Aapnu Gujarat
બ્લોગ

રાષ્ટ્રપતિની પસંદગી સર્વસંમતિ સાથે થવી જોઈએ

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર મીરા કુમાર રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે ઉમેદવારી કરવાનાં છે. તેમને વિરોધ પક્ષોના સંયુક્ત ઉમેદવાર કહેવાં કે કેમ એ પણ એક સવાલ છે, કારણ કે વિરોધ પક્ષોમાં એકતા નથી. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દલ, ડાબેરી પક્ષો અને ઘણું કરીને માયાવતીના બહુજન સમાજ પક્ષનાં તેઓ ઉમેદવાર હશે. હજી બીજા બે-ચાર પક્ષો તેમને ટેકો આપી શકે છે, પરંતુ એનાથી તેમની ઉમેદવારી ગંભીર બનવાની નથી. ટૂંકમાં, રાષ્ટ્રપતિપદની ચૂંટણી એકપક્ષીય બની ગઈ છે જેમાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદનો વિજય નક્કી છે.રામનાથ કોવિંદ દલિત છે એટલે વિરોધ પક્ષોએ દલિત મીરા કુમારને ઊભાં રાખ્યાં છે. માયાવતીએ તો જાહેરાત પણ કરી દીધી હતી કે જો વિરોધ પક્ષોનો ઉમેદવાર દલિત નહીં હોય તો તેઓ રામનાથ કોવિંદને ટેકો આપશે. એક દલિત થઈને તેઓ દલિત ઉમેદવારનો વિરોધ ન કરી શકે. આમ મીરા કુમારને ઊભાં રાખવામાં આવ્યાં છે એનું મુખ્ય કારણ માયાવતીની બહુજન સમાજ પાર્ટીનો ટેકો મેળવવાનો છે. આ ઉપરાંત બિહારમાં નીતીશકુમાર પણ ટેકો આપશે એવી ગણતરી હતી. મીરા કુમાર બિહારનાં છે, વળી દલિત છે અને એ ઉપરાંત તેઓ કોંગ્રેસનાં છે અને કોંગ્રેસ બિહારના મહાગઠબંધનનો ઘટક પક્ષ છે. બન્યું છે એવું કે કોંગ્રેસ મીરા કુમારની ઉમેદવારી જાહેર કરે એ પહેલાં જ નીતીશકુમારે રામ નાથ કોવિંદને ટેકો જાહેર કરી દીધો હતો. તેમણે ટેકાની જાહેરાત કરી એ પહેલાં મીરા કુમારની સંભવિત ઉમેદવારીની વાત તેમના કાને પહોંચી જ હશે, પરંતુ એમ છતાં તેમણે એનડીએ સાથે જવાનું પસંદ કર્યું છે. નીતીશકુમાર પોતાનું રાજકારણ કરે છે.એમ તો ડૉ. આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરનું નામ પણ આગળ કરવામાં આવ્યું હતું, પરંતુ તેમને દલિત પક્ષોનો પણ ટેકો મળ્યો નહોતો. ઉદ્દેશ મહારાષ્ટ્રિયન ઉમેદવારને આગળ કરીને શિવસેનાને એનડીએના ઉમેદવારની વિરુદ્ધ મતદાન કરાવવાનો હતો. એટલે તો બધા વિરોધ પક્ષોએ મળીને શરદ પવારને ઉમેદવારી કરવા સમજાવ્યા હતા. એક તો શરદ પવાર પીઢ નેતા છે અને બીજું શિવસેનાનો તેમને ટેકો મળે એમ હતું. શિવસેનાએ પવાર જો ઊભા રહે તો ટેકો જાહેર પણ કર્યો હતો. પવારે અનીચ્છા બતાવ્યા પછી પ્રકાશ આંબેડકરનું નામ આવ્યું હતું. પ્રકાશ આંબેડકર મહારાષ્ટ્રના દલિતોમાં પણ બહુ સ્વીકાર્ય નથી તો દેશમાં તેમને સ્વીકાર્ય બનાવવા એ તો ઘણી દૂરની વાત છે.એમાં કોઈ શંકા નથી કે રામનાથ કોવિંદની તુલનામાં મીરા કુમાર વધારે લાયક ઉમેદવાર છે, તેઓ દિગ્ગજ દલિત નેતા જગજીવનરામનાં પુત્રી છે એ તેમની એકમાત્ર લાયકાત નથી. મીરા કુમાર ઇન્ડિયન ફૉરેન સર્વિસના અધિકારી હતાં. તેમણે ભારત સરકારના વિદેશ ખાતામાં કામ કર્યું છે અને એ પછી તેઓ કેન્દ્રીય પ્રધાન અને લોકસભાનાં સ્પીકર હતાં. લોકસભાનાં સ્પીકર તરીકેની તેમની કામગીરી અત્યંત તેજસ્વી નહોતી તો વર્તમાન સ્પીકર સુમિત્રા મહાજન જેવી કંગાળ પણ નહોતી. ખરું જોતાં મીરા કુમારને ત્યારે રાષ્ટ્રપતિ બનાવવા જોઈતાં હતાં જ્યારે કોંગ્રેસે પ્રતિભા પાટીલને રાષ્ટ્રપતિ બનાવ્યાં હતાં. દેશને પૂતળાની જગ્યાએ એક સારાં દલિત અને મહિલા રાષ્ટ્રપતિ મળી શક્યાં હોત. એ સમયે દલિત સમાજમાંથી પસંદ કરવામાં આવેલા રાષ્ટ્રપતિ કે. આર. નારાયણન હજી પાંચ વરસ પહેલાં નિવૃત્ત થયા હતા અને મીરા કુમારનો હજી રાજકીય ખપ હશે એટલે તેમને ત્યારે રાષ્ટ્રપતિ બનાવવામાં નહોતાં આવ્યાં.હવે જે ચૂંટણી યોજાવાની છે એ માત્ર દેખાવ પૂરતી ઔપચારિક છે. આવી ઔપચારિક ચૂંટણી લડવાની કોઈ જરૂર નહોતી. ખરું જોતાં રાષ્ટ્રપતિપદ માટે બને ત્યાં સુધી ચૂંટણી જ ન થવી જોઈએ. રાષ્ટ્રપતિ અને સ્પીકર એ બે એવા હોદ્દા છે જે માટે સવર્સંામતિ બનવી જોઈએ. જોકે બીજેપીએ જ રાષ્ટ્રપતિપદ માટે સવર્સંમતિ બને એ માટે ઈમાનદારીપૂર્વકના પ્રયત્નો નહોતા કર્યા. ગૃહપ્રધાન રાજનાથ સિંહ અને સંસદીય બાબતોના પ્રધાન વેન્કૈયા નાયડુ વિરોધ પક્ષના નેતાઓને મળવા ગયા હતા, પરંતુ તેમણે કોઈ ઉમેદવારનું નામ નહોતું આપ્યું. સંઘપરિવાર સંઘમાં તૈયાર થયેલા કોઈ માણસને રાષ્ટ્રપતિ બનાવવા માગતો હતો અને તેઓ જાણતા હતા કે તેમના મનમાં જે નામ છે એ સ્વીકાર્ય બનવાનું નથી. આખી રમત વિરોધ પક્ષો વહેલાસર પોતાનો ઉમેદવાર જાહેર ન કરી શકે એવી હતી. સરકારને એમાં સફળતા મળી છે અને વિરોધ પક્ષો છેતરાઈ ગયા છે. હવે મીરા કુમાર પ્રતીકાત્મક લડત આપવા સિવાય કાંઈ કરી શકવાનાં નથી. ભૂતકાળમાં કૉન્ગ્રેસનો સૂરજ મધ્યાહ્ને હતો ત્યારે બીજેપી અને બીજા વિરોધ પક્ષો પણ દેખાવ પૂરતી ચૂંટણી લડતા હતા જેનો કોઈ અર્થ નહોતો. ભૂતકાળમાં કોણ-કોણ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી ચૂક્યું છે એમનાં નામ પણ શોધવાં પડે એવી એ ચૂંટણીઓ હતી. આવો ખોટો દેખાવ બંધ થવો જોઈએ.રામનાથ કોવિંદ ભારતના રાષ્ટ્રપતિ બની રહ્યા છે એ અફર હકીકત છે અને વિરોધ પક્ષો સહિત દેશે એનો સ્વીકાર કરી લેવો જોઈએ.એમાં કોઈ શંકા નથી કે રામનાથ કોવિંદની તુલનામાં મીરા કુમાર વધારે લાયક ઉમેદવાર છે. તેઓ દલિત નેતા જગજીવનરામનાં પુત્રી છે એ તેમની એકમાત્ર લાયકાત નથી. મીરા કુમાર ઇન્ડિયન ફૉરેન સર્વિસના અધિકારી હતાં. તેમણે વિદેશ ખાતામાં કામ કર્યું છે અને એ પછી તેઓ કેન્દ્રીય પ્રધાન અને સ્પીકર હતાં. લોકસભાનાં સ્પીકર તરીકેની કામગીરી વર્તમાન સ્પીકર સુમિત્રા મહાજન જેવી કંગાળ પણ નહોતી.

Related posts

MORNING TWEET

aapnugujarat

आम नागरिक पुलिस की विकृत मानसिकता की मजाक के लिये बने है क्या…?

aapnugujarat

વિશ્વ વિભૂતિ બાબા સાહેબ આંબેડકર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1