Aapnu Gujarat
Uncategorized

ગીરની દલખાણિયા રેન્જમાં બે સિંહણના મોત

ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સીલસીલો યથાવત્‌ રહેવા પામ્યો છે. દલખાણીયા રેન્જ હેઠળ રહેલા ૭ સિંહણોનું રેસ્કયુ કરી જસાધાર રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ તેમાં વધુ બે સિંહણનું સારવાર દરમિયાન મોત નીપજતા ગીરમાં સિંહોનો કુલ મૃત્યુઆંક ૧૬ થયો છે, જેને પગલે રાજયભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હજુ ગઇકાલે જ વનમંત્રી ગણપત વસાવાએ સિંહોના મોતને લઇને સમગ્ર મામલે વનવિભાગનો બચાવ કર્યો હતો. એટલું જ નહી, વન વિભાગની ટીમ દિવસ-રાત દોડધામ કરી રહી છે અને સબ સલામતના દાવા કર્યા હતા પરંતુ વન વિભાગની દોડધામ વચ્ચે પણ સિંહોના મોત નીપજી રહ્યા હોઇ સરકાર અને વનવિભાગની કામગીરી અને ભૂમિકાને લઇ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને પ્રકૃતિ પ્રેમીઓ અને વન્ય પ્રેમીઓમાં આ સમગ્ર મામલે ઉંડી અને ઝીણવટભરી તટસ્થ તપાસની માંગણીઓ ઉઠી રહી છે. ગીર પંથકમાં વધુ બે સિંહણના મોત મામલે જસાધાર રેન્જના આરએફઓ પંડ્‌યાએ જણાવ્યું હતું કે, દલખાણીયા રેન્જમાંથી ૭ સિંહણ અને એક સિંહબાળનું રેસ્ક્યુ કરી સારવાર માટે જસાધાર રેન્જમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી ગઇકાલે સવારે બે સિંહણના મોત નીપજતા હાલ એક સિંહબાળ અને પાંચ સિંહણ સારવાર હેઠળ છે. સિંહોના મોતના પગલે વનમંત્રી ગણપત વસાવા જસાધાર એનિમલ સેન્ટર ખાતે દોડી આવ્યા હતા અને દુખ વ્યક્ત કરી સિંહોના મોત કેમ અટકે તે અંગે વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સિંહોના મૃત્યુ મામલે વન વિભાગે શું કામગીરી કરી ખાસ કરીને વન વિભાગે કેવી રીતે સમગ્ર ગીરમાં તમામ સિંહોની તપાસ કરી અને હવે કંઇ ચિંતાજનક નથી તેવા દાવા સાથેની માહિતી મીડિયામાં આપી હતી પરંતુ સિંહોના મોતનો સિલસિલો યથાવત રહેતા ભારે ચકચાર મચી ગઇ હતી. વધુ બે સિંહણના મોતને પગલે હવે વન વિભાગ દ્વારા સિંહોના મૃત્યુ અંગે વન વિભાગની કામગીરી વિશેની પ્રેસનોટ રિલીઝ કરવાનું બંધ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ પહેલા, અગ્ર મુખ્ય વન સરંક્ષક (વન્યપ્રાણી), અક્ષયકુમાર સક્સેનાની યાદીમાં જણાવાયું હતુ કે, દલખાણિયા રેન્જમાંથી સાત સિંહોને રેસ્ક્યુ કરી જસાધાર ફોરેસ્ટ સેન્જમાં રાખવામાં આવ્યા છે. આ સિંહોની તબિયત સારી છે પણ સાવચેતીની ભાગરૂપે જ આ સિંહોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. અહીં સવાલ એ થાય છે કે, જો એ સાત સિંહોની તબિયત સારી હતી અને માત્ર સાવચેતીના ભાગરૂપે જ સિંહોને જસાધાર રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા તો પછી એ સારી તબિયતવાળા સિંહો કેમ મૃત્યુ પામ્યા? જે બે સિંહોના મૃત્યુ થયા તે સિંહોના કારણો શું હતા અને તેમને દલખાણિયાથી જ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા કે અન્ય કોઇ રેન્જમાંથી ? તા.૧૨ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન કુલ ૧૬ સિંહોનાં મોત થયા છે. ૩૫થી વધુ સિંહોનેં દલખાણિયા રેન્જમાંથી રેસ્ક્યુ કરી અલગ-અલગ રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર અને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. વન્યપ્રાણી સરંક્ષણના સંદર્ભમાં આ આંકડો જરૂર ચિંતાજનક કહેવાય. કેમ કે, એક રેન્જમાં ૧૬ સિંહોના મોત થાય અને બીજા ૩૫ જેટલા સિંહોને આ જ રેન્જમાંથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવે એ ઘટના સામાન્ય તો નથી જ. બીજીબાજુ, ધારી નજીક આવેલા જીરા રેન્જનું ત્રંબકપુર ગામે ૫ સિંહોના મોતની આશંકા સેવાઇ રહી છે. રાણવા ડેમ નજીક ૫ સિંહોના મોત થયાની આશંકા સેવવામાં આવી છે. પરંતુ હજી સુધી વન વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. આ તમામ આશંકાઓ વચ્ચે વનવિભાગ પણ નવા ડેવલપમેન્ટને લઇ દોડતું થયું છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

એક અઠવાડિયામાં એકવાર તો જંકફુડ ખાવું જ જોઈએ, આ રહ્યું મહત્વનું કારણ

aapnugujarat

જામનગરમાં જીઆઈડીસી વિસ્તારના ગૌશાળામાં આગ

editor

પ્રૌઢનું અપહરણ બાદ ગોળી મારી હત્યા કરાતા ધોરાજી પંથકમાં ખળભળાટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1