શિક્ષક ભરતી કૌભાડમાં દોષી સાબિત થયેલાં અને તિહાડ જેલમાં ૧૦ વર્ષની સજા ભોગવી રહેલાં હરિયાણાના પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાનું વધુ એક જુઠ્ઠાણું સામે આવ્યું છે. હાલમાં જ મીડિયામાં એવી વાત સામે આવી હતી કે, તેમણે તિહાડ જેલમાંથી ધોરણ ૧૨ની પરીક્ષા પાસ કરી છે.
આ નિવેદન તેમના જ દીકરા દ્વારા આપવામાં આવ્યું હતું. જોકે નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ચૌટાલાએ ધોરણ ૧૨ નહીં પણ ધોરણ ૧૦ની પરીક્ષા આપી હતી અને પરિણામ આવવા હજુ બાકી છે.ઉલ્લેખનીય છે કે, ઓમપ્રકાશ ચૌટાલાના પુત્ર અભય ચૌટાલાએ એક અખબારને ૧૬ મેએ આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું તેમના પિતાએ તિહાડ જેલમાંથી ધોરણ ૧૨ની પરીક્ષા પ્રથમ વર્ગ સાથે પાસ કરી છે. જોકે નેશનલ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા સ્પષ્ટતા કરાયા બાદ જ્યારે અભય ચૌટાલાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મને પરિકીષાના પરિણામ અંગે ખબર નથી. મેં એટલું જ જણાવ્યું છે જે મને ખબર હતી.નેશનલ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન કે. બી. શર્માએ કહ્યું કે, ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામ હજી જાહેર થયાં નથી. આ પરિણામ જૂનમાં આવે તેવી શક્યતા છે. જોકે ચૌટાલાની પરીક્ષાની ખરાઈ કરતા જાણવા મળ્યું કે, તેમણે ધોરણ ૧૦ની પરીક્ષા હિન્દી માધ્યમમાં આપી છે. આ પરીક્ષા દિલ્હીની તિહાડ જેલમાંથી ૬થી ૨૪ એપ્રિલ દરમિયાન આપવામાં આવી હતી.અભય ચૌટાલાએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેમના પિતાએ ૨૩ એપ્રિલના રોજ છેલ્લા પરીક્ષા આપી હતી. તે સમયે તે જામીન પર છૂટ્યાં હતાં. વધુમાં અભય ચૌટાલાએ એમ પમ જણાવ્યું કે, હાલમાં આવેલા પરિણામ અનુસાર તેમના પિતા પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયા છે. તેઓ જેલના પુસ્તકાલયમાં જઈને નિયમિતરુપે અભ્યાસ કરતાં હતાં. તે જેલના અધિકારીઓ પાસે પુસ્તકો મંગાવતા હતાં. ઉપરાંત અનેકવાર તેમણે ઘરેથી પણ પુસ્તકો મંગાવ્યા હતાં.