Aapnu Gujarat
ગુજરાત

ગોમતીપુરમાં યુવક ઉપર ગોળીબાર

શહેરના ગોમતીપુર વિસ્તારમાં મારામારી, હત્યાની કોશિશ જેવી ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઇકાલે મોડી રાતે જૂની અદાવતને ધ્યાનમાં રાખીને બે યુવકોએ એક યુવક પર એક રાઉન્ડ ફાયરીંગ કરીને મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં બનાવની ગંભીરતા જોતાં આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. મોડી રાતે થયેલા ફાયરીંગમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે વી.એસ.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર બે રાઉન્ડ ફાયરીંગ થયું છે જ્યારે પોલીસ એક રાઉન્ડ ફાયરીંગ થયું હોય તેવું કહી રહી છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલ નૂરભાઇ ધોબીની ચાલીમાં રહેતા મહંમદ સબીર ઉર્ફે રીઝવાન અંસારીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બે શખ્સ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, ગોમતીપુરમાં નૂરભાઇ ધોબીની ચાલીમાં રહેતો ૩પ વર્ષીય મહંમદ મહેફુઝ ફતેહમહંમદ મનસૂરી તેના મિત્ર સાથે ચાની લારી પર ચા પી રહ્યા હતા તે સમયે નૂરભાઇની ચાલીમાં રહેતો સમીર ઉર્ફે સબ્બીર અલી શેખ અને ગોમતીપુરમાં રહેતો ભૂલનવાઝ સાજિદ અખ્તર બાઇક પર આવ્યા હતા અને મહંમદ મહેફુઝ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બન્ને શખ્સોએ મોઢા પર રૂમાલ બાંધ્યો હોવાથી તેમની ઓળખ થઇ શકી નહીં. મહેફુઝના કાન પર વાગતાં તેને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ફાયરીંગની વાત સામે આવતાં જોઇન્ટ કમિશનર અશોક યાદવ સહિત ડીસીપી, એસીપી અને પીઆઇ સી.બી.ટંડેલ સહિત ગોમતીપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી ગયો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી અને શંકમદ તરીકે સાજિદ, સમીર અને વિકીનાં નામ સામે આવ્યાં હતાં. પરિવારજનોએ પણ આ ત્રણનાં નામ આપ્યાં હતાં. દરમિયાનમાં ખાનગી સૂત્રો દ્રારા પોલીસને જાણવા મળ્યું હતું કે મહેફુઝ પર ફાયરીંગ સમીર ઉર્ફે લખોટો સબ્બીર અલી શેખ અને ભુલનવાઝ સાજિદ અખ્તરે કર્યું છે. પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ અને હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સમીર ધોબીની ચાલીમાં રહે છે અને મહેફુઝ સાથે થોડાક સમય પહેલાં કોઈ કારણસર બબાલ થઇ હતી. સમીરે બબાલનો બદલો લેવા માટે મહેફુઝની હત્યા કરવા માટેનો પ્લાન ઘડ્‌યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર એક રાઉન્ડ ફાયરીંગ થયું છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર બે રાઉન્ડ ફાયરીંગ થયું છે. પોઇન્ટ બ્લેન્ક રેન્જથી થયેલા આ ફાયરીંગમાં મહેફુઝના કાન પર ગોળી વાગી હતી. મહેફુઝ પર ફાયરીંગ કરીને બન્ને શખ્સો બાઇક લઇને નાસી ગયા હતા. હાલ ગોમતીપુર પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે ત્યારે બીજી તરફ પોલીસે એફએસએલની મદદ પણ લીધી છેે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સમીર ઉર્ફે લખોટો સબ્બીર અલી શેખ, ભુલનવાઝ સાજિદ અખ્તર અને વિજય ઉર્ફે વિકી પદમશાળીની ધરપકડ કરી લીધી હતી અને તેઓની પાસેથી દેશી તમંચો, પિસ્તોલ, દસ કાર્ટીસ અને ચપ્તા સહિતના હથિયારો જપ્ત કર્યા હતા.

Related posts

બોપલ – ઘુમા, શેલા સનાથળમાં ઇન્ટેન્સિફાઇડ કોવિડ-૧૯ સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ

editor

બિટકોઇન : જગદીશ પટેલ તેમજ કેતન પટેલને જામીન

aapnugujarat

કોર્પોરેશન વિજળી ઉત્પાદન વધારી ૪૪ મેગાવોટ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1