Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજસ્થાન શક્તિ-ભક્તિનું સંગમ કેન્દ્ર છે : મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જયપુર રેલીથી રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંકી દીધું હતું. જયપુરમાં વિશાળ રેલીને સંબોધતા મોદીએ રાજ્યની વસુંધરા રાજે અને કેન્દ્રની ભાજપ સરકારની યોજનાઓને રજુ કરી હતી. આ ગાળા દરમિયાન તેઓએ અગાઉની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ૧૨ વર્ષ પહેલા કોંગ્રેસના નેતાઓના નામ પર પથ્થરો ગોઠવવાની સ્પર્ધા ચાલી રહી હતી. મોદીએ ઉમેર્યું હતું કે અગાઉની સરકારથી જ્યારે અમે આવ્યા ત્યારે તમામ ખજાના ખાલી હતા. વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકાર વિકાસના એજન્ડા પર આગળ વધી રહી છે. તેમણે ક્હયું હતું કે કોંગ્રેસ પર હંમેશા ગંભીર પ્રકારના આક્ષેપો થતા રહ્યા છે.
કોંગ્રેસની યોજનાઓ પહેલા અટવાઈ પડતી હતી. હવે યોજનાઓ અટકાતી નથી. ભટકાતી નથી અને લટકતી નથી. તેમણે ઉમેર્યું હતું કે એક વર્ગમાં રહેલા લોકો એવા છે જે ભાજપ, મોદી અને વસુંધરારાજેના નામ સાંભળીને તાવગ્રસ્ત થઈ જાય છે. આ પ્રકારના કાર્યક્રમોથી સૌથી મોટો લાભ એ છે કે લાભાર્થીઓના મોમાંથી બીજા લોકો પણ યોજનાઓનો લાભ લેવા માટે ઉત્સુક હોય છે. આજ કારણસર સરકારી મશીનરી પર દબાણ આવે છે. ૨૦૨૨ સુધી સરકાર ખેડૂતોની આવક બેગણી કરવા કામ કરવા ઈચ્છુક છે. દેશભરમાં ૧૪.૫ કરોડ સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવી ચુક્યા છે. ખર્ચ કરતા દોઢ ગણી આવકના પ્રયાસ થઈ રહ્યા છે. મોદીએ ખર્ચ કરતા દોઢ ગણા સમર્થન મૂલ્યની પણ વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે એક ક્વિન્ટલ બાજરા પર અંદાજિત ખર્ચ ૯૯૦ રૂપિયા હોય છે. સરકાર હવે એમએસપી વધારીને ૧૯૫૦ રૂપિયા કરી ચુકી છે. આવી જ રીતે જુવારનો ખર્ચ ૧૬૮૦ રૂપિયા થાય છે. હવે ૨૪૩૦ રૂપિયા એમએસપી કરવામાં આવ્યો છે. મકાઈ પર ખર્ચ ૧૧૩૦ રૂપિયા છે જ્યારે હવે તેના એમએસપી ૧૭૦૦ રૂપિયા કરવામાં આવ્યા છે. મગનો ખર્ચ ૪૬૫૦ રૂપિયા છે જ્યારે એમએસપી આશરે ૭૦૦૦ રૂપિયા છે. એક રિપોર્ટનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે ભારતમાં પાંચ કરોડ લોકો ગરીબીમાંથી મુક્ત થઈ ચુક્યા છે. રાજસ્થાનમાં ૮૦ લાખ શૌચાલયના નિર્માણ કરવામાં આવી ચુક્યા છે. ૨.૫ કરોડથી વધુ જનધન ખાતા રાજસ્થાનમાં ખોલી દેવામાં આવ્યા છે. છ લાખ ગરીબોને આવાસ આપવામાં આવ્યા છે. ૭૦ લાખ લોકોને ઓછા પૈસામાં સુરક્ષા વીમા યોજના છત્ર આપવામાં આવી રહ્યું છે. મુદ્રા યોજના હેઠળ મોટી સંખ્યામાં લોનની વ્યવસ્થા કરવામાં આવી છે. એકલા રાજસ્થાનમાં ૩૩.૫ લાખ માતાઓને મફત ગેસ કનેકશન આપી દેવામાં આવ્યા છે. વસુંધરારાજે સરકારની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું હતું કે મુખ્યમંત્રી જળ સ્વાવલંબન યોજના માધ્યમથી ચાર હજાર કરોડથી વધારેના પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે. પાર્વતી, કાલી, ચંબલ યોજનાને રાષ્ટ્રીય પ્રોજેક્ટ તરીકે ઘોષિત કરવાની માંગનો પણ મોદીએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ યોજનાથી ૧૩ જિલ્લામાં રહેનાર વસ્તીને પીવાના પાણીની સુવિધા મળી શકશે. કેન્દ્ર સરકાર આ માંગ ઉપર ઝડપથી આગળ વધશે.
મોદીએ એમ પણ કહ્યું હતું કે આયુષ્યમાન ભારત હેઠળ ૫૦ કરોડ લોકોની મફતમાં સારવાર કરવામાં આવી છે. ગ્રામ સ્વરાજ અભિયાનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે બેન્ક ખાતા, વીજળી, ગેસ, રસીકરણ, સુરક્ષા કવચ, એલઈડી બલ્સની ખાતરી કરવામાં આવી રહી છે. રાજસ્થાનમાં અનેક ગામોને પણ ફાયદો થઈ રહ્યો છે. ગામને સ્માર્ટ બનાવવા માટે ૭૦૦૦ કરોડની મંજુરી આપવામાં આવી ચુકી છે. અગાઉની સરકારો સારા ઈરાદા સાથે કામ કરી રહી ન હતી. કોંગ્રેસને હાલના દિવસોમાં બેલગાડી તરીકે બોલવામાં આવે છે. કોંગ્રેસના દિગ્ગજ ગણાતા નેતાઓ હાલ જામીન પર છે. અમે ન્યુ ઈન્ડિયાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. રાજકીય પક્ષો દ્વારા સેનાની ક્ષમતા પર પ્રશ્ન ઉઠાવવાના મુદ્દે તેમણે ઝાટકણી કાઢી હતી. તેમણે ઉમેર્યુ હતું કે રાજસ્થાનમાં શક્તિ અને ભક્તિનો સંગમ છે. અહીં રાણા પ્રતાપ, ભામાશા, પન્નાધાઈ અને મીરાબાઈ જેવા લોકો થઈ ચુક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનમાં ૨૧૦૦ કરોડ રૂપિયાની ૧૩ વિકાસ યોજનાનો શિલાન્યાસ કર્યો છે. ૧૨ યોજનાના લાભાર્થીને પણ મોદી મળ્યા હતા. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરવાના ઈરાદાથી જયપુર પહોંચ્યા હતા. હવાઈદળના ખાસ વિમાનથી સાંગાનેર વિમાની મથકે પહોંચ્યા બાદ રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણસિંહ અને મુખ્યમંત્રી વસુંધરારાજેએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોરદાર અને વિશાળ રેલીને સંબોધન કરીને ચુંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. રાજસ્થાનમાં આ વર્ષમાં જ વિધાનસભાની ચુંટણી યોજાનાર છે. આ વખતે વસુંધરા રાજે સરકારથી રાજ્યના લોકો ભારે નાખુશ દેખાઈ રહ્યા છે. ભાજપને રાજસ્થાનમાં સરકાર બચાવવાની બાબત ખૂબ જ પડકારરૂપ બની શકે છે કારણ કે વસુંધરારાજેની કામગીરીને લઈને લોકોમાં વ્યાપક રોષ જોવા મળે છે. સરકારની કામગીરી સામાન્ય લોકોને દેખાઈ રહી નથી. આવા સમયમાં મોદી સામે રાજસ્થાનમાં સરકાર ટકાવી રાખવાની બાબત પડકરારરૂપ રહેશે. મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ હવે રાજસ્થાનમાં કેટલાક પ્રવાસ કરે તેવી શક્યતા છે. મોદી આજે પોતાના અંદાજમાં દેખાયા હતા.

Related posts

जम्मू-कश्मीरः टेरर अटैक अमरनाथ यात्रा पर अल्टिमेटम

aapnugujarat

કાશ્મીરમાં બુરહાન વાની ગેંગનો સફાયો

aapnugujarat

આજે સમગ્ર દુનિયામાં ભારતીય ટેલેન્ટની માંગ છે : મોદી

editor

Leave a Comment

UA-96247877-1