Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કાશ્મીર સરહદે પાક.નાં સ્નાઈપર એટેક શરૂ, ચાર જવાનો શહીદ

જમ્મુ-કાશ્મીરનાં પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીકનાં વિસ્તારમાં પાકિસ્તાની સ્નાઈપરના ફાયરિંગમાં ગઈ કાલે વધુ એક સૈનિક શહીદ થઈ ગયો હતો અને એકને ગંભીર ઈજાઓ થઈ છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યાં અનુસાર પાકિસ્તાની સ્નાઈપર્સ સતત ભારતીય જવાનોને નિશાન બનાવી રહ્યાં છે અને છેલ્લા ચાર દિવસમાં જ ચાર જવાન સ્નાઈપરની ગોળીઓથી શહીદ થયાં છે.સરહદ પર પહેલી વાર પાકિસ્તાન આ રીતે સ્નાઈપર તહેનાત કરીને ભારતીય સેનાનાં જવાનો પર હુમલા કરી રહ્યું છે. સૂત્રોનાં જણાવ્યાં પ્રમાણે આ સ્નાઈપર એટેક પાછળ પાકિસ્તાનની કોઈ નાપાક ચાલ હોવાનો અંદેશો છે. ગુપ્તચર એજન્સીઓનાં ચોંકાવનારા અહેવાલો અનુસાર પાકિસ્તાન સતત આ પ્રકારનાં સ્નાઈપર એટેકથી ભારતીય જવાનોનું ધ્યાન બીજી તરફ ખેંચી રહ્યું છે અને આ એટેકની આડમાં સરહદેથી મોટા પાયે આતંકીઓની ઘૂસણખોરી કરાવવાની કોશિશ થઈ રહી છે.ગત શનિવાર અને રવિવારે પણ રાજૌરી જિલ્લામાં સુંદરબની અને નૌશેરા સેક્ટરમાં બે સૈનિક પાકિસ્તાની સ્નાઈપરની ગોળીનો શિકાર બન્યાં હતાં, જ્યારે એક દિવસ પહેલાં જ આ પ્રકારના સ્નાઈપર એટેકમાં જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં સેનાના એક પોર્ટરનું મોત થયું હતું. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનું ષડ્યંત્ર રચ્યા બાદ પાકિસ્તાને ફરીથી એક વખત જમ્મુ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં સતત ફાયરિંગ શરૂ કરી દીધું છે.ખાસ કરીને નિયંત્રણ રેખાની નજીકનાં વિસ્તારને મુખ્ય ટાર્ગેટ બનાવવામાં આવ્યાં છે. પાકિસ્તાની રેન્જર્સ તેમનાં સ્નાઈપર્સને સતત કવર આપી રહ્યાં છે, આ કારણે તેમને શોધીને ઠાર મારવા હાલ શક્ય નથી. ભારતીય સેનાનાં પ્રવક્તાએ જણાવ્યું કે સોમવારે સાંજે નિયંત્રણ રેખા પર કૃષ્ણા ઘાટી સેક્ટર (મેંઢર)માં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, તેમાં એક જવાન શહીદ થયો હતો.લાન્સ નાયક એન્ટોની સેબસ્ટિયન કે.એમ. સ્નાઈપર એટેકમાં ગંભીર રીતે ઘવાયા હતા અને બાદમાં તેમનું મોત થયું હતું. હવાલદાર મારી મુથુ ડી. ફાયરિંગમાં ગંભીર રીતે ઘવાયા હતાં અને તેમને સારવાર માટે સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ અગાઉ રવિવારે પણ રાજૌરી જિલ્લામાં એલઓસી પર પાકિસ્તાની સ્નાઈપરે સેનાનાં જવાનને ગોળીઓ મારી હતી.એ હુમલામાં મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લાનાં શ્રીરામપુર ગામનાં નિવાસી નાયક ગોસાવી કેશવ સોમગીર શહીદ થયાં હતાં. નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી સતત થઈ રહેલા ફાયરિંગ અને સ્નાઈપર એટેકને ધ્યાનમાં રાખીને બીએસએફ અને સેનાને સંવેદનશીલ ક્ષેત્રોમાં એલર્ટ રહેવાનાં આદેશ જારી કરવામાં આવ્યાં છે. પાકિસ્તાન છેલ્લા એક સપ્તાહથી જે રીતે સરહદે અને ખાસ કરીને એસઓસી પર ફાયરિંગ કરી રહ્યું છે તે જોતાં સેનાનાં અધિકારીઓ કોઈ મોટા ષડ્યંત્રની આશંકા વ્યક્ત કરી રહ્યાં છે.

Related posts

કલમ ૩૫એ ઉપર સુનાવણી ટળી

aapnugujarat

ત્રિપુરા, મિઝોરમ અને આસામમાં પુરની પરિસ્થિતિ

aapnugujarat

છત્તીસગઢને આઈઆઈટી સહિત ૨૨,૦૦૦ કરોડની મોદીની ભેટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1