Aapnu Gujarat
બ્લોગ

ભાજપ શું લોકસભા ચૂંટણીમાં એકલા હાથે સરકાર બનાવી લેશે….!!?

આપણે ત્યાં રાજકારણીઓ બોલવા બેસે ત્યારે ક્યારેક એવી વાતો કરી બેસતા હોય છે કે, જેના કારણે પોતે જ ફસાઈ જાય ને લોકોની નજરમાં હાસ્યાસ્પદ લાગે. રાજકારણીઓના ચાવવાના ને બતાવવાના જુદા જુદા હોય છે તેનો અહેસાસ લોકોને થઈ જતો હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સુરતમાં આગામી લોકસભાની ચૂંટણીને મુદ્દે કરેલી વાત પછી એવી જ હાલત થઈ છે. મોદીએ બુધવારે કેટલાક કાર્યક્રમો માટે સુરતમાં પધરામણી કરેલી ને એ દરમિયાન તેમણે લોકોને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ચોખ્ખી બહુમતી અપાવવા અપીલ કરી કે જેથી સરકાર સ્પષ્ટ ને આકરા નિર્ણયો લઈ શકે. મોદીએ પોતાને સ્પષ્ટ બહુમતી આપવા માટે એવું કારણ આપ્યું છે કે, ચોખ્ખી બહુમતી ના હોય એવી સરકારો સારી રીતે કામ કરી શકતી નથી તેથી ગઠબંધનની સરકારો ના હોવી જોઈએ.
મોદીની આ વાત સામે કૉંગ્રેસ તરત મેદાનમાં આવી ગઈ ને કૉંગ્રેસના ખજાનચી અહદમ પટેલે તો તરત જ ટિ્‌વટ કરી દીધું કે, મોદીને ગઠબંધન સરકારો સામે આટલો વાંધો હોય ને આ સરકારો કામ નથી કરી શકતી એવું લાગતું હોય તો મહારાષ્ટ્ર, બિહાર ને ગોવામાંથી ગઠબંધન સરકારોમાંથી ખસી કેમ જતા નથી ? મહારાષ્ટ્રમાં ભાજપનું શિવસેના સાથે જોડાણ છે ને બંને સત્તામાં ભાગીદાર છે. બિહારમાં જેડીયુના નીતીશ કુમાર મુખ્યમંત્રી છે ને ભાજપ તેમની સરકારમાં ભાગીદાર છે. ગોઆમાં તો ભાજપ સાવ ખિચડો કહેવાય એવી સરકારમાં મુખ્ય ભાગીદાર છે. ભાજપના મનોહર પર્રિકર મુખ્યમંત્રી છે ને તેમની સરકાર મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી, ગોવા ફોરવર્ડ પાર્ટી, એનસીપી ને અપક્ષો એમ ચાર-ચાર કાંખઘોડી પર ટકેલી છે. અહમદ પટેલે નામ ના આપ્યાં પણ ઉત્તર-પૂર્વનાં બીજાં કેટલાંક રાજ્યોમાં પણ ભાજપ મોરચા સરકારોમાં ભાગીદાર છે જ.
અહમદ પટેલે શરૂઆત કરી એટલે કૉંગ્રેસના બીજા નેતાઓ પણ લાગુ પડી ગયા ને મોદી વિરોધી કોરસ શરૂ થઈ ગયું. આ કોરસનો સાર એ છે કે, ત્રણ રાજ્યોની ચૂંટણીમાં મળેલી હારથી નરેન્દ્ર મોદી બઘવાઈ ગયા છે ને હાર ભાળી ગયા છે એટલે આ બધી વાતો કરવા માંડ્યા છે. કૉંગ્રેસના નેતાઓ જે વાત કરે છે એ રાજકીય વાતો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ હારી જશે એ કહેવું વધારે પડતું છે એ જોતાં મોદી હારના ડરથી આ વાતો કરી રહ્યા છે એ વાત બાજુ પર મૂકીએ પણ મોદીએ મોરચા સરકારો વિશે જે વાત કરી એ મહત્ત્વની છે તેથી તેની ચર્ચા કરવી જરૂરી છે.
મોદીના કહેવા પ્રમાણે મોરચા સરકારોના કામમાં ઝાઝી ભલીવાર નથી હોતી ને તેમાં દેશનું ભલું નથી. આપણો અત્યાર લગીની આવી ખિચડા સરકારોનો અનુભવ તેનો પુરાવો છે. મોરારજી દેસાઈ, વી.પી. સિંહ, ચંદ્રશેખર, નરસિંહરાવ, દેવ ગૌડા, ઈન્દર કુમાર ગુજરાલ, અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ એ બધા વડા પ્રધાનોએ અત્યાર લગી ખિચડા સરકારો આપી ને તેમણે શું કર્યું એ આપણી નજર સામે છે. જો કે સામે જેમની પાસે સ્પષ્ટ બહુમતી હતી એવી ઈન્દિરા ગાંધી કે રાજીવ ગાંધીની સરકારોએ પણ શું કર્યું એ પણ આપણી નજર સામે છે. મોદી સરકાર પાસે પણ સ્પષ્ટ બહુમતી હતી જ ને તેમણે પોણા પાંચ વર્ષમાં શું કર્યું એ પણ આપણી નજર સામે છે. કોઈ પોતાની માને ડાકણ ના કહે એ હિસાબે મોદી પણ પોતાની સરકારની ટીકા ના જ કરે પણ તેમનો કાર્યકાળ પણ બહુ વખાણવા જેવો નથી. મોદીએ પોણા પાંચ વર્ષમાં કરેલાં કામ કરતાં બહેતર કામ તો નરસિંહરાવે ખિચડા સરકાર હોવા છતાં પાંચ વર્ષમાં કરેલા જ. રાજીવ ગાંધી બોફોર્સ કાંડમાં ખરડાયા, બાકી તેમણે પણ પાંચ વર્ષમાં દેશની કાયાપલટ તો કરી નાંખી જ હતી ને ટેલિકોમ ક્રાંતિ સહિતનાં તેમનાં કામો આજે પણ વખાણવાં પડે એમ છે જ. એ રીતે જોઈએ તો સ્પષ્ટ બહુમતી ધરાવતી સરકારોમાં ને ગઠબંધન સરકારોમાં ઝાઝો ફરક નથી.
જો કે મુખ્ય સવાલ ગઠબંધન સરકારોને પસંદ કરવી કે ના કરવી તેનો છે ને મોદીની વાત દંભનો નાદાર નમૂનો છે. મોદી માનતા હોય કે, ગઠબંધન સરકારો સારી રીતે કામ નથી કરી શકતી તો તેમણે શું કરવા અત્યાર લગી દેશ પર ગઠબંધન સરકારો થોપી ? અહમદ પટેલે જે ત્રણ રાજ્યોની વાત કરી એ સિવાય બીજાં કેટલાંય રાજ્યોમાં ભાજપે અત્યાર લગી એવી ગઠબંધન સરકારો બનાવી જ છે કે જેમાં કઈ સિદ્ધાંત ના હોય ને માત્ર સત્તાની લાલસા જ હોય. જમ્મુ અને કાશ્મીરની પીડીપી સાથેનું ભાજપનું જોડાણ તેનો પુરાવો છે. આ ગઠબંધન સરકાર મોદીના શાસનમાં જ બની તો મોદીએ એ વખતે કેમ એવો વિચાર ના કર્યો કે, ગઠબંધન સરકારો સારી રીતે કામ નથી કરતી તો આપણે ગઠબંધન નથી કરવું ? ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં તો ભાજપે પોતાના બે ધારાસભ્યો હોય ને તોડફોડ કરીને સરકાર રચી હોય એવા પણ દાખલા છે. એ વખતે આ વિચારધારા ક્યાં ગઈ હતી ? આ બેવડાં ધોરણ કહેવાય ને મોદી તેનું જ પ્રદર્શન કરી રહ્યા છે. ભારતમાં હવે ગઠબંધન સરકારો વાસ્તવિકતા છે ને આ વાસ્તવિકતા બધાંએ સ્વીકારવી પડે. મોદી આચરણમાં એ વાત સ્વીકારી રહ્યા છે પણ વાતો કરવા બેસે ત્યારે એ દેશના હિતમાં નથી એવી હોંશિયારી મારે એ ના ચાલે.
ભાજપને ચોખ્ખી બહુમતી ના મળે એ સંજોગોમાં મોદી સરકાર રચીને બહુમતી મેળવવા માટે આલિયા માલિયાઓના પગ પકડીને ફાંફાં મારવાના બદલે સીધા વિરોધ પક્ષમાં બેસવાની હિંમત બતાવશે કે નહીં એ ખબર નથી. આ વાત પણ અત્યારે અસ્થાને કહેવાય કેમ કે બધું જો અને તો પર આધારિત છે પણ ભૂતકાળમાં રાજીવ ગાંધીએ એવી હિંમત બતાવેલી એ કબૂલવું પડે. ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં ૪૧૪ બેઠકોની જંગી બહુમતી મેળવીને વિરોધ પક્ષોને સાફ કરી નાંખનારા રાજીવ ગાંધીને ૧૯૮૯ની લોકસભા ચૂંટણીમાં બોફોર્સ કૌભાંડ નડી ગયેલું. અયોધ્યામાં રામમંદિર નિર્માણનો મુદ્દો પણ ચગેલો તેની પણ અસર થયેલી. વિશ્ર્‌વનાથ પ્રતાપસિંહે ભ્રષ્ટાચાર સામે જંગ છેડ્યો તેમાં લોકોને તેમનામાં દેશની કાયાપલટ કરવી નાંખનારો મસિહા દેખાવા માંડેલો. આ બધાં કારણોસર ૧૯૮૯ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસનું પડીકું થઈ ગયેલું ને તેને ૫૪૫ બેઠકોમાંથી ૧૯૭ બેઠકો મળેલી. એ વખતે વિશ્ર્‌વનાથ પ્રતાપસિંહના જનતા દળને ૧૪૩ ને ભાજપને ૮૫ બેઠકો મળેલી. ડાબેરી મોરચાને બધી મળીને ૫૨ બેઠકો મળેલી. બાકીની બેઠકો છૂટપૂટિયા પક્ષોને મળેલી.
કૉંગ્રેસ એ વખતે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી હતી ને પરંપરાના હિસાબે તેમને સરકાર રચવાનું નિમંત્રણ મળી શકે તેમ હતું પણ રાજીવ ગાંધીએ સરકાર રચવાનો સાફ ઈનકાર કરી દીધેલો. તેમણે બહુ સહજતાથી જનાદેશનો સ્વીકાર કરીને વિરોધ પક્ષમાં બેસવાની જાહેરાત કરેલી. કૉંગ્રેસને સ્પષ્ટ બહુમતી માટે બીજી ૭૬ બેઠકો જોઈતી હતી ને એટલી બેઠકોનો વેત થઈ શકે તેમ નહોતો. પશ્રિ્‌ચમ બંગાળમાં એ વખતે ડાબેરીઓ સત્તામાં હતા ને કૉંગ્રેસ સૌથી મોટો વિરોધ પક્ષ હતો. મમતા બેનર્જી કૉંગ્રેસમાં જ હતાં ને તેમની તૃણમૂલ કૉંગ્રેસ અસ્તિત્વમાં જ નહોતી આવી. ડાબેરીઓ ઘણે ઠેકાણે જનતા દળ સાથે સમજૂતી કરીને લડેલા એ કારણસર પણ એ કૉંગ્રેસને ટેકો આપવા તૈયાર થાય એમ નહોતા. ભાજપને તો કૉંગ્રેસ સાથે બારમો ચંદ્રમા હતો જ તેથી એ તો કૉંગ્રેસને ટેકો આપે એ વાતમાં માલ જ નહોતો.
આ સંજોગોમાં રાજીવ ગાંધી સૌથી મોટા પક્ષ તરીકે સરકાર રચે તો પણ સ્પષ્ટ બહુમતી સાબિત કરી શકે તેમ નહોતા. આ વાસ્તવિકતા તેમણે સહજ રીતે સ્વીકારી લીધેલી ને સરકાર રચવા કોઈ પ્રયત્ન નહોતા કર્યા. મજાની વાત એ છે કે, ૧૯૯૬ની લોકસભા ચૂંટણી પછી અટલ બિહારી વાજપેયી પણ રાજીવ જેવી સ્થિતિમાં જ હતા. ભાજપને એ વખતે ૧૬૨ બેઠકો મળેલી ને બહુમતી સાબિત કરવા બીજી ૧૧૧ બેઠકો જોઈતી હતી. ભાજપને ક્યાંયથી એટલી બેઠકો મળે એમ હતી જ નહીં. રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્માએ પરંપરાને અનુસરીને સૌથી મોટા પક્ષ તરીકે વાજપેયીને નિમંત્રણ આપ્યું. વાજપેયી રાજીવની જેમ વાસ્તવિકતાને સ્વીકારી ના શક્યા ને વડા પ્રધાનપદે બેસવાનો મોહ ના રોકી શક્યા તેમાં ૧૩ દિવસમાં જ તેમની સરકારનું અચ્યુતમ કેશવમ થઈ ગયેલું.
મોદીની શું હાલત થશે એ ખબર નથી કેમ કે લોકસભાની ચૂંટણીને હજુ વાર છે. આ ચૂંટણીનાં પરિણામ શું હશે તેની પણ આપણે ખબર નથી પણ ધારો કે મોદી પણ આવી સ્થિતિમાં મુકાય તો શું કરશે એ જાણવું રસપ્રદ થઈ પડે.(જી.એન.એસ)

Related posts

आम नागरिक पुलिस की विकृत मानसिकता की मजाक के लिये बने है क्या…?

aapnugujarat

ભારતમાં બાળ મૃત્યુદર સૌથી ઊંચો

aapnugujarat

રાષ્ટ્રપતિની પસંદગી સર્વસંમતિ સાથે થવી જોઈએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1