Aapnu Gujarat
બ્લોગ

મિશેલ કાચો ખેલાડી નથી….

કૉંગ્રેસના શાસન વખતે થયેલાં એક-એકથી ચડિયાતાં કૌભાંડોમાં સાવ ફાસફૂસિયું ગણાય એવા અગસ્ટાવેસ્ટલેન્ડ કૌભાંડના વચેટિયા ક્રિશ્રિ્‌ચયન મિશેલને ભારત લવાયો એ સાથે બરાબરનું ઘમસાણ જામ્યું છે. ભાજપને કૉંગ્રેસને અને ખાસ તો સોનિયા-રાહુલને ભાંડવા માટે બહુ મોટો મુદ્દો મળી ગયો છે તેથી ભાજપવાળા બરાબરના મચી પડ્યા છે. સામે કૉંગ્રેસે પણ હાકલાપડકારા કરવા માંડ્યા છે. ભાજપ રાફેલ સોદામાં ભેરવાયેલો છે તેથી લોકોનું ધ્યાન બીજે વાળવા આ બધા ઉધામા કરે છે એવો બચાવ કૉંગ્રેસ એક તરફ કરી રહી છે તો બીજી તરફ સોનિયા ગાંધીની સંડોવણીના પુરાવા હોય તો એ લોકો સામે મૂકે ને સોનિયાને જેલભેગાં કરે એવી પડકાર પણ કૉંગ્રેસ ફેંક્યો છે. આપણે ત્યાં કોઈ પણ મુદ્દો બહુ જલદી રાજકીય રૂપ ધારણ કરી લે છે ને દેશનું હિત બાજુ પર રહી જાય છે. આ કિસ્સામાં પણ એવું થયું જ છે ને મૂળ મુદ્દો બાજુ પર મુકાઈ ગયો છે. મૂળ મુદ્દો વીવીઆઈપીઓને હરવાફરવા માટે અગસ્ટાવેસ્ટલેન્ડ કંપનીએ આપણને હેલિકોપ્ટર્સ ભટકાડી દેવા જે સોદો કરેલો તેમાં છૂટે હાથે વેરેલાં નાણાં કોને મળેલો તેનો છે. આ મામલે કશું નક્કર સામે આવતું નથી ને બીજી બધી પંચાત થયા કરે છે. આ પંચાત ક્યાં લગી ચાલશે એ ખબર નથી ને ખરેખર સત્ય સામે આવશે કે નહીં એ પણ ખબર નથી. અત્યારે ભાજપ ને કૉંગ્રેસ બંને સામસામા આક્ષેપો કરે છે. તેમાં પણ સાચું કોણ એ ખબર નથી પણ કૉંગ્રેસમાં ગભરાટ છે એ દેખીતું છે. અગસ્ટાકાંડ સાથે સંકળાયેલી પણ લોકોનું તેની તરફ બહુ ધ્યાન નથી ગયું એવી એક ઘટના તેનો પુરાવો છે. કૉંગ્રેસમાં અલ્જો કે જોસેફ નામના એક નેતા છે, બલ્કે હતા કેમ કે કૉંગ્રેસે હવે તેમને તગેડી મૂક્યા છે. જોસેફ વાસ્તવમા તો યુથ કૉંગ્રેસના નેતા હતા પણ એ બધું એકનું એક. જોસેફ વ્યવસાયે વકીલ છે ને ઈન્ડિયન યુથ કૉંગ્રેસના લીગલ ડિપાર્ટમેન્ટના કર્તાહર્તા હતા. મિશેલને ભારતને સોંપાયો પછી તેના વકીલ તરીકે આ જોસેફ હાજર થયેલા. મિશેલના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા એ કેસમાં જોસેફ તેમના વકીલ હતા. કૉંગ્રેસને આ વાતની ખબર પડી ને તેમણે જોસેફને લાત મારીને તગેડી મૂક્યા. કૉંગ્રેસનું કહેવું છે કે, જોસેફે પક્ષના મોવડીઓને પૂછ્યા વિના જ મિશેલનો બચાવ કરેલો. જોશેફનું કહેવું છે કે, પોતે કૉંગ્રેસના નેતા છે એ અલગ વાત છે ને વકીલ છે એ વાત અલગ છે. પોતે કોઈની વકીલાત કરે તેમાં પક્ષને પૂછવાનું ના હોય એવી તેમની દલીલ છે. કૉંગ્રેસને આ દલીલ માફક નથી આવી ને તેણે જોસેફને તગેડી મૂક્યા. જોસેફે જે કર્યું એમાં કશું નવું નથી. આ પહેલાં કૉંગ્રેસના કેટલાય નેતા કુખ્યાત ગુનેગારોના કેસ લડી ચૂક્યા છે. કપિલ સિબલ ને ચિદમ્બરમ તો છાસવારે છાપેલાં કાટલાંના કેસ લડે છે પણ કદી કૉંગ્રેસે તેની સામે વાંધો નથી લીધો કે તેમને તગેડી મૂક્યા નથી. ભાજપ સહિતના વિરોધ પક્ષોએ પણ તેની સામે વાંધો નથી લીધો કેમ કે ભાજપમાં પણ આ જ હાલત છે.
અરૂણ જેટલી જેવા ટોચના નેતા આ રીતે બધાંના કેસ લડે જ છે. જેટલી તો આપણી માધુપુરા બેંકને ઉઠાડી મૂકનારા મહાકૌભાંડી કેતન પારેખનો કેસ લડેલા. ભાજપે એ વખતે એ જ દલીલ કરેલી કે, તેમના વ્યવસાય ને રાજકારણ બંને અલગ છે. હવે કૉંગ્રેસને અચાનક જ નીતિમત્તા યાદ આવી ને તેણે જોસેફને તગેડી મૂક્યા. કારણ ? કારણ મિશેલ સળગતું લાકડું છે ને કાલે એવું આળ આવી જાય કે, જોસેફ તો રાહુલ કે સોનિયાના કહેવાથી મિશેલના બચાવમાં ઉતરેલો. કૉંગ્રેસ કોઈ રીતે પોતાનું નામ અગસ્ટા કૌભાંડ સાથે જોડાય એમ નથી ઈચ્છતી તેથી તેણે જોસેફને તગેડીને હાથ ખંખેરી નાખ્યા ને પાણી પહેલાં પાળ બાંધી દીધી. કૉંગ્રેસ આ કૌભાંડથી ગભરાયેલી છે તેનો આ પુરાવો છે. આ ડખાપંચક વચ્ચે એક બીજી મહત્ત્વની ઘટના તરફ પણ લોકોનું ધ્યાન જાય એ જરૂરી છે. મિશેલ બ્રિટિશ નાગરિક છે ને બ્રિટન સહિતના દેશો પોતાના નાગરિકોના મામલે બહુ સંવેદનશીલ હોય છે. આપણ ત્યાં દેવના દીધેલા બહુ છે એટલે માણસોની કંઈ કિંમત નથી. આપણો કોઈ નાગરિક વિદેશમાં જેલભેગો થાય તો દિવસો લગી તેની કોઈ ભાળ લેનારું હોતું નથી. આપણા સેંકડો જવાનો વર્ષો લગી પાકિસ્તાનની જેલોમાં સબડી સબડીને મરી ગયા. તેમનાં સગાં અહીં માથા પટકી પટકીને થાકી ગયાં પણ તેમના માટે સરકાર કશું કરતી નથી ત્યારે સામાન્ય નાગરિકોની તો કોણ કાળજી લે ? ટૂંકમાં આપણો કોઈ નાગરિક વિદેશમાં જેલભેગો થયો તો ગયો જ સમજો. તેના નામનું નાહી જ નાંખવાનું ને તેના નસીબ પાધરાં હોય તો એ પાછો આવે, બાકી મોંકાણના સમાચાર જ આવે. બ્રિટન સહિતના સુધરેલા ગણાતા દેશો પોતાના નાગરિકોની બહુ કાળજી લે છે ને બીજા કોઈ દેશમાં તેમને જરાક પણ તકલીફ પડે તો તરત જ મેદાનમાં આવી જાય છે. મિશેલના મામલે પણ એવું જ થયું છે ને તેને ભારતમાં લવાયાને ૧૨ કલાક પણ નહોતા થયા ત્યાં તો ભારતના ખાતેના બ્રિટનના હાઈ કમિશનરે આપણી સરકારને કાગળ ફટકારી દીધો. આ કાગળમાં તેમણે માગણી કરી છે કે, મિશેલને બ્રિટિશ હાઈ કમિશનના અધિકારીઓ મળી શકે તેની મંજૂરી આપો ને એ પોતાનો કેસ બરાબર રીતે લડી શકે તે માટે તેને પૂરતી કાનૂની મદદ મળે તેવી ગોઠવણ અમને કરવા દો. આપણે ત્યાં સરકારી તંત્ર કાચબાની ગતિએ ચાલે છે તેથી હાઈ કમિશનરની આ અરજીના મામલે હજુ કશો નિર્ણય લેવાયો નથી પણ આજે નહીં તો કાલે આપણે નિર્ણય લેવો જ પડશે કેમ કે આ બધા સુધરેલા દેશો ઝાલ્યું પૂંછડું છોડવામાં માનતા નથી. એ લોકો ટકટક કર્યા જ કરશે એટલે આપણે નિર્ણય લેવો જ પડશે. અત્યારે આપણી સરકાર મિશેલને કોઈને મળવા ના દે ને પોતાની રીતે તેની પૂછપરછ કર્યા કરે એવું બને. એ સંજોગોમાં પણ મિશેલને અંદર રાખવા માટે નક્કર પુરાવા તો આપણે શોધવા જ પડે. જે રીતે આપણે અહીં બીજા ગુનેગારોને તારીખ પે તારીખ કરાવી કરાવીને અંદર રાખીએ છીએ એ રીતે મિશેલને બહુ લાંબો સમય લગી અંદર નહીં રાખી શકાય. આ સંજોગોમાં ભાજપ સરકાર માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ છે.
મિશેલને અંદર રાખી શકાય એવા પુરાવા જેમ બને એમ જલદી શોધવા જ પડે. એ કામ પણ સહેલું તો નથી જ કેમ કે મિશેલ પણ કાચો ખેલાડી નથી જ. એ સાડા ત્રણસો કરોડ રૂપિયા ઓહિયાં કરીને બેઠો છે એટલે તેને પણ પોતાનો દલ્લો લૂંટાઈ ન જાય તેની ચિંતા હોય જ. આ સંજોગોમાં એ પણ જલદી હાથ મૂકવા જ ના દે. સીબીઆઈ માટે તકલીફ એ પણ છે કે, મિશેલ કંઈ હાલીમવાલી નથી કે તેને ધોલધપાટ કરીને ધાર્યું નિવેદન લખાવી લેવાય કે કબૂલાત કરાવાય. તેને હાથ પણ અડાડો તો બ્રિટન હોહા કરી નાંખે ને આંતરરાષ્ટ્રીય સ્તરે મુદ્દો પણ ઉઠાવે જ. ભારત અમારા નાગરિકની ખોટી કનડગત કરે છે એવી હોહા કરી મૂકે ને માનવાધિકારના નામે આપણી બજાવવામાં એ કોઈ કસર ના છોડે. તેની સામે ઝીંક ઝીલવાનું આપણું ગજું નથી જ એ પણ વાસ્તવિકતા છે.

Related posts

MORNING TWEET

aapnugujarat

પર્યાપરણનું સંતુલન જરૂરી બન્યું

aapnugujarat

विश्वभर में छह महीने में रोबोट द्वारा ८ लाख ओपरेशन हुए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1