Aapnu Gujarat
બ્લોગ

જલિયાંવાલા હત્યાકાંડ : સો વર્ષ પુરા થયા

જલિયાંવાલા બાગ હત્યાકાંડનું નામ કાને પડે કે તરત શરીરમાંથી લખલખું પસાર થયા વિના રહે નહીં. ૧૩મી એપ્રિલ, ૧૯૧૯ના રોજ અમૃતસરમાં ઘટેલી ઇતિહાસની આ સૌથી ઘાતકી ઘટનાનું સોમું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે. કાળની પીઠ પર પડેલા લોહીઝાણ ઉઝરડા આજેય લોહીતરસી માનસિકતાના પાક્કા પુરાવા સમાન છે. આ હત્યાકાંડ શાસકોની કઈ હદે ક્રૂર બની શકે છે, તેનું નિર્લજ્જ ઉદાહરણ છે. જલિયાંવાલા હત્યાકાંડ પછી બ્રિટિશર્સ પ્રત્યેનો ભારતીયોનો ગુસ્સો રાતોરાત હજાર ગણો વધી ગયો હતો, એટલું જ નહીં ખુદ બ્રિટિશરો પણ આ હત્યાકાંડથી છોભીલા પડી ગયા હતા. ચર્ચિલ સહિતના બ્રિટિશ નેતાઓએ આ હત્યાકાંડને શબ્દો ચોર્યા વિના વખોડ્યો હતો. બ્રિટિશ અફસર દ્વારા આચરવામાં આવેલા આ હત્યાકાંડની દુનિયાભરમાં ખૂબ જ ટીકા થઈ હતી. જોકે, હત્યાકાંડમાં માર્યા ગયેલા હજારથી વધારે લોકોની શહીદી એળે ગઈ નહોતી. બ્રિટિશરો વિરુદ્ધનો સંઘર્ષ વધારે તીવ્ર બન્યો હતો. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આ નરસંહારનો વિરોધ કરીને પોતાનો નોબેલ પારિતોષિક પાછો આપી દીધો હતો!જલિયાંવાલા બાગ હત્યાકાંડના નોંધાયેલા આંકડા અનુસાર જનરલ ડાયરના આદેશ મુજબ નિઃશસ્ત્ર લોકો પર ૯૦ જેટલા સૈનિકો દ્વારા ૧૬૫૦ રાઉંડ ફાયર કરવામાં આવ્યા હતા. સરકારી આંકડા મુજબ આ હત્યાકાંડમાં માત્ર ૩૭૯ લોકો માર્યા ગયા હતા, પરંતુ વાસ્તવિક આંકડો આનાથી ત્રણેક ગણો વધારે હતો. આશરે એક હજારથી વધારે લોકોએ આ હત્યાકાંડમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આમ, આ હત્યાકાંડમાં હજારેક લોકો શહીદ થયા હતા, પરંતુ તેમની શહીદી એળ નહોતી ગઈ, કારણ કે સમગ્ર દેશમાં જનાક્રોશ જાગવાની સાથે સાથે આ હત્યાકાંડે એક બાળકમાં ક્રાંતિની એવી જ્યોત જગાવી હતી કે તે આગળ જતાં શહીદ-એ-આઝમ બન્યો હતો. આ બાળક એટલે બીજું કોઈ નહિ, ખુદ ભગતસિંહ!ભગતસિંહનો જન્મ ૨૮ સપ્ટેમ્બર, ૧૯૦૭ના રોજ હાલના પાકિસ્તાનના ફૈસલાબાદ જિલ્લાના બંગા ગામમાં થયો હતો. બાળવયે ખેતરમાં બંધૂક વાવીને બહુ બધી બંધૂકોનો પાક લણીને તેનાથી અંગ્રેજોને ભગાડવાના મનસૂબા સેવનાર ભગતસિંહે જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ અંગે જાણ્યું ત્યારે તેમનું લોહી ઉકળી ઊઠ્યું હતું. હત્યાકાંડ થયો ત્યારે ભગતસિંહ માત્ર ૧૨ વર્ષના હતા. આ હત્યાકાંડની ભગતસિંહ પર કેવી અસર પડેલી, તે અંગેનો કિસ્સો ખૂબ જાણીતો છે. કહેવાય છે કે ભગતસિંહે જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ અંગે જાણ્યા પછીના એક દિવસે તેઓ શાળાએ જવાને બદલે અમૃતસર પહોંચી ગયા હતા. જલિયાંવાલા બાગની મુલાકાત લીધી હતી અને હજારો લોકોના લોહીથી રંગાયેલી એ શહીદભૂમિની લોહીભીની માટી તેમણે એક કાચની શીશીમાં ભરી લીધી હતી. કહેવાય છે કે સાંજે ઘરે પાછા ફરીને તેઓ પોતાનાં બહેન સમક્ષ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ભગતસિંહે લાંબા સમય સુધી શીશી પોતાની પાસે સાચવી રાખી હતી અને ક્યારેક ક્યારેક એ શીશીની માટીથી તિલક પણ કરતાં હતા અને અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવાનો મનસૂબો મજબૂત કરતા હતા. આમ, એ લોહીભીની માટીએ તેમને દેશને આઝાદી અપાવવાનો લોખંડી નિર્ધાર લેવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.દેશ માટે હસતાં મોંએ ફાંસીના ફંદાને ચુમનારા ભગતસિંહના વિચારો આજે પણ આપણામાં ક્રાંતિની ચિનગારી જગાવે એટલા પ્રભાવશાળી છે, પણ હા, એ માટે આપણે તેમના લખાણો-વિચારો વાંચવાની તસદી લેવી પડે!અમૃતસરના સુવર્ણ મંદિર નજીકનો નાનકડો બગીચો જલિયાંવાલા બાગ ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં એક અનોખુ સ્થાન ધરાવે છે. ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના દિવસે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરેના નેતૃત્વમાં અંગ્રેજી હુકૂમતના સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં અબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ ગોળીબારમાં ઘણાં લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા. જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ પાડયો હતો, તો તે ઘટના આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડ છે. આજે પણ કોઈ સત્તાના દમનકારી વલણની ઘટના કે હત્યાકાંડ થાય છે, તો તેને જલિયાંવાલા હત્યાકાંડ સાથે સરખાવી દેવામાં આવે છે.૧૩ એપ્રિલ, ૧૯૧૯નો દિવસ બૈશાખીનો દિવસ હતો. બૈશાખીના દિવસે આખા પંજાબ અને આસપાસના પ્રદેશોમાં ખેડૂતો રવિ પાક કાપીને નવા વર્ષની ખુશીઓ મનાવતા હોય છે. ૧૩ એપ્રિલ, ૧૬૯૯ના દિવસે શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરીને લોકોને અન્યાય અને અત્યાચાર સામે માથું ન ઝુકાવવાની હાકલ કરી હતી. તેના કારણે પંજાબ અને આસપાસના પ્રદેશોમાં બૈશાખી સૌથી મોટો તહેવાર છે અને શીખો તેને સામૂહિક જન્મદિવસના રૂપમાં ઉજવે છે. અમૃતસરમાં તે દિવસે એક મેળો સેંકડો વર્ષોથી યોજાતો હતો, તેમાં તે દિવસે પણ હજારો લોકો દૂર-દૂરના સ્થાનો પરથી ખુશીઓ વહેંચવા આવ્યા હતા. પરંતુ કોને ખબર હતી કે બ્રિગેડીયર જનરલ રેજીનોલ્ડ ડાયરનો ફાયરિંગનો હુકમ અને બ્રિટિશ સૈનિકોની ગોળીઓ સેંકડોને મોતને ઘાટ ઉતારીને જલિયાંવાલા બાગની જમીનને લોહીથી લાલ રંગે રંગી નાખશે.મુખ્યમથકે પાછા ફરીને બ્રિગેડિયર જનરલ રેજીનાલ્ડ ડાયરે પોતાના વરિષ્ઠ અધિકારીઓને ટેલિગ્રામ કરીને કહ્યું હતું કે તેમના પર ભારતીયોની એક ફૌજે હુમલો કર્યો હતો. તેમાં બચવા માટે તેમને ગોળીબાર કરવા પડયા હતા. બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરે તેના જવાબમાં બ્રિગેડિયર જનરલ રેજીનોલ્ડ ડજાયરને ટેલિગ્રામ કરીને કહ્યું હતું કે તેણે યોગ્ય પગલું લીધું છે. તેઓ તેના નિર્ણયને અનુમોદન આપે છે. ત્યાર વાઈસરોય ચેમ્સફર્ડની સ્વીકૃતિ બાદ અમૃતસર અને અન્ય ક્ષેત્રોમાં માર્શલ લો લગાવી દેવામાં આવ્યો હતો.આ જઘન્ય હત્યાકાંડની દુનિયાભરમાં આકરી ટીકા થઈ હતી. તેના દબાણમાં ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટ એડવિન મોન્ટેગૂએ ૧૯૧૯ના અંતમાં મામલાની તપાસ માટે હંટર કમિશનની નિમણૂક કરી હતી. કમિશન સામે બ્રિગેડીયર જનરલ ડાયરે સ્વીકાર્યું હતું કે જલિયાંવાલા બાગમાં ગોળીબાર કરીને લોકોને મારી નાખવાનો નિર્ણય તેણે ત્યાં જતાં પહેલા જ કર્યો હતો. તે ત્યાં લોકોને મારી નાખવા માટે બે તોપો પણ લઈ ગયો હતો. પરંતુ રસ્તો સાંકડો હોવાથી તેને બહાર જ રાખવી પડી હતી.હંટર કમિશનના રિપોર્ટ બાદ જનરલ ડાયરને બ્રિગેડીયર જનરલમાંથી કર્નલ બનાવી દેવામાં આવ્યો હતો. તેને અક્રિય અધિકારીઓની યાદીમાં રાખવામાં આવ્યો હતો. તેને ભારતમાં પોસ્ટ ન આપવાનો નિર્ણય કરાયો હતો અને તે સ્વાસ્થ્યના કારણોથી બ્રિટન પાછો ફર્યો હતો.બ્રિટનના હાઉસ ઓફ કોમન્સે જલિયાંવાલા બાગ હત્યાકાંડની નિંદા કરીને પ્રસ્તાવ પારીત કર્યો હતો, પરંતુ હાઉસ ઓફ લોડ્‌ર્સે તેના વખાણ કરતો પ્રસ્તાવ પારીત કર્યો હતો. વિશ્વવ્યાપી નિંદાના દબાણમાં બાદમાં બ્રિટિશ સરકારે તેનો નિંદા પ્રસ્તાવ પારીત કર્યો અને ૧૯૨૦માં જનરલ ડાયરે રાજીનામું આપવું પડયું હતું. ૧૯૨૭માં જનરલ ડાયરનું કુદરતી મૃત્યુ થયું હતું.

Related posts

MORNING TWEET

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

સરકારે આતંકવાદ વિરૂદ્ધ કડક નીતિ અપનાવવી રહી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1