Aapnu Gujarat
ગુજરાત

૨૬૦ કરોડનાં કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી છ દિવસના રિમાન્ડ પર

રાજ્યમાં ચકચાર મચાવનારા ર૬૦ કરોડ રૂપિયાના ચકચારભર્યા ઠગાઇ કૌભાંડના માસ્ટર માઇન્ડ વિનય શાહની પત્ની ભાર્ગવી શાહ ગઇકાલે સીઆઇડી સમક્ષ નાટકીય ઢબે હાજર થઇ ગઇ હતી. પોલીસે આજે તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરી હતી અને તેના ૧૪ દિવસના પોલીસ રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસની રિમાન્ડ અરજી ધ્યાને લઇ કોર્ટે ભાર્ગવી શાહના છ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. હવે પોલીસ રિમાન્ડ દરમ્યાન ભાર્ગવી શાહની પૂછપરછ દરમ્યાન આ સમગ્ર કૌભાંડમાં નવા ચોંકાવનારા ખુલાસા સામે આવવાની શકયતા છે. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ હવે પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રસિંહ રાજપૂત અને તેમના પુત્ર સ્વપ્નિલ રાજપૂતની ભાગીદારી મામલે પણ પૂછપરછ કરવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે. તો આ સિવાય વિનય શાહની કથિત સ્યુસાઇડ નોટ તેમજ ઓડીયો ક્લીપમાં ક્રાઇમ બ્રાંચના વડા જે.કે.ભટ્ટ સહિત જેના પર તોડ કરવાના આરોપ છે તે મામલે પણ પૂછપરછ કરવામાં આવશે. વિનયના એજન્ટ ક્યાં છે તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ થશે. કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી શાહ ગઇ કાલે સી.આઈ.ડી. ક્રાઈમની ગાંધીનગર ખાતેની ઓફિસમાં નાટકીય ઢબે હાજર થઇ હતી. આ કેસમાં વિનયના એજન્ટો દાનસિંહ વાળા અને પ્રગતિ વ્યાસ વોન્ટેડ છે. વિનય શાહની નેપાળમાં ધરપકડ પછી ભાર્ગવી હાજર થઇ છે. ભાર્ગવી શાહ હાજર થયા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી અને પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમે આજે ભાર્ગવી શાહને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, આરોપી ભાર્ગવી અત્યાર સુધી ક્યાં હતી, તેણે કોને ત્યાં આશરો લીધો હતો, તેને કોણે મદદ કરી વગેરે દિશામાં તપાસ હાત ધરવાની છે. વિનય અને ભાર્ગવી એકબીજાના સંપર્કમાં હોવાનું પણ પોલીસ કહી રહી છે. વિનય શાહની પત્ની ભાર્ગવી પુત્ર મોનિલના નામે શેરબજારમાં લેવડદેવડ કરતી હતી. ભાર્ગવી અને મોનિલના ડીમેટ એકાઉન્ટની તપાસ કરતા સીઆઈડી ક્રાઈમને જાણવા મળ્યું હતું કે બંનેના ડીમેટ એકાઉન્ટમાં કુલ રૂ. ૧.ર૭ કરોડના શેર હતા, જે ફ્રીઝ કરાયા છે. વિનય શાહની કંપનીના અલગ અલગ બેંક ખાતા છે, જેમાં કુલ બેલેન્સ રૂ.૧૦,૧૮,૦૦પ છે, ભાર્ગવીના ૬ ખાતા છે, જેમાં કુલ બેલેન્સ રૂ.૮,૪૬,૩૯ર છે. અન્ય આરોપી દાનસિંહ વાળા તથા તેના પરિવારના સભ્યોના કુલ ૧૧ અલગ અલગ બેંક ખાતામાં કુલ બેલેન્સ રૂ.ર૯,૭૦,ર૧૩ મળી આવ્યા છે.
આ ખાતાઓ અને રોકાણકારોની રકમ વિશે પણ તપાસ કરવાની છે. વિનય શાહના કૌભાંડનો ભોગ બનેલા અત્યાર સુધીમાં કુલ પપ૮ લોકોએ તેમના નિવેદનો પોલીસ સમક્ષ નોંધાવ્યા છે. અત્યાર સુધીમાં ભોગ બનનાર લોકોને ૪.૮૪ કરોડ કરતા વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. નેપાળના પોખરાથી વિનય શાહ અને તેની મિત્ર-સહેલી ચંદાની નેપાળ પોલીસે વિદેશી ચલણી નોટ સાથે ધરપકડ કરી હતી. વિનય શાહ અને ભાર્ગવી શાહે આર્ચર કેર ડીજી એલએલપી કંપની ખોલી હતી. તેઓ કંપનીની આડમાં પાંચ હજારથી લઇને રપ હજાર રૂપિયા સુધીની રકમ ડીપોઝીટ પેટે લેતા હતા. તેઓ ગ્રાહકોને ઓનલાઇન વેબસાઇટ પર જાહેરાતો જોવાનું કહીને તેના બદલામાં ૧૮ ટકા વળતર દર મહિને આપવાનું કહેતાં હતાં. આ પ્રકારે ઠગ દંપતીએ એક લાખ ગ્રાહકો બનાવીને ર૬૦ કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા.

Related posts

બજેટમાં કોઇ નક્કર પગલાઓ નથી : કોંગ્રેસ

aapnugujarat

ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન

editor

ઈન્કલાબ ઝિંદાબાદ ગ્રુપ દ્વારા કપડાનું વિતરણ કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1