Aapnu Gujarat
ગુજરાત

કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગને લઇ નવા પ્રશ્નો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાતે આવતાં સેંકડો મુલાકાતીઓને ધ્યાનમાં રાખીને તેની સામે જ કરોડો રૂપિયાના ખર્ચે કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગ ઊભું કરાયું છે, જોકે નાગરિકો અહીંયાં વાહન પાર્ક કરવાનું ટાળે છે. આ માટેનું મુખ્ય કારણ લિફટની સમસ્યા છે. વાહનો માટેની પાર્કિંગ લિફ્ટની કાયમી સમસ્યાને લઇ અહીં આવતા મુલાકાતીઓ અને નાગરિકો વાહન પાર્કિંગ કરવાનું ટાળે છે. આ વિસ્તારમાં પાર્કિંગની આટલી ગંભીર સમસ્યા હોવાછતાં અમ્યુકો તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવતું નથી, તેને લઇને હવે સવાલો ઉઠી રહ્યા છે. કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગની બે લિફટ પૈકી એક લિફટ તો એક અથવા બીજા કારણસર બંધ રહેતી હોઇ લોકો કંટાળીને આવતા નથી. અમ્યુકો તંત્ર દ્વારા રૂ.ર૩ કરોડના ખર્ચે ઊભા કરાયેલા કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગ સંચાલન માટે વપરાતી વીજળી જેટલો ખર્ચ પણ કાઢી શકાતો ન હતો. એક પ્રકારે આ મલ્ટિલેવલ પાર્કિંગ ધૂળ ખાતું પડ્‌યું હતું, જેના કારણે સત્તાવાળાઓએ ગત તા.૩૧ ઓગસ્ટથી એક મહિના માટે લોકોને ફ્રી પાર્કિંગની સુવિધા આપીને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ નવા કોન્ટ્રાક્ટરને કામ સોંપાયું છે. પરંતુ લિફટના પ્રશ્નોના કારણે નાગરિકો કાંકરિયા લેકફ્રન્ટના ગેટનંબર બે સહિતના ફ્રી પાર્કિંગ તેમજ દેડકી ગાર્ડન સહિતના બે પે એન્ડ પાર્કમાં પોતાના વાહન પાર્ક કરી રહ્યા છે. આમ, નાગરિકોને કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગમાં પાર્કિંગ માટે પ્રોત્સાહન આપવાને બદલે તંત્ર-શાસકો ઉદાસીનતા દાખવી રહ્યા છે. બીજી તરફ ગઇકાલે મળેલી રોડ-બિલ્ડિંગ કમિટીમાં ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ સામેના આરોગ્ય ભવનની ચાર લિફટ બોડકદેવના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ હોલની બે લિફટ નવરંગપુરા ફાયર સ્ટેશનની ચાર લિફટ અને સંસ્કાર કેન્દ્ર પાલડીની એક લિફટ મળીને કુલ અગિયાર લિફટનું પાંચ વર્ષ સુધીના મેન્ટેનન્સ પાછળ રૂ.૪૦.૧૯ લાખ ખર્ચવાની લાઇટ વિભાગની એક દરખાસ્તને મંજૂરી અપાઇ હતી. આ તમામ લિફટનો ફ્રી સર્વિસ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોઇ તેના રીપેરીંગમાં મુશ્કેલી પડતી હોઇ ટ્રાયો મેકની લિફટનું મેન્ટેનન્સ પ્રતિવર્ષ પાંચ ટકાના ભાવ વધારાથી ટ્રાયો એલીવેટર કંપની (ઇડિયા)ને સોંપાયું છે. માત્ર કવોટેશનને આધારે કાંઇ જ કોન્ટ્રાક્ટ પેપર કર્યા વગર કે સિક્યોરીટી ડિપોઝીટ વગર ચેરમેન રમેશ દેસાઇની અધ્યક્ષતામાં મળેલી કમિટીએ આ દરખાસ્તને બહાલી આપી છે. જોકે કાંકરિયા મલ્ટિલેવલ પાર્કિંગમાં મહિનાઓ જૂની લિફટની સમસ્યાના નિરાકરણ માટે તેઓ ઉત્સાહી જણાતા નથી. આ અંગે રમેશ દેસાઇ કહે છે, ત્યાં વાહનો પાર્ક કરવા જ કોણ આવે છે. આમ, તંત્રની ઉદાસીનતા અને નિષ્ક્રિયતાને લઇ શહેરીજનો પાર્કિંગ મામલે ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે તે સ્પષ્ટ છે અને તેથી જ હવે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે મલ્ટિલેવલ પાર્કિંગમાં લિફ્ટની કાયમી સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહી લવાતાં હવે તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે.

Related posts

ઘોઘા – હજીરા રો પેક્સ ફેરી સર્વિસ અંગે પત્રકાર પરિષદ સંબોધતા સાંસદ ભારતીબેન શિયાળ

editor

ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવા કિસાન કોંગ્રેસ દ્વારા રજુઆત

editor

સરકારે ટેસ્ટિંગ ૩૦ ટકા ઘટાડી દેતાં કોરોનાના કેસમાં ‘કૃત્રિમ’ ઘટાડો..!?

editor

Leave a Comment

UA-96247877-1