Aapnu Gujarat
બ્લોગ

સ્માર્ટફોન માર્કેટમાં તીવ્ર સ્પર્ધા

સ્માર્ટફોન માર્કેટમાં ૧૦,૦૦૦-૨૫,૦૦૦ની રેન્જમાં ટોપ-૪ બ્રાન્ડ શાઓમી, સેમસંગ, ઓપો અને વિવો વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. સેગમેન્ટમાં ચાલુ વર્ષે સૌથી ઝડપી વૃદ્ધિનો લક્ષ્યાંક છે. ગયા વર્ષે આ સેગમેન્ટમાં લગભગ ૫૦ ટકા વધારો નોંધાયો હતો અને ૨૦૧૮માં તેમાં વધુ વૃદ્ધિની શક્યતા છે.કંપનીઓ અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઝડપી વૃદ્ધિ અને બજારહિસ્સો વધારવા ઇચ્છુક અગ્રણી કંપનીઓ માટે ૧૦,૦૦૦-૨૫,૦૦૦ની પ્રાઇસ રેન્જનું સેગમેન્ટ મહત્ત્વનું બની ગયું છે. જાણકારોના મતે કેશબેક અને બાયબેક ઓફર્સ સહિત ઇન્સ્ટોલમેન્ટ પ્રોગ્રામ્સને કારણે લોકોની ખરીદશક્તિમાં વધારો થયો છે.એટલે ગ્રાહકો હવે લો-કોસ્ટ અથવા એન્ટ્રી-લેવલ ડિવાઇસને બદલે ઊંચી કિંમતના ફોન ખરીદી રહ્યા છે. વિવો મોબાઇલ્સના બ્રાન્ડ ડિરેક્ટર નિપુણ આર્યએ જણાવ્યું હતું કે,મિડ સેગમેન્ટ ઝડપથી વધી રહ્યું હોવાના કારણે આકર્ષક છે. અહીં એ નોંધવું જરૂરી છે કે, ભારતમાં મોબાઇલ વપરાશકારો ૧૦,૦૦૦થી ઓછી કિંમતના મોબાઇલમાંથી ૧૦,૦૦૦થી ૨૫,૦૦૦ સુધીના મોબાઇલમાં અપગ્રેડ થઈ રહ્યા છે.શાઓમી, ઓપો, સેમસંગ અને વિવોએ ૧૦,૦૦૦-૨૫,૦૦૦ની રેન્જમાં ઘણાં ડિવાઇસ લોન્ચ કર્યાં છે. ઓપો ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર વિલ યેંગે જણાવ્યું હતું કે,આગામી કેટલાંક વર્ષમાં આ સેગમેન્ટ ઝડપી વૃદ્ધિ દર્શાવશે.૨૦૧૬માં ભારતીય બજારમાં એન્ટ્રી પછી ઓપો અને વિવોએ આ સેગમેન્ટમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે.જોકે, શાઓમી હવે આ કંપનીઓની લગોલગ આવી રહી છે અને તેનાં મોટા ભાગનાં મોડલ્સ ૧૦,૦૦૦-૨૫,૦૦૦ની પ્રાઇસ રેન્જમાં છે. શાઓમીએ ચીનના હરીફો તેમજ માર્કેટ લીડર સેમસંગને પછાડી ભારતના નં ૧ સ્માર્ટફોન ઉત્પાદકનું સ્થાન મેળવ્યું છે.જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સેમસંગ, ઓપો અને વિવોનું વેચાણ શાઓમી કરતાં ઓછું હતું.ઓપો, વિવો અને સેમસંગે હવે શાઓમીની સ્પર્ધા સામે આક્રમક નીતિ અપનાવી છે. ઓપોએ ગયા મહિને ૧૦,૦૦૦-૨૫,૦૦૦ પ્રાઇસ સેગમેન્ટના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ’રિયલમી’ સબ-બ્રાન્ડ લોન્ચ કરી હતી.વિવોએ પણ બે મહિનામાં આ સેગમેન્ટમાં પાંચ અને સેમસંગે છેલ્લાં કેટલાંક સપ્તાહમાં ચાર મોડલ્સ લોન્ચ કર્યાં છે. સેમસંગ ઇન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ (મોબાઇલ બિઝનેસ) મોહનદીપ સિંઘે જણાવ્યું હતું કે, સેગમેન્ટે ગયા વર્ષે ૩૪ ટકા વૃદ્ધિ દર્શાવી હતી.આ પ્રાઇસ રેન્જમાં સેમસંગ ફોન્સનું વેચાણ ૪૧-૪૨ ટકા વધ્યું છે.કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના રિસર્ચ એનાલિસ્ટ શોભિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે,આ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરતી અગ્રણી કંપનીઓ માટે સ્પર્ધા મુશ્કેલ બનશે.કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના જણાવ્યા અનુસાર ૨૦૧૭માં ૧૦,૦૦૦-૨૫,૦૦૦ના સેગમેન્ટમાં ૪૯ ટકા વધારો નોંધાયો છે અને તેનો બજારહિસ્સો ૩૯ ટકા રહ્યો છે. પ્રથમ ક્વાર્ટરમાં આ સેગમેન્ટનો બજારહિસ્સો ઘટીને ૨૬ ટકા થયો હતો, પણ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઘણાં નવાં મોડલ્સના લોન્ચિંગને પગલે વેચાણનો વૃદ્ધિદર ઊંચો રહેશે.એપલ અને અને સેમસંગ જેવી મહત્ત્વાકાંક્ષી બ્રાન્ડ્‌સના ફોન સસ્તામાં ખરીદવાની જબરજસ્ત માંગ હોવાથી આવતાં બે વર્ષમાં ભારતનું સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોનનું માર્કેટ ૨૭ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી જશે.નિષ્ણાતો અને વિશ્લેષકોને અપેક્ષા છે કે, ૨૦૧૯ અને ૨૦૨૦માં રિફર્બિશ્ડ ફોનનું માર્કેટ જોરદાર વૃદ્ધિ હાંસલ કરશે કારણ કે નવી-નવી કંપનીઓ વર્તમાન ઓનલાઇન માર્કેટપ્લેસિસ પર જોડાઈ રહી છે. એમેઝોન, કેશિફાઇ, શોપક્લૂઝ અને ટોગોફોગો જેવી ઓનલાઇન ચેનલ્સે આ સેગમેન્ટમાં વાર્ષિક વેચાણમાં ધરખમ વૃદ્ધિ કરી છે.
રિફર્બિશ્ડ મોબાઇલ ફોન કેટેગરી વાર્ષિક ધોરણે ૪૦૦ ટકાના દરે વધી રહી છે અને મોબાઇલ ફોનના એકંદર વેચાણમાં તેનો હિસ્સો ૨૦૧૭માં લગભગ બમણો થઈ ગયો હતો. એમ એમેઝોન ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું. એમેઝોને જણાવ્યું હતું કે, એપલ અને સેમસંગ જેવી મહત્ત્વાકાંક્ષી બ્રાન્ડ્‌સના ફોન ૫૦ ટકા ઓછી કિંમતે ખરીદવા માંગતા ગ્રાહકોની સંખ્યા વધી રહી હોવાથી આ કેટેગરીમાં હજુ ઘણી સારી વૃદ્ધિ જોવા મળશે.કેશિફાઇના સહ-સ્થાપક નકુલ કુમારે જણાવ્યું હતું કે, ગયા વર્ષે તેમનું વેચાણ ત્રણ ગણું વધ્યું હતું અને આ વર્ષે પણ આવી વૃદ્ધિની અપેક્ષા છે. શોપક્લૂઝે ચાલુ વર્ષના પ્રત્યેક મહિનામાં બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં ૫,૭૮૦ રિફર્બિશ્ડ ફોન વેચ્યા હતા, જે ૨૦૧૭ના વેચાણની સરેરાશ કરતાં ૩૫ ટકા વધારે છે. શોપક્લૂઝે વેચેલા રિફર્બિશ્ડ ફોનમાં નોકિયા અને સેમસંગના ફોનની સંખ્યા વધારે છે.કેશિફાઇના કુમારે જણાવ્યું હતું કે, એવા ઘણા ગ્રાહકો છે જેમનો પહેલો સ્માર્ટફોન હવે જૂનો થઈ ગયો છે અને કોઈ પણ સ્માર્ટફોન ત્રણ વર્ષમાં ત્રણ વખત વેચાઈ રહ્યો છે, એટલે કે એકંદર સ્માર્ટફોનની માર્કેટની સરખામણીએ વોલ્યુમ કદાચ ઓછું હશે પરંતુ તેનું કદ લગભગ ૩.૫ કરોડ યુનિટનું છે.સેકન્ડ-હેન્ડ ફોનના માર્કેટમાં વેચાતા ૨૫ ટકા ફોન જ રિફર્બિશ્ડ હોય છે. નિષ્ણાતો જણાવે છે કે, ડેટાનો વપરાશ વધવાથી ફીચરફોન વાપરતા ગ્રાહકોમાં પણ જૂના સ્માર્ટફોનની માંગ વધી રહી છે.૨૦૧૭માં રિફર્બિશ્ડ સ્માર્ટફોનનું વોલ્યુમ ૨૫ ટકા જેટલું વધ્યું હતું અને ભારતમાં તેનું વેચાણ ૧.૨ કરોડ યુનિટ્‌સને પાર કરી ગયું હતું, જેમાં ત્રીજા ભાગનો હિસ્સો એપલ અને સેમસંગના ફોનનો હતો એમ કાઉન્ટરપોઇન્ટ ટેક્‌નોલોજી માર્કેટ રિસર્ચના આંકડા પરથી જાણવા મળે છે.આગામી બે વર્ષમાં ભારતમાં અગ્રણી હેન્ડસેટ ઉત્પાદક અને વૈશ્વિક કોન્ટ્રાક્ટ ઉત્પાદકો ૬,૦૦૦ કરોડનું રોકાણ કરે તેવી સંભાવના છે. આ કંપનીઓ દેશમાં પ્રિન્ટેડ સર્કિટ બોડ્‌ર્સના એસેમ્બલિંગ દ્વારા તેમનાં સાધનોમાં સ્થાનિક કન્ટેન્ટ વધારવા માંગે છે.ઉદ્યોગનાં સૂત્રો કહે છે કે તાજેતરમાં કેટલાંક કોમ્પોનન્ટ્‌સ પર લદાયેલી ડ્યૂટી અને ઇમ્પોર્ટેડ પીસીબી પર લેવી લદાવાની સંભાવનાને જોતાં વિવો, ઓપ્પો અને વનપ્લસ જેવા ચાઇનીઝ હેન્ડસેટ ઉત્પાદકો અને માઈક્રોમેક્સ અને લાવા જેવી ભારતીય કંપનીઓએ ઊંચા રોકાણની જોગવાઈ કરી રાખી છે. આ બંને ડ્યૂટી મોબાઇલ ફોનના ખર્ચનો ૫૦ ટકા હિસ્સો ધરાવે છે. ફોક્સકોન અને ડિક્સોન જેવા કોન્ટ્રાક્ટ ઉત્પાદકો પણ વધુ રોકાણની યોજના ધરાવે છે.ઇન્ડિયન સેલ્યુલર એસોસિયેશનના પ્રેસિડન્ટ પંકજ મોહિન્દ્રુએ જણાવ્યું હતું કે, અમે તમામ મહત્ત્વની કંપનીઓ દ્વારા ૨૦૧૯ સુધીમાં ૯૦ કરોડ ડોલરના રોકાણની આશા રાખીએ છીએ.
તમામ કંપનીઓ આશરે ૩૫૦ સરફેસ માઉન્ટિંગ ટેક્‌નોલોજી લાઇન્સ સ્થાપે તેવી સંભાવના છે.પીસીબીના એસેમ્બલિંગ માટે એસએમટી મશીનની જરૂર પડે છે, જેમાં ભારે રોકાણની જરૂર પડે છે તેમ આ સેક્ટરના નિષ્ણાતો કહે છે. માઈક્રોમેક્સ, લાવા અને ઓપ્પો જેવી કંપનીઓએ મોટા પ્રમાણમાં ઉત્પાદન માટે યોજના ઘડવાનું શરૂ કરી દીધું છે. ઓપ્પો માર્ચ મહિનામાં નોઇડા પ્લાન્ટમાં પીસીબી એસેમ્બલિંગ શરૂ કરશે.મોબાઇલ ફોનના પોપ્યુલેટેડ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ જેવા મુખ્ય પાટ્‌ર્સ પર ૧૦ ટકા આયાત જકાત લાદવાના સરકારના નિર્ણયની ભારતની હેન્ડસેટ કંપનીઓને સૌથી વધુ ખોટ જશે. ગળાકાપ સ્પર્ધાને કારણે લાવા, માઈક્રોમેક્સ અને ઇન્ટેક્સ જેવી કંપનીઓએ આયાતના ખર્ચમાં થનારા વધારાને પોતે જ વેઠવો પડશે, પરિણામે પહેલેથી જ ઘટી ગયેલા માર્જિન પર વધુ અસર પડશે. સાથે સાથે, તેમણે આ કોમ્પોનન્ટ્‌સનું સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવા માટે રોકાણ પણ કરવાની જરૂરિયાત ઊભી થશે.પીસીબી, કેમેરા મોડ્યુલ્સ અને કનેક્ટર્સ પર નવી જકાતને ગણતરીમાં લઈને વિશ્લેષકોએ હેન્ડસેટના ભાવમાં ૬ ટકા સુધીનો વધારો થવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જે કંપનીઓ ભારતમાં એસેમ્બલ્ડ થતા પીસીબી નથી વાપરતી અને આયાત કરે છે તેમની પ્રોડક્ટ્‌સના ભાવમાં મહત્તમ વધારો થશે. મોબાઇલ ડિવાઇસના મેન્યુફેક્ચરિંગ ખર્ચમાં પીસીબીનો ખર્ચ ૫૦ ટકા જેટલો હોય છે, એટલે તેના ભાવમાં વધારો થયા તો સમગ્ર ખર્ચમાં વધારો થાય છે.લાવા ઇન્ટરનેશનલના ચેરમેન હરી ઓમ રાય જણાવે છે કે, અમારા જેવી કંપનીઓ જે લોકલ પ્રોડક્શન માટે સજ્જ નથી તેમના પર ટૂંકા ગાળા પૂરતી અસર પડશે. કંપનીએ નાણાકીય બોજ પોતે જ વેઠવાનો વારો આવશે. પરંતુ અમને વાંધો નથી, કારણ કે અમે જાતે ઉત્પાદન કરીશું એટલે લાંબા ગાળે ફાયદો થશે અને કંપનીઓની વૃદ્ધિ થશે. લાવાએ ભારતમાં પીસીબીનું એસેમ્બલિંગ શરૂ કર્યું હતું પરંતુ તેણે કરેલા ૧૦૦ કરોડના રોકાણનો પૂરેપૂરો ફાયદો લેવા માટે હજુ સુધી ઓપરેશન્સ વધાર્યું નથી.માઈક્રોમેક્સના સહ-સ્થાપક રાજેશ જૈને કહ્યું હતું કે, ભાવ વધારવો કે નહીં તેનો નિર્ણય લેવો અઘરો છે. તાત્કાલિક ધોરણે ભાવ વધારવો અમારા માટે મુશ્કેલ છે કારણ કે, બજારમાં તીવ્ર સ્પર્ધા છે. અમે પીસીબીના લોકલ એસેમ્બલિંગ માટે તૈયાર છીએ અને રુદ્રાપુર ખાતે ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે.હોંગકોંગ સ્થિત કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના એસોસિયેટ ડિરેક્ટર તરુણ પાઠકે કહ્યું હતું કે, ભારતની મોટા ભાગની કંપનીઓ પર સૌથી વધુ અસર પડશે કારણ કે, ચીન તથા અન્ય વૈશ્વિક કંપનીઓને કારણે તેઓ ભાવમાં વધારો નહીં કરી શકે.કંપનીઓએ કોમ્પોનન્ટ્‌સના સ્થાનિક ઉત્પાદન માટે અથવા સ્થાનિક સોર્સ પાસેથી મેળવવા માટે રોકાણ કરવું પડશે, એટલે નાણાકીય બોજ વધશે. આમ પણ શાઓમી, ઓપ્પો અને વિવો જેવી ચાઇનીઝ બ્રાન્ડ્‌સ સામે ભારતની કંપનીઓનો બજારહિસ્સો સતત ઘટી રહ્યો છે ત્યારે આ નવા નિર્ણયથી તેમને વધુ એક ફટકો પડશે.માઈક્રોમેક્સની આવક માર્ચ’૧૭માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ૪૨ ટકા ઘટીને ૫,૬૧૩.૯૭ કરોડ થઈ હતી જ્યારે ઇન્ટેક્સ ટેક્‌નોલોજિસની આવક ૩૦ ટકા ઘટીને ૪,૩૬૪.૦૮ કરોડ થઈ હતી. તેની સામે શાઓમી, ઓપ્પો અને વિવોની સંયુક્ત આવક ૭ ગણી વધીને ૨૨,૫૨૭ કરોડ થઈ હતી, જે વર્ષ પહેલાં ૨,૯૧૯ કરોડ નોંધાઈ હતી.ડ્યૂટીમાં થનારો વધારો પચાવવા માટે લોકલ કંપનીઓએ ચેનલ કમિશન પણ કાપવું પડે તેવી શક્યતા છે.

Related posts

શશી કપુર : માત્ર સુરત નહીં હૃદયથી પણ હેન્ડસમ

aapnugujarat

બાળકો પોસ્ટ કોવિડ સમસ્યાનો શિકાર બની રહ્યા છે

editor

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1