Aapnu Gujarat
બ્લોગ

ટ્રેડ વૉરને કારણે વૈશ્વિક મંદી

છીંક એકને આવે અને શરદી બીજાને થઈ જાય તેવું બને. છીંકને કારણે ફેલાતા જંતુ નબળાને ચેપ લગાવી દે છે. સબળો છીંક ખાઈને ફર્યા કરે અને નબળો ખાટલે પડે. વિશ્વના અર્થતંત્રમાં હવે કોઈ અલગ રહી શકે તેમ નથી. સીધી કે આડકતરી રીતે એક દેશની અર્થનીતિની અસર બીજા દેશને થાય છે. તેના કારણે જ અમેરિકાએ શરૂ કરેલી ટ્રેડ વૉરની ચિંતા ભારતે પણ કરવી પડે. ચીની વસ્તુઓ પર અમેરિકાએ આયાત જકાત લગાવી દીધી. સામે ચીને પણ અમેરિકાની આયાતોને મોંઘી કરી દીધી. વચ્ચે ભારત જેવા દેશોએ સંભાળવું પડશે.અમેરિકા ભારતને સીધી રીતે પણ ધમકી આપી રહ્યું છે. ઇરાન સાથે ટ્રેડ ના કરવું, તેના ક્રૂડ ઓઈલની આયાત ના કરવી તેમ અમેરિકાએ કહ્યું છે. માત્ર ભારતને નથી કહ્યું, બધા જ સાથી દેશોને કહ્યું છે, પણ ભારતને સૌથી વધુ નુકસાન થાય. ભારત મોટા પ્રમાણમાં ઇરાનમાંથી ઓઈલ અને કુદરતી ગેસની પણ આયાત કરે છે. દરિયા માર્ગે ઈરાન સૌથી નજીકનો દેશ છે. ભારત ઈરાનના પશ્ચિમ કાંઠે બંદર વિકસાવી રહ્યું છે, જ્યાંથી ભારતનો કિનારો એકદમ નજીક પડે.ઇરાન સાથેની ઓઈલ ડિલ પર સીધી અસર પડે, તેના કરતાંય અમેરિકાએ શરૂ કરેલી ટ્રેડ વૉરની આડકતરી અસર ભારતને અને વૈશ્વિક અર્થતંત્રને થઈ શકે છે. ૧૯૩૦ની વૈશ્વિક મંદીમાં અમેરિકા ઉપરાંત યુરોપના અનેક દેશોને પણ અસર થઈ હતી. અર્થશાસ્ત્રીઓ આ વાતને એ રીતે સમજાવે છે કે એ દેશ આયાત અટકાવે તેથી બીજા દેશની નિકાસ અટકે. નિકાસ કરનારો દેશ પણ આયાત કરતો હોય છે. બે પ્રકારને આયાત કરતો હોય છે – નિકાસ માટેની પ્રોડક્ટ તૈયાર કરવા કાચા માલની અને પોતાની જરૂરિયાતની. પોતાની જરૂરિયાત માટેની આયાત તરત બંધ ના થાય, પણ કાચા માલની આયાત તરત બંધ થાય. તેથી વધુ એક દેશની નિકાસ બંધ થાય.આ ચક્કર ચાલે છે અને ડિમાન્ડ ઘટે છે. ઇકોનોમીનું ચાલક બળ ડિમાન્ડ છે. માગ હોય ત્યારે તેને પૂરી કરવા પુરવઠો ઉત્પન્ન કરવા સૌ પ્રવૃત્ત થાય. માગ ના હોય એટલે પ્રવૃત્તિ અટકે અથવા મંદ પડે. પ્રવૃત્તિ ઘટે એટલે આવક ઘટે અને આવક ઘટે એટલે માગ ઘટે. આ રીતે ચક્કર વધારે ઝડપથી ફરે છે.જોકે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર બહુ સંકુલ છે અને સીધી અસર દેખાતા સમય લાગે છે. દરમિયાન કરેક્ટિવ પગલાં લેવાય તો અસર ઝડપથી થાય છે. તેથી કોઈ એક પગલાંની અસર ક્યારે, કેટલા સમય પછી, કેટલી થશે તેનો પરફેક્ટ અંદાજ નથી લગાવી શકાતો. પરંતુ અસર થશે તેટલું નિશ્ચિત હોય છે.અર્થશાસ્ત્રીઓ એથી જ કહી રહ્યાં છે કે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને કારણે અમેરિકાના અર્થતંત્રને અસર થયા વિના રહેશે નહિ. તેમણે ઇમિગ્રેશન સામે લીધેલા કડક પગલાં પણ અર્થતંત્રને અસર કરે છે, કેમ કે અમેરિકા છેલ્લા ૨૦૦ વર્ષોથી ઇમિગ્રેશન અને તેની સાથે આવતી શ્રમશક્તિ અને બુદ્ધિશક્તિથી જીતતો આવ્યો છે. ઇમિગ્રેશન પોલીસીમાં ટેલેન્ટને રોકવાની કોશિશ નથી, પણ કામદારોને રોકવાની કોશિશ છે, પણ ટેલેન્ટે ચીંધેલું કામ કામદારો વિના થતું નથી. અમેરિકામાં છેલ્લા કેટલાક દાયકાથી આ મુદ્દે ચર્ચા ચાલે પણ છે. સોફ્ટવેરના ઉદય પછી અમેરિકાએ મજૂરી કામ દુનિયાને સોંપી દીધું છે. નવી વસ્તુની શોધ અમેરિકા કરે અને મેન્યુફેક્ચરિંગ બીજા દેશો કરે. અમેરિકા ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી જમાવે.આ નીતિના નુકસાનકારક પાસાની હવે અમેરિકાને જાણ થવા લાગી છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર એફિશિયન્સી ખાતર ઇન્નોવેશન કરતી રહે છે તે વાત ભૂલાઈ ગઈ. તે માટે એક દાખલો આપવામાં આવે છે. અમેરિકાએ ઇલેક્ટ્રોનિકસનું ઉત્પાદન બંધ કર્યું તેના કારણે કોરિયા અને તાઈવાન જેવા દેશો ફાવી ગયા. ફ્લેટ એલડી સ્ક્રીનમાં આ દેશોની કંપનીઓ આગળ વધી ગઈ અને અમેરિકા ક્યાંય પાછળ રહી ગયું. છેક એપલનો આઇફોન ફોન આવ્યો ત્યારે થોડો વેપાર પાછો વળ્યો. પરંતુ એપલનું ઉત્પાદન ચીનમાં જ થાય છે. અમેરિકા માટે ખોટું હતું, તે દુનિયા માટે સાચું હતું. એશિયન દેશોની વિશાળ વસતિને રોજગારી માટે વિશાળ મેન્યુફેક્ચરિંગ બેઝની જરૂર હતી. પરસ્પરને ફાયદો હોય ત્યાં સુધી માર્કેટ બરાબર ચાલતી રહે છે, પણ કોઈ એક દેશ એકલો જ ફાયદો લેવાની કોશિશ કરે ત્યારે આધુનિક યુગમાં તેને સફળતા મળવી મુશ્કેલ છે. સિવાય કે વિમાન અને રોકેટ બનાવવા જેવી ટેક્નોલોજી, જેમાં અમેરિકા હજીય આગળ છે.
તેથી જ જાણકારો કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલી ટ્રેડ વૉર આગળ વધશે તો વધારે ને વધારે નુકસાન કરશે. સૌને નુકસાન કરશે અને તેની અસરમાંથી અમેરિકા પણ બાકાત રહી શકશે નહિ. આયાત પર પ્રતિબંધો એટલા માટે અસરકારક નથી હોતા, કેમ કે બીજો દેશ પણ સામે તમારી પ્રોડક્ટ્‌સની આયાત પર પ્રતિબંધ મૂકશે જ. ભારત અને ચીને એ રીતે અમેરિકાને સામો પ્રતિસાદ આપ્યો છે.
મુક્ત અર્થતંત્રમાં માનનારા જાણકારો કહી રહ્યા છે કે લાંબો સમય અમેરિકાની આ નીતિ રહી તો નુકસાન ધીમે ધીમે દેખાવા લાગશે. આ તો પહેલાં જેવી નીતિ છે કે હું ભલે રાંડ થાવ, પણ તને મારું. પડોશીને તમારાથી થતી કમાણી બંધ કરાવો, તે ગરીબ બને. સરખામણીએ તમે પૈસાદાર લાગશો – પણ તેમાં તમારી આવક વધી નથી, કોઈની ઘટી છે.
સ્વદેશીનો નારો એટલે જ આકર્ષક લાગતો હોવા છતાં આજ સુધીમાં એક પણ દેશ સ્વદેશી ધોરણે વિકાસ કરી શક્યો નથી. ૧૯૩૦ની મંદી પછી બધા દેશો આયાત-નિકાસ બંને ઓછા કરવા લાગ્યા હતા. રશિયા જેવા કમ્યુનિસ્ટ દેશોમાં સામ્યવાદી અને સામૂહિક તંત્ર ઊભું થયું હતું, જે આરંભમાં આદર્શ લાગ્યું, પણ તેની ખામીઓ થોડા જ વર્ષમાં દેખાવા લાગી હતી. માણસ પોતાના ખેતરમાં પણ કામ કરવાનું પસંદ કરતો નથી, જો મજૂર મળી જતો હોય છે. તો પછી સામૂહિક ખેતીમાં કોણ કામ કરે? ચાબૂક મારીને કામ કરાવીએ તેમાં ભલીવાર હોતો નથી. માર્ક્સવાદી અર્થવ્યવસ્થા તેના કારણે જ ઝડપથી તૂટવા લાગી હતી.
મૂડીવાદ શ્રેષ્ઠ છે એવો દાવો પણ કોઈ ખરી શકે તેમ નથી. તેમાં બગાડ બહુ થાય છે અને મોનોપોલી અટકાવી શકાતી નથી. સામ્યવાદમાં ડરને કારણે મજૂરી કરવી પડે છે, જ્યારે મૂડીવાદમાં લાલચને કારણે મોટા ભાગના લોકોએ મૂડીપતિઓની મજૂરી જ કરવી પડે છે. પસંદગી દબાણ, મજબૂરી અને સ્વેચ્છા વચ્ચે કરવાની છે.
એક દેશ ખનીજનું ઉત્પાદન વધારે સારી રીતે કરી શકે છે, બીજો દેશ અનાજનું વધારે સારી રીતે ઉત્પાદન કરી શકે છે. ભૌગોલિક કારણોસર બંને દેશો ચોક્કસ ઉત્પાદનમાં ફાયદામાં રહે છે. ખનીજમાં કાર્યક્ષમ દેશ ખનીજની નિકાસ કરે અને અનાજની આયાત કરે, બીજો દેશ તેનાથી ઉલટું કરે તેનાથી બંનેનું કામ ચાલે છે. બેમાંથી એક દેશને, ખનીજ કીમતી હોય તો ખનીજ ઉત્પાદન કરનારા દેશને થોડો ફાયદો વધારે થવાનો. તેને ટ્રેડ ઇમ્બેલેન્સ કહે છે. અમુક હદની ઇમ્બેલેન્સ અનિવાર્ય છે. ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરીને અરબ દેશો તગડાં થયા છે. પોતાની જરૂરિયાતની મોટા ભાગની વસ્તુઓ તે આયાત કરે છે. તે પછીય ક્રૂડની નિકાસની તગડી કમાણીને કારણે તે દેશો સમૃદ્ધ બન્યા છે. પણ આવી સ્થિતિ અમુક પ્રોડક્ટ પૂરતી હોય છે, બધી બાબતોમાં આ શક્ય નથી. બીજું સોલર પેનલ કરતાંય ક્રૂડ સસ્તું પડે છે. તેથી દેશોને આરબોને કમાણી કરાવી આપવી આમ તો ફાયદાકારક જ છે. સોલર ઉર્જા સસ્તી થશે ત્યારે આપોઆપ ક્રૂડની આયાત અટકી જશે.
સરકારી નીતિઓ અમુક હદે તેમાં ઉપયોગી નીવડે. જેમ કે સમજદાર સરકાર સોલરને પ્રાયોરિટી આપી, તેને ઝડપથી સસ્તું બનાવવા કોશિશ કરે તો ફાયદો થાય. પણ સરકારો એટલી સમજદાર હોતી નથી. પ્રાયોરિટી નક્કી ના કરવાની બાબતમાં સરકારો જ શા માટે, આપણે સૌ પણ સમજદાર હોતા નથી. સમજદાર હોય તેના હાથમાં સત્તા હોતી નથી. અમેરિકામાં પણ કંઈક એવું જ થયું છે અને ત્યાંના સમજદાર લોકો ગભરાઈ રહ્યા છે. ડોનાલ્ડ કદાચ ચાર વર્ષ પૂરા કરીને હારી પણ જાય, પણ તેમણે અત્યારે લીધેલા પગલાંની અસર ચાર વર્ષ પછીય દેખાતી હશે એવી ચિંતા કેટલાક અર્થશાસ્ત્રીઓને થઈ રહી છે. સિવાય કે થોડા જ વખતમાં નીતિમાં ફેરફાર થાય.

Related posts

ભારતમાં ઈસ્લામિક સ્ટેટના પગપેસારાની વાત કંઈ નવી નથી…..!!

aapnugujarat

कश्मीर पर विपक्ष की मसखरी

aapnugujarat

મોદીનો માસ્ટર સ્ટ્રોકઃ રામનાથ કોવિંદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1