Aapnu Gujarat
Uncategorized

વકીલ કિરીટ જોશી હત્યા કેસ : બે કોન્ટ્રાક્ટ કિલરોની આખરે ધરપકડ થઇ

જામનગરના જાણીતા વકીલ કિરીટ જોશીની જાહેરમાં છરીના ઉપરાછાપરી સંખ્યાબંધ ઘા મારી સનસનીખેજ હત્યા કરવાના ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા કેસમાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે બે કોન્ટ્રાક્ટ કિલરોને મુંબઇથી ઝડપી લીધા છે. હત્યાના પંદર દિવસ બાદ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવામાં આખરે શહેર ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. ક્રાઇમબ્રાંચની પ્રાથમિક તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, ભૂમાફિયા જયેશ પટેલે જમીનની અદાવતમાં એડવોકેટ કિરીટ જોશીની હત્યા માટે રૂ.૫૦ લાખની સોપારી આપી હતી. આ સમગ્ર હત્યા પ્રકરણમાં હજુ ત્રણથી ચાર આરોપીઓ સંડોવાયેલા હોઇ તેઓને પકડી પાડવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બીજીબાજુ, ભૂમાફિયા જયેશ પટેલ હાલ દુબઇમાં હોઇ ક્રાઇમબ્રાંચ તેની ગતિવિધિઓ પર વોચ રાખી રહી છે. જામનગરમાં સતત ધમધમતા ટાઉનહોલ વિસ્તારમાં ગત તા.૨૮મી એપ્રિલની રાત્રે અગ્રણી વકીલ કિરીટભાઇ જોશી પર છરીના આડેધડ ઘા ઝીંકીને અત્યંત ક્રૂર રીતે હત્યા કરી બાઇકસવાર બે ઇસમો નાસી છૂટ્યાના બનાવના પગલે જામનગર સહિત રાજ્યભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. હત્યા નીપજાવનાર બન્ને કોન્ટ્રાક્ટ કિલરને ઝડપી પાડવા પોલીસે આરોપીનો સ્કેચ પણ જાહેર કર્યો હતો તેમજ હત્યારાની સચોટ માહિતી આપનારને ૫૦ હજારનું ઇનામ પણ આપવાની જાહેરાત કરી હતી. આ અંગે શહેર ક્રાઇમબ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટે જણાવ્યું હતું કે, આ હત્યા પ્રકરણમાં સ્થાનિક ભૂમાફિયા જયેશ પટેલના ઇશારે બે શખ્સોએ હત્યા કરી હોવાની ફરિયાદ મૃતકના ભાઇએ નોંધાવી હતી. ફરિયાદ મુજબ જયેશ મૂળજીભાઇ રાણપરીયા પટેલના રૂ. ૧૦૦ કરોડના જમીન કૌભાંડના કેસોમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે તેના ભાઇ કિરીટ જોશી રોકાયા હતાં. આથી જયેશ પટેલને જામનગરની સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટમાં આગોતરા અને નિયમિત જામીનમાં નિષ્ફળ જતાં લાંબો સમય જેલમાં રહેવું પડતાં મોટું આર્થિક નુકસાન થયું હતું. આ બાબતની અદાવત રાખી જયેશ પટેલે એડવોકેટ કિરીટ જોશીની હત્યા માટે રૂ.૫૦ લાખની સોપારી આપી હતી, જેના અનુસંધાનમાં, જયેશ પટેલના કહેવાથી બે શખ્સોએ કિરીટ જોશીને છાતી,પેટ અને કમરના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકી ઢીમ ઢાળી કાવતરાને અંજામ આપી બાઇક પર ફરાર થઇ ગયા હતાં. ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે મુંબઇના અંધેરી અને વસઇ ખાતેથી આ હત્યા કેસના બે હત્યારા કોન્ટ્રાક્ટ કિલર સાયમંડ અને અજય મોહન મહેતાને ઝડપી લીધા છે. બંને આરોપીઓએ જયેશ પટેલના કહેવાથી હત્યા કરી હોવાનું અને રૂ.૫૦ લાખની સોપારી અપાઇ હોવાની કબૂલાત કરી લીધી છે. આરોપી જયેશ પટેલ હાલ દુબઇમાં છે અને તે વોટ્‌સઅપ અને સોશ્યલ મીડિયા મારફતે અહીં સંપર્કમાં હતો, તેની ગતિવિધિ પર ક્રાઇમબ્રાંચ વોચ રાખી રહી છે. આ સમગ્ર હત્યા પ્રકરણમાં હજુ ત્રણથી ચાર આરોપીઓની સંડોવણી સામે આવી છે, તેઓને ઝડપી લેવાના ચક્રો પણ ગતિમાન કરાયા છે. આ બંને આરોપીઓને ક્રાઇમબ્રાંચ દ્વારા આગળની તપાસ અર્થે જામનગર પોલીસને સોંપી દેવાયા છે.

Related posts

જીતુ વાઘાણીએ ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક માટે ઉમેદવારીપત્ર ભર્યું

aapnugujarat

ધોરાજીના ખેડૂતો એ ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લખ્યો પત્ર

editor

વાળદ સમાજ ભાવનગર દ્વારા ઘોઘા બાળનાથ મહાદેવ મંદિરના લાભાર્થે સમુહ લગ્ન મહોત્સવ

editor

Leave a Comment

UA-96247877-1