Aapnu Gujarat
બ્લોગ

૨૦૧૯ની લોકસભા ચુંટણી મોદી શાહ જ નહી રાહુલ માટે પણ આસાન નહી હોય….

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો પછી રાહુલ ગાંધીની છબી મજબૂત બની છે.૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટેના સૂચિત મહાગઠબંધનમાં હવે તેઓ વધારે કેન્દ્રસ્થ ભૂમિકા ભજવી શકે તેવી શક્યતા ઊભી થઈ છે.તેલંગણામાં ગઠબંધનના પ્રયોગમાં મળેલી નિષ્ફળતાને કારણે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ માટે થોડી પીછેહઠ થઈ છે.પરંતુ રાહુલ ગાંધી હવે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના એનડીએ સામે રાજ્યોવાર મહાગઠબંધન કરી શકવાની સ્થિતિમાં આવી ગયા છે.કૉંગ્રેસના પક્ષપ્રમુખ બન્યાના બરાબર એક વર્ષ પછી કૉંગ્રેસ પક્ષમાં તથા બહાર બંને જગ્યાએ તેમનું નેતૃત્ત્વ વધારે મજબૂત બન્યું છે.૨૦૧૪ પછી પ્રથમવાર નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાની હેઠળના ભાજપ સામે રાહુલ ગાંધીના નેતૃત્ત્વ હેઠળના કૉંગ્રેસ પક્ષે સીધી ટક્કરમાં વિજય મેળવ્યો છે.રાહુલ ગાંધી પર હવે પોતાને વડા પ્રધાનપદના દાવેદાર તરીકે આગળ કરવાનું અને પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરવાનું દબાણ પણ ઊભું થશે. આ બંને વિકલ્પોની પોતપોતાની મર્યાદાઓ પણ છે.હવે માયાવતી શું કરશે તેના પર સૌની નજર રહેશે. પરિણામોના બીજે દિવસે બુધવારે સવારે તેમણે પ્રેસ કૉન્ફરન્સ કરીને મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી, પરંતુ તેમણે કહ્યું કે ભાજપને સત્તાથી દૂર રાખવા માટે તેમણે આ પગલું લીધું છે.તેમણે કૉંગ્રેસની પણ ટીકા કરી હતી. તેથી હજી પણ માયાવતી કેન્દ્રસ્તરે રાહુલ ગાંધીનું નેતૃત્ત્વ સ્વીકારશે કે કેમ તે સવાલ ઊભો જ રહેશે. અત્યાર સુધી તેમણે તે માટે તૈયારી બતાવી નથી.મધ્ય પ્રદેશમાં ટેકો આપવાની જાહેરાત સાથે, રાજસ્થાનમાં પણ કદાચ જરૂર પડે તો ટેકો આપવાની તૈયારી તેમણે દર્શાવી છે, પરંતુ આ દલિત નેતાએ કૉંગ્રેસની પણ ટીકા કરી છે.તેથી કૉંગ્રેસ તેમને મહાગઠનબંધનમાં સાથે રાખી શકશે કે પછી તેઓ એનડીએ તરફ પણ સરકી શકે છે તે બાબત પર આગામી દિવસોમાં સૌની નજર રહેશે.જોકે, ભાજપની આગેવાની હેઠળના એનડીએમાં જોડાવું માયાવતી માટે એટલું સહેલું પણ નથી.તેમના સ્વભાવ અને કાર્યશૈલી પ્રમાણે તેમને ભાજપના ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે ફાવે તેવું નથી.બીજું ઉત્તર પ્રદેશમાં ભાજપ માયાવતીના પક્ષ બીએસપીને વધારે બેઠકો આપી શકે તેવી સ્થિતિમાં પણ નથી.ઉત્તર પ્રદેશમાં ભાજપે લોકસભાની ૭૦ અને વિધાનસભાની ૩૨૦ બેઠકો જીતેલી છે. તેના કારણે ભાજપ સાથી પક્ષોને તેમાં કોઈ હિસ્સો આપી શકે તેવી શક્યતા ઓછી છે.બીએસપી અથવા અન્ય કોઈ પણ સાથી પક્ષોને વધારે બેઠકો આપવામાં આવે તો તેના કારણે ભાજપને આંતરિક રીતે પણ અસંતોષ અને હલચલનો સામનો કરવો પડી શકે તેમ છે.ઉત્તર ભારતનાં ત્રણ રાજ્યોનાં પરિણામો જોતાં પવનની દિશા શું સૂચવે છે?ના, ૨૦૧૩માં કૉંગ્રેસ અને યુપીએનો પરાજય નિશ્ચિત છે એવી જે જાહેરાત કરવામાં આવી હતી, એવી જાહેરાત અત્યારે કરી શકાય એમ નથી.થોડી એમાં ઉતાવળ ગણાશે. જોકે, ભાજપ સામે પ્રતિકુળળતાઓ સૂંડલામોઢે છે.સૌથી મોટી પ્રતિકૂળતા ઉત્તર ભારતમાં ભાજપની બેઠકોની ઘનતા છે. ૨૦૧૪માં ભાજપને કુલ ૨૮૨ બેઠકો મળી હતી. એ ૨૮૨ બેઠકોમાંથી ૨૪૧ બેઠકો ઉત્તર અને પશ્ચિમ ભારતનાં રાજ્યોમાંથી મળી હતી.એ રાજ્યો છે; ઉત્તર પ્રદેશ(૮૦/૭૧), બિહાર (૪૦/૨૨), ઝારખંડ (૧૪/૧૨), મધ્ય પ્રદેશ (૨૯/૨૭), છત્તીસગઢ (૧૧/૧૦), મહારાષ્ટ્ર (૪૮/૨૩, શિવસેનાને ૧૮. કુલ ૪૧), ગુજરાત (૨૬/૨૬), રાજસ્થાન (૨૫/૨૫), દિલ્હી (૭/૭), હરિયાણા (૧૦/૭), હિમાચલ પ્રદેશ (૪/૪), ઉત્તરાખંડ (૫/૫) ઉપરાંત ચંદીગઢ અને દીવની એક-એક.અમુક રાજ્યોમાં સોમાંથી સો ટકા, અમુકમાં સોમાંથી ૯૫ ટકા, અમુકમાં ૮૦થી ૯૦ ટકા. સરેરાશ ૮૦ ટકાની થઈ.આ રાજ્યોમાં ભાજપને મળેલા મતોની વાત કરીએ તો સૌથી ઓછા બિહારમાં ૨૯.૪૦ ટકા (રાષ્ટ્રીય સરેરાશ કરતાં માત્ર દોઢ ટકો ઓછા) અને સૌથી વધુ ગુજરાતમાં ૬૦.૧૧ ટકા મત મળ્યા હતા.આ રાજ્યોમાં મળેલા મતોની સરેરાશ ૫૩ ટકા કરતાં વધુ એટલે કે રાષ્ટ્રીય સરેરાશ કરતાં બાવીસ ટકા વધુ.આમ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ૮૦ ટકાનો સ્ટ્રાઇક રેટ અને ૫૩ ટકાની મતની સરેરાશ જાળવી રાખવી એ બહુ મુશ્કેલ કામ છે.બીજું ઉપર જણાવેલાં રાજ્યો લોકસભાની કુલ ૫૪૨ બેઠકોમાંથી ૩૦૧ બેઠકો ધરાવે છે.બીજા શબ્દોમાં કહીએ તો ૨૦૧૪માં સઘનપણે ભાજપ પ્રભાવિત પ્રદેશોની બહાર માત્ર ૨૪૧ બેઠકો વધે છે.આ ૨૪૧ બેઠકો એવાં રાજ્યોમાં છે કે જ્યાં ભાજપનો ખાસ પ્રભાવ નથી. એટલે તો આ ૨૪૧ બેઠકોમાંથી ભાજપને માત્ર ૪૧ બેઠકો મળી હતી.૨૦૧૯માં ઉપરનાં રાજ્યોમાં ૮૦ ટકાનો સ્ટ્રાઇક રેટ જળવાય શકે એમ નહોતો.નરેન્દ્ર મોદી અને અમિત શાહને એટલું તો ૨૦૧૪માં પરિણામો આવ્યાં ત્યારે જ સમજાઈ ગયું હશે કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા આસમાને હતી અને શાસક તરીકેની મુઠ્ઠી બંધ હતી, ત્યારે ભાજપને કુલ મળીને ૩૧ ટકા મત મળ્યા હતા અને જે સફળતા મળી હતી એ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં થોકમાં મળી હતી.આનો અર્થ એ થયો કે ૬૯ ટકા મતદાતાઓએ નરેન્દ્ર મોદીની બ્રાન્ડ વૅલ્યૂની કોઈ વેલ્યૂ કરી નહોતી અને બીજું તેમની બ્રાન્ડ વૅલ્યૂ દક્ષિણ ભારતમાં અને પૂર્વ ભારતમાં અપીલ કરી શકી નહોતી.આ ૨૦૧૪ની વાત છે, જયારે નરેન્દ્ર મોદી આસમાની ઊંચાઈની લોકપ્રિયતા ધરાવતા હતા.અત્યારે ૨૦૧૮નું વર્ષ સમેટવામાં છે અને આવતા વર્ષનો ફેબ્રુઆરી મહિનો પૂરો થતાની સાથે જ લોકસભાની ચૂંટણીની તૈયારી શરુ થઈ જશે.આ બાજુ નરેન્દ્ર મોદીની મુઠ્ઠી ઉઘાડી પડી ગઈ છે, જે કાંઈ પણ તેમની પાસે હતું એ હવે જગતની સામે છે.શૌર્ય, આવડત, વિઝન, નેતૃત્વ, રાજકીય સભ્યતા અને લક્ષ્મણરેખાઓનું ભાન, લોકોમાં આશા પેદા કરવાની અને સમર્થકોને કાંઈક બની રહ્યું છે એવો મૅસેજ આપીને જકડી રાખવાની તેમની શક્તિ એમ બધું જ હવે જગતની સામે છે.સાડા ચાર વરસમાં નરેન્દ્ર મોદીની રાજકીય મૂડીમાં વધારો થયો હોય એવું તો બન્યું નથી.એની વચ્ચે ભાજપ જ્યાં સઘન પ્રભાવ ધરાવે છે એ રાજ્યોનાં પરિણામો આવ્યાં છે અને એ એમ સૂચવે છે કે ભાજપના પ્રભાવની સઘનતામાં અડધો અડધની ઘટ થઈ છે.આ તો બેઠકોની વાત થઈ. લોકપ્રિય મતોની સંખ્યામાં સરેરાશ સાત ટકાનો ઘટાડો થયો છે.જો આ જ સરેરાશ બીજાં રાજ્યોમાં લાગુ કરવામાં આવે તો ભાજપ સહેજે ૧૨૦ જેટલી બેઠકો ગુમાવશે.બીજી પ્રતિકૂળતા વિરોધ પક્ષોની રણનીતિ નીવડી શકે એમ છે. ૨૦૧૪માં ભારતનાં દરેક રાજ્યોમાં ગેર-ભાજપ પક્ષો સ્વતંત્ર રીતે એકબીજાની સામે લડ્યા હતા.આ વખતે તેઓ સંગઠિત થવાના છે. સંગઠિત થવા માટે તેમની પાસે મજબૂત કારણ પણ છે.ભાજપ દાદાગીરી કરીને સાથી પક્ષો સહિત દરેક રાજકીય પક્ષોની રાજકીય જગ્યા હડપી જવાના મનસૂબા રચે છે.કોઈ પણ પ્રકારની માન-મર્યાદા અમિત શાહે અને ભાજપે જાળવી નથી. રાજકીય પક્ષો પોતાની રાજકીય જગ્યા બચાવવા અર્થાત્‌ અસ્તિત્વ ટકાવી રાખવા એક થવાના છે અને એ નિશ્ચિત વાત છે.ઉત્તર અને પશ્ચિમ ભારતમાં બેઠકોની સઘનતા, શાસક તરીકેની નિષ્ફળતા અને વિરોધ પક્ષોની અફર એકતા વચ્ચે એમ કેમ કહી શકાય થોભો, હજુ ભાજપની વિદાય વિષે ખાતરીથી કહી શકાય એમ નથી?આનું કારણ છે વિજય મેળવવા માટે કાંઈ પણ કરી શકવાની અને કોઈ પણ સ્તરે જઈ શકવાની નરેન્દ્ર મોદી-અમિત શાહની ક્ષમતા.અત્યારે જ સમાજમાં તિરાડો પાડવાનું અને ધ્રુવીકરણ કરવાનું શરુ કરવા આવ્યું છે.આવતા બે મહિનામાં કોઈ પણ સ્તરે જઈને ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવે તો આશ્ચર્ય નહીં પામતા.રામજન્મભૂમિ યાત્રાને લોકોનો પ્રતિસાદ સાંપડ્યો નથી. એવી જ રીતે આ ત્રણ રાજ્યોમાં યોગી આદિત્યનાથે કરેલા કોમી પ્રચારનો પણ ભાજપને કોઈ ફાયદો થયો નથી.આ ઉપરાંત ભાજપ પાસે વિપુલ માત્રામાં સંસાધનો છે. પ્રતિકૂળ સંજોગોમાં સાધનો કામમાં નથી આવતાં, પણ જો જરાક અનુકૂળતા સર્જાય તો સાધુની નાની અનુકૂળતાને મોટી અનુકૂળતામાં ફેરવી શકે છે.એ અર્થમાં એ પણ એક પરીબળ છે. આવતા બેથી અઢી મહિના નિર્ણાયક છે.જોકે, નરેન્દ્ર મોદી સામે મહાગઠબંધન ઊભું કરવા માટે એ જરૂરી છે કે (ભાજપ સામે સીધી સ્પર્ધા હતી તે રાજ્યોમાં) પુનઃજીવિત થયેલી કૉંગ્રેસ અને એનડીએ સાથે ના જોડાયેલા એવા મજબૂત પ્રાદેશિક પક્ષો વચ્ચે સંતુલન ઊભું કરવામાં આવે.યુપી, બિહાર, આંધ્ર, તામિલનાડુ વગેરેમાં પ્રાદેશિક પક્ષો ભાજપની સામે મજબૂત છે.જોકે, મહત્ત્વાકાંક્ષા ધરાવતા એવા નરેન્દ્ર મોદીના વિરોધી જૂથો વચ્ચે હજી એટલો સારો સુમેળ ઊભો થઈ શક્યો નથી.લોકસભામાં નરેન્દ્ર મોદીનો સામનો કરવા માટે જે ગણિત બેસાડવું પડે તે માટેની ગણતરીઓ પણ હજી પાકી થઈ શકી નથી.જો કે આ પરિણામોએ એ સાબિત કરી દીધુ છે કે માત્ર મોદીનો કરિશ્મા કે શાહનું શાણપણ માત્ર જ કામ લાગવાનુ નથી જે તે રાજ્યમાં સ્થાનિક નેતાઓએ પણ નક્કર કામગિરી કરવાની જરૂર છે.

Related posts

માયાવતી-અખિલેશે કૉંગ્રેસને કોરાણે મૂકી…રાહુલ ગાંધીને કોઈ ફર્ક જ ન પડ્યો..!!

aapnugujarat

ચીનમાં દર પાંચમાં દિવસે એક અબજોપતિ બને છે : અહેવાલ

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : ગાંધીજી તથા સરદારનો સંયુક્ત નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1