Aapnu Gujarat
ગુજરાત

વડોદરા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેકટને લઈ ખેડૂતો સાથે મિટીંગ તોફાની

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેનના પ્રોજેકટને પાર પાડવામાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાઇ રહ્યો છે. અગાઉ વડોદરામાં ખેડૂતો સાથે જમીન સંપાદન મામલે બોલાવાયેલી બેઠકમાં હોબાળો મચ્યા બાદ તે ફેઇલ ગઇ હતી. ખેડૂતોની નારાજગી અને ઉગ્ર સ્વર પારખી નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનને એ બેઠક મોકૂફ રાખવાની ફરજ પડી હતી. દરમ્યાન આજે ફરી એકવાર નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જમીન સંપાદન મુદ્દે આજે સર સયાજીરાવ નગર ગૃહ ખાતે બીજી સ્ટેકહોલ્ડર પરામર્શ બેઠક મળી હતી. જેમાં બુલેટ ટ્રેનની માહિતી આપવા માટે ગ્રામસભાઓ નહીં યોજવાના મામલે ખેડૂતોએ ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો અને કાયદાકીય જોગવાઇઓ અને પ્રક્રિયાનું અનુસરણ સત્તાવાળાઓ દ્વારા નહી કરાતું હોવાનો મુદ્દો ઉપસ્થિત કરી જોરદાર હોબાળો મચાવ્યો હતો, જેને લઇ પ્રોજેક્ટમાં જમીનના વળતર અંગેની મીટીંગ પણ તોફાની બની રહી હતી. વડોદરાના સર સયાજી નગરગૃહ ખાતે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં વડોદરા તાલુકો, પાદરા તાલુકા અને કરજણ તાલુકાના વિવિધ ગામોના અસરગ્રસ્ત ખેડુતો હાજર રહ્યા હતા. કંપની સંચાલકો દ્વારા મીટીંગમાં કહેવામાં આવ્યુ હતુ કે, સમયે સમયે ગામડાઓમાં ગ્રામસભા બોલાવીને ખેડૂતો બુલેટ ટ્રેન બાબતે માહિતી આપવામાં આવે છે. આ વાત સાંભળતા જ ખેડૂતો રોષે ભરાયા હતા અને ગામડાઓમાં ક્યાંય ગ્રામસભા યોજવામાં ન આવી હોવાની રજૂઆત કરી હતી. જેને પગલે મિટીંગમાં હોબાળો મચી ગયો હતો. એક સમયે સભા તોફાની બની ગઇ હતી. જેથી સભા રોકવાની ફરજ પડી હતી પરંતુ થોડીવારમાં ફરીથી સભા શરૂ થઇ ગઇ હતી. ખેડૂતો તરફથી ઉગ્ર માંગણીઓ રજૂ કરવામાં આવી હતી કે, ગુજરાત-મહારાષ્ટ્રમાં જમીન સંપાદન થનારા ખેડૂત પરિવારોને નોકરી આપવામાં આવે, જંત્રી રિવાઇઝ કરીને જ જમીન સંપાદન કરવામાં આવે, દરેક સ્તરે કેટલુ વળતર ચૂકવવામાં આવશે તેની સ્પષ્ટતા કરવામાં આવે. વડોદરા સર સયાજીનગર ગૃહ ખાતે મળેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સહિત કંપની સંચાલકો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગત બેઠકમાં મચેલા હોબાળાને ધ્યાને લઇ આ વખતે અગમચેતી રાખી પહેલેથી જ પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે, વધુ પડતી સુરક્ષા વ્યવસ્થાને લઇ ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, ધાકધમકી આપીને અમારી જમીનો પડાવવા માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ખેડુત અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કોઈ પણ મીટીંગ રાખવામાં આવે તો તે અંગે તલાટી દ્વારા પોતાના વિસ્તારના અસરગ્રસ્ત ખેડુતોને આ મીટીંગની અગાઉ જાણ કરવાની હોય છે. પરંતું કોઈ પણ તલાટી દ્વારા મીટીંગ બાબતે ખેડુતોને કોઈ જ જાણકારી આપવામાં આવતી નથી. બીજી તરફ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મીટીંગનું આયોજન કરી ગણ્યાં ગાઠ્‌યાં ખેડુતો સાથે મીટીંગ કરી જતા રહેતા હોય છે. ખરેખર તો, અસરગ્રસ્ત એવા એકેએક ખેડૂતને વિશ્વાસમાં લેવાવો જોઇએ અને તેની સાથે પૂરતી સલાહ મસલત અને સંમંતિ બાદ જ કોઇ નિર્ણય લેવો જોઇએ.

Related posts

તાપી પાર યોજનાને લઈને કોંગ્રેસ દ્વારા ફરી આજે ગૃહમાં હોબાળો કરવામાં આવ્યો

aapnugujarat

સેલવાસની પીપળીયા જીઆઈડીસીમાં થર્મોસ બનાવતી ફેક્ટરીમાં આગ લાગતાં અફરાતફરી

aapnugujarat

વડોદરામાં ટાઈફોઈડના કેસમાં વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1