Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

લોકરક્ષક દળની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

ગુજરાતમાં લોકરક્ષક દળ(લોકરક્ષક દળ)ના પેપર લીક કૌભાંડ બાદ આજે રાજયભરમાં ફરીથી લેવાયેલી લોકરક્ષક દળની પરીક્ષામાં ૭.૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કુલ ઉમેદવાર ૮.૭૬ લાખ ઉમેદવારોને પોલીસ સત્તાધીશો દ્વારા કોલ લેટર ઇશ્યુ કરવામાં આવ્યા હતા. જે પૈકી ૭.૧૫ લાખથી વધુ ઉમેદવારો આજે પરીક્ષામાં બેઠા હતા. લોખંડી સુરક્ષા કવચ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લોકરક્ષક દળની આજની પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. જેને પગલે લોકરક્ષક દળ ભરતી બોર્ડ અને ઉચ્ચ પોલીસ સત્તાધીશોએ પણ રાહતનો દમ લીધો હતો. બીજીબાજુ, લોકરક્ષક દળની પરીક્ષાના પેપર સહેજ અઘરું નીકળ્યું હતું અને કેટલાક ઉમેદવારોને પેપર પૂર્ણ કરવા માટે સમય ઓછો પડયો હોવાની વાત પણ સામે આવી હતી. જો કે, ઉમેદવારોએ પરીક્ષા એકંદરે સારી રહી હોવાનું જણાવ્યું હતું. લોકરક્ષક દળની આજની પરીક્ષાના પ્રશ્નપત્રમાં તાર્કિક, કાયદાકિય અને જનરલના નોલેજના પ્રશ્નો પુછાયા હતા. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઊંચાઈ તેમજ ગુજરાતના ડેમ અને અભ્યારણ્યની સાથે સોમનાથ મંદિરના સંદર્ભમાં પણ પ્રશ્ન પુછાયા હતા. સમગ્ર પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઓને ખાસ ટ્રીકથી પ્રશ્ન પુછાતા ઘણા પરીક્ષાર્થીઓ તેમાં ગુચવાયા હોવાનું સામે આવ્યું હતું. પરીક્ષા આપેલા એક ઉમેદવારને પુછતા તેણે જણાવ્યું હતું કે કોન્સ્ટેબલની પરીક્ષામાં આ પ્રકારના પહેલી વખત જોવા મળે છે. જે ટ્રીકથી પ્રશ્ન પુછાયા છે તેના કારણે ઘણા વિદ્યાર્થી પુરા પ્રશ્નનો જવાબ આપી શક્યા ન હતા. પરીક્ષા પૂર્ણ થયા બાદ લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયે જણાવ્યું હતું કે, એલઆરડીની આજની પરીક્ષામાં બેસનારા દરેક ઉમેદવારોને અભિનંદન, જૂની ઘટના ભૂલી મહેનત કરી પરીક્ષા આપી તે બદલ હું તમામ ઉમેદવારોનો આભાર માનું છુ અને તેઓને અભિનંદન પાઠવું છું. પેપર બદલ ઉમેદવારોમાંપણ હકારાત્મક વલણ જોવા મળ્યા તે આનંદની વાત છે. ગુજરાત પોલીસ અને એસટી નિગમ સહિત લોકોના સહકાર સાથે આ એક્ઝામ લેવામાં આવી છે. શિક્ષણ વિભાગના અધિકારીઓનો પણ મહત્વનો ફાળો રહ્યો. આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કુલ મળી ૭.૧૫ લાખથી વધુ લોકોએ પરીક્ષા આપી હતી. આજે લેવાયેલી પરીક્ષામાં કુલ ૮.૭૬ લાખ ઉમેદવારોને કોલ લેટર ઇસ્યુ કરાયા હતા. પોલીસ બંદોબસ્તની વાત કે સ્ટ્રોંગ રૂમની સિક્યોરિટી કે જવાબદારી પરીક્ષા સેન્ટરની બધું જ પરફેક્ટ હતું. જો કે, આકસ્મિક ઘટના બને તો શું કરવું તે પણ તૈયારી કરી હતી અને એક એસઓપી બનાવી હતી. એકાદ બે જગ્યાએ મોબાઈલ સાથે ઉમેદવારો પકડાયા હતા સ્થળ પરથી જ પકડયા છે. ૫૨૫ સેન્ટરમાં જૂની એટેન્ડન્સ સીટ હતી તેમાં ગમે તેમ સહી થઈ હતી તે બદલી નવી એટેન્ડન્સ શીટ આપી હતી. અમુક જગ્યાઓએ જૂની શીટ વાપરી અમુક જગ્યાએ નવી શીટ મોકલાવવી પડી હતી. કેટલાક ઉમેદવારોએ પેપર અઘરું હોવા બાબતે લાગણી વ્યકત કરી છે તે મામલે હું કશું કહી ના શકુ. પરંતુ આજની એલઆરડી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ તે આનંદની વાત છે.

Related posts

તા.૩૧મી મે એ વઘરાલી ગામે સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો સમાપન સમારોહ યોજાશે

aapnugujarat

૧૦ પરિબળ શેરબજારની દિશા નક્કી કરશે

aapnugujarat

ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો, ચિત્રકારો તથા યુવા ઉદ્યોગ સાહસિકો ભાજપામાં જોડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1