Aapnu Gujarat
બ્લોગ

કુમારસ્વામીના મગરના આંસુ : ગમે તે ક્ષણે સરકાર પડે તો નવાઈ નહિ…..

૧૨મી મે, ૨૦૧૮ના દિવસે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. એ ચૂંટણીમાં જનતા દળ (એસ) અને કૉંગ્રેસ બન્ને એકબીજાના કટ્ટર વિરોધી હતા. એ બન્નેનો કટ્ટર વિરોધી પક્ષ હતો ભાજપ. ખેલ કંઈક જુદો જ ખેલાઈ ગયો. જેડી (એસ)ને તો બહુમતી નહોતી જ મળવાની, પણ બહુમતીના ખરા હક્કદાર, કૉંગ્રેસ અને ભાજપ પણ પાછળ રહી ગયા. ભાજપે ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો તો મેળવી પણ સત્તા પર આવી શકે તેવા સંખ્યાબળ જેટલી નહીં, તેમ છતાં પણ દેશ અને દુનિયા જાણે છે કે, ભાજપે સત્તા મેળવવા ઘણા ધમપછાડા કર્યા, પણ કૉંગ્રેસની મુત્સદીગીરીએ સુપ્રીમ કૉર્ટમાં જઈને, ભાજપને સત્તાથી દૂર રાખી દીધો અને જેડી (એસ) સાથે જોડાણ કરી, ફરી સત્તા મેળવી લીધી. કૉંગ્રેસની સૌથી મોટી ચાલ એ હતી કે, તેમણે કુમારસ્વામીને મુખ્ય પ્રધાનપદ આપવાનું જાહેર કરીને જોડાણ સાધી લીધું અને જેડી (એસ)થી વધારે વિધાનસભ્યો હોવા છતાં કુમારસ્વામીને આગળ કરી દીધા.
એ બન્ને પક્ષ વચ્ચે શરૂઆતથી જ મતભેદો રહ્યા છે. પ્રધાનમંડળ રચવાથી માંડીને ખાતાઓની વહેંચણી કરવામાં એટલે જ વિલંબ થતો રહ્યો. સત્તા મળતી હતી અને ભાજપને સત્તાથી દૂર રાખવાના હેતુથી જેડી (એસ) કૉંગ્રેસ સાથે ભાગીદારી કરવા તૈયાર થયો, પણ આખરે સંખ્યાબળ વધારે હોવાના કારણે કૉંગ્રેસ ‘મોટાભાઈ’ની ભૂમિકામાં રહે એ સ્વાભાવિક છે. બન્ને પક્ષ પરસ્પર વિશ્ર્‌વાસ સાથે એકબીજામાં ભળી જાય એ તેમના હિતમાં હતું, પણ એવું હજુ સુધી જોવા નથી મળતું.
કુમારસ્વામી શરૂઆતથી કહેતા આવ્યા છે કે, આ જોડાણ એક કપરી કસોટી સમાન છે. આજની તારીખમાં પણ તેમના જાહેરમાં એ જ શબ્દો છે. પક્ષ દ્વારા યોજાયેલા સન્માન સમારોહમાં એ રીતસર રડી પડ્યા અને કાર્યકરોને સંબોધતાં કહ્યું કે, મુખ્ય પ્રધાન બન્યા પછી પણ હું ‘હેપ્પી’ નથી. ભગવાન શંકરની માફક ગળામાં ઝેર સાચવીને વહીવટ કરું છું.
૨૩મી મે ના રોજ મુખ્ય પ્રધાનપદ સંભાળ્યા પછી, પોર્ટફોલિયોની વહેંચણીથી માંડીને બજેટ રજૂ કર્યા સુધીની તેમની સત્તાયાત્રા જરૂર કષ્ટદાયક રહી હશે. એમની યોજનાઓ સામે કૉંગ્રેસના નેતાઓ જ અવાજ બુલંદ કરે છે, વિપક્ષ તરીકે ભાજપે કંઈ કરવાની જરૂર ન હોય તેવું લાગતું હશે, કુમારસ્વામીને. તેમણે ખેડૂતોની કૃષિ લોન માફીની જાહેરાત કરી તે સાથે કૉંગ્રેસી નેતાઓએ લઘુમતી સમુદાય અને રાજ્યના ઉત્તરીય વિસ્તાર માટે કલ્યાણ યોજનાઓ જાહેર કરવાની માગણી કરી. કુમારસ્વામી કૉંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉંગ્રેસ-જેડી (એસ) કૉઓર્ડિનેશન કમિટીના અધ્યક્ષ સિધ્ધરામેયાના હાથનું રમકડું બની ગયા હોય તેવું લાગે છે.
સિધ્ધરામેૈયા એ જબરદસ્ત મુત્સદ્દી રાજકારણી છે. એમના કારણે જ અત્યારે આ બન્ને પક્ષો સત્તા પર છે, પણ એ જો યોગ્ય સંકલન જાળવવાના બદલે માત્ર પોતાની અને પક્ષની પ્રતિભા ઉપસાવવાનું કામ કરશે, તો આ સરકાર તૂટી પડશે અને તેમણે ૨૦૧૯ની ચૂંટણીમાં જેવું અને જેટલું છે, એ પણ ગુમાવવું પડશે. એ વિચક્ષણ વ્યક્તિએ કુમારસ્વામીની આંખના આંસુ રોકવા જરૂરી બની રહેશે અને સરકારનું સ્વાસ્થ્ય નિરોગી રાખવું પડશે, નહીં તો તેમની અસ્થિરતાનો લાભ લેવા ભાજપ દરેક મોરચે તૈયાર છે જ. પ્રોટેમની નિયુક્તિ અને ફરજ બાબતે ભાજપે શિંગડાં ભરાવી જ દીધાં હતાં. વિધાન પરિષદના ચૅરમેન બાબતે જેડી (એસ) અને કૉંગ્રેસ સામસામે છે. કાઉન્સિલમાં કૉંગ્રેસનું સંખ્યાબળ જેડી (એસ) અને ભાજપ કરતાં વધારે છે. કાં તો કૉંગ્રેસે, જેડી (એસ)નું માન રાખી હોરાત્તીને અધ્યક્ષ બનાવવાના રહેશે અને કાં તો જેડી (એસ)એ નાનાભાઈ તરીકે સમાધાન કરીને અથવા સમસમીને બેસી રહેવું પડશે અને ઉચ્ચ પદ કૉંગ્રેસને આપવું પડશે. આ બાબત જો ઘર્ષણ વધ્યું તો સરકાર જશે. જોકે, એવી હાસ્યાસ્પદ સ્થિતિ માટે બન્ને સત્તાધારી પક્ષ તૈયાર નહીં જ થાય. કર્ણાટકમાં કૉંગ્રેસ પક્ષમાં પણ અંદર મતભેદો છે અને તેનું કારણ સિધ્ધરામૈયા છે. એ કાઉન્સિલના ચૅરમેન તરીકે એસ. આર. પાટીલને લાવીને તેમનું ઋણ ઉતારવા માગે છે, સીધ્ધ પોતાના હોમટાઉનમાં હાર્યા, પણ જ્યાંથી જીત્યા એ જીત પાટીલના કારણે હતી. હોરાત્તીને એ જેડી (એસ)ના ક્વૉટામાંથી પ્રધાનપદું અપાવવા ઈચ્છે છે, જેના કારણે તેઓ મૈન્સૂર પર કબ્જો જમાવવાની વેતરણમાં છે. કારણ કે હુનસુરના વિધાનસભ્ય એ. એચ. વિશ્ર્‌વનાથ કે જેણે ચૂંટણીમાં કૉંગ્રેસના બદલે જેડી (એસ)ને મદદ કરી હતી, તેમને આમ પણ પ્રધાનમંડળની બહાર જ તેમણે રાખ્યા છે અને હવે હોરાત્તીને પડખામાં લઈ પોતાનું વર્ચસ્વ વધારવા માગે છે. રાજરમતના માહીર છે, સીધ્ધ પણ ગઢ ગુમાવવા જેવી સ્થિતિ પેદા ન કરે તો તેમના અને સરકારના હિતમાં રહેશે. બાકી સદાનંદ ગોવડાએ તો રવિવારે મેંગલુરુમાં કહી દીધું છે કે સરકાર કોઈ પણ ક્ષણે તૂટી પડશે.

Related posts

विश्वभर में छह महीने में रोबोट द्वारा ८ लाख ओपरेशन हुए

aapnugujarat

“सचिन बताएं उनके लिए धन बड़ा या देश, होगा उनके खिलाफ प्रदर्शन”

editor

સદનમાં સામાન્ય લોકોના પ્રશ્નોની ચર્ચા ક્યારે થશે..??

aapnugujarat

Leave a Comment

UA-96247877-1