Aapnu Gujarat
બ્લોગ

ગુજરાત તરસ્યું કેમ?

મનુષ્યની ત્રણ મુખ્ય જરૂરિયાતો પૈકીની સૌથી મહત્વની જરૂરિયાત પાણીની તંગી વર્તાતા હવે પાણી માટે જળયુદ્ધો ખેલવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે આગામી ૨૦ વર્ષમાં પાણીની ગંભીર કટોકટી ઊભી થશે. વિશ્વના જળ સરોવરો ઝડપથી સૂકાઈ રહ્યા છે જેના કારણે વધતી વસ્તી સામે પાણીની ભારે તંગીનો સામનો કરવો પડશે. વૈશ્વિક ચેતવણી તો એવી આપવામાં આવી છે કે સરેરાશ વ્યક્તિના પાણી પુરવઠામાં કાપ મૂકવાનો વારો આવશે ! સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે રાજકીય નેતાઓ યોગ્ય અને અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ નીવડ્યા છે. કેટલાક કેસોમાં પાણીની ગંભીર કટોકટી અંગે વિવાદ ઊભા થયા છે. વિશ્વના કુલ વસ્તી પૈકીના ૨૦ ટકા વસ્તી શુદ્ધ પીવાનું પાણી ધરાવતી નથી જે મોટી સમસ્યા છે. વર્લ્ડ વોટર એસેસમેન્ટ પ્રોગ્રામ ડિરેક્ટર ગોલ્ડન યંગે જણાવ્યું છે કે પાણીની કટોકટી ઊભી થવાની છે.પૃથ્વી ઉપર પાણીનો કુલ જથ્થો એક અબજ ૩૫ કરોડ ધન કિલોમીટર જેટલો છે. તેનો માત્ર ૨.૬૦ ટકા ભાગ જ સ્વચ્છ પાણીનો છે. બાકીનો ૯૭.૪૦ ટકા જથ્થો દરિયાના ખારા પાણીના રૂપમાં છે. સ્વચ્છ પાણી કે ૨.૬૦ ટકા છે. તેનો કુલ જથ્થો ૩ કરોડ ૬૦ લાખ ધન કિલોમીટર છે. જેમાંનું ૦.૬૦ ટકા પાણી જ નદીઓ, તળાવો, સરોવરો, કુવાના રૂપમાં ઉપલબ્ધ છે. બાકીનું બધું જ પાણી ઉત્તર અને દક્ષિણ ધ્રુવો ઉપર કેટલાય કિલોમીટર લાંબા પર્વતો અને હિમનદીઓના સ્વરૂપે સચવાયેલું છે.માનવ સંસ્કૃતિનો ઈતિહાસ દર્શાવે છે કે જ્યારે કોઈ વસ્તુનો અભાવ વર્તાવા માંડે છે ત્યારે તે અણમોલ બની જાય છે. પછી એ અણમોલ વસ્તુની પ્રાપ્તિ માટે યુદ્ધ શરૂ થઈ જાય છે. વીસમી સદીની વિદાયવેળાએ વિશ્વ બેંક દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા એક અહેવાલમાં એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે કે, ૨૧ મી સદીમાં જે નાના મોટા યુદ્ધો અથવા મહાયુદ્ધો થશે એ પાણી માટે ખેલાશે. આ અહેવાલમાં આવેલી માહિતી અનુસાર ૨૧મી સદીના આરંભે પણ વિશ્વની ૪૦ ટકા વસ્તિને પીવાનું પાણી મેળવવા ફાંફા મારવા પડે છે. વિશ્વના ૮૦ દેશો એવા છે કે, જ્યાં પાણીની નળની સુવિધા છે.પણ ત્યાં મનુષ્ય જીવન સ્વસ્થ રહી શકે તેટલું પૂરતું પાણી મળતું નથી. વિશ્વ બેંકના આ અહેવાલમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે પછાત, વિકસિત કે વિકાસશીલ દેશ હોય તેણે પોતાનો પાણીનો જથ્થો જાળવી રાખવા માટે વહેલી તકે પાણી રેશનિંગની વ્યવસ્થા શરૂ કરવી જોઈએ. કેમ કે ૨૧ મી સદીનો આરંભ જ જળસંકટ સાથે થશે. આંકડાઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, દરેક ૨૧ મા વરસે પાણીની જરૂરિયાત બમણી થઈ જાય છે.કુદરતના કેટલાક અદ્ભૂત સર્જનોમાં પાણી એક અદભૂત સર્જન છે. આપણા શરીરનો મોટો ભાગ પાણીનો બનેલો છે. પાણી જેમ આપણા શરીરને વધુ પડતું ગરમ થતું અટકાવે છે તેવી જ રીતે પાણી પૃથ્વીને વધુ પડતી ઠંડી થતી અટકાવે છે. મનુષ્યના મગજમાં ૭૪.૫ ટકા, હાડકામાં ૨૨ ટકા, કિડનીમાં ૮૨.૭ ટકા, સ્નાયુમાં ૭૫ ટકા, લોહીમાં ૮૩ ટકા પાણીનો ભાગ હોય છે. પાણી સિવાય જીવન શક્ય નથી. બીજી રીતે જોઈએ તો દરેક ક્ષેત્રે અને સમયે પાણીની ઉપયોગીતા અને અનિવાર્યતા છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાબરકાંઠામાં ચૂંટણીસભા સંબોધતા કહ્યું હતું કે તેમની સરકાર પાણી મુદ્દે અલગ મંત્રાલય બનાવશે, જેથી પાણીની સમસ્યાને પહોંચી વળાય. આ સિવાય તેમણે એવું પણ કહ્યું કે તેમની સરકાર ’કચ્છથી કાઠિયાવાડ સુધી’ પાણી લઈ જવામાં સફળ રહી છે.પરંતુ શું ખરેખર ગુજરાતવાસીઓને અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને પાણી મળ્યું છે ખરું?ભારત તથા એશિયામાં બંધાયેલા બંધ બાબતે કાર્યરત સંસ્થા સાઉથ એશિયા નેટવર્ક ઑન ડૅમ્સ, રિવર્સ ઍન્ડ પીપલ (એસએએનડીઆરપી)ના કો-ઑર્ડિનેટર હિમાંશુ ઠક્કરે એક અહેવાલ તૈયાર કર્યો છે, જેમાં સવાલ કરવામાં આવ્યો છે કે ગુજરાતના ’સરદાર સરોવર ડેમ’માં ગત વર્ષ કરતાં વધુ પાણી હોવા છતાં ગુજરાત તરસ્યું કેમ?અહેવાલના લેખક હિમાંશુ ઠક્કરે નર્મદા નિગમના આંકડાનો સંદર્ભ આપી જણાવ્યું કે ૧૬ એપ્રિલના રોજ સરદાર ડૅમની સપાટી ૧૧૯.૧૪ મિટર હતી. તેમજ તેમાં ૧૦૯૫ એમસીએમ (મિલિયન ક્યૂબિક મિટર) પાણી હતું. આ સિવાય ડૅમમાં ડેડ સ્ટોરેજ તરીકે ૩૭૦૦ એમસીએમ પાણી હતું.ગત વર્ષે એપ્રિલ ૨૦૧૮માં સરદાર સરોવરની સપાટી ૧૦૫.૮૧ મિટર હતી. તેમજ લાઇવ સ્ટોરેજ તરીકે સહેજ પણ પાણી નહોતું.મતબલ કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે સરદાર ડૅમમાં વધુ પાણી છે.નર્મદા કંટ્રોલ ઑથૉરિટીના સંદર્ભથી ઠક્કરે જુલાઈ ૨૦૧૮થી લઈને માર્ચ ૨૦૧૯ સુધીમાં ગુજરાતને જેટલું પાણી મળ્યું છે તેના આંકડા રજૂ કરવામાં આવ્યા છે.અહેવાલમાં એવી પણ માહિતી છે કે ૩ માર્ચથી ૮ એપ્રિલ, ૨૦૧૯ સુધી સરદાર સરોવર ડૅમમાં પાણીનો સતત વધારો થયો છે.ઠક્કરે જણાવ્યું, “ગુજરાતના સરદાર ડૅમને વધુ પાણી મધ્ય પ્રદેશના ’ઇંદિરા સાગર પ્રોજેક્ટ’ને કારણે મળ્યું છે. આ ડૅમ ગુજરાતના સરદાર સરોવર ડૅમને પાણી પૂરું પાડે છે.”
ઉલ્લેખનીય છે કે નર્મદા નદી જે ’રેવા’ તરીકે પણ ઓળખાય છે. તે મધ્ય પ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે અને ગુજરાતમાં થઈ ૧૩૧૨ કિમીનો પ્રવાસ કરી ખંભાતના અખાતથી અરબી સમુદ્રમાં ભળે છે.સત્તાવાર આંકડના આધારે ઠક્કરે ઉલ્લેખ કર્યો છે કે મધ્ય પ્રદેશ સ્થિત નર્મદા તળેટીમાં ગત વર્ષે ૨૪ ટક વરસાદ ઓછો પડ્યો હતો તો પછી તે આટલી બધું પાણી શા માટે છોડે છે?આ સવાલના જવાબ રૂપે ઠક્કરે ત્રણ આશંકાઓ વ્યક્ત કરી છે.તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકાર હેઠળ આવતી નર્મદા કંટ્રોલ ઑથૉરિટીના પ્રભાવથી આવું થતું હશે અથવા તો વધુ વીજળીના ઉત્પાદનના હેતુથી વધુ પાણી છોડતા હશે.હાલમાં ઇંદિરા સાગર ડૅમમાં ૩૬૬૮ એમસીએમ પાણીનો જથ્થો છે.આ પરિપેક્ષ્યને કેન્દ્રમાં રાખીને ઠક્કરનું કહેવું છે કે એપ્રિલથી ૩૦ જૂન, ૨૦૧૯ સુધીમાં સરદાર સરોવર ડૅમને ૨૧૫૦ એમસીએમ પાણી વધુ મળશે.આ માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે સરદાર ડૅમમાં ગત વર્ષ કરતાં વધુ પાણી છે અને આગામી સમયમાં પણ ગત વર્ષ કરતાં વધુ પાણી રહેશે. તો પછી કચ્છ અને સૌરાષ્ટ્રનાં ગામોમાં પાણીની તકલીફ શા માટે છે?નર્મદા નદીને ગુજરાત અને મધ્ય પ્રદેશની જીવાદોરી માનવામાં આવે છે.નર્મદા નદી પર સરદાર સરોવર ડૅમનું બાંધકામ એટલા માટે જ કરવામાં આવ્યું હતું કે પાણીનો સંગ્રહ કરી જરૂરિયાતમંદ વિસ્તારોને પાણી પહોંચાડી શકાય.ગત વર્ષે ગુજરાતમાં પાણીની વિકટ પરિસ્થિતિનો મુદ્દો ચર્ચામાં હતો.એવા સમાચાર હતા કે કચ્છના માલધારીઓ દુષ્કાળની સ્થિતિને કારણે હિજરત કરવા મજબૂર બન્યા હતા અને તેઓ અમદાવાદ નજીક સાણંદ ખાતે આવ્યા હતા.સૌરાષ્ટ્રમાં સામાન્ય કરતાં ૩૪ ટકા ઓછો વરસાદ થયો હતો. પાણીની પરિસ્થિતિ એટલી વિકરાળ બની ગઈ હતી કે ગુજરાતના ઘણા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યા હતા.ઠક્કરે પોતાના અહેવાલમાં કપાસની ખેતી અંગે નોંધ્યું છે કે છેલ્લાં દસ વર્ષની તુલનાએ આ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું છે.’ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’એ સીએઆઈ (કૉટન ઍસોશિયેશન ઑફ ઇંડિયા)ના હવાલાથી જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૮-૦૯માં ૯૦ લાખ બેલ્સ (૧ બેલ્સ એટલે ૧૭૦ કિલોગ્રામ)નું ઉત્પાદ થયું હતું.વર્ષ ૨૦૧૮-૧૯ની વાત કરવામાં આવે તો આ આંકડો ૮૨ લાખ બેલ્સ હતો. આ પરિસ્થિતિનું કારણ પાણીની અછત હોવાનું જણાવાયું હતું.બીજી તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓ પાણીની તંગી ભોગવી રહ્યા છે.સુરેન્દ્રનગરના ઉંટાડી ગામમાં પાણીની સમસ્યા એટલી વિકરાળ બની છે કે લોકો અને પશુઓ એક જ જગ્યાએથી પાણી મેળવે છે.
જે જગ્યાએ સરદાર સરોવર ડૅમ બન્યો છે અને જ્યાંથી તેની મુખ્ય કૅનાલ પસાર થાય છે ત્યાંના આસપાસના ખેડૂતોને પણ નર્મદાનું પાણી મળતું નથી એવી ફરિયાદ ત્યાંના સ્થાનિકોની છે.સરદાર સરોવર નજીકનાં ચિચડિયા અને ગુણેઠા ગામના લોકોએ જણાવ્યું હતું કે તેમના ગામથી નર્મદાની મુખ્ય કેનાલ ત્રણ કિમી દૂર છે છતાં તેમને પાણી નથી મળી રહ્યું.જો કચ્છની વાત કરવામાં આવે તો ત્યાં પણ પાણીની વિકરાળ સમસ્યા છે.ત્યાંના રહેવાસીઓનું કહેવું છે કે તેઓ દુષ્કાળની સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે.સરદાર સરોવર ડૅમની મુખ્ય કૅનાલ ૪૫૮ કિમી સુધી ફેલાયેલી છે જેનો હેતુ ગુજરાતના ૭૫ ટકા અછતગ્રસ્ત વિસ્તારને સિંચાઈનું પાણી પહોંચાડવાનો છે.સરદાર સરોવર ડૅમમાં ગત વર્ષ કરતાં પાણીની આવક વધુ હોવા છતાં લોકોને પાણીની સમસ્યા શા માટે વેઠવી પડે છે આ મુદ્દે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા તંત્રે આપી નથી.

Related posts

સસ્તામાં ડેટાથી પોર્ન જોનાર લોકોની સંખ્યા વધી રહી છે : રિપોર્ટ

aapnugujarat

ગુજરાતમાં શિક્ષણની અવદશા

aapnugujarat

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પછી આગામી ૧૦૦ દિવસમાં ૧૦ પડકારનો કરવો પડશે સામનો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1