અરૂણાચલ પ્રદેશનાં વતની અંશૂ જામસેન્પાએ પાંચ દિવસમાં બીજી વખત માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરી બતાવીને રેકોર્ડ સર્જ્યો છે.બે સંતાનનાં માતા અંશૂએ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને એક જ મોસમમાં બે વખત સર કરી બતાવીને મહિલાઓનો વિશ્વવિક્રમ કર્યો છે.૩૭ વર્ષીય અંશૂ આ જ મોસમમાં આજે સ્થાનિક સમય મુજબ સવારે ૮ વાગ્યે એવરેસ્ટની ટોચ પર પહોંચ્યાં હતાં અને ત્યાં ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. તેઓ પાંચ દિવસમાં આ બીજી વખત એવરેસ્ટની ટોચ પર પહોંચનાર પહેલા મહિલા બન્યાં છે.અંશૂ ૮,૮૪૮ મીટર (૨૯,૦૨૮ ફૂટ) ઊંચા શિખરને સર કરીને ગયા મંગળવારે પાછાં આવ્યાં હતાં અને થોડોક આરામ કરીને તરત જ પાછાં ટોચ તરફ જવા રવાના થયાં હતાં.
ડ્રીમ હિમાલયા એડવેન્ચર્સે કહ્યું કે અંશૂ જામસેન્પાએ એક જ મોસમમાં બે વાર અને પાંચ દિવસમાં બે વાર શિખર સર કરીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે.એવરેસ્ટ શિખર સંમેલન એસોસિએશનનાં મહામંત્રી લાખપા રાંગડુ શેરપાએ એવરેસ્ટના બેઝ કેમ્પ ખાતે આજે સવારે અંશૂ જામસેન્પાનાં રેકોર્ડની જાહેરાત કરી હતી.ગિનેસ વર્લ્ડ રેકોડ્ર્સમાં નોંધ મુજબ, એવરેસ્ટ શિખર એક જ સપ્તાહમાં બે વાર સર કરવાનો આ પહેલાંનો મહિલાઓનો રેકોર્ડ નેપાળી પર્વતારોહક ચૂરિમ શેરપાને નામે હતો. એમણે ૨૦૧૨માં આ રેકોર્ડ નોંધાવ્યો હતો અને ત્યારે તેઓ આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનાં પહેલાં જ મહિલા બન્યાં હતાં.અંશૂ જામસેન્પાએ આ પાંચમી વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે અને તે પણ એક રેકોર્ડ બન્યો છે.૨૦૧૧ના મે મહિનામાં તેઓ બે વખત એવરેસ્ટની ટોચ પર પહોંચ્યાં હતાં. ત્યારબાદ ૨૦૧૩ના મે મહિનામાં એમણે ત્રીજી વખત એવરેસ્ટ સર કર્યું હતું. હવે આ વખતે એમણે ફરી મે મહિનામાં એક જ અઠવાડિયામાં બે વાર શિખર સર કરવાની સિદ્ધિ હાંસલ કરી છે.