Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સ્ટાલિન ડીએમકે પ્રમુખ તરીકે ચૂંટાયા

સ્વર્ગસ્થ કરૂણાનિધીના પુત્ર એકે સ્ટાલિન આજે ડીએમકે પ્રમુખ તરીકે બિનહરિફ ચૂંટાઇ આવ્યા બાદ આને લઇને ચાલી રહેલી તમામ પ્રકારની અટકળોનો અંત આવ્યો હતો. આની સાથે જ તમિળનાડુના ઇતિહાસમાં હવે એક નવા યુગની શરૂઆત ડીએમકેમાં થઇ રહી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા એસ દુરાઇમુરુગન પાર્ટીના ખજાનચી બની ગયા ગયા હતા. કરૂણાનિધીના અવસાનના કારણે પાર્ટી પ્રમુખની જગ્યા ખાલી થઇ હતી. વર્ષ ૧૯૬૯ બાદથી કરૂણાનિધી પાર્ટી પ્રમુખ તરીકે રહ્યા હતા. આજે પાર્ટી હેક્વાર્ટસ ખાતે ડીએમકેની જનરલ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. જેમાં પાર્ટીના જનરલ સેક્રેટરી કે. અનબાઝગાને સ્ટાલિન પાર્ટી પ્રમુખ ચૂંટાયા હોવાની જાહેરાત કરી હતી. પાર્ટીના જનરલ સેક્રેટરીએ કહ્યું હતું કે, સ્ટાલિન તરફથી ૧૩૦૭ નોમિનેશન દાખલ કરવામાં આવ્યા હતા. સ્ટાલિન સામે કોઇએ પણ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ન હતી જેના પરિણામ સ્વરુપે સ્ટાલિન બિનહરીફ પાર્ટી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ડીએમકેના નવા પ્રમુખ બની ગયા છે. જનરલ કાઉન્સિલના સભ્યોએ આ જાહેરાતનું સ્વાગત કર્યું હતું. હેડક્વાર્ટરની બહાર એકત્રિત થયેલા પાર્ટીના સેંકડો કાર્યકરોએ ફટાકડા ફોડીને આની ઉજવણી કરી હતી. હકાલપટ્ટી કરવામાં આવેલા નેતા અને તેમના મોટા ભાઈ એમકે અલાગીરી દ્વારા કોઇ બળવો કરવામાં આવ્યો ન હતો. હાલમાં જ અલાગીરીએ દાવો કર્યો હતો કે, કરૂણાનિધિના ઘણા વફાદારો તેમની સાથે છે. સ્ટાલિન હવે રાજ્યના સૌથી પહેલા બે પેટાચૂંટણીમાં મેદાનમાં ઉતરનાર છે જેમાં તેમની કસોટી થશે. જો મદ્રાસ હાઈકોર્ટ દ્વારા અન્નાદ્રમુકના ૧૮ બળવાખોર ધારાસભ્યોને ડિસ્મિસ ઠેરવવાના આદેશને અકબંધ રાખશે તો પેટા ચૂંટણી આવી પડશે. પેટાચૂંટણી સ્ટાલિનની પ્રતિષ્ઠાની પણ ચકાસણી થશે. તમિળનાડુના પાંચ વખતના મુખ્યમંત્રી રહેલા અને કલાઈનારના નામથી લોકપ્રિય ડીએમકેના પ્રમુખ મુથ્થુવેલ કરૂણાનિધિનું સાતમી ઓગષ્ટના દિવસે સાંજે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં ૯૪ વર્ષની વયે અવસાન થતાં તેમના લાખો સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. કરૂણાનિધી આશરે છ દશક સુધી રાજકીય કેરિયરમાં મોટાભાગે તેઓ તમિળનાડુના રાજનીતિમાં મુખ્ય ધ્રુવ તરીકે રહ્યા હતા. ૫૦ વર્ષ સુધી પોતાની પાર્ટીના પ્રમુખ તરીકે રહ્યા હતા. કરૂણાનિધિ પાંચ વખત તમિળનાડુના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. અગાઉ તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રીની તબિયત ખરાબ થતાંની સાથે જ તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા. કરૂણાનિધી છ દશક સુધી રાજનીતિમાં જોરદારરીતે સક્રિય રહ્યા હતા. બહુમુખી પ્રતિભા હોવાના કારણે તેઓ કલાઈનાર તરીકે લોકપ્રિય થયા હતા. દ્રવિડ આંદોલનથી તેઓ રાજકીયરીતે મજબૂત બન્યા હતા. કરૂણાનિધિ તમિળ ભાષા ઉપર ખુબ સારી પકડ ધરાવતા હતા. અનેક પુસ્તકો, ઉપન્યાસો, નાટકો, તમિળ ફિલ્મો માટે સંવાદ લખ્યા હતા. તમિળ સિનેમાથી રાજનીતિમાં એન્ટ્રી કરનાર કરૂણાનિધિ છ દશક સુધી રાજકીય જીવનમાં એક પણ ચૂંટણી હાર્યા ન હતા. કરૂણાનિધીના અવસાન બાદ પાર્ટી પ્રમુખના નામ પર ચર્ચા હતી.

ડીએમકેને મજબૂત રાખવાનો સ્ટાલિન સામે પડકાર
ડીએમકેના પ્રમુખ તરીકે સ્ટાલિનની નિમણૂંક કરવામાં આવ્યા બાદ તેમની સામે હવે અનેક પ્રકારના પડકારો આવી ગયા છે. સૌથી પહેલા કરૂણાનિધિ જેવી મજબૂત છાપ ઉભી કરીને પાર્ટીની અંદર એકતા જાળવવાની બાબત પણ સૌથી મોટી રહેશે. ઉપરાંત પાર્ટીને ચૂંટણીમાં સફળતા અપાવવાની જવાબદારી પણ રહેશે. પાર્ટી હેડક્વાર્ટર ખાતે પહોંચતા પહેલા સ્ટાલિન કરૂણાનિધિના ગોપાલપુરમ આવાસ ઉપર પહોંચ્યા હતા અને માતા દયાલુ અમ્મલના આશીર્વાદ લીધા હતા. પિતાની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તે પહેલા તેઓ ડીએમકેના ધારાસભ્ય અનબિલ મહેશના આવાસ ઉપર પહોંચ્યા હતા. સ્ટાલિન પાર્ટીના યુવા પાંખના સેક્રેટરી તરીકે રહી ચુક્યા છે. ત્યારબાદ પાર્ટીના ડેપ્યુટી જનરલ સેક્રેટરી, ખજાનચી અને કારોબારી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. છેલ્લે પાર્ટી પ્રમુખ તરીકે ચુંટાયા હતા. સ્ટાલિન ૧૯૯૬થી લઇને ૨૦૦૧ સુધી ચેન્નાઈના મેયર રહ્યા હતા. તેમના પિતાની કેબિનેટમાં ગ્રામીણ વિકાસ અને સ્થાનિક વહીવટીતંત્ર માટેના પ્રધાન તરીકે રહ્યા હતા. મે ૨૦૦૯માં તેઓ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. સ્ટાલિન છ અવધિ માટે ધારાસભ્ય તરીકે રહી ચુક્યા છે. હાલમાં તેઓ વિધાનસભામાં કોલાથુર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. મેઇન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ હેઠળ ઇમરજન્સીના ગાળા દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૧૬ સુધી પિતા કરૂણાનિધિના પડછાયા તરીકે રહ્યા હતા.
જનરલ કાઉન્સિલમાં કેટલાક ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ કરૂણાનિધિ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દશકો સુધી કરૂણાનિધિએ પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જી, તમિળનાડુના પૂર્વ રાજ્યપાલ સુરજિતસિંહ બરનાલા, યુએનના પૂર્વ જનરલ સેક્રેટરી કોફી અન્નાને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ ઉપરાંત કરૂણાનિધિના અવસાનના સમાચાર સાંભળીને આઘાતમાં મૃત્યુ પામેલા ૨૪૮ પાર્ટી સભ્યોના મોતને લઇને પણ શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

Related posts

भारत में बीते 24 घंटे में सामने आए कोरोना के 15,223 नए केस

editor

नगालैंड में जारी सियासी रस्साकशी के बीच टीआर जेलियांग ने ली मुख्यमंत्री पद की शपथ

aapnugujarat

ઝારખંડમાં મોડી રાત્રે નકસલીઓએ બોમ્બથી ભાજપનું કાર્યાલય ઉડાવ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1