Aapnu Gujarat
ગુજરાત

મગ, અડદની પણ ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે

રાજ્યમાં હાલ ખેડૂતો પાસેથી પ્રતિ ક્વિન્ટલના ૫,૦૦૦ના ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે ત્યારે હવે રાજ્ય સરકારે મગ અને અડદની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. ૧ ડિસેમ્બરથી આ માટે ખેડૂતોની નોંધણી કરાશે અને ૧૦મી ડિસેમ્બરથી ૨૦૧૮થી૨૪મી ફેબ્રુઆરી સુધી ખરીદી કરાશે. રાજ્યભરમાં મગ માટે ૩૦ અને અડદ માટે ૬૨ મળીને કુલ ૯૯ ખરીદકેન્દ્ર શરૂ કરાશે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ ખેતપેદાશના બજારભાવ સતત નીચા જાય છે અને ખેડૂતોને તે ખેતપેદાશ માટેની પડતર જેટલું પણ વળતર મળતું નથી ત્યારે રાજ્ય સરકારના સહયોગથી ભારત સરકાર દેશનાં તમામ રાજ્યો માટે ખેતપેદાશોના ટેકાના ભાવ નક્કી કરે છે. અર્થાત્‌ ટેકાના ભાવથી નીચે તે ખેતપેદાશ વેચી શકાતી નથી. જો એવી સ્થિતિ સર્જાય તો રાજ્ય સરકાર પોતે તે ખેતપેદાશને ટેકાના ભાવે ખરીદે છે. તેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડતો બચે છે. ગુજરાતમાં પહેલાં મગફળીના બજારભાવ સતત નીચા જતાં રાજ્ય સરકારના સહયોગથી ભારત સરકારે પ્રતિ ક્વિન્ટલે ૫,૦૦૦ ટેકાના ભાવ જાહેર કર્યા છે.હવે, મગ-અડદના ભાવ પણ સતત નીચા જતાં સરકારને ફરીથી મગ-અડદના ટેકાના ભાવ જાહેર કરવાની ફરજ પડી છે. તે મુજબ મગ પ્રતિ ક્વિન્ટલના ૬,૯૭૫ અને અડદના પ્રતિ ક્વિન્ટલના ૫,૬૦૦ ટેકાના ભાવ જાહેર કર્યા છે. સરકારે જાહેર કર્યું છે કે, જે ખેડૂતો મગ અને અડદને ટેકાના ભાવે વેચવા માંગતા હોય તેમણે ફરજિયાતપણે ૧ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર દરમિયાન ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે ખેડૂતોએ ચાલુ વર્ષના મગ-અડદના વાવેતરના ઉલ્લેખ સાથેના ૭-૧૨, ૮-અના ઉતારા, આધાર નંબર અને બેંકોની વિગતો રજૂ કરવાની રહેશે. જો ઉતારામાં વાવેતરનો ઉલ્લેખ ન હોય તો, તલાટી અથવા ગ્રામસેવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલાં ધારાધોરણો મુજબ ફેર એવરેજ ક્વોલિટી મુજબની ખરીદી કરાશે.રાજ્ય સરકારના દાવા પ્રમાણે ૧૫મી નવેમ્બરથી ૨૮મી નવેમ્બર સુધીમાં રાજ્યભરના ૨૦,૪૬૨ ખેડૂત પાસેથી ૪,૦૯,૮૨૫ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે.

Related posts

રાજ્યમાં વરસાદ ખેંચાશે

editor

ध्रांगध्रा -अहमदाबाद हाइवे पर ट्रक और कार के बीच दुर्घटना में दो की मौत

aapnugujarat

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિરમગામ ખાતે સામાજિક સદભાવ બેઠક યોજાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1