Aapnu Gujarat
બ્લોગ

માયાવતી-અખિલેશે કૉંગ્રેસને કોરાણે મૂકી…રાહુલ ગાંધીને કોઈ ફર્ક જ ન પડ્યો..!!

ઉત્તર પ્રદેશમાં ધારણા પ્રમાણે જ ભાજપ સામેના સૌથી બળિયા હરીફ એવા બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ બેઠકોની વહેંચણી કરી લીધી. બંનેએ એક થઈને લડવાનું એલાન પહેલાં જ કરી નાખ્યું હતું પણ કોણ કેટલી બેઠકો પર લડશે તેનો ફોડ નહોતો પડાયો. અત્યારે કમૂરતાં ચાલે છે એટલે જાહેરાત નહીં કરાઈ હોય એવું બધાં માનતાં હતાં પણ માયાવતી-અખિલેશને કમૂરતાં ના નડ્યાં ને તેમણે શનિવારે પત્રકાર પરિષદ કરીને ક્યો પક્ષ કેટલી બેઠકો લડશે તેનો ફોડ પાડી દીધો. આ જાહેરાત પ્રમાણે ઉત્તર પ્રદેશની કુલ ૮૦ લોકસભા બેઠકોમાંથી બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી બંને સરખી એટલે કે ૩૮-૩૮ બેઠકો પર ચૂંટણી લડશે. બાકી રહેલી ચાર બેઠકોમાંથી અમેઠી અને રાયબરેલી એ બે બેઠકો તેમણે કૉંગ્રેસ માટે છોડી દીધી છે. બીજી બે બેઠકો નાના નાના પક્ષો માટે બાકી રાખી છે. આ નાના પક્ષોમાં બીજું કોઈ નથી પણ રાષ્ટ્રીય લોકદળના અજતસિંહ બચે છે ને આ જાહેરાતનો અર્થ એ થાય કે આરએલડી પણ બે જ બેઠકો પર લડશે.
કૉંગ્રેસ માટે આ જાહેરાત મોટા આંચકા સમાન છે કેમ કે માયાવતી અને અખિલેશ યાદવે કૉંગ્રેસને પૂછવાની તસદી પણ લીધા વિના તેને કોરાણે મૂકી દીધી છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની આંધી વખતે આખું ઉત્તર પ્રદેશ તેમની ઝોળીમાં જઈ પડેલું એ વખતે પણ અમેઠી અને રાયબરેલી કૉંગ્રેસે જીતેલાં. આ બંને બેઠકો કોંગ્રેસને આપવામાં અખિલેશ કે માયાવતીને કોઈ વાંધો નથી પણ એ સિવાય બીજું કશું નહીં મળે એવું સાફ શબ્દોમાં તેમણે કહી દીધું છે. મજાની વાત એ છે કે, રાહુલ ગાંધીએ આ વાતને બહુ હળવાશથી લીધી છે. કૉંગ્રેસ હવે શું કરશે તેની ચોખ્ખી ને ચટ વાત કર્યા વિના રાહુલે ગોળ ગોળ વાત કરીને આખી વાત જ ઉડાવી દીધી. રાહુલે તો એમ પણ કહ્યું કે, ભાજપ સત્તામાં ના આવતો હોય તો સપા-બસપાના જોડાણથી તેમને જરાય નિરાશા નહીં થાય.
રાહુલની વાતનો શો અર્થ થાય તેની તેમને જ ખબર પણ મજાની વાત હવે આવે છે. અખિલેશે કૉંગ્રેસને ગણતરીમાં જ નથી લીધી પણ એવું નિવેદન કર્યું કે, ભાજપ લોકસભામાં હારે તો પોતે ઉત્તર પ્રદેશની કોઈ વ્યક્તિ વડા પ્રધાનપદે બેસે તેની તરફેણમાં છે. અખિલેશની વાતનો સાફ અર્થ એ થાય કે, અખિલેશ રાહુલ ગાંધીને વડા પ્રધાનપદે બેસાડવા માટે તૈયાર છે. રાહુલ ને અખિલેશનું વલણ વિચિત્ર છે. બંને સાથે ચૂંટણી નથી લડવા માગતા પણ ચૂંટણી પછી એક થઈ જશે એ અત્યારથી નક્કી કરીને બેઠા છે.
આ વલણ આશ્ર્‌ચર્યજનક છે પણ તેની પાછળ બહુ મોટો રાજકીય દાવ છે અને આ દાવ શું છે એ સમજવાની જરૂર છે. આ દાવની પાછળ ઉત્તર પ્રદેશનાં જ્ઞાતિવાદી સમીકરણો છે. ઉત્તર પ્રદેશમાં ચાર મુખ્ય મતબેંક છે. સવર્ણો, દલિતો, અન્ય પછાત વર્ગ અને મુસ્લિમો. સવર્ણોમાં બ્રાહ્મણો, ઠાકુર, જાટ, ગુર્જર, બનિયા વગેરે આવી જાય. દલિતોમાં ચમાર સહિતની જ્ઞાતિઓ આવે જ્યારે અન્ય પછાત વર્ગમાં યાદવો બહુમતીમાં છે. અત્યારે જે રાજકીય સમીકરણો છે તેમાં દલિતો માયાવતી સાથે છે જ્યારે મુસ્લિમો સમાજવાદી પાર્ટી સાથે છે. બાકી રહેલી ઓબીસી મતબેંક સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે વહેંચાયેલી છે જ્યારે સવર્ણોની મતબેંક પર ભાજપનો કબજો છે.
કૉંગ્રેસ અમેઠી અને રાયબરેલી પરંપરાગત રીતે જીતે છે પણ બાકીના ઉત્તર પ્રદેશમાં તેની કોઈ મોટી મતબેંક નથી પણ વરસોથી પરંપરાગત રીતે મત આપતા દસેક ટકા બ્રાહ્મણ સહિતના સવર્ણો અને થોડા દલિતો તેની મતબેંક છે. અજીતસિંહ સાથે પણ જાટ સહિતના સવર્ણોની મતબેંક છે. હવે અખિલેશ ને માયાવતીની મતબેંક તેમની વફાદાર છે પણ બાકીની મતબેંક હાલકડોલક છે. કૉંગ્રેસ અને અજીતસિંહ સાથે ના હોય ને મોટા ભાગની બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખે તો એ લોકો ભાજપની મતબેંકમાં ગાબડું પાડે ને એ રીતે માયાવતી-અખિલેશને મદદ કરે. આ કારણે કૉંગ્રેસ કે અજીતસિંહને જાણી જોઈને સાથે નહીં રાખવાની વ્યૂહરચના અપનાવાઈ હોય એવી પૂરી શક્યતા છે. ટૂંકમાં અંદરખાને અખિલેશ, માયાવતી, અજીતસિંહ ને રાહુલ ગાંધી ચારેય એક હોય એ દાવ છે.
ભાજપે સપા-બસપાના જોડાણને તકવાદી અને વ્યંગમાં અનોખું એટલે કે હાસ્યાસ્પદ ગણાવ્યું છે. ભાજપની વાત અડધી સાચી છે ને આ જોડાણ તકવાદી છે તેમાં શંકા નથી, પણ રાજકારણમાં થતું ક્યું જોડાણ તકવાદી નથી હોતું ? રાજકારણનું નામ જ તકવાદ છે ને સત્તાની તક મળે એ માટે તો બધા ખેલ થતા હોય છે. બાકી જે પક્ષ પોતાના જોર પર જીતી શકતો હોય એ પક્ષ જોડાણ જ શું કરવા કરે ? માયાવતી અને અખિલેશ પણ એકલા હાથે જીતી શકતાં હોય તો જોડાણ ના જ કરે એ કહેવાની જરૂર નથી. હજુ બે વર્ષ પહેલાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એકલા હાથે લડેલાં જ ને ? એ વખતે બંનેને એમ લાગેલું કે, આપણે એકલા હાથે જીતી શકીએ છીએ એટલે બંને એકબીજાનું મોં જોવા પણ તૈયાર નહોતાં. હવે ભાજપનો ભો છે એટલે બંને એકબીજાને ફોઈ-ભાણિયો બનાવીને હેત વરસાવી રહ્યાં છે.
ભાજપ અત્યારે આ બધી શાણી વાતો કરી રહ્યો છે ત્યારે ભાજપે એવાં જોડાણ નથી કર્યાં ? બિહારમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ અને કૉંગ્રેસને હરાવવા ભાજપે કરેલાં જોડાણ તકવાદી નથી ? રામવિલાસ પાસવાન તો ૨૦૧૪થી ભાજપ સાથે હતા એટલે તેમને ભાજપના સાથી ગણીએ, પણ ભાજપે નીતિશકુમારને પોતાના પડખામાં શું ભજન કરવા લીધા છે ? નીતિશકુમાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે લડેલા. એ વખતે નીતિશ લાલુના પડખામાં ભરાયેલા. એ ટાણે ભાજપ ને નીતિશ વચ્ચે ગાળાગાળીનું ભવ્ય આદાનપ્રદાન થયેલું. નરેન્દ્ર મોદી ને અમિત શાહ નીતિશ વિશે શું બોલતા હતા ને નીતિશ સામે કેવી ચોપડાવતા હતા તેના વીડિયો હજુ યુ ટ્યુબ પર પડ્યા જ છે.
આ ગાળાગાળી છતાં નીતિશ ને ભાજપ એક કેમ થયાં ? હળાહળ તકવાદ નહીં તો બીજું શું ? આ તકવાદની પાછળ લાલુની પાર્ટી પોતાનો ઘડોલાડવો ના કરી કરી નાખે તેનો ડર છે. આ ડરના કારણે ભાજપ નીતિશના પગમાં એ હદે આળોટી ગયો છે કે, ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પોતે જીતેલો તેના કરતાં પણ ઓછી બેઠકો લડવા પણ તૈયાર થઈ ગયો છે. જે નીતિશને ભાજપ ગાળો આપતો હતો એ નીતિશની સરકારમાં અત્યારે ભાજપના નેતાઓ પ્રધાનપદાં ભોગવે છે ને નીતિશની તારીફમાં કસીદા પઢતાં તેમની જીભ સૂકાતી નથી. આ તકવાદ નથી તો બીજું શું છે?
બિહારમાંથી લોકસભાની ૪૦ બેઠકો છે. ભાજપે ૨૦૧૪માં એકલા હાથે ૨૨ બેઠકો જીતેલી ને તેના સાથીઓ સાથે મળીને ૩૩ બેઠકો જીતેલી. હવે ભાજપ ૧૭ બેઠકો પર લડવાનો છે ને ૧૭ બેઠકો પર નીતિશની પાર્ટી જેડીયુ લડશે. બાકીની ૬ બેઠકો પર રાજકીય તકવાદના ચેમ્પિયન રામવિલાસ પાસવાનની આરએલડી લડશે. હવે ભાજપ આ હદે તકવાદી બનતો હોય ને પછી માયાવતી-અખિલેશ એક થયાં તેને તકવાદ ગણાવે ત્યારે ભૂંડો લાગે ભૂંડો.
આ તો ખાલી નીતિશ સાથેના જોડાણની વાતો કરી, બાકી ભાજપે અત્યાર લગી કેટલાંય એવાં નાતરાં કરેલાં જ છે કે જેના કારણે ભાજપના કાર્યકરો સમસમીને બેસી ગયા હોય, પણ અંદરખાને પોતાના નેતાઓને ગાળો દેતા હોય. ભાજપે આઠેક મહિના પહેલાં મહેબૂબા મુફતી સાથે ફારગતી લઈને તેમને ઘરભેગાં કરી દીધા, પણ એ પહેલાં ત્રણ વરસ લગી મહેબૂબાની પાલખી ઊંચકીને ભાજપના નેતા હતા ને તેમના દરબારમાં મુજરો કરતા. એ તકવાદી જોડાણ નહોતું ? મહેબૂબા અને તેમની પાર્ટીને ભાજપના નેતાઓએ દેશના ગદ્દાર સુધ્ધાં ગણાવેલા છે. એ દેશના ગદ્દારોના પડખામાં ભરાતાં ભાજપના નેતાઓને શરમ નહોતી આવી તો માયાવતી ને અખિલેશના સંબંધોમાં તો કદી એવી કડવાશ આવી જ નથી પછી એ લોકો શું કરવા શરમાય ?
રાજકારણીઓ ભરડવા બેસે ત્યારે એવું માનતા હોય છે કે, લોકોમાં અક્કલ નથી ને લોકોને જૂની વાતો યાદ રહેતી નથી. આપણે લોકોને જે પણ ગોળીઓ ગળાવીશું એ બધી ગોળીઓ લોકો ગળી જશે. આ માન્યતા ખોટી છે ને લોકો બધું સમજતા હોય છે. લોકો બોલતા નથી પણ તેમને બધી ખબર પડતી જ હોય છે. અંધ ભક્તજનોએ તો આ બધી ગોળીઓ ગળ્યા વિના છૂટકો નથી હોતો એટલે એ લોકો આ ગોળીઓ ગળી જાય, પણ સામાન્ય લોકો આ ગોળીઓ નથી ગળતા. એ લોકો આ બધી વાતોનો જવાબ પણ આપી જ દેતા હોય છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન ને છત્તીસગઢમાં એ થયું જ ને?

Related posts

સાઉદીમાં સુધારાનો પવન ફુંકાયો

aapnugujarat

એક દેશ અનેક ચહેરાઃ મજાનો આપણો દેશ

aapnugujarat

કાર્ડિયેક અરેસ્ટ કોઇ પણ વયમાં થઇ શકે છે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1