Aapnu Gujarat
બ્લોગ

ભારતમાં ઈસ્લામિક સ્ટેટના પગપેસારાની વાત કંઈ નવી નથી…..!!

ભારતમાં લાંબા સમય પછી આતંકવાદનું ભૂત પાછું ધૂણ્યું છે ને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના મોડ્યુલનો ભાંડો ફોડ્યો છે. આ મોડ્યુલની માહિતી બહુ પહેલાં મળેલી ને એનઆઈએના માણસો લાંબા સમયથી ફિલ્ડિંગ ભરતા હતા. આ મોડ્યુલ વિશે મળી શકે એટલી માહિતી મળી પછી તેમણે બુધવારે હલ્લાબોલ કરીને ઉત્તર પ્રદેશ ને દિલ્હીમાં ઠેર ઠેર દરોડા પાડીને ૧૦ લોકોને ઉઠાવી લીધા. એ સિવાય બીજા છ લોકોને પણ પૂછપરછ માટે પકડી લવાયા છે. એનઆઈએએ જેમને ઉઠાવ્યા છે તેમાં મુફતી સૌહેલ નામનો મૌલવી પણ છે ને આ આતંકીઓનો સરદાર છે. એ સિવાય એક એન્જિનિયર, એક વિદ્યાર્થી ને બીજા પણ લોકો છે.
એનઆઈએના દાવા પ્રમાણે ‘હરકત-ઉલ-હર્બ-એ-ઈસ્લામ’ નામના આ મોડ્યુલના આતંકવાદીઓ એકાદ મહિનામાં જ દેશભરમાં મોટા પાયે આત્મઘાતી હુમલા કરવાના હતા. આતંકીઓએ પાંચ અલગ અલગ ટીમો બનાવેલી ને મોટાં માથાંને પણ ઉડાવી દેવાની ફિરાકમાં હતા. વોટ્‌સએપ ને બીજાં સોશિયલ મીડિયા મારફતે એ બધા એકબીજા સાથે સંપર્કમાં રહેતા હતા. આતંકવાદીઓનું લક્ષ્ય ઉત્તર ભારત હતું ને ત્યાં કાળો કેર વર્તાવવાની પૂરી તૈયારી તેમણે કરી લીધેલી. એનઆઈએએ મેરઠ અને લખનૌ સહિત કુલ ૧૭ ઠેકાણે દરોડા પાડીને વિસ્ફોટક સામગ્રી, હથિયારો, દારૂગોળો કબજે કર્યાં છે. એ સિવાય સાડાસાત લાખ રૂપિયા રોકડા, ૧૦૦ મોબાઈલ ફોન, ૧૩૫ સિમ કાર્ડ, ઢગલાબંધ લેપટોપ્સ ને મેમરી કાર્ડ પણ પોલીસે કબજે કર્યાં છે. પોલીસે સાત પિસ્તોલ ને મોટા પ્રમાણમાં તલવારો પણ કબજે કરી છે. એનઆઈએના કહેવા પ્રમાણે હજુ તો આ તો પાશેરામાં પહેલી પૂણી છે. જે આતંકીઓ ઝડપાયા છે તેમની ધોલાઈ કરાશે એટલે હજુ બીજી ઘણી વાતો બહાર આવશે. એનઆઈએ આ આતંકીઓ પાસેથી શું શું ઓકાવી શકે છે તે જોવાનું રહે છે ને તેમાં હજુ બીજો મોટો ધડાકો થાય એવું પણ બને. જોકે જે પણ હશે એ વાજતુંગાજતું સામે આવવાનું જ છે પણ આ ઘટનાએ ફરી એક વાર આપણે ત્યાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદનો ખતરો વધતો જાય છે તેનો અહેસાસ આપણને કરાવ્યો છે.
આપણે ત્યાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પહેલી વાર નથી પકડાયા. અત્યારે જે પકડાયા એ લોકો તો કશું કરે એ પહેલાં પકડાઈ ગયા પણ ઈસ્લામિક સ્ટેટે આતંકી ઘટનાને અંજામ આપી દીધો હોય એવું પણ બનેલું છે.
ગયા વરસે માર્ચ મહિનામાં મધ્ય પ્રદેશમાં ઉજ્જૈન-ભોપાલ ટ્રેનમાં બ્લાસ્ટ થયો હતો. મધ્ય પ્રદેશ પોલીસે સ્ફૂર્તિ બતાવીને સીસીટીવી કેમેરાના આધારે કલાકોમાં તો શોધી કાઢેલું કે આ આતંકવાદી હુમલામાં ત્રણ દેશદ્રોહીઓ સામેલ છે. પોલીસે કલાકોમાં તેમને ઝડપી પણ લીધેલા. અતીફ મઝફ્ફર, મોહમ્મદ દાનિશ અને સૈયદ હુસૈન નામના આ ત્રણ આતંકવાદીઓ ઉત્તર પ્રદેશના કાનપુર ને કનૌજથી આવેલા ને બૉમ્બ ફોડીને છૂ થઈ જવાની ફિરાકમાં હતા ત્યાં પકડાઈ ગયા હતા.
પોલીસે તેમની ધોલાઈ કરી એટલે તેમણે પઢાવેલા પોપટની જેમ કબૂલી લીધેલું કે પોતે ઈસ્લામિક સ્ટેટ માટે કામ કરે છે ને બૉમ્બ બ્લાસ્ટ થયો પછી તેમણે તેના ફોટા સીરિયા પણ મોકલ્યા હતા. તેમણે કબૂલેલું કે, તેમનું ગ્રુપ નવ લોકોનું છે ને ભોપાલમાં જે બ્લાસ્ટ કર્યો હતો એ તો પ્રેક્ટિસ માટે હતો. બાકી અસલી ધમાકો તો ઉત્તર પ્રદેશમાં કરવાનો હતો. તેમની પાસેથી પોલીસને ઈસ્લામિક સ્ટેટના બીજા આતંકીઓનાં નામ મળ્યાં ને એ લોકો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં હોવાની બાતમી પણ મળી. મધ્ય પ્રદેશ પોલીસે આ બાતમી તાબડતોબ ઉત્તર પ્રદેશ પોલીસને આપી. ઉત્તર પ્રદેશ પોલીસે આ બાતમીના આધારે દરોડા શરૂ કર્યા તેમાં કાનપુરમાંથી બે ને ઈટાવામાંથી એક આતંકી ઝડપાયો.
પોલીસને ચોથો આતંકી લખનૌના ઠાકુરગંજમાં છુપાયો હોવાની બાતમી મળી હતી. પોલીસે ત્યાં રેડ કરી તો સૈફુલ્લાહ નામના આતંકીએ પોલીસ પર ગોળીઓ છોડવા માંડી. પોલીસે બિલ્ડિંગને ઘેરો ઘાલ્યો ને સૈફુલ્લાહ ચસકી ના શકે તેવો બંદોબસ્ત કરી નાંખ્યો છતાં સૈફુલ્લાહે છ કલાક લગી ઝીંક ઝીલી હતી. છેલ્લે પોલીસની ગોળી ખાઈને ઢબી ગયો ને એ રીતે તેનો અંત આવેલો.
આ ઘટના બની તેના એકાદ અઠવાડિયા પહેલાં જ ગુજરાતમાંથી ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના બે આતંકવાદી પકડાયા હતા. ગુજરાતમાંથી ઝડપાયેલા બંને યુવકો સુશિક્ષિત ને સારા પરિવારના હતા. વસિમ રામોડિયા ને નઈમ રામોડિયા નામના આ બે ભાઈઓના પિતા આરીફ રામોડિયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કર્મચારી હતા ને સૌરાષ્ટ્રમાં ક્રિકેટ અમ્પાયર તરીકે તેમની નામના હતી. વસિમ રામોડિયા એમસીએમાં ભણતો હતો ને નાનો ભાઈ નઈમ બીસીએ થયેલો હતો. બંને ભાઈઓ કોમ્પ્યુટરના ફિલ્ડમાં ઉચ્ચ શિક્ષિત હતા છતાં આતંકવાદના રવાડે ચડેલા. વસિમની પત્ની શાહઝીન પણ આ બંને ભાઈઓ સાથે આતંકવાદના કાળા કામમાં પૂરેપૂરી ખૂંપેલી હતી. વાસ્તવમાં શાહઝીને વસિમને ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાવા ઉશ્કેર્યો ને પછી તેના નાના ભાઈને પણ ભેળો લીધો હતો. આ બંને ઘટનાઓ હજુ દોઢેક વરસ જૂની છે ને એ પહેલાં પણ ઈસ્લામિક સ્ટેટે ભારતમાં પગપેસારો કર્યો હોવાના પુરાવા પણ મળેલા. છેક ૨૦૧૪થી ઈસ્લામિક સ્ટેટની ભારતમાં ઘૂસણખોરીના પરચા આપણને મળવા માંડેલા. મુંબઈ પાસે આવેલા કલ્યાણનો આરીબ માજીદ નામનો એન્જિનિયર યુવક ત્રણ સાથીઓ સાથે મે ૨૦૧૪માં ધાર્મિક યાત્રાના બહાને ઈરાક ગયેલો ને ત્યાંથી ગાયબ થઈને આઈએસ એટલે કે ઈસ્લામિક સ્ટેટમાં જોડાઈ ગયેલો. આરીબ તો પછી પાછો ભારત આવી ગયેલો પણ તેની સાથે ગયેલા બીજા ચાર યુવકો પાછા જ ના આવ્યા. એ લોકો સીરિયામાં ઈસ્લામિક સ્ટેટ તરફથી લડી રહ્યા હોવાના સમાચારો આવ્યા જ કરે છે.
માજીદની ઘટના તાજી હતી ત્યાં જ ત્રણેક વરસ પહેલાં પુણેની એક ૧૬ વરસની છોકરી આઈએસ પર ઓળઘોળ થઈને આત્મઘાતી બૉમ્બર બનવા નીકળેલી. પોલીસને તેનાં માતા-પિતાએ જ જાણ કરી પછી તેની સમજાવટ કરાઈ એટલે એ સમયસર ચેતીને પાછી ફરી ગઈ પણ આ ઘટનાએ સૌને હચમચાવી નાંખેલાં. આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ આ ઘટનાઓ ઈસ્લામિક સ્ટેટનો ભારતમાં પણ પ્રભાવ છે જ તે સાબિત કરવા માટે પૂરતી છે. બીજાં કેટલાંય લોકો એવાં હશે જ કે જે અંદરખાને કામ કરતાં હશે પણ આપણને ખબર નહીં હોય.
અત્યારે જે લોકો ઝડપાયા છે તેમની સાથે પણ બીજા કેટલાય લોકો જોડાયેલા હશે જ ને તેમનો ભાંડો પણ ફૂટશે જ પણ વિચારવાની જરૂર એ છે કે, આપણે ત્યાંથી પણ લોકો કેમ આવા આતંકી સંગઠનમાં જોડાય છે ? ભારતમાં બહુમતી મુસ્લિમો આતંકવાદથી અલિપ્ત છે. ધર્મના નામે તેમને ગમે તેટલી ગોળીઓ ગળાવાય પણ મુસ્લિમોને એ બધું સ્પર્શતું નથી. આ દેશમાં મુસ્લિમો ધંધા-રોજગાર કરી ખાય છે ને શાંતિથી જીવે છે. બહુ નાનકડો વર્ગ આ બધા રવાડે ચડે છે ને એવું કેમ થાય છે એ સમજવા જેવું છે. આ બધાં લોકો આતંકવાદ અને ખાસ કરીને અલ કાયદા તથા ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) જેવાં સંગઠનોના ગ્લેમરથી અંજાઈને તેના તરફ વળે છે. અલ કાયદા કે ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) જેવાં આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલાં લોકોને જે રીતે પ્રસિદ્ધિ મળે છે, ઈસ્લામિક દેશોમાં તેમની વાહવાહી થાય છે તેના કારણે તેમને શૂર ચડી જાય છે ને હીરો બનવાની ચળ ઊપડી આવે છે. આ ચળના કારણે આ લોકોની મતિ ભ્રષ્ટ થઈ જાય છે ને એ લોકો ઈસ્લામિક સ્ટેટ જેવાં આતંકવાદી સંગઠનો તરફ આકર્ષાય છે.
એક વાર માણસ ઈસ્લામિક સ્ટેટ કે અલ કાયદા કે બીજા તેના જેવા આતંકવાદી સંગઠન ભણી વળે એ પછી આતંકી આકાઓ ગમે તેવા માણસનું બ્રેઈન વોશ કરી નાંખતા હોય છે. એ લોકો એવી ભૂરકી નાંખતા હોય છે કે માણસને તેમની વાત સાચી લાગે. મઝહબ માટે શહીદ થવાથી જન્નત મળશે ને આ તો આપણી કોમની વાત છે એવી વાતો કરી કરીને પાનો ચડાવાય છે ને એટલું માન અપાય છે કે એ લોકો હવામાં જ ઊડવા લાગે છે. સોશિયલ મીડિયા પર ને આતંકીઓના સર્કલમાં આવા લોકોને રીતસરના માથે જ ચડાવી દેવાય છે ને તેના કારણે ફોર્મમાં આવી ગયેલા લોકો આગળપાછળનું વિચાર્યા વિના કોઈ કલ્પી પણ ના શકે તેવા કાંડ કરી નાંખે છે.
આતંકવાદી સંગઠનો ઈસ્લામના નામે વિકૃતિ ફેલાવે છે અને યુવકોને આતંકવાદને રવાડે ચડાવે છે. ઈસ્લામ કોઈ નિર્દોષની હત્યા કરવાની વાત કરતો નથી ને આ વાત મુસ્લિમ સમાજના મોભીઓએ મુસ્લિમ છોકરાંને શીખવવી પડે. બહુમતી મુસ્લિમો એ કરે જ છે ને પોતાનાં સંતાનોને આ બધી વાતોથી દૂર રાખે છે. થોડાક લોકો આ વાત સમજતા નથી ને તેની કિંમત એ લોકો ચૂકવે છે કેમ કે આતંકનો અંજામ મોતમાં જ આવતો હોય છે.

Related posts

ब्रिटेन का यूरोप से मुंह मोड़ना

editor

ગ્લોબલ વોર્મિગના કારણે દુનિયામાં ડરામણી ઘટનાઓ સર્જાશેનો વૈજ્ઞાનિકોમાં ભય

aapnugujarat

કશ્મીરના ગર્વનરનો ફેક્સ અને રસોઇ બગડી ને પક્ષોનો ખેલ બગડ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1