Aapnu Gujarat
ગુજરાત

પીએસઆઇ દેવેન્દ્રસિંહ આપઘાત કેસ : DYSP પટેલની કોઇપણ સમયે ધરપકડના ભણકારા

પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં પોતાની વિરૂધ્ધ ગંભીર ફરિયાદ દાખલ થતાંની સાથે જ ડીવાયએસપી એન.પી.પટેલ ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં ઊતરી ગયા છે, ત્યારે બીજીબાજુ, શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ આજે મૃતક પીએસઆઇ રાઠોડે ગાંધીનગર પાસે કરાઇ ખાતે જયાં તાલીમ લઇ રહ્યા હતા ત્યાંના અધિકારીઓ અને કર્મચારીઓના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી હતી. જો કે, ફરિયાદ નોંધાયાને બે દિવસ વીત્યા બાદ પણ હજુ સુધી આરોપી ડીવાયએસપી એન.પી.પટેલ ક્રાઇમબ્રાંચના હાથ લાગ્યા નથી. જો કે, ક્રાઇમબ્રાંચના અધિકારીઓ ગમે તે ઘડીયે ડીવાયએસપીને સકંજામાં લઇ લેવાશે તેવો દાવો કરી રહી છે. તા.૧ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ગોલ્ડ મેડલિસ્ટ પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડે કરાઈ એકેડમીના તાલીમાર્થી ઇન્ચાર્જ ડીવાયએસપી એન.પી. પટેલના ત્રાસથી આપધાત કર્યો હતો. આ મામલે શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ આજે ગાંધીનગર સ્થિત કરાઇ એકેડમી ખાતે પહોંચ્યા હતા અને જરૂરી નિવેદનો અને તપાસની ઔપચારિકતા હાથ ધરી હતી. પોલીસે મૃતક પીએસઆઈના સહકર્મીઓ, લેક્ચરર અને સ્ટાફ મેમ્બર્સના નિવેદન લેવાની પણ તજવીજ હાથ ધરી હતી. ગઇકાલે ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ મૃતક પીએસઆઇના નિવાસસ્થાને પહોંચી તેમના પરિવારજનોના સત્તાવાર નિવેદનો નોંધ્યા હતા. તો આ કેસમાં કેટલાક નવા ઘટસ્ફોટ સામે આવ્યા હતા. જે મુજબ, દેવન્દ્રસિંહ અને ડીવાયએસપી એન.પી.પટેલ વચ્ચે યુનિફોર્મ સીવડાવવાને લઇ બબાલ થઇ હતી. ડીવાયએસપી એન.પી.પટેલે પીએસઆઇ દેવેન્દ્રસિંહને નાપાસ કરવાની ધમકી આપી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, પાસીંગ આઉટ પરેડમાં દેવેન્દ્રસિંહનું લીસ્ટમાં નામ હતું નહીં, જેથી તેને નાપાસ કરવામાં આવ્યો હતો. દેવેન્દ્રના આપઘાત બાદ તેણે લખેલ આન્સરશીટમાં ચેડાં કરવામાં આવ્યાં હોવાના આક્ષેપ પણ તેમણે કર્યા હતા અને પાછળથી તેને પાસ કરી દેવામાં આવ્યો હતો. આ ગંભીર આક્ષેપોને લઇ પોલીસે હવે તે દિશામાં પણ તપાસ આરંભી છે. તો પોલીસ હજુ આ પ્રકરણના આરોપી ડીવાયએસપી એન.પી.પટેલ સુધી પહોંચી શકી ન હતી. મૃતક પીએસઆઇના પરિવારજનોના નવા આક્ષેપો બાદ ક્રાઇમ બ્રાંચે તેની આન્સરશીટ અને સ્યુસાઇડ નોટને એફએસએલમાં મોકલી આપી છે. જેના રિપોર્ટની પણ રાહ જોવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, શહેરના આર.સી ટેકનિકલ પાસેના નિર્માણ ટાવર નજીકના રાજયોગ રોહાઉસમાં રહેતા અને કરાઈ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહેલા પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડે ગયા સોમવારે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. પીએસઆઇએ આત્મહત્યા કરતાં પહેલાં ત્રણ પાનાંની સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં કરાઇ એકેડમીના ડીવાયએસપી એન.પી.પટેલે આપેલા શારીરિક અને માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહી, ડીવાયએસપી એન.પી. પટેલને નોકરીમાંથી કાયમ માટે બરતરફ કરીને આજીવન કેદ કરવામાં આવે તેમ પીએસઆઇ દેવેન્દ્રસિંહે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું. પરિવારજનોની ઉગ્ર લડત બાદ આખરે પોલીસ કમિશનર અને રાજયના ડીજીપીના નિર્દેશોને પગલે આખરે શહેર ક્રાઇમબ્રાંચને તપાસ સોંપી ડીવાયએસપી એન.પી.પટેલ વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રરેણાનો તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા અંગે માંગણી કરવા બદલ ગુનો દાખલ કરાયો હતો. પોતાની વિરૂધ્ધ ફરિયાદ દાખલ થતાં ધરપકડથી બચવા ડીવાયએસપી એન.પી.પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેમને શોધવા ક્રાઇમબ્રાંચ સંભવિત સ્થાનોએ તપાસ ચલાવી રહી છે પરંતુ હજુ સુધી તેમની કોઇ ભાળ મળી નથી. પોલીસ દાવો કરી રહી છે કે, તેઓ ટૂંક સમયમાં જ ડીવાયએસપીને પકડી લેશે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

‘વરરાજા વગરની જાન’માં મહેન્દ્રસિંહનો સ્ટંટ-બાપુ માની ગયા..!?

aapnugujarat

સુરેન્દ્રનગર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી

editor

રવિવારે સમગ્ર પરગણા વણકર સમાજ દ્વારા પ્રથમ જીવનસાથી પસંદગી સંમેલન મહેસાણા ખાતે યોજાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1