Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ટિ્‌વટરને મોદી સરકારનું અલ્ટિમેટમ : વાંધાજનક પોસ્ટ હટાવો નહીં તો કાર્યવાહી

વાંધાજનક ટિ્‌વટ સમયસર નહીં હટાવવા બદલ કેન્દ્રની મોદી સરકારે માઈક્રો બ્લોગિંગ વેબસાઈટ ટિ્‌વટરને આકરી ચેતવણી આપી છે. ગૃહ સચિવ રાજીવ ગૌબાએ ટિ્‌વટરનાં વરિષ્ઠ અધિકારીઓને બોલાવીને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે જો તપાસ એજન્સીઓની વારંવારની વિનંતી પછી પણ જો વાંધાજનક ટિ્‌વટને તાત્કાલિક અસરથી હટાવવામાં નહીં આવે તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ગૃહ સચિવે ટિ્‌વટરને વાંધાજનક ટિ્‌વટ તાત્કાલિક હટાવવા માટે યોગ્ય સિસ્ટમ તૈયાર કરવા પણ જણાવ્યું છે.ગૃહ મંત્રાલયનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે વાંધાજનક ટિ્‌વટ નહીં હટાવવાનાં મુદ્દે તપાસ અને સુરક્ષા એજન્સીઓની ફરિયાદને ધ્યાનમાં રાખીને ગૃહ સચિવ રાજીવ ગૌબાએ ટિ્‌વટરનાં સુરક્ષા અંગેનાં મુદ્દાનાં ગ્લોબલ હેડ વિજયા ગડ્ડે અને ભારતીય પ્રતિનિધી મહિમા કૌલને મળવા બોલાવ્યા હતાં.બંને અધિકારીઓ સામે તમામ તથ્ય મૂકીને ગૃહ સચિવે જણાવ્યું હતું કે તપાસ એજન્સીઓ તરફથી કાયદાકીય પ્રક્રિયા હેઠળ કરવામાં આવેલી વિનંતીઓ છતાં પણ ટિ્‌વટર વાંધાજનક ટિ્‌વટ હટાવી રહ્યું નથી. આ પ્રકારની કુલ વિનંતીઓમાંથી ફક્ત ૬૦ ટકા પર જ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી પણ યોગ્ય સમય પર કરવામાં આવી નથી અને તેમાં ઘણો વિલંબ થયો છે.ગૃહ સચિવે ઉદાહરણ તરીકે દિલ્હી પોલીસે કરેલી વિનંતી રજૂ કરી હતી, જેમાં એક ટિ્‌વટમાં હિંસા ભડકાવવાની વાત કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે કાયદાકીય પ્રક્રિયા હેઠળ ટિ્‌વટરને આ ટિ્‌વટ હટાવવા વિનંતી કરી હતી, પરંતુ આ ટિ્‌વટને સંપૂર્ણ રીતે હટાવવામાં આવી નહોતી. તેનો ફક્ત થોડો ભાગ હટાવીને સંતોષ માની લેવામાં આવ્યો હતો અને આ કાર્યવાહીમાં પણ ઘણો સમય લાગ્યો હતો.
રાજીવ ગૌબાએ ટિ્‌વટરને ભારતમાં ચોવીસ કલાક કામ કરે તેવી સિસ્ટમ સુનિશ્ચિત કરવા પણ આદેશ આપ્યા છે. વાંધાજનક ટિ્‌વટ ફરિયાદ મળે તેના થોડા સમયમાં જ હટાવી લેવી જોઈએ તેવી સ્પષ્ટ વાત પણ તેમણે કરી હતી. આ સાથે જ ભારતમાં એક સંપર્ક અધિકારીને પણ નિયુક્ત કરવા જણાવાયું હતું. આ અધિકારીએ સતત તપાસ અને સુરક્ષા એજન્સીઓનાં સંપર્કમાં રહેવું પડશે અને તેમને પૂરો સહયોગ આપવો પડશે.સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ગૃહ સચિવ આ વર્ષનાં જૂન મહિનાથી સતત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે વાતચીત કરીને વાંધાજનક કે ફેક ન્યૂઝ જેવી સામગ્રી તાત્કાલિક હટાવવા અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા વારંવાર વિનંતી કરી ચૂક્યા છે.ટિ્‌વટરની સાથે સાથે યુટ્યૂબ, વોટ્‌સએપ, ઈન્સ્ટાગ્રામ સહિતના તમામ સોશિયલ મીડિયા કંપનીનાં અધિકારીઓ સાથે તેમણે આ મુદ્દે બેઠક કરી હતી. ત્યાર બાદ વોટ્‌સએપ દ્વારા ફેક ન્યૂઝ રોકવા માટે અનેક અસરકારક પગલાં ભરવામાં આવ્યા હતા. ટિ્‌વટરે સરકારની કોઈ વિનંતીને ગંભીરતાથી ન લેતાં આખરે તેમને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.

Related posts

શિક્ષણ પર ખર્ચને વધારી છ ટકા કરવાની તાકીદની જરૂર નીતિ આયોગ

aapnugujarat

राजस्थान में 6 वर्षीय मासूम के साथ दुष्कर्म के बाद हत्या

aapnugujarat

2 આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1