Aapnu Gujarat
બ્લોગ

શશી કપુર : માત્ર સુરત નહીં હૃદયથી પણ હેન્ડસમ

પૃથ્વીરાજ કપુરનાં ત્રણ પુત્રો રાજકપુર, શમ્મીકપુર અને શશી કપુર ત્રણેયને હિન્દી ફિલ્મોનાં ચાર્મિંગ કલાકાર કહી શકાય તેમ છે.રાજકપુર અને શમ્મી કપુર જ્યારે ટોચે હતા ત્યારે નિર્માતાઓ માટે શશી જે ત્રણેયમાં વધારે હેન્ડસમ હતો તે છતાં તેને ત્રીજા દરજ્જા પર રાખતા હતા.જો કે શશી હેન્ડસમ હોવાની સાથે નેકદિલ ઇન્સાન પણ હતા.હૈયાની સુંદરતા માણસનાં વર્તાવમાં નજરે પડે છે.શશીને હંમેશા સજજન અને વિનમ્ર ગણાવાય છે.આમ તો પૃથ્વીરાજ કપુરનાં સમયથી જ કપુર ખાનદાનને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોભાદાર સ્થાન અપાતું હતું ત્યારબાદ રાજ કપુર અને શમ્મી કપુરે પોતાના સ્ટારડમ દ્વારા આ ખાનદાનનું નામ ટોચે મુક્યું હતું પણ શશીએ ક્યારેય પોતે કપુર ખાનદાનનો નબીરો છે તેવી અકડ રાખી ન હતી.તેમની ભલમનસાઇનાં અનેક કિસ્સાઓ યાદ કરાય છે.શશીએ કોમર્શિયલ ફિલ્મોમાં કામ કર્યુ હતું અને ફિલ્મ નિર્માણમાં જ એ પૈસાનો ઉપયોગ કર્યો હતો.જો કે શશીએ જેને આર્ટ ફિલ્મો કહેવાય છે તે પ્રકારની ફિલ્મોમાં નાણાંનું રોકાણ કર્યુ હતું અને તેમણે હિન્દી ફિલ્મ ઇતિહાસને વિજેતા, કલયુગ, ૩૬ ચૌરંગી લેન અને ઉત્સવ જેવી સાર્થક ફિલ્મો આપી છે.આ તમામ ફિલ્મોમાં રોકાણ તો જંગી થયું હતું પણ શશીને હંમેશા ખોટ ખાવાનો જ વારો આવ્યો હતો પણ તેમ છતાં શશીએ આ પ્રકારની ફિલ્મોમાં જ નાણાં લગાવ્યા હતા.આ ફિલ્મોને આજે પણ માઇલ સ્ટોન સમાન ફિલ્મો ગણાવાય છે.આ ફિલ્મો દ્વારા અનેક સંર્ઘષશીલ અને ઉભરતા કલાકારો, ટેકનિશિયનો અને નિર્દેશકોને તક મળી હતી જેમણે ત્યારબાદ ફિલ્મોદ્યોગમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.
પૃથ્વી થિયેટર પણ એક રીતે જોઇએ તો ખોટનો જ ધંધો હતો પણ તેમ છતાં શશીએ તેને કાર્યરત રાખ્યું હતું.આ થિયેટરે પણ અનેક સંઘર્ષરત કલાકારોને સાચવ્યા હતા.આ થિયેટરની ખાસ વાત એ છે કે તેમાં કામ કરતા કલાકારોને સસ્તા ભાવે ભોજન પણ ઉપલબ્ધ કરાવાય છે.શશી ઘણીવાર ભોજન માટે પૃથ્વી થિયેટર પહોંચી જતા હતાં.તેમણે એક ભંડોળ પણ જમા કર્યુ હતું જેના વડે તે ઘણાં ઉભરતા કલાકારોન નાણાંકીય મદદ આપતા હતા.ક્યારેય શશીએ આ અંગે કોઇને કશી વાત કરી ન હતી ઘણાં એવા કલાકારોને તો એ પણ ખબર પડતી ન હતી કે તેમને શશી દ્વારા મદદ આપવામાં આવે છે.
પૃથ્વી થિયેટર સાથે સંકળાયેલ એક કિસ્સો છે.અહી નાટકનાં બે શો થતાં હતા સાંજે છ વાગે અને રાત્રે નવ વાગે.એક વખત એક નાટક ખાસ્સુ ચાલી ગયું હતું અને લોકો તેને જોવા માટે ઉમટી પડયા હતા.રાત્રે નવ વાગે આ નાટકનો શો પુરો થયો ત્યારે ઘણાં એવા લોકો હતાં જેમને આ નાટક જોવા મળ્યું ન હતું.તેમણે હઠ પકડી હતી કે એક વધારે શો કરવામાં આવે.મેનેજરે લોકોને સમજાવ્યા કે કલાકારો થાકી ગયા છે જો કે લોકોનો ઉત્સાહ જોઇને કલાકારોએ ત્રીજા શોની તૈયારી કરી તો મેનેજરે નવો દાવ અજમાવ્યો અને કહ્યું કે પૃથ્વી થિયેટરનાં કાયદા અનુસાર માત્ર બે જ શોની પરવાનગી છે આ વાત કોઇએ આ દરમિયાન શશીને પહોંચાડી અને શશિએ કહ્યું કે ક્યારેક સારી વાત માટે કાયદા તોડી શકાય છે ત્યારબાદ રાત્રે અગિયાર વાગે ત્રીજો શો થયો હતો.
ઘણાં એવા નિર્માતાઓ હતા જેમની પાસે શશીએ નગણ્ય વેતન લઇને કામ કર્યુ હતું.અસીમ છાબડાએ શશી પર લખેલ પુસ્તકમાં આ પ્રકારની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.શશીએ ૧૯૮૬માં પ્રદર્શિત ફિલ્મ ન્યુ દેલ્હી ટાઇમ્સમાં એક પ્રામાણિક પત્રકારની ભૂમિકા ભજવી હતી જે માટે શશીને ઉત્તમ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. રમેશ શર્મા ત્યારે વયમાં ઘણાં નાના હતા પણ ગમે તેમ કરીને તેમણે શશી સાથે મુલાકાત કર હતી આ મુલાકાતમાં તેમણે શશિને પોતાની ફિલ્મની વાર્તા સંભળાવી હતી અને શશીને તે પસંદ પડી ત્યારે તેમણે રમેશને પુછ્યું કે ફિલ્મનું બજેટ કેટલાનું છે ત્યારે તેમણે સંકોચવશ કહ્યું કે પચ્ચીસ લાખ.આટલું ઓછું બજેટ સાંભળીને શશી ચોંક્યા અને રમેશને પુછ્યું કે તમારી પાસે અત્યારે કેટલા પૈસા છે.રમેશે કહ્યું કે બે ત્રણ હજાર હશે.શશીએ તેમની પાસેથી એકસો એક રૂપિયા લીધા અને કહ્યું કે આટલા પૈસામાં તે આ ફિલ્મમાં કામ કરવા તૈયાર છે.જો કે શશીએ રમેશને કહ્યું હતું કે પણ આ માટે બે શરત છે તમારે કોઇને કહેવાનું નથી કે આટલા વેતનમાં મે કામ કર્યુ છે નહિતર લોકોને લાગશે કે મારો ખરાબ ટાઇમ આવી ગયો છે અને હું ગમે તેટલા પૈસામાં કામ કરવા તૈયાર છું.શુટિંગ દિલ્હીમાં થવાનું છે અને તમારૂ બજેટ એટલું નથી કે તમે મને સારી હોટેલમાં રાખી શકો પણ હું મારા પૈસા વડે જ સારી હોટેલમાં રોકાઇશ. જો કે ત્યારબાદ આ ફિલ્મનું શુટિંગ મુંબઇમાં થયું હતું. આમ તો શશીએ પોતાના સમયમાં જે ટોચનાં કલાકારો હતા તેમની સાથે કામ કરવામાં ક્યારેય સંકોચ રાખ્યો ન હતો અને અમિતાભ સાથે તેમની જોડીને ઘણી પસંદ કરાઇ હતી.ત્યારે આમ તો અમિતાભ ટોચે હતા પણ આ એ સમયની વાત છે જ્યારે તે સંઘર્ષ કરતા હતા અને તેમણે પાપ ઔર પુણ્યમાં એક બેકાર રોલ સ્વીકાર્યો હતો જેમાં શશી મુખ્ય ભૂમિકામાં હતા.શશિ જ્યારે શુટિંગ માટે પહોચ્યા ત્યારે અમિતાભ ભાલો પકડીને શુટિંગ માટે તૈયાર હતા.અમિતાભને જોઇને શશી તેમની પાસે ગયા અને કહ્યું કે તું ઉત્તમ કલાકાર છે અને ટોચે પહોંચી શકે છે આવી બેકાર ભૂમિકા શા માટે કરે છે જો આ પ્રકારનાં રોલ કરીશ તો ફરી સારા રોલ નહી મળે.આ ફિલ્મમાં કામ કરીશ નહી અને અમિતાભે શશીની સલાહ માનીને કામ કર્યુ ન હતું.જો આ સલાહ શશીએ આપી ન હોત તો અમિતાભ જેવો કલાકાર મળ્યો ન હોત, મોટાભાગે જ્યારે ફિલ્મનું શુટિંગ થાય છે ત્યારે ફિલ્મનાં મહત્વનાં કલાકારો અને નિર્દેશકોને અલગથી ભોજન અપાતું હોય છે અને ક્રુ મેમ્બરને અલગ ભોજન અપાય છે પણ જ્યારે શશી નિર્માતા હતા ત્યારે તમામને એક સમાન જ ભોજન આપ્યું હતું.તે સેટ પર કોઇની સાથે ભેદભાવ કરતા ન હતા. શશી કપુર માટે જ્યારે શ્યામ બેનેગલ જ્યારે ફિલ્મ બનાવતા હતા ત્યારે તે અને શશી સાથે ડ્રિંક કરતા હતા. જો કે શશીને મોંઘી વ્હીસ્કી લેવાની આદત હતી તો શ્યામ વોડકા પીતા હતા પણ શ્યામને અસહજતાનો અનુભવ ન થાય તે માટે શશિ પણ તેમની સાથે જ તેમનું ડ્રીક લેતા હતા. શશીએ વીસ વર્ષની વયે જ જેનિફર કેન્ડલ સાથે લગ્ન કર્યા હતા અને કપુર ખાનદાનમાં વિદ્રોહનું બ્યુગલ ફુંક્યું હતું.તેમણે જેમ્સ આઇવરી – ઇસ્માઇલ મર્ચેન્ટ જેવા સર્જકોની સાથે કામ કરીને પોતાના માટે ઇંગ્લિશ કપુરનું ટાઇટલ મેળવ્યું હતું. શશીનો જન્મ ૧૮ માર્ચ ૧૯૩૮માં થયો હતો અને તેમનું નામ બલબીર રાજ કપુર રાખવામાં આવ્યું હતું.૧૯૪૪માં પૃથ્વી થિયેટરનાં શકુંતલા નાટક વડે કારકિર્દીનો આરંભ કર્યો હતો.રાજકપુરની પ્રથમ ફિલ્મ આગ અને ત્રીજી ફિલ્મ આવારામાં શશીએ જ રાજકપુરનાં નાનપણનાં રોલ કર્યા હતા.૧૯૫૭માં જોફરી કેન્ડલની ટુરિંગ નાટક કંપનીમાં જોડાયા અને શેક્સપિયરનાં નાટકોમાં કામ કરવાનું ચાલુ કર્યુ હતું.આ દરમિયાન જ તેમની મુલાકાત જેનિફર સાથે થઇ હતી. જો કે હિન્દી ફિલ્મોમાં શશીએ યશ ચોપડાનાં નિર્દેશનમાં બનેલી ધર્મપુત્ર ફિલ્મ સાથે પગરણ માંડયા હતા.૧૯૬૦માં શશિ અનેક રોમેન્ટીક ફિલ્મોમાં નજરે ચડ્યા હતા કારણકે ત્યારે ચોકલેટી હીરો વધારે ચાલતા હતા.ચાર દિવારી, મહેંદી લગી મેરે હાથ, પ્રેમપત્ર, મહોબ્બત ઇસકો કહેતે હૈ, નિંદ હમારી ખ્વાબ તુમ્હારે, જુઆરી, કન્યાદાન, હસીના માન જાએંગી જેવી ફિલ્મો કરી હતી પણ મોટાભાગની ફિલ્મો ફલોપ નિવડી હતી.આ સમયગાળામાં નંદા પ્રસિદ્ધ હીરોઇન મનાતી હતી અને નંદાને વિશ્વાસ હતો કે શશી જરૂર સફળ થશે અને એ કારણે જ નંદાએ શશી સાથે ફિલ્મો કરી અને તેમનો વિશ્વાસ સાચો પડ્યો.૧૯૬૫માં આવેલી જબ જબ ફુલ ખિલેએ ગોલ્ડન જ્યુબિલી કરી હતી.આ જોડી ત્યારબાદ પણ જોવા મળી હતી.સિત્તેરનાં દાયકામાં તો શશિ પાસે ઢગલાબંધ ફિલ્મો હતી અને તે દિવસમાં ત્રણ ચાર ફિલ્મોનું શુટિંગ કરતા હતા અને આ કારણે જ રાજકપુર શશિને ટેકસી કહીને બોલાવતા હતા. અમિતાભ સાથે શશીની જોડી પસંદ કરાઇ હતી તેમણે દિવાર, કભી કભી, ત્રિશુલ, કાલા પથ્થર, ઇમાન ધરમ, સુહાગ, દો ઔર દો પાંચ, શાન, નમક હલાલ અને સિલસિલા જેવી યાદગાર ફિલ્મોમાં કામ કર્યુ હતું.શશીને હિન્દી ઉપરાંત અંગ્રેજી ફિલ્મો માટે પણ યાદ કરાશે તેમની ધ હાઉસ હોલ્ડર, શેક્સપિયરવાલા, બોમ્બે ટોકી, હીટ એન્ડ ડસ્ટ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું જે ભારતમાં અને ભારત બહાર પણ વખણાઇ હતી.કોનરોટ રૂક્સની સિદ્ધાર્થ ઘણી વિવાદાસ્પદ બની હતી અને આ ફિલ્મ માટે તેમને અદાલતનાં ચક્કર પણ કાપવા પડ્યા હતા.
કોમર્શિયલ ફિલ્મોમાં કામ કરીને કમાયેલા પૈસા વડે તેમણે શ્યામ બેનેગલ સાથે જુનુન તથા કલયુગ, અપર્ણાસેન સાથે ૩૬ ચૌરંગી લેન, ગોવિંદ નિહલાની સાથે વિજેતા અને ગિરીશ કર્નાડ સાથે ઉત્સવ જેવી ફિલ્મો બનાવી હતી. શશી તેમનાં સમયમાં સૌથી હેન્ડસમ હીરો હતા પણ રાજકપુર કે શમ્મીની જેમ ક્યારેય શશિનું નામ અન્ય અભિનેત્રીઓ સાથે ઉછળ્યું નથી તેનું કારણ એ હતું કે શશી જેનિફરને આજીવન ખરા હૃદયથી ચાહતા રહ્યાં હતા.બંનેની મુલાકાત ૧૯૫૬માં કોલકાતામાં થઇ હતી તે પોતાના પિતાનાં પૃથ્વી થિયેટરમાં કામ કરવા ઉપરાંત સ્ટેજ મેનેજરનું પણ કામ કરતા હતા. ત્યારે જોફરી કેન્ડલ ગૃપ કોલકાતા આવ્યું હતું અને અહીં જ બંનેની મુલાકાત થઇ હતી જે બાદમાં પ્રણયમાં ફેરવાઇ હતી.બંને લગ્ન માટે તૈયાર હતાં પણ બંને પરિવાર તે માટે તૈયાર ન હતા.જો કે તે સમયે શમ્મીની પ્રથમ પત્ની ગીતા બાલી શશીની પડખે ઉભા રહ્યા અને તેમણે આ લગ્ન કરાવ્યા હતા. જેનિફર અને શશીએ ત્યારે એકબીજાને વાયદો કર્યો હતો કે પતિ પત્ની બન્યા પછી તેમની વચ્ચે ઝઘડા પણ થવાના છે પણ ગમે તેટલો ઝઘડો થયો હોય રાત્રે તેઓ એકબીજાન તરફ જ મ્હો રાખીને ઉંઘશે.જો કે શશિ માટે જેનિફર જ સર્વસ્વ હતી.જ્યાં સુધી જેનિફર હતી ત્યાં સુધી શશિનો પુરો ખ્યાલ રાખ્યો હતો.જો કે શશિને ત્યારે આંચકો લાગ્યો જ્યારે તેને ખબર પડી કે જેનિફરને કેન્સર છે જે જીવલેણ બની ગયો અને ૧૯૮૪માં શશીનો સાથ છુટી ગયો.આ આઘાતમાંથી શશિ ક્યારેય બહાર આવી શક્યા નહી અને તેમણે એકાંતવાસ પસંદ કર્યો હતો જો કે ત્યારબાદ સ્થુળતાએ શશી પર કબજો જમાવ્યો અને એક કરતા વધારે રોગોએ પણ શશીને નિર્બળ બનાવ્યા હતા.સ્થુળતાને કારણે ત્યારબાદ ઘરમાંથી બહાર નિકળવાનું પણ બંધ થઇ ગયું હતું.લોકો સાથે હળવા મળવાનું પણ બંધ થઇ ગયું હતું.જેનિફરનો સંગાથ છુટવાની સાથે શશિનાં ચહેરા પરથી એ સ્મિત પણ ગાયબ થઇ ગયું હતું જે તેમની આગવી ઓળખ હતી. શશીની મુખ્ય ફિલ્મોમાં આ ગલે લગ જા, અભિનેત્રી, બસેરા, બિરાદરી, ચાર દિવારી, ચોર મચાયે શોર, દીવાર, ધર્મપુત્ર, દો ઔર દો પાંચ, એક શ્રીમાન એક શ્રીમતિ, ફકીરા, જબ જબ ફુલ ખિલે, જાનવર ઔર ઇન્સાન, જુનુન, કભી કભી, કાલા પથ્થર, કલયુગ, નમક હલાલ, ન્યુ દેલ્હી ટાઇમ્સ, પ્રેમપત્ર, પ્યાર કા મૌસમ, પ્યાર કિયે જા, રોટી કપડા ઔર મકાન, સત્યમ શિવમ સુંદરમ, શાન, શર્મિલી, સુહાગ, ત્રિશુલ, ઉત્સવ અને વિજેતા ગણાવી શકાય.તેમનાં ઉર્જાવાન અભિનયને કારણે શશી હિન્દી ફિલ્મોમાં કાયમ યાદગાર બની રહેશે તો કલા ફિલ્મોનું પ્રદાન પણ યાદગાર જ રહેશે.

Related posts

ઇન્ટરનેટ અને સ્માર્ટફોને બાળપણનો દાટ વાળ્યો

aapnugujarat

 HOME SWEET HOME

aapnugujarat

ભાજપને પછાડવા એસપી અને બીએસપીએ હાથ મિલાવ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1