Aapnu Gujarat
બ્લોગ

આકરા પગલાને અભાવે કાશ્મીર સમસ્યા વકરી

કશ્મીરનો ઉકેલ અઘરો છે. વર્ષો જતા તે વધુ સંકુલ બન્યો છે. ભારતીય નેતાગીરીએ પ્રારંભથી જ તેમાં ભૂલો કરી હતી તેનો અફસોસ થતો આવ્યો છે. આ મામલો જે રીતે ચગાવવામાં આવે છે તે રીતે જવાહરલાલ નહેરુ વિરુદ્ધ સરદાર પટેલનો નહોતો. આઝાદીનો અને દેશના ભાગલા કરવાનો નિર્ણય લેવાયો તે પછી કયો પ્રદેશ કોની સાથે જશે તેનો પેચીદો પ્રશ્ન ઊભો થયો હતો. ઘણા અભ્યાસુઓ કહે છે કે એક તબક્કે મુસ્લિમ વસતિ વધુ હોવાથી કાશ્મીર પાકિસ્તાન સાથે જાય તેવી આછી પાતળી શક્યતા સરદારે વિચારી જોઈ હતી.કશ્મીરના મહારાજા હરિસિંહ સાથે વાતચીતમાં માઉન્ટબેટને ઉલ્લેખ કર્યો હતો કે તમે કયા યુનિયન સાથે જોડાવવું છે તે નક્કી કરી લો. તમે પાકિસ્તાનમાં જોડાવાનું નક્કી કરશો તો સરદાર પટેલ વિરોધ નહિ કરે એમ માઉન્ટબેટને કહ્યું હોવાનું કહેવાય છે. વી. પી. મેનનના પુસ્તકમાં આવો ઉલ્લેખ છે. પરંતુ કાશ્મીર જવાહરલાલ નહેરુના વડવાનું વતન હતું, અબ્દુલ્લા પરિવાર સાથે તેમના સારા સંબંધો હતા તેથી તેઓ કાશ્મીર ભારત સાથે જોડાય તેમ ઇચ્છતા હતા. સાથે જ ભૌગોલિક રીતે કાશ્મીરનું સ્થાન અગત્યનું હતું. હિમાલયની આ પર્વતમાળા પર ભારતનો કબજો જરૂરી હતો.સરદાર પટેલનું ધ્યાન હૈદરાબાદને ભારતમાં ભેળવી દેવા પર વધુ હતું. હૈદરાબાદના નિઝામે અવળચંડાઈ શરૂ કરી દીધી હતી. નિઝામ મુસ્લિમ હતો, પણ પ્રજા હિન્દુ હતી. કાશ્મીરમાં મહારાજા હિન્દુ હતા, પણ પ્રજા મુસ્લિમ હતી. વળી કાશ્મીરની સરહદ પાકિસ્તાનને સ્પર્શતી હતી. તેથી આ બંને કિસ્સામાં શાસકના આધારે નહિ, પણ વસતિના આધારે નિર્ણય લઈ શકાય તેમ લાગતું હતું. પરંતુ ત્રીજો ફણગો ફૂટ્યો હતો જૂનાગઢનો. જૂનાગઢના નવાબે પણ દિવાન ભુટ્ટોની ચઢવણીથી પાકિસ્તાનમાં જવાનું નક્કી કર્યું ત્યારે સરદારને હવે જૂનાગઢ સાથે કાશ્મીરને પણ ભારતમાં રાખવા ઝડપી કાર્યવાહી જરૂરી લાગી હતી. કાશ્મીરના મહારાજા પાસે દસ્તાવેજો પર સહી કરાવી લેવી જરૂરી બની હતી. જૂનાગઢના નવાબને તો ભાગવું પડ્યું હતું. આરઝી હકુમતે જૂનાગઢનો કબજો લીધો હતો અને ભારે બહુમતી સાથેના જનમત સાથે જૂનાગઢને ભારતમાં ભેળવી દેવાયું હતું. કાશ્મીરના મહારાજા પાસે કબીલાઈ હુમલા પછી સરદારે તાત્કાલિક જોડાણના દસ્તાવેજ પર સહી કરાવી લીધી.આ રીતે કાશ્મીર ભારતમાં રહ્યું ખરું, પણ અડધા જેટલો હિસ્સો ત્યાં સુધીમાં જતો રહ્યો હતો. યુદ્ધવિરામ કરાવીને પ્રથમ દેશને થાળે પાડવા પર નેતાગીરીએ ધ્યાન આપ્યું. ગુમાવેલો હિસ્સો પાછો મેળવવા માટે પ્રયત્નો થયા નહિ અથવા થઈ શકે તેમ નહોતા.સાચી વાત એ છે કે અડધું કાશ્મીર રાખી લીધા પછી આ પ્રદેશ અને તેની પ્રજા ભારતીય પ્રવાહમાં ભળી જાય તે માટે શું કરવું પડે તેના પર ગંભીરતાથી ધ્યાન આપ્યું નહોતું. બીજા પ્રદેશોમાં અસંતોષ હતો તે ધીમે ધીમે ઠારવામાં આવ્યો, તેમ કાશ્મીરી પ્રજાનો અસંતોષ, જો હોય તો, ઠારી દેવાશે તેમ ભારતીય નેતાગીરી માનતી રહી હતી.વાત જો અને તોની છે જો કાશ્મીરીઓને મુખ્ય ધારામાં ભેળવી દેવાના ગંભીર પ્રયાસો થયા હોત તો એમ ઘણા કહે છે, પણ જો પ્રયાસો પછીય ના ભળ્યા તો એવો સવાલ પણ સામો થાય છે.
સ્થિતિ વધારે કપરી બની જ્યારે કાશ્મીર ખીણની હિન્દુ વસતિને ડરાવીને ત્યાંથી ભગાડી દેવામાં આવી. હવે કાશ્મીર ખીણના પાંચેક જિલ્લામાં નરી મુસ્લિમ વસતિ જ છે. હવે મુખ્યધારામાં પ્રજાને ભેળવવા માટેના પ્રયાસો કરવાની પણ મોકળાશ રહી નથી.પ્રથમ બે કે ત્રણ દાયકા બાદ જે વાત ના સમજાઈ તે વાત હિન્દુ વસતિને ત્યાંથી ખાલી કરાવી દેવાઈ તે પછી સમજી લેવાની જરૂરી હતી. તે પણ સમજવામાં આવી નહિ. જે ઉપાય ભારતે કરવાનો હતો, તેનાથી ઉલટો હિસાબ કાશ્મીરીઓએ કરી લીધો. તેમણે હિન્દુ વસતિ જ ના રહે તેવી વ્યવસ્થા કરી નાખી. ભારતે એ કરવાનું હતું કે કાશ્મીરને ભારત સાથે રાખી શકે તેવી દેશપ્રેમી વસતિ વધે. એવી દેશપ્રેમી વસતિમાં બધી કોમના લોકોનો સમાવેશ થઈ શકે.દાખલા તરીકે ભારતે પ્રારંભથી જ નિવૃત્ત સૈનિકો સહિત દેશભરમાંથી એવા લોકોને પાકિસ્તાન સાથેની સરહદે વસાવવાની જરૂર હતી, જે સુરક્ષા દિવાલ બનીને ઊભા રહી શકે. મૂળ કાશ્મીરી વસતિને અન્યાય કરવાની આ વાત નથી. આ વાત વાસ્તવિકતા સ્વીકારીને, દેશની સરહદે સુરક્ષા દિવાલ બની શકે તેવી વસતિને ગોઠવવાની હતી. રાષ્ટ્રના હિતમાં આવા નિર્ણયો કરવા પડે. સરહદ પર એવી વસતિ હોવી જોઈએ જે યુદ્ધના સમયમાં સેનાને ઉપયોગી થાય. ખુદ લડી શકે તેવી વસતિ સરહદે હોવી જોઈએ. પોતાની જ્ઞાતિ કે કોમને ભૂલીને દેશ ખાતર ભોગ આપવાની તૈયારી હોય તેવી, નિવૃત્તિ સૈનિકો સહિતની કોઈ પણ જ્ઞાતિ, કોમ, ધર્મની વસતિને સરહદે વસાવવી જરૂરી હતી.બીજો ઉપાય એ કરવાની જરૂર હતી કે કાશ્મીરના ત્રણ ટુકડા કરી દેવામાં આવે. જમ્મુ, લડાખ અને કાશ્મીર એમ ત્રણ ટુકડા થાય. જમ્મુ રાજ્ય બને, જ્યારે કાશ્મીર અને લડાખ કેન્દ્રશાસિત પ્રદેશ બને. કાશ્મીર અને લડાખમાં સ્થાનિક વિકાસ કાર્યો માટે પ્રજાના પ્રતિનિધિઓ કામ કરે, પણ આંતરિક તથા બાહ્ય સુરક્ષા માટે જરૂરી પોલીસ અને અર્ધલશ્કરી દળો સીધા કેન્દ્રના નિયંત્રણમાં હોય. આ પ્રદેશોમાં એવી પોલીસ હોય, જેમાં દેશભરમાંથી ભરતી થયેલા લોકો હોય. તેમનું કોઈ અંગત હિત સ્થાનિક પ્રદેશ માટે ના હોય, પણ સમગ્ર રીતે દેશ સાથે જોડાયેલું હોય. દિલ્હીમાં પૂર્ણ કક્ષાનું રાજ્ય નથી આપવામાં આવતું, કેમ કે રાજધાની હોવાથી સુરક્ષાના કારણોસર પોલીસનું નિયંત્રણ કેન્દ્ર સરકાર પાસે હોય તે જરૂરી છે. સરહદી રાજ્યમાં તેની વધારે જરૂર હોય છે.કાશ્મીરને વિશેષ દરજ્જો આપવા માટે થયેલા કરારો આપણે જ કર્યા હતા અને આપણે જ રાષ્ટ્રહિત માટે તેમાં ફેરફારો કરી શકીએ છીએ. કલમ ૩૫એની ચર્ચા પણ હવે ચાલશે, કેમ કે આ કલમ હેઠળ કાશ્મીર બહારની કોઈ વ્યક્તિ કાશ્મીરમાં જમીન ખરીદી શકતી નથી. ઈશાન ભારત સહિતના આદિવાસી વિસ્તારમાં આવા કાયદા કરવા પડે, કેમ કે બહારની પ્રજા આવીને આદિવાસીઓનું શોષણ ના કરે તે જોવું પડે. ઈશાન ભારતના આદિવાસી જૂથો સાથે સમાધાન થયા પછી પડોશી દેશ સાથે મળીને ભારતના ટુકડા કરવાની પ્રવૃત્તિઓ (મહદ અંશે) બંધ થઈ ગઈ છે. કાશ્મીરમાં સ્થાનિક લોકોનું શોષણ બહારના લોકોને આવી ના કરે તે મુદ્દો નથી. મુદ્દો એ છે કે અહીંના મોટા ભાગના તત્ત્વો પડોશી દેશ મળીને ભારતના ટુકડા કરવા માગે છે. તેને અટકાવવા માટે, રાષ્ટ્રના હિત માટે અગાઉ કરેલા કરાર પણ તોડી શકાય છે. કરાર હિત માટે હોય છે, તે કરારથી અહિત થતું હોય તો તેવા કરારને તોડવા પડે. ભારતના રાજકારણીઓમાં એવું કરવાની હિંમત છે ખરી?

Related posts

બોફોર્સનાં ડાઘ રાફેલથી ધોશે કોંગ્રેસ

aapnugujarat

HINDI POEM

aapnugujarat

૫ કલાકથી વધુ સમય મોબાઈલ વાપરતા ચેતજો … સ્થૂળતા વધવાનું જોખમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1