ટ થાય. પણ અણસાર મળી જતો હોય છે. નાનકડી ઘટના પણ એવો વળાંક લાવતી હોય છે, જેને આગળ જતા ઐતિહાસિક વળાંકની ઘટના ગણવી પડે. હાલના વર્ષોમાં થયેલા આંદોલનોમાંથી એક અણ્ણા આંદોલન એવી એક મહત્ત્વની ઐતિહાસક ઘટના આગળ જતા ગણાશે. કેમ કે તેના કારણે દેશના રાજકારણમાં એક મહત્તવનો વળાંક આવ્યો હતો. પ્રથમ વાર લોકઆંદોલનને કારણે સંસદનું સત્ર બોલાવીને પ્રજાની માગણી પ્રમાણેનો લોકપાલનો કાયદો બનાવવાનું વચન આપવું પડ્યું હતું.એ વચનનું હજી સાચા અર્થમાં પાલન થયું નથી, પણ અણ્ણા આંદોલનના કારણે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારનો અંત આણવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી યુપીએની જગ્યાએ કોઈ મોરચા સરકાર આવી હોત, તેના બદલે મોટા પાયે પરિવર્તનની ઝંખનાની કારણે નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વનમાં ભાજપને એકલા હાથે બહુમતી મળી હતી. સરકાર બને એનડીએની બની, પણ ભાજપને પોતાને ૨૮૩ બેઠકો મળી હતી. ભારતમાં પ્રથમવાર કોઈ બિનકોંગ્રેસી પક્ષને એકલે હાથે સંપૂર્ણ સત્તા મળી હતી. એ મહત્તવનું પ્રથમ રાજકીય પરિવર્તન હતું.
દેશનું રાજકારણ કોંગ્રેસના વિરોધમાં ઊભા થયેલા પ્રાદેશિક પક્ષોના જોર પર બદલાતું રહ્યું હતું, પણ તેમાં નીતિગત પરિવર્તન નહોતું. પ્રાદેશિક નેતાઓ અને જૂથોની મહત્ત્વાકાંક્ષાઓ અને એષણાઓને કારણે સત્તા પરિવર્તન થતું હતું. રાષ્ટ્રીય સ્તરે માત્ર ભાજપ એવો પક્ષ હતો, જે સત્તા પરિવર્તન નહિ, પણ નીતિ પરિવર્તન લાવી શકે.ભાજપ મજબૂત થતો ગયો તે પછી પ્રારંભિક બે દાયકામાં ભાજપની નીતિઓ પણ આમૂલ પરિવર્તન લાવનારી હોય તેમ લાગતું નહોતું. ભાજપની આર્થિક નીતિ, કોંગ્રેસની આર્થિક નીતિની જેમ ઉદારીકરણની જ હતી. કોંગ્રેસની વૉટબેન્કની પોલીસી સામે ભાજપની પણ પોતાની વોટબેન્ક પોલીસી હતી. કોંગ્રેસમાં એક પરિવારનું વર્ચસ રહ્યું, જ્યારે ભાજપ પર સંઘ પરિવારનું વર્ચસ રહ્યું. ધીમે ધીમે સબસિડી ઓછી કરવાની નીતિ કોંગ્રેસ અને ભાજપની સરખી રહી, પણ જરૂર પડ્યે વચ્ચે વચ્ચે નરેગાથી માંડીને પીએમ કિસાન જેવી લોકપ્રિય લહાણીની નીતિ પણ બંને પક્ષ અપનાવતો રહ્યો.વિદેશ સાથે સંબંધો અને પડોશી દેશ સાથેના સંબંધોની બાબતમાં પણ કોંગ્રેસ અને ભાજપની નીતિમાં કોઈ ફેર દેખાતો નહોતો.
વાજપેયી સરકાર વચ્ચે આરપારની લડાઈની વાત કર્યા પછી અંતે તો લાહોરની બસ યાત્રા કાઢવાની જ વાત આવી હતી. તેથી કાશ્મીર અને પાકિસ્તાન વિશેની નીતિમાં પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કોઈ ફરક હોય તેમ લાગતું નહોતું. આતંકવાદનો સામનો અને તેનો અંત આવે તે તરફના કદમ લેવા માટે ભાજપની નીતિ વાતોમાં અલગ લાગતી હતી, પણ વ્યવહારમાં તેનો અમલ દેખાતો નહોતો. તેના કારણે જ આખરે પાકિસ્તાનની હદમાં રહેલા જૈશે મોહમ્મદ જેવી જેહાદી ઇસ્લામી આતંકવાદી સંસ્થાના અડ્ડા પર, બાલાકોટ પર, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ એર સ્ટ્રાઇક કરી તે ઐતિહાસિક નીતિ પરિવર્તનની ઘટના છે.
૧૯૭૧માં ભારતે પાકિસ્તાની સરહદ પાર કરીને હુમલો કર્યો હતો અને પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા હતા. ત્યાર પછી ભારતે ક્યારેય પાકિસ્તાની સરહદમાં જઈને કાર્યવાહી નહોતી કરી. કારગીલ લડત વખતે પણ સંયમ સાથે અંકુશ રેખાની આ પારની રહીને જ લડાઈ થઈ હતી. આરપારની લડાઈની વાતો બહુ થઈ હતી, પણ થઈ નહોતી. તેથી આખરે પાકિસ્તાની સરહદમાં ૮૦ કિમી અંદર જઈને વાર કરવામાં આવ્યો તે ઐતિહાસિક વળાંક ગણાશે.પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરના વિસ્તારમાં મુઝ્‌ઝફરાબાદ અને ચકોટી પર પણ બૉમ્બમારો કરવામાં આવ્યો હતો. પણ ત્યાંથીય આગળ વધીને પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં આવેલા બાલાકોટ પર જઈને મસૂદ અઝહરના અડ્ડાનો નાશ કરવામાં આવ્યો. અહેવાલો અનુસાર અઝહરનો ભાઈ અને સાળો પણ તેમાં માર્યા ગયા છે. ૩૫૦ જેટલા આતંકવાદીઓ પણ માર્યા ગયાનું મનાય છે.
અગત્યનું એ નથી કે કેટલા ત્રાસવાદીઓને ખતમ કરી દેવાયા, મહત્ત્વનું એ છે કે પાકિસ્તાની સરહદમાં ઘૂસીને પણ ભારત જવાબ આપશે તે મેસેજ આ એર સ્ટ્રાઇક દ્વારા આપવામાં આવ્યો છે.આતંકવાદનો અંત કેવી રીતે આવશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. પરંતુ તેની સામેની લડાઈ કઈ રીતે થવી જોઈએ તેની પણ સ્પષ્ટતા થઈ શકતી નહોતી. આતંકવાદીઓ બેફામ બનીને હુમલા કરતા રહે અને સુશિક્ષિત સમાજ માત્ર રાબેતા મુજબ સંયમિત કાર્યવાહી કરતો રહે તે લડત એકતરફી લાગતી હતી. પાકિસ્તાનમાં જેહાદી ઇસ્લામી આતંકવાદના અડ્ડા ધમધમે છે. આખી દુનિયા એ જાણે છે. અમેરિકા વાતો કરતું હતું ગ્લોબલ વૉર અગેઇન્સ્ટ ટેરરિઝમ, પણ તે લડાઈ તેની પોતાની, તેના પોતાના હિત માટેની હતી.
અમેરિકા માત્ર એવા ત્રાસવાદીઓને નાબૂદ કરવા માગતું હતું અને માગે છે, જે તેમને નડી શકે તેમ હોય. ભારતને હાની કરી રહેલા ત્રાસવાદીઓને ખતમ કરવામાં તેને અંશમાત્ર રસ નહોતો. પાકિસ્તાનને આટલા વર્ષો અમેરિકા સહાય આપતું જ રહ્યું છે. ભારત વિરુદ્ધ હુમલા કરી રહેલા ત્રાસવાદીઓ સામે પગલાં લેવા માટે પાકિસ્તાનને અમેરિકાએ કોઈ દબાણ કર્યું નહોતું.તેનો અર્થ એ થયો કે ભારતે પોતે પોતાના હિત માટે પાકિસ્તાનની નાપાક ભૂમિ પર પનપી રહેલા ત્રાસવાદી અડ્ડાનો ખાતમો બોલાવવો. પરંતુ અહીં પણ સેનાના હાથ બાંધીને રાખવામાં આવ્યા હતા.
કાશ્મીરમાં પણ કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે સેના અને અર્ધલશ્કરી દળોને એક મર્યાદામાં કામ કરવું પડતું હતું. મર્યાદા વાજબી ખરી, પણ સૂકા ભેગું લીલું બળે તે વાસ્તવિકતા કઠણ હૃદયે ક્યારેય અને થોડા સયમ માટે કબૂલ કરવી પડે. સામાન્ય સ્થિતિમાં મર્યાદાથી કામ થાય તે લોકશાહીનું હિત ખરું, પણ ત્રાસવાદ સામેની લડત સામાન્ય સ્થિતિ નથી.અસામાન્ય સ્થિતિ સામે અસામાન્ય પગલાં લેવા પડે. તેથી જ પાકિસ્તાની હદમાં ઘૂસીને ભારતીય વિમાનોએ પલકવારમાં હુમલો કર્યો તે ઐતિહાસિક ઘટના ગણાશે. ૧૯૭૧ની ઘટના પણ ઐતિહાસિક જ રહેશે, પણ ત્યારે મામલો દેશની સુરક્ષાનો હતો. આ વખતે આતંકવાદ સામેની લડાઈનો મામલો છે. પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી અડ્ડાઓને ઉડાવી મૂકવા માટે ક્યારેય તો ભારતે કાર્યવાહી કરવી જ પડે તેમ હતી. પાકિસ્તાન પોતે તેને બંધ કરે તેવી શક્યતા ભાગ્યે જ હતી.અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે આરપારની લડાઈ કરી લેવાની પણ શક્યતા ઊભી થઈ હતી. પરંતુ તે વખતેય વિવિધ કારણસર આખરે સેનાને સરહદેથી પાછી બોલાવી લેવાઈ હતી. તેના કારણે આ વખતે શંકાઓ જાગી હતી કે શું દર વખતની જેમ આરપારની લડાઈની વાતો પછી આખરે રાબેતા મુજબની જ કાર્યવાહી કરવાની કોશિશ થશે.ભારતીય સેના આ પ્રકારની કાર્યવાહી કરવા માટે હંમેશા તૈયાર હતી. મુંબઈ પર હુમલો થયો ત્યારે પણ એર ફોર્સે એર સ્ટ્રાઇક કરવાની તૈયારી બતાવી હતી. પણ રાજકીય ઇચ્છાશક્તિના અભાવે નિર્ણય થઈ શક્યો નહોતો. આ વખતે ઉરીની ઘટના બાદ નાના પાયે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. તે પણ અગત્યની હતી, પરંતુ બાલાકોટ પરની એર સ્ટ્રાઇક વધારે નક્કર પાયા પરનું નીતિ પરિવર્તન છે. સર્જિકલ સ્ટ્રાઇક નાના પાયે ભૂતકાળમાં પણ થઈ હતી, પણ તેની બહુ જાહેરાત થઈ નહોતી. એર સ્ટ્રાઇક અજાણી રહે નહિ. બીજું, આ નીતિ પરિવર્તન એટલા માટે પણ અગત્યનું છે કે હવે પછી ભારત પાસે આ પ્રકારની કાર્યવાહી કરવાની વધારે મોકળાશ રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારત પોતાની દલીલને સાબિત કરી શક્યું છે કે આ પ્રકારની કાર્યવાહી કરવાનો દેશને અધિકાર છે.લશ્કરી રીતે જ નહિ, રાજદ્વારી રીતે અને વ્યૂહાત્મક રીતે પણ ભારતે કરેલી એર સ્ટ્રાઇક ઐતિહાસિક વળાંક ગણાશે. ભારતે માત્ર ગણતરીની મિનિટો માટે જ કાર્યવાહી કરી. પાકિસ્તાની એરફોર્સને ગંધ આવે કે કંઈ વિચારે ત્યાં સુધીમાં કાર્યવાહી પૂર્ણ કરી તે લશ્કરી કૂનેહ હતી. ત્યારબાદ મોદી સરકારે સંયમિત રીતે આ માત્ર પ્રિએમ્પિટવ એટલે કે સ્વરક્ષણ માટેની કાર્યવાહી હતી તેમ જણાવીને દુનિયાના મોટા ભાગના દેશોનો સાથ મેળવવાની રાજદ્વારી સમજદારી પણ દાખવી. પાકિસ્તાની નાગરિકોને નુકસાન અમે નથી કર્યું, અમે કરવા માગતા નથી. અમે પાકિસ્તાની સેનાની છાવણી પર પણ હુમલો નથી કર્યો અને બિનજરૂરી રીતે કરવા માગતા નથી તે વાત પણ કરી બતાવી અને દુનિયાને જણાવી તે મોદી સરકારની વ્યૂહાત્મક ગણતરી પણ છે.સમગ્ર રીતે આ એર સ્ટ્રાઇક દ્વારા એ મેસેજ અપાયો કે અમે આતંકવાદ સામે લડત આપવા, સ્વરક્ષણ માટે જે હદની કાર્યવાહી કરવાની જરૂર પડશે તે કરીશું. તે માટે અમને દુનિયા રોકી શકે નહિ અને અમે રોકાઈશું પણ નહિ. સાથે જ અમારી પાસે તે ક્ષમતા પણ છે. ક્ષમતા વિશે કોઈને શંકા હોય તો એર સ્ટ્રાઇક તેનો નમૂનો છે.આતંકવાદ એમ ખતમ થઈ જશે એમ માની લેવાની પણ જરૂર નથી, પરંતુ આતંકવાદીઓ પેદા કરવાના રીતસર અડ્ડા ધમધમતા હોય, હુમલા કરવા માટેની લશ્કરી પ્રકારની તાલીમ અપાતી હોય તેને બંધ ના કરાવી શકીએ તો ત્રાસવાદ વધે, ઘટે નહિ. આ પ્રકારની વધુ કાર્યવાહી કરવી પડશે અને કમ સે કમ પાકિસ્તાનમાં કે ભારતના આસપાસના પડોશી દેશોમાં આવા અડ્ડા ના બને તે સુરક્ષિત કરવું પડશે. આવા વિશાળ આતંકવાદી અડ્ડા નહિ હોય તો ત્રાસવાદ વધતો અટકશે અને કદાચ થોડો ઘટશે. કમ સે કમ ભારતમાં હુમલા માટેની તેમને ક્ષમતા થોડી ઓછી થશે. નેક્સ્ટ મૂવ સ્થિતિ પ્રમાણે ભારત લઈ શકશે તે મેસેજ પણ એર સ્ટ્રાઇકે આપ્યો છે. આતંકવાદ સામેની આગળની લડાઈમાં હજી પણ એકાદ બે વળાંક આવી શકે છે, પણ આ વળાંક તેમાં અગત્યનો રહેશે, કેમ કે અહીંથી નીતિ પરિવર્તન થયું છે. નીતિ પરિવર્તન પછી વ્યૂહ પરિવર્તન પણ થઈ શકે અને સ્થિતિ પ્રમાણે ભારત જવાબ આપવા યોગ્ય દિશામાં વિચારી શકશે એવી આશા રાખી શકાય.

Related posts

ગુજરાત તરસ્યું કેમ?

aapnugujarat

દેવે ગોવડાના ભાવ અચાનક વધી ગયાં

aapnugujarat

વિવિધ ક્ષેત્રોની બજેટ તરફની આશા અપેક્ષા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1