Aapnu Gujarat
બ્લોગ

સ્પોર્ટર : બાય બાય ૨૦૧૮ – વેલકમ ૨૦૧૯

વિરાટ સતત બીજા વર્ષે કમાણીમાં મોખરે
ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલાં ટોપ ભારતીય રિચેસ્ટ સ્પોટ્‌ર્સ પર્સનનું લિસ્ટ જાહેર કર્યું હતું જેમાં કોહલી પ્રથમ સ્થાને છે. વિરાટ કોહલીએ વર્ષ ૨૦૧૭માં ૧૦૦.૭૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી પરંતુ આ વર્ષે તેની કમાણી ડબલથી પણ વધી ગઈ હતી. ફોર્બ્સ મુજબ વિરાટ કોહલીએ આ વર્ષે ૨૨૮.૦૯ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કોહલીએ સતત બીજી વખત ટોચનું સ્થાન મેળવ્યું હતું. ગત વર્ષે પણ વિરાટ પ્રથમ સ્થાને રહ્યો હતો. વિરાટ બાદ આ લિસ્ટમાં ધોની આવે છે તેણે ૧૦૧.૭૭ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ લિસ્ટમાં પ્રથમ વાર બુમરાહ અને મનીષ પાંડેએ પણ સ્થાન બનાવ્યું હતું. બુમરાહે ૨૦૧૮માં ૧૬.૪૨ કરોડ અને મનીષ પાંડેએ ૧૩.૦૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
વિરાટ ટોપ ૧૦૦ હાઈએસ્ટ પેડ એથ્લીટમાં સામેલ થયો
વિરાટ કોહલી ફોર્બ્સના ટોપ-૧૦૦ હાઈએસ્ટ પેડ એથ્લીટ્‌સમાં સામેલ થઈ ગયો છે. વિરાટ કોહલીએ છેલ્લા ૧૨ મહિનામાં એડવર્ટાઇઝિંગથી ૨.૪ કરોડ ડોલરની કમાણી કરી છે જેને કારણે તે આ લિસ્ટમાં ૮૩મા ક્રમે આવી ગયો છે. વિરાટ કોહલી વિશ્વનો એક માત્ર ક્રિકેટર છે જે આ લિસ્ટમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. આ લિસ્ટમાં સૌથી ઉપર અમેરિકાનો યુએફસી બોક્સર ફ્લોયડ મેવેદર છે. બીજા નંબરે લિયોનેલ મેસ્સી છે. ત્રીજા સ્થાને પોર્ટુગલનો રોનાલ્ડો છે.
વિરાટ કોહલી : ૨૨૮ કરોડ
મહેન્દ્રસિંહ ધોની : ૧૦૧ કરોડ
સચિન તેંડુલકર : ૮૦ કરોડ
પી.વી.સિંધુ : ૩૬ કરોડ
રોહિત : ૩૧ કરોડ
હાર્દિક : ૨૮ કરોડ
અશ્વિન : ૧૯ કરોડ
ભુવનેશ્વર : ૧૭ કરોડ
રૈના : ૧૭ કરોડ
સાઈના : ૧૬ કરોડ
ડી વિલિયર્સ અને કૂક : ક્રિકેટના એક યુગનો અંત
ક્રિકેટમાં જેઓએ પોતાની એક આગવી ઓળખ બનાવી હતી તેઓનો તે અંદાજ જોવા નહીં મળે જેના માટે ક્રિકેટપ્રેમીઓ દીવાના હતા. આ વખતે નિવૃત્તિ લેનારા ખેલાડીઓમાં કોઈએ પોતાની ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી હતી તો કોઈએ દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઘણો પ્રેમ મેળવ્યો હતો.
એબી ડી વિલિયર્સ (સા.આફ્રિકા) : ૩૬૦ ડિગ્રી બેટ્‌સમેન તરીકે જાણીતા સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્‌સમેન એબી ડી વિલિયર્સે આ વર્ષ આઈપીએલ બાદ અચાનક ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. ૧૪ વર્ષની કારકિર્દીમાં પોતાની બેટિંગથી ક્રિકેટવિશ્વમાં પોતાની એક અલગ ઓળખ બનાવનાર એબી ડી વિલિયર્સે અચાનક નિવૃત્તિ જાહેર કરી સૌને ચોંકાવી દીધા હતા જોકે, ડી વિલિયર્સે આંતરરાષ્ટ્રીય સ્તરે નિવૃત્તિ જાહેર કરી હતી પરંતુ તેનાં બેટ દ્વારા વિવિધ દેશોમાં રમાતી લીગમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળશે. તે આઈપીએલમાં આરસીબી સાથે જોડાયેલો છે.
એલેસ્ટર કૂક (ઇંગ્લેન્ડ) : ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર પૂર્વ કેપ્ટન એલેસ્ટર કૂકે ૩૩ વર્ષની વયે ગત સપ્ટેમ્બરમાં ભારત સામેની ટેસ્ટ મેચ બાદ નિવૃત્તિ જાહેર કરતાં ઇંગ્લેન્ડના એક ક્રિકેટ યુગનો અંત આવ્યો હતો. કૂકે ઇંગ્લેન્ડ તરફથી ૧૬૧ ટેસ્ટ મેચમાં ૧૨,૪૭૨ રન બનાવ્યા હતા. કૂકે ઇંગ્લેન્ડ તરફથી રેકોર્ડ ૫૯ ટેસ્ટ મેચમાં કેપ્ટનશિપ કરી હતી જે પૈકી ૨૪ ટેસ્ટમાં ટીમને જીત અપાવી હતી. કૂકે આ ઉપરાંત સતત ૧૫૯ ટેસ્ટ મેચ રમી સતત સૌથી વધુ ટેસ્ટ મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલેન બોર્ડરના ૧૫૩ ટેસ્ટ મેચના રેકોર્ડને તોડયો હતો.
મેરિકોમે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં છઠ્ઠી વખત ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો
બોક્સિંગ ક્વીન તરીકે જાણીતી મેરિકોમે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ગોલ્ડન પંચ લગાવી દીધો હતો. નવી દિલ્હીનાં ઇંદિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલી મેચમાં મેરીએ ૪૮ કિલોની કેટેગરીમાં યુક્રેઇનની હન્ના ઓખોટાને ૫-૦થી પરાજય આપ્યો હતો. આ વિજય સાથે જ મેગ્નિફિશન્ટ મેરી તરીકે પણ ઓળખાતી મેરિકોમ વર્લ્ડ ચેમ્પિયનશિપ (મહિલા અને પુરુષ)માં સૌથી વધુ ટાઈટલ જીતનારી બોક્સર બની છે. તેણે છ ગોલ્ડ અને એક સિલ્વર સાથે ક્યૂબાના ફેલિક્સ સેવોન(૯૧ કિલો કેટેગરી)ની બરોબરી કરી લીધી છે. ફેલિક્સે ૧૯૮૬થી ૧૯૯૯ સુધીમાં ૬ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ જીત્યા હતા.
કોમનવેલ્થમાં પણ મેરિકોમનો ગોલ્ડન પંચ
એપ્રિલમાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડકોસ્ટ ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પણ મેરિકોમે પોતાની પ્રતિભા મુજબ પ્રદર્શન કરતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વાર ૪૫-૪૮ કિ. ગ્રા. વજન વર્ગ કેટેગરીને સામેલ કરાઈ હતી, જેમાં મેરીકોમે ફાઇનલમાં નોર્ધન આયરલેન્ડની ક્રિસ્ટિના ઓહારાને ૫-૦થી પરાજય આપ્યો હતો. મેરિકોમનો કોમનવેલ્થ ગેમ્સમાં આ પ્રથમ ગોલ્ડ મેડલ હતો.
પદાર્પણ ચેમ્પિ.માં સોનિયાને સિલ્વર
મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડી સોનિયા ચહલને ૫૭ કિલોની કેટેગરીમાં પરાજયનો સામનો કરવો પડયો હતો. દિલ્હી ખાતે રમાયેલી ફાઇનલમાં તેનો જર્મનીની ઓર્નેલા સામે ૧-૪થી પરાજય થયો હતો. મહત્ત્વની વાત એ છે કે, આ કેટેગરીમાં ડેબ્યૂ કરનારી સોનિયાએ દેશ માટે સિલ્વર જીત્યો હતો. સોનિયાના પરાજય સાથે જ આ ટૂર્નામેન્ટમાં ભારતીય દાવેદારીનો અંત આવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારતને એક ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મળ્યા હતા.
વિન્ટર ઓલિમ્પિકમાં ભારત ફરી ખાલી હાથ
વર્ષ ૧૯૨૪થી શરૂ થયેલી અને દર ચાર વર્ષે યોજાતી વિન્ટર ઓલિમ્પિકમાં ભારતે ૧૯૬૪થી ભાગ લેવાનું શરૂ કર્યું હતું ત્યારથી ૧૦ વખત વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ લીધો છે પરંતુ દરેક વખતે ભારતને નિરાશા હાથ લાગી છે. ભારત વિન્ટર ઓલિમ્પિકમાં હજુ સુધી એકેય મેડલ જીતી શક્યું નથી. આ વર્ષે સાઉથ કોરિયાના પ્યોંગચોંગ ખાતે વિન્ટર ઓલિમ્પિક યોજાઈ હતી જેમાં ક્રોસ કન્ટ્રી સ્કીઇંગ અને લ્યૂઝમાં ભારતના બે ખેલાડીએ ભાગ લીધો હતો. ક્રોસ કન્ટ્રી સ્કીઇંગમાં જગદીશસિંહ મેન્સ ૧૫ કિ. મી. ફ્રી સ્ટાઇલમાં ૧૦૩ ક્રમે રહ્યો હતો જ્યારે લ્યૂઝમાં કેશવન ૩૪મા સ્થાને રહેતાં મેડલ જીતી શક્યો નહોતો.
ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ માટે આ વર્ષ ઘણું અઘરું રહ્યું
ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ માટે આ વર્ષ ઘણું અઘરું રહ્યું હતું. આ વર્ષે બેડમિન્ટનની ઘણી મેજર ટૂર્નામેન્ટ હતી જેને કારણે ખેલાડીઓને આરામ કરવાનો અને ખેલાડીઓને એક ટૂર્નામેન્ટથી બીજી ટૂર્નામેન્ટ અંગે વિચારવાનો પણ પૂરતો સમય નહોતો મળ્યો. આ વખતે કોમનવેલ્થ ગેમ્સના ૫-૧૦ દિવસ બાદ એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. તેના બે મહિના બાદ એશિયન ગેમ્સ યોજાઈ હતી અને તે પછી વર્લ્ડ ચેમ્પિયનશિપ તથા સુપર સિરીઝ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેને કારણે ખેલાડીઓ માટે ઘણી મુશ્કેલીઓ સર્જાઈ હતી, તેમ છતાં ભારતીય ખેલાડીઓએ ઘણી સારી રમત દર્શાવી હતી.
ખાસ કરીને સાઇના અને સિંધુએ સતત સારો દેખાવ કર્યો હતો. સાઇનાએ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને સિંધુએ સિલ્વર જીત્યો હતો જ્યારે ટીમ ઇવેન્ટમાં પણ ભારતને ગોલ્ડ મેડલ મળ્યો હતો. એશિયન ગેમ્સમાં સિંધુએ ફરી ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું પરંતુ તે ગોલ્ડ મેડલ જીતવાનું ચૂકી હતી.
કિદાંબી શ્રીકાંતનું પ્રદર્શન આ વર્ષે નિરાશાજનક રહ્યું
કિદાંબી શ્રીકાંતનું પ્રદર્શન આ વર્ષે ઘણું અસરકારક નહોતું રહ્યું, તેણે આ વર્ષે નવ વિવિધ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો જે પૈકી તે માત્ર કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષ સિંગલ્સની ફાઇનલમાં પહોંચી શક્યો હતો, તેમાં પણ તેનો પરાજય થતાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. તે સિવાય તે બે ટૂર્નામેન્ટમાં સેમિફાઇનલમાં અને છ ટૂર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં બહાર થઈ ગયો હતો. ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ અને ઈન્ડિયા ઓપનમાં તે બીજા રાઉન્ડથી આગળ વધી શક્યો નહોતો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તે ત્રીજા રાઉન્ડથી આગળ વધી શક્યો નહોતો.
ભારતીય બેડમિન્ટન ખેલાડી સમીરે ત્રણ ટાઇટલ જીત્યાં
યુવા ભારતીય બેડમિન્ટન ખેલાડી સમીર વર્માએ આ વર્ષે પોતાની છાપ છોડતાં ત્રણ ટાઇટલ જીત્યાં હતાં. તેણે સૌથી પહેલાં સ્વિસ ઓપનમાં ધમાકો કરતાં ટાઇટલ જીત્યું હતું. તે પછી સપ્ટેમ્બરમાં હૈદરાબાદ ઓપન અને સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પણ શાનદાર પ્રદર્શન કરતાં ટાઇટલ જીત્યું હતું. તે વર્લ્ડ ટૂર ફાઇનલ્સની સેમિમાં પણ પહોંચ્યો હતો.
એશિયા કપમાં ટીમ ઈન્ડિયા સાતમી વાર ચેમ્પિયન
ભારતીય ક્રિકેટ ટીમ માટે ૨૦૧૮નું વર્ષ ઘણું સારું રહ્યું હતું. ભારતીય ટીમે આ વર્ષે વન-ડે સિરીઝમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું જ્યારે ટેસ્ટમાં આ વર્ષે ચાર ટેસ્ટ સિરીઝ રમી હતી જે પૈકી સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં હારનો સામનો કરવો પડયો હતો જ્યારે ભારતની ધરતી પર અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝને પરાજય આપ્યો હતો. ભારતીય ટીમ અત્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે ત્યાં ભારતે ચાર મેચની સિરીઝ પૈકી પ્રથમ ટેસ્ટ જીતી હતી અને બીજી ટેસ્ટમાં હાર મળી હતી. ટી-૨૦ ક્રિકેટમાં પણ ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો. ભારતે આ વર્ષે છ ટી-૨૦ સિરીઝ રમી છે જે પૈકી ઓસ્ટ્રેલિયા સામે ૧-૧થી ડ્રો થઈ હતી જ્યારે સાઉથ આફ્રિકા, આયરલેન્ડ, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ સામે શ્રેણી જીતી હતી. આ ઉપરાંત શ્રીલંકામાં યોજાયેલી ત્રિકોણીય સિરીઝમાં પણ ભારત ચેમ્પિયન બન્યું હતું. ભારતીય ટીમે આ વર્ષે સૌથી મોટું ટાઇટલ એશિયા કપમાં મેળવ્યું હતું. સપ્ટેમ્બરમાં યોજાયેલા એશિયા કપમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને ફાઇનલમાં ત્રણ વિકેટે હરાવી સાતમી વખત ટાઇટલ જીત્યું હતું. ભારતે આ પહેલાં ૧૯૮૪, ૧૯૮૮, ૧૯૯૦-૯૧, ૧૯૯૫, ૨૦૧૦ અને ૨૦૧૬માં એશિયા કપ જીત્યો હતો.ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ગત ઓક્ટોબરમાં યોજાયેલી વન-ડે સિરીઝ દરમિયાન બીજી વન-ડે મેચ રમવાની સાથે આ ફોર્મેટમાં ૯૫૦ વન-ડે રમવાની સિદ્ધિ મેળવી હતી. ભારતે ૯૫૩, ઓસ્ટ્રેલિયાએ ૯૧૯ અને પાકિસ્તાને ૯૦૨ વન-ડે રમી છે.
કોહલી માટે ૨૦૧૮નું વર્ષ ફળદાયી નિવડયું, કેપ્ટન તરીકે પણ ખિલ્યો
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી માટે વર્ષ ૨૦૧૮ પણ ફળદાયી નિવડયું હતું. તેણે આ વર્ષે પણ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતાં રેકોર્ડની વણઝાર સર્જી હતી. કોહલીએ સૌથી મોટી સિદ્ધિ મેળવતાં વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૦ હજાર રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. કોહલીએ પોતાની ૨૧૩મી મેચની ૨૦૫મી ઇનિંગમાં ૧૦ હજાર રન પૂર્ણ કરી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડયો હતો. સચિન તેંડુલકરે ૨૬૬ મેચની ૨૫૯ ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલીને બીજી વન-ડે અગાઉ વન-ડે ક્રિકેટમાં ૧૦ હજાર રન પૂર્ણ કરવા માટે ૮૧ રનની જરૂર હતી. કોહલી પ્રથમ વન-ડેમાં આક્રમક બેટિંગ કરી રહ્યો હતો પરંતુ તેણે બીજી મેચમાં ધૈર્યપૂર્વક બેટિંગ કરી ૮૧ રન પૂર્ણ કરતાં ૧૦ હજાર રન પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી હતી. કોહલી ભારત તરફથી ૧૦ હજાર રન બનાવનાર પાંચમો અને વિશ્વનો ૧૩મો બેટ્‌સમેન બન્યો હતો. આ લિસ્ટમાં ભારતના પાંચ સિવાય શ્રીલંકાના ચાર જ્યારે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝના ૧-૧ બેટ્‌સમેન સામેલ છે. કોહલીએ કેપ્ટન તરીકે ભારતની ધરતી પર સિદ્ધિઓ મેળવી હતી પરંતુ સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડના પ્રવાસમાં ટેસ્ટક્રિકેટમાં ફરી એક વખત હાર મળી હતી.
ઘરેલુ મેદાન પર વિરાટ કોહલીનો મોટો ધમાકો, ડી વિલિયર્સને પાછળ છોડયો
વિરાટ કોહલીએ ૧૫૪* રનની ઇનિંગ દરમિયાન ભારતની ધરતી પર સૌથી ઝડપી ૪,૦૦૦ વન-ડે રન પૂર્ણ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે પોતાની શતકીય ઇનિંગ દરમિયાન ૩૦ રન બનાવતાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. કોહલીએ ભારતમાં રમતાં ૭૮ ઇનિંગમાં જ ચાર હજાર રન પૂર્ણ કર્યા હતા. કોઈ એક દેશમાં સૌથી ઓછી ઇનિંગમાં ચાર હજાર રન પૂર્ણ કરવાના એબી ડી વિલિયર્સના રેકોર્ડને તોડયો હતો. જેણે સાઉથ આફ્રિકામાં ૯૧ ઇનિંગમાં ચાર હજાર રન પૂર્ણ કર્યા હતા. આ લિસ્ટમાં ત્રીજા સ્થાને સચિન તેંડુલકર છે તેણે ૯૨ ઇનિંગમાં , ધોનીએ ૧૦૦ ઇનિંગમાં, ડીન જોન્સે ઓસ્ટ્રેલિયામાં ૧૦૩ ઇનિંગમાં અને રિકી પોન્ટિંગ ૧૦૭ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ધરતી આ સિદ્ધિ મેળવી હતી.
વિરાટ કોહલીનાં પદાર્પણ બાદ સૌથી ઓછા સમયમાં ૧૦ હજાર રન
કોહલીએ પદાર્પણ બાદ સૌથી ઓછા સમયમાં ૧૦ હજાર રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલાં પદાર્પણ બાદ સૌથી ઓછા સમયમાં ૧૦ હજાર રન બનાવવાનો રેકોર્ડ દ્રવિડનાં નામે હતો. દ્રવિડે પદાર્પણનાં ૧૦ વર્ષ ૩૧૭ દિવસની વયે ૧૦ હજાર રન પૂર્ણ કર્યા હતા. વિરાટ કોહલીએ પદાર્પણ બાદ ૧૦ વર્ષ અને ૬૭ દિવસમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. આ મામલે શ્રીલંકાના તિલકરત્ને દિલશાનનો રેકોર્ડ ખરાબ છે. દિલશાને ૨૯૩મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.
મહિલા ટી-૨૦ વર્લ્ડ : ઇંગ્લેન્ડને હરાવી ઓસ્ટ્રેલિયા ચોથી વખત ચેમ્પિયન
એશ્લે ગાર્ડનરના ઓલરાઉન્ડ દેખાવની મદદથી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને આઠ વિકેટે કારમો પરાજય આપી ઓસ્ટ્રેલિયાની ટીમ ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયન બની હતી. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ઇંગ્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયન બોલિંગ સામે ઘૂંટણ ટેકવી દેતાં સમગ્ર ટીમ ૨૦ ઓવર પણ રમી શકી નહોતી.
ઇંગ્લેન્ડની ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૦૫ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ૧૦૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે ૪૪ રનના સ્કોરે હિલી (૨૨ રન) અને મૂની (૧૪ રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી એશ્લે ગાર્ડનર અને મેગ લેનિંગે અણનમ ૬૨ રનની ભાગીદારી નોંધાવી ટીમને ૧૫.૧ ઓવરમાં વિજેતા બનાવી હતી. ગાર્ડનરને તેના ઓલરાઉન્ડ દેખાવ બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી જ્યારે વિકેટકીપર એલિસા હેલીને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરાઈ હતી.
ફ્રાન્સ ૨૦ વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપમાં ચેમ્પિયન
વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય રમત ગણાતી ફૂટબોલનો મહાકુંભ દર ચાર વર્ષે યોજાય છે. આ વખતે રશિયામાં યોજાયો હતો, જેમાં ફ્રાન્સની ટીમ ક્રોએશિયાને ૪-૨થી પરાજય આપી ચેમ્પિયન બની હતી. ક્રોએશિયાએ શાનદાર રમત દર્શાવી હતી પરંતુ ફ્રાન્સે વધુ પ્રભાવી અને ચતુરાઈપૂર્વક રમત દર્શાવી હતી જે તેની ખરી તાકાત હતી, જેના દમ પર ૨૦ વર્ષ બાદ ફરી ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. ફ્રાન્સની ટીમ ૨૦ વર્ષ ચેમ્પિયન બની હતી. આ પહેલાં ફ્રાન્સે ૧૯૯૮માં વર્લ્ડ કપ જીત્યો હતો. ફ્રાન્સે ૧૯૯૮માં વર્લ્ડ કપ જીત્યો ત્યારે તેના કેપ્ટન ડિડિએર ડેસચેમ્પ્સ હતા જે આ વખતે ટીમના કોચ હતા. ૪૦ લાખની વસતી ધરાવતા ક્રોએશિયાની ટીમે પણ આ વર્લ્ડ કપમાં દમદાર પ્રદર્શન કરતાં ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
જોકે, ફાઇનલમાં નસીબનો સાથ નહોતો મળ્યો અને ટીમને રનરઅપથી સંતોષ માનવો પડયો હતો જોકે, ટીમે ફાઇનલમાં પહોંચીને પણ ઇતિહાસ રચ્યો હતો. ક્રોએશિયાની ટીમ પાંચમી વખત વર્લ્ડ કપ રમી રહી હતી જે પૈકી ૧૯૯૮માં ટીમ ત્રીજા સ્થાને રહી હતી.
મેસ્સી, રોનાલ્ડોના દબદબાને ખતમ કરી મોડ્રિચે બેલોન ડી ઓરનો એવોર્ડ જીત્યો
ક્રોએશિયા અને રિયલ મેડ્રિડના મિડફિલ્ડર લુકા મોડ્રિચે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી જેવા સ્ટાર ફૂટબોલરોનો છેલ્લાં ૧૦ વર્ષથી ચાલી રહેલા દબદબાને ખતમ કરતાં ફિફાના વર્ષ ૨૦૧૮ના સર્વશ્રેષ્ઠ ફૂટબોલરનો એવોર્ડ જીતી લીધો હતો. વર્ષ ૨૦૦૭માં બ્રાઝિલના કાકા દ્વારા આ એવોર્ડ જીત્યાનાં ૧૦ વર્ષ બાદ મેસ્સી અને રોનાલ્ડો સિવાય અન્ય ખેલાડીને આ એવોર્ડ મળ્યો છે. વર્ષ ૨૦૦૮માં રોનાલ્ડોએ જ્યારે ૨૦૦૯થી ૨૦૧૨ દરમિયાન સતત ચાર વખત લિયોનેલ મેસ્સીએ આ એવોર્ડ જીત્યો હતો. ૨૦૧૩ અને ૨૦૧૪માં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ અને ૨૦૧૫માં મેસ્સીએ આ એવોર્ડ જીત્યો હતો. ૨૦૧૬ અને ૨૦૧૭માં ફરી રોનાલ્ડોએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ પોતાનાં નામે કર્યો હતો. લુકા મોડ્રિચે આ વર્ષે મે મહિનામાં રિયલ મેડ્રિડ તરફથી રમતાં ત્રીજી વખત ચેમ્પિયન્સ લીગનું ટાઇટલ જીત્યું હતું અને તે પછી પોતાની ટીમ ક્રોએશિયાને રશિયામાં યોજાયેલા ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડવામાં મદદ કરી હતી. લુકા મોડ્રિચને બેલોન ડી ઓર એવોર્ડ માટે સૌથી વધુ ૭૫૩ પોઇન્ટ મળ્યા હતા જ્યારે બીજા સ્થાને રહેલા રોનાલ્ડોને ૪૫૩ અને ત્રીજા ક્રમે રહેલા એન્ટોની ગ્રિએઝમેનને ૪૧૪ પોઇન્ટ મળ્યા હતા. મેબાપે ૩૪૭ પોઇન્ટ સાથે ચોથા અને લિયોનેલ મેસ્સી ૨૮૦ પોઇન્ટ સાથે પાંચમા સ્થાને રહ્યો હતો. છઠ્ઠા સ્થાને રહેલા મોહંમદ સાલાહને ૧૮૮ પોઇન્ટ મળ્યા હતા.
ફ્રાન્સના સ્ટ્રાઇકર કેલિયાન મેબાપેને અન્ડર-૨૧ કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ યુવા ખેલાડીનો એવોર્ડ અપાયો હતો. મેબાપેને ફૂટબોલ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન બદલ આ પ્રતિષ્ઠિત ટ્રોફી અપાઈ હતી.
વર્ષ ૨૦૦૯માં રિયલ મેડ્રિડ ક્લબ સાથે જોડાયેલા પોર્ટુગલના સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નવ વર્ષ બાદ રિયલ મેડ્રિડ છોડી ઇટાલીની ફૂટબોલ ક્લબ જુવેન્ટ્‌સ સાથે જોડાયો હતો. રોનાલ્ડો ૨૦૦૯માં માન્ચેસ્ટર યુનાઇટેડ છોડી ૮૦ મિલિયન પાઉન્ડમાં રિયલ મેડ્રિડ સાથે જોડાયો હતો.
ઇંગ્લેન્ડના હેરી કેનને ગોલ્ડન બૂટનો એવોર્ડ
ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપમાં ચોથા સ્થાને રહી હતી પરંતુ તેના કેપ્ટન હેરી કેન ટૂર્નામેન્ટમાં સૌથી વધુ છ ગોલ કરી ગોલ્ડન બૂટનો એવોર્ડ જીતવામાં સફળ રહ્યો હતો. ફૂટબોલના આ મહાસમર શરૂ થયા પહેલાં ઇંગ્લેન્ડને દાવેદાર માનવામાં આવતું નહોતું પરંતુ કેને પોતાનાં પ્રદર્શનથી ટીમનું મનોબળ વધારવાની સાથે સેમિફાઇનલમાં પહોંચાડી હતી. તેણે છ મેચ રમી છ ગોલ કર્યા હતા. કેન ફૂટબોલ વર્લ્ડ કપમાં ગોલ્ડન બૂટનો એવોર્ડ જીતનાર બીજો ખેલાડી છે. તેના પહેલાં ૧૯૮૬માં મેક્સિકોમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ગેરી લિનાકરે ગોલ્ડન બૂટનો એવોર્ડ જીત્યો હતો. લિનાકરે પણ છ ગોલ કર્યા હતા. પોર્ટુગલનો કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, બેલ્જિયમનો રોમેલુ લુકાકુ, ફ્રાન્સનો એન્ટોની ગ્રિએઝમેન, ફ્રાન્સનો યુવા કેલિયન એમ્બાપે અને રશિયાનો ડેનિસ ચેરીશેવ ૪-૪ ગોલ સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને રહ્યા હતા.
એશિયન ગેમ્સ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
દેશનું ગૌરવ
ભારતીય રમતજગત માટે વર્ષ ૨૦૧૮ ઘણી બાબતે ઐતિહાસિક રહ્યું હતું. ખાસ કરીને એશિયન ગેમ્સમાં ભારતનું પ્રદર્શન યાદગાર રહ્યું હતું. એશિયન ગેમ્સ ૨૦૧૮માં ભારતે ઐતિહાસિક પ્રદર્શન કરતાં ૧૫ ગોલ્ડ સહિત ૬૯ મેડલ જીતી ૬૭ વર્ષના ઇતિહાસમાં પોતાનો સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આ પહેલાં ભારતનો એશિયન ગેમ્સમાં સર્વશ્રેષ્ઠ દેખાવ વર્ષ ૧૯૫૧માં દિલ્હીમાં યોજાયેલા એશિયાડમાં જોવા મળ્યો હતો. તે વખતે ૧૫ ગોલ્ડ મેડલ જીત્યા હતા. એશિયન ગેમ્સ ૨૦૧૦માં પણ ભારતનો દેખાવ સારો રહ્યો હતો. તે વખતે ભારતીય ટીમે ૧૪ ગોલ્ડ, ૧૭ સિલ્વર અને ૩૪ બ્રોન્ઝ મેડલ સહિત ૬૫ મેડલ જીત્યા હતા.
મનિકા બત્રા છવાઈ
ભારતીય ટેબલટેનિસે વર્ષ ૨૦૧૮માં વિશ્વમાં પોતાની ખાસ ઓળખ બનાવી હતી. મનિકા બત્રાએ કોમનવેલ્થ ગેમ્સમાં અભૂતપૂર્વ પ્રદર્શન કરતાં મહિલા સિંગલ્સ અને મહિલા ટીમમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા જ્યારે મહિલા ડબલ્સમાં સિલ્વર અને મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ સાથે કુલ ચાર મેડલ જીત્યા હતા. ૧૯૫૮માં એશિયન ગેમ્સમાં ટેબલટેનિસને સામેલ કરાઈ હતી ત્યારે પ્રથમ વાર ભારતીય ટીમ બે મેડલ જીતવામાં સફળ રહી હતી. તેણે મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો. ભારતીય પુરુષ ટીમે પણ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો.
નીરજ ચોપરાનો ૮૮.૦૬ મીટર ઐતિહાસિક થ્રો
એશિયન ગેમ્સના જેવલિન થ્રોમાં નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો. એશિયન ગેમ્સના જેવલિન થ્રોમાં ભારતનો આ માત્ર ત્રીજો મેડલ હતો. આ પહેલાં એશિયન ગેમ્સ (૧૯૫૧)માં ભારતના પારસાસિંહે સિલ્વર જ્યારે ૧૯૮૨ની એશિયન ગેમ્સમાં ગુરતેજસિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
વિનેશ ફોગાટ : એશિયન ગેમ્સમાં કુસ્તીમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની
વિનેશ ફોગાટ માટે ૨૦૧૮નું વર્ષ સફળતા લઈને આવ્યું હતું. વિનેશે એપ્રિલમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ૫૦ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે પોતાની સફળતાને એશિયન ગેમ્સમાં પણ દોહરાવતાં ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. વિનેશ ફોગાટ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા રેસલર બની હતી. તેણે ૫૦ કિગ્રા વજન વર્ગની ફ્રી સ્ટાઇલની ફાઇનલમાં જાપાનની ઇરી યુકીને હરાવી પ્રથમ ગોલ્ડ જીત્યો હતો. તેણે ૨૦૧૪માં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. આમ, તેણે ચાર વર્ષ બાદ પોતાના મેડલનો કલર બદલવામાં સફળ રહી હતી. વિનેશને સેમિફાઇનલમાં પગમાં ઈજા થઈ હતી તેમ છતાં તે હતાશ થયા વિના દમદાર પ્રદર્શન દ્વારા ગોલ્ડ જીતવામાં સફળ રહી હતી.
કોમનવેલ્થ ગેમ્સમાં સુશીલની ગોલ્ડન હેટ્રિક
ભારતના સ્ટાર રેસલર સુશીલકુમારે કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીતીઇતિહાસ રચ્યો હતો. ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ૭૪ કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં સાઉથ આફ્રિકાના રેસલરને હરાવ્યો હતો. સુશીલે ૨૦૧૦માં ૬૬ કિગ્રા વજન વર્ગમાં અને ૨૦૧૪માં ૭૪ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
બજરંગે એશિયન ગેમ્સમાં ઐતિહાસિક ગોલ્ડ જીત્યો
બજરંગ પુનિયા માટે ૨૦૧૮નું વર્ષ સફળતા લઈને આવ્યું હતું. તેણે આ વર્ષે ચાર મેડલ જીતનાર બજરંગ પુનિયા ૬૫ કિગ્રા વજન વર્ગમાં નંબર વન રેસલર પણ બન્યો હતો. બજરંગે આ વર્ષે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય રેસલર બન્યો હતો જ્યારે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડન સફળતા મેળવી હતી. આ ઉપરાંત તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર, એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો હતો. એશિયન ચેમ્પિયનશિપમાં તેણે ૨૦૧૩માં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આમ, તે આ ટૂર્નામેન્ટમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો હતો. બજરંગ પુનિયાનાં શાનદાર પ્રદર્શનને કારણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ઇનામ આપતાં કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ગ્રેડ એમાં રાખ્યો હતો.
સાક્ષી મલિકનું એશિયન ગેમ્સમાં નિરાશાજનક પ્રદર્શન
રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિક પાસે કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલની આશા હતી પરંતુ તે બંને મોટી ટૂર્નામેન્ટમાં નિરાશા હાથ લાગી હતી. સાક્ષી કોમનવેલ્થ ગેમ્સમાં ૫૮ કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી પરંતુ એશિયન ગેમ્સમાં ખાલી હાથે પરત ફરી હતી. એશિયન ગેમ્સમાં ૬૨ કિગ્રા વજન વર્ગની સેમિફાઇનલમાં હારતાં બ્રોન્ઝ મેડલની મેચ રમવાની તક મળી હતી જ્યાં સાક્ષીને જોંગ સિમ રિમે ૧૨-૨થી હરાવતાં બ્રોન્ઝ મેડલ પણ ચૂકી હતી.
મહિલાઓનો ઝળકી
આ એશિયન ગેમ્સમાં ભારતે ૬૯ મેડલ જીત્યા જે પૈકી ૨૮ મેડલ મહિલા ખેલાડીઓએ જીત્યા હતા. ૨૦૧૮ એશિયન ગેમ્સમાં ભારતના ૫૭૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો જે પૈકી ૨૬૦ મહિલાઓ અને ૩૧૨ પુરુષ સામેલ હતા. આ મહિલાઓમાં દુતી ચંદ, સ્વપ્ના બર્મન, સરિતા ગાયકવાડ અને હિમા દાસ જેવી સામાન્ય પરિવારથી આવનાર એથ્લીટ્‌સે ભારતનું નામ ગર્વથી ઉંચું કર્યું હતું. ગુજરાતની સરિતા ગાયકવાડે ૪ઠ૪૦૦ મીટર ટીમ રિલે દોડમાં ગોલ્ડ જીત્યો હતો.
હિમા દાસે વર્લ્ડ અન્ડર ૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતી ઇતિહાસ રચ્યો
જુલાઈમાં આઈએએએફ વર્લ્ડ અન્ડર ૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતનાર હિમા દાસ ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની હતી. ઐતિહાસિક પ્રદર્શન બાદ એશિયન ગેમ્સમાં પણ હિમા દાસે પોતાનું પ્રદર્શન દોહરાવતાં મહિલા વિભાગની ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ જીત્યો હતો. આ દોડમાં ગુજરાતની સરિતા ગાયકવાડ પણ ટીમમાં સામેલ હતી. હિમાએ આ ઉપરાંત મિક્સ ૪ઠ૪૦૦ મીટર અને ૪૦૦ મીટર દોડમાં સિલ્વર મેડલ જીતી નવી ઊંચાઈ મેળવી હતી.
ભારતીય મહિલા હોકી ટીમ બીજા સ્થાને રહી
એશિયન ગેમ્સમાં રાની રામપાલની કેપ્ટનશિપમાં ભારતીય મહિલા હોકી ટીમે ફાઇનલ સુધી સફર ખેડી હતી પરંતુ ગોલ્ડ મેડલના મુકાબલામાં જાપાન સામે પરાજય થતાં બીજા સ્થાને રહી હતી.
બોલ ટેમ્પરિંગ વિવાદે સ્મિથ, વોર્નરની કારકિર્દી પર ૧૨ મહિનાની બ્રેક
૨૦૧૮નું વર્ષ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે મોટી ઊથલપાથલવાળું રહ્યું હતું. આ વર્ષે માર્ચ મહિનામાં સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ઓસ્ટ્રેલિયાની ટીમના ખેલાડી કેમરોન બેનક્રોફ્ટ સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગ કરતાં ઝડપાયો હતો. આ વિવાદ માટે તત્કાલીન કેપ્ટન સ્ટીવન સ્મિથ અને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર પણ આ વિવાદમાં સામેલ હોવાનું કબુલ્યું હતું. આ ઘટના બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની શાખ ધોવાઈ ગઈ હતી, જેને કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કેમરોન બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો જ્યારે સ્ટીવન સ્મિથ અને વોર્નર પર એક-એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. આ પ્રતિબંધને કારણે આઈપીએલમાંથી પણ વોર્નર અને સ્મિથની હકાલપટ્ટી થઈ હતી. વોર્નર સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન હતો અને સ્મિથને રાજસ્થાન રોયલ્સની કમાન મળી હતી. બંનેએ વિવાદ સામે આવ્યા બાદ કેપ્ટનશિપ છોડી દીધી હતી. ખેલાડીઓ પર પ્રતિબંધ બાદ ટીમના મુખ્ય કોચ ડેરેન લેહમેનને તો ક્લીન ચિટ મળી હતી પરંતુ તેની પણ ઘણી બદનામી થઈ હતી જેને કારણે તેણે પણ પોતાનું પદ છોડી દીધું હતું જ્યારે ટીમના સીઇઓ જેમ્સ સધરલેન્ડ્‌સે પણ પોતાનાં પદેથી રાજીનામું આપ્યું હતું.

Related posts

“વાત વાતમાં વાત”

editor

બોલિવૂડના સ્ટાર કિડ્‌સ પાર્ટીના શોખીન છે

editor

શાકાહારી બનો નહીં તો પૃથ્વી પર થશે અનર્થ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1