Aapnu Gujarat
ગુજરાત

સોલા સિવિલ : સીસીટીવી કેમેરા-લિફ્ટ બંધ સ્થિતિમાં

શહેરના એસજી હાઇવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં નઘરોળ તંત્રના કારણે ગેરવ્યવસ્થાના છાશવારે અવનવા ઉદાહરણ પ્રકાશમાં આવી રહ્યાં છે ત્યારે દર્દીઓની સુખ-સુવિધા માટે વિવિદ પ્રોજેક્ટ લાખો રૂપિયાના ખર્ચે અમલમાં મુકાતા હોવા છતાં સત્તાવાળાઓની આળસના કારણે તેનો ખાસ લાભ મળી શકતો નથી. જેનું ઉદાહરણ સોલા સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગ તેમજ જૂના બિલ્ડિંગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળે છે તો બીજી બાજુ હોસ્પિટલની લિફ્‌ટ બંધ હોવાથી દર્દીઓને ૧૦ માળ ચઢીને જવું પડે છે તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. સોલા સિવિલ સત્તાધીશોના અણઘડ આયોજન અને ગંભીર બેદરકારીને લઇ હાલ તો ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓ ભોગ બની રહ્યા છે અને ત્રાહિમામ્‌ પોકારી ઉઠયા છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યની વિવિધ હોસ્પિટલોનું અપગ્રેડેશન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરનાં એસ.જી. હાઇવે પર આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં રૂ. ૮૪ લાખને ખર્ચે આઇસીયુ, સ્પે. રૂમ સાથે વધુ ૧પ૦ પથારીની અદ્યતન સુવિધા સાથેની ૧૦ માળનું ઓપીડી બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, પરંતુ નવા બિલ્ડિંગનું લોકાર્પણ થયું ત્યારથી જ દર્દીઓ હેરાન- પરેશાન થઇ જાય છે, કારણ કે નવા બિલ્ડિંગમાં પાણીના પ્રશ્નનો છેલ્લા કેટલાય સમયથી ઉકેલવામાં નથી આવતો, જેના કારણે બહારથી પાણી લાવવું પડે છે તો બીજી બાજુ નવા બિલ્ડિંગમાં એક્સ-રે મશીન બંધ જેવી અનેક સમસ્યાઓ સર્જાતી રહી છે. નવા બિલ્ડિંગમાં લિફ્‌ટની બહાર માત્ર સ્ટાફને જ લિફ્‌ટનો ઉપયોગ કરવો તેવું બોર્ડ મારવામાંઆવ્યું છે ત્યારે દર્દીઓને ચેક કરવા માટે સીડીઓ ચઢીને જવું પડે છે. તેમજ અનેક વખત સોલા હોસ્પિટલમાં ચોરી, મારામારી જેવા અનેક બનાવ છાશવારે બનતા હોય છે, જેનો ભેદ ઉકેલવામાં પોલીસ લાચાર બની છે, જેનું કારણ માત્ર બંધ પડેલા સીસીટીવી કેમેરા છે ત્યારે નવા બિલ્ડિંગમાં મુકેલા સીસીટીવી માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા જેવા લાગે છે, સીસીટીવી મુકેલા છે પરંતુ કેબલ નાખ્યો નથી, જેથી મોટાભાગના કેમેરા બંધ જોવા મળે છે તો સોલા જૂના બિલ્ડિંગમાં છ લિફ્‌ટ આવેલી છે પરંતુ તેમાંથી માત્ર ને માત્ર બે જ ચાલુ અને તેમાંથી એક લિફ્‌ટ તો ૬ માળ સુધી જ જાય છે.
ડાયાલિસિસના દર્દીઓને ૧૦ માળે ચાલીને જવું પડે છે અનોખ વખત રજૂઆત કરવામાં આવે અને ચાલુ પણ કરવામાં આવે તે થોડા દિવસ પછી જે પરિસ્થતિ હતી તેજ થઇ જાય છે. આમ, સોલા સિવિલ હોસ્પિટલ સત્તાધીશોની ગંભીર ઉદાસીનતા અને બેદરકારીના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓ ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે અને ત્રાહિમામ્‌ પોકારી ઉઠયા છે ત્યારે રાજય સરકારે દરમ્યાનગીરી કરી આ મામલે તાકીદે નિર્દેશોે જારી કરવા જોઇએ.

Related posts

વાતાવરણમાં પલટાને લઇ કેરી પાકને નુકસાનનો ભય

aapnugujarat

ડભોઈના ૮૦૦ વર્ષ જૂના બદ્રીનારાયણ મંદિરના શિખરે સુવર્ણ કળશ બિરાજમાન

editor

મહિસાગરમાં ન્હાવા પડેલા પાંચ યુવાનો ડૂબતા ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1