Aapnu Gujarat
બિઝનેસ

રેરાની હાલાકીને લઇ હજારો ત્રાહિમામ્‌ : ફરિયાદો કરાઈ

અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્યના અનેક બિલ્ડર અને ડેવલપર્સ હાઉસીંગ પ્રોજેક્ટની સ્કીમ અધુરી મુકી ગ્રાહકોને રહેઠાણના ફ્લેટનો પ્રત્યક્ષ કબજો આપવામાં સંપુર્ણ નિષ્ફળ જાય છે. ૫ થી ૧૦ વર્ષોના અસહ્ય વિલંબ બાદ પણ ગ્રાહકોને બુક કરાવેલા અને અવેજ ચુકવેલ ફ્લેટનું ટાઈટલ ક્લીઅર અને બી.યુ.પરમીશન સાથે પઝેશન આપવામાં આવતુ નથી. આથી હજારો ગ્રાહકો અને તેમના પરિવાર લાચાર અને કફોડી પરિસ્થિતિમાં મુકાયા છે, એટલા માટે કે, કેન્દ્ર સરકારે બિલ્ડરો અને ડેવલપર્સ પર લગામ કસવા રેરા(રીઅલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એક્ટ)નો કાયદો અમલી બનાવ્યો પરંતુ ગુજરાતમાં રેરાની ઓફિસનો કોઇ અતોપતો જ નથી. હજારો નાગરિકોને તેની કોઇ સત્તાવાર જાણકારી પણ તંત્ર દ્વારા પહોંચાડવાના પ્રયાસો થતા નથી. એટલું જ નહી, તંત્ર દ્વારા ગ્રાહકો પાસેથી ઓનલાઇન ફરિયાદ કરવાનો જ આગ્રહ રાખવામાં આવતાં હજારો નાગરિકો ભયંકર હાલાકીનો ભોગ બની રહ્યા છે કારણ કે, બધા નાગરિકો પાસે નેટની કે ઓનલાઇન સુવિધા ના હોઇ શકે. આ સંજોગોમાં ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે રેરાની ઓફિસ, તેની બિનવ્યવહારૂ અને હાલાકીભરી કામગીરી પરત્વે ખુદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી ફરિયાદ કરી છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે રાજયના હજારો ગ્રાહકો અને નાગરિકોની આ હાલાકીભરી સમસ્યાનું તાકીદે નિવારણ લાવવાની માંગણી કરતાં જણાવ્યું હતું કે, બિલ્ડરો અને ડેવલપર્સ દ્વારા છેતરાયેલા અસરગ્રસ્ત ગ્રાહકો બેંકલોન, ઘરભાડા, પોલીસ સ્ટેશનના ધક્કા અને ન્યાય માટે કયાં જવું તેની વિમાસણમાં પહેલેથી જ ભયંકર હાલાકીનો ભોગ બની રહ્યા છે. બિલ્ડરો અને ડેવલપર્સને કાબુમાં લેવા કેન્દ્ર સરકારે રીઅલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એક્ટ – રેરા પસાર કર્યો છે. તા. ૦૧-૦૫-૨૦૧૭ થી રેરાના કાયદાની તમામ કલમો લાગુ થઈ ગઈ હોવા છતા ગાંધીનગરની રેરા ઓફિસનો અતોપતો નથી. ફરીયાદી ગ્રાહકોને રેરાની ઓફિસ મળતી નથી. અગાઉ ગાંધીનગરના સેક્ટર ૧૦/છ સ્થિત રેરાની ઓફિસ ચીફ ટાઉન પ્લાનરની ઓફિસમાં બેસતી હતી. પરંતુ તા. ૦૧-૦૫-૨૦૧૮ થી રેરાની ઓફિસનુ સરનામુ બદલાયુ છે. જો કે, આ અંગે ફરીયાદી ગ્રાહકો સંપુર્ણ અંધારામાં છે અને માહિતીનો અભાવ છે. એટલું જ નહી, બિલ્ડરો અને ડેવલપર્સ વિરૂદ્ધ ફરિયાદ કરવા માટે રેરાના નિયમો ચિત્ર-વિચિત્ર અને સામાન્ય ગ્રાહકોની મુશ્કેલીઓ વધારનારા છે. સૌપ્રથમ તો ફરીયાદ ફરજીયાત ઓનલાઈન કરવી પડે છે. મોટાભાગના સામાન્ય ગ્રાહકો કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન ફરીયાદ કરવા સક્ષમ નથી હોતા. દરેક કન્ઝયુમર પાસે નેટ કનેક્શન હોતુ નથી. જે ગ્રાહકો કોમ્પ્યુટર ઉપર રેરાની વેબસાઈટની વિઝિટ લઈ ઓનલાઈન ફરીયાદ કરવા સક્ષમ અને જાણકાર હોય છે તોપણ રેરાની સીસ્ટમ ફરીયાદો સ્વીકારતુ નથી.
૧૦૦૦ની ફરજીયાત ફી ચુકવવા માટે ક્રેડીટ અને ડેબીટ કાર્ડ તેમજ નેટ બેંકિંગ માંગવામાં આવે છે. રેરાની ઓફિસમાં સત્તાવાળાઓ બિલ્ડરો વિરૂદ્ધ ફરીયાદો સાંભળતા નથી અને પુરાવાઓ ધ્યાને લેતા નથી. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ઉમેર્યું કે, ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે ફરીયાદી ગ્રાહકોની ફરીયાદના ઉકેલ માટે ગવર્મેન્ટ રજીસ્ટર્ડ કન્ઝયુમર એસોસીએશન ઓથોરીટી લેટર દ્વારા ફરીયાદો કરી જજમેન્ટ મેળવે છે. પરંતુ ગુજરાત રેરામાં ગ્રાહક સુરક્ષા મંડળો ગ્રાહકો વતી ફરીયાદ કરી શકતા નથી. આથી ગ્રાહકોને ન્યાય મળતો નથી. ગ્રાહકો પાસે સમયનો અને કાયદાકીય જાણકારીનો અભાવ હોય છે. રેરાના અધિકારીઓ ગ્રાહકોની ફરીયાદો સાંભળ્યા વગર ધક્કા-ધુક્કી ખવડાવી હેરાનગતિ કરે છે. રેરા અન્વયે ગ્રાહકોની ફરીયાદો સ્વીકારવા માટે બ્લોક છ ૬ઠ્ઠો માળ, બહુમાળી ભવન, લાલદરવાજા તેમજ આશ્રમરોડ, ઉસ્માનપુરા ચાર રસ્તા સ્થિત ઔડાની ઓફિસ નક્કી કરાઇ છે. પરંતુ ટપાલ દ્વારા અને રૂબરૂમાં ફરીયાદો સ્વીકારવા સત્તાવાળાઓ આનાકાની કરે છે અને પરિણામે હજારો નાગરિકો હાલાકીનો ભોગ બને છે. આ સંજોગોમાં સરકારે તાત્કાલિક ગ્રાહકોના હિતમાં નિર્ણય લેવો જોઇએ.

Related posts

जियो प्लेटफार्म्स को फेसबुक से 9.99 प्रतिशत हिस्सेदारी के बदले मिली 43,574 करोड़ रुपये

editor

ઇ કોમર્સમાંથી પેપર બેંકિંગ ઉદ્યોગને મળી નવી તક

aapnugujarat

તેલની વધતી કિંમતો પર ઓપેક દેશ ૧૭ ઓક્ટોબરે ભારત સાથે વાતચીત કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1