Aapnu Gujarat
ગુજરાત

પરમીટ દારૂના ભાવ વધતા ગુજરાતમાં વેચાણને અસર

ગુજરાત સરકાર દ્વારા તા.૧લી એપ્રિલથી પરમીટના દારૂ પરની એક્સાઇઝ ડયુટી વધારી દેતાં આ ભાવવધારાની સીધી અને ગંભીર અસર પરમીટના દારૂના વેચાણ અને વ્યવસાય પર પડી છે. સરકારના ભાવ વધારાના કારણે પરમીટ શોપ્સમાં દારૂનું વેચાણ ૩૦થી ૩૫ ટકા જેટલું ઘટી ગયું છે. એટલું જ નહી, ઇમ્પોર્ટેડ દારૂના ભાવવધારાના કારણે કિંમત ડબલ થઇ જતાં તેનું કોઇ ખરીદદાર મળતું નથી કારણ કે, આસપાસના રાજ્યોમાં આ દારૂની કિંમત ઘણી સસ્તી છે. તો બીજીબાજુ લોકો મોંઘા ટેક્સ સાથે દારૂ ખરીદવાનું ટાળી રહ્યા હોવાથી સરકાર કરોડો રૂપિયાની ટેક્સ રેવન્યુ ગુમાવી રહી છે. પરમીટના દારૂ પરની આકરી એક્સાઇઝ ડયુટી ઝીંકાતા દારૂનું વેચાણ ઘટવાની સાથે સાથે તેને આનુષંગિક તકલીફો અને મુશ્કેલીઓ પણ સામે આવી રહી છે. જેમ કે, આરોગ્યને લગતી પરમીટ હોય તેવા નાગરિકો પણ હવે દારૂ ખરીદતાં અચકાઇ રહ્યા છે કારણ કે, પરમીટના દારૂના ભાવમાં ૩૫ ટકા જેટલો વધારો ઝીંકાયો છે અને પરમિટ ધરાવતા લોકોમાં સૌથી વધુ સીનિયર સિટિઝન છે તે વાત પણ એટલી જ નોંધનીય છે. કેટલાક સિનિયર સીટીઝન્સ તો ડોકટરોની સલાહ મુજબ, અમુક માત્રામાં દારૂનું સેવન કરવા ટેવાયેલા છે પરંતુ તેઓને પણ હવે મહિને રૂ.ચારથી પાંચ હજાર જેટલો આર્થિક ભાર સહન કરવાનો આવતાં તેઓને તે પોષાય તેમ નથી. ક્યા પરમિટ હોલ્ડરને કેટલી બોટલ મળી શકે તે ઊંમર પર આધાર રાખે છે. એક સિનિયર સિટિઝનને દર મહિને ૫ જેટલી બોટલ આપવામાં આવતી હોય છે, જેથી સરકારે કમસેકમ સિનિયર સિટિઝન માટે તો ભાવ ઘટાડવા જોઈએ તેવી લાગણી પણ સિનિયર સીટીઝનમાં પ્રવર્તી રહી છે. તો સરકારના ભાવવધારાના નિર્ણયના મારથી ત્રસ્ત પરમિટ લિકર શોપના માલિકોનું કહેવું છે કે, ‘જેઓ હેલ્થના કારણે દારૂ પીવે છે તેમને આ ભાવ વધારાના કારણે રેગ્યુલર બ્રાન્ડને ચેન્જ કરવાની ફરજ પડી છે અને જે સસ્તી મળે તે લેવી પડે છે. ભારતીય બનાવટની ફોરેન લિકરના સિંગલ યુનિટના ભાવ વધીને રૂ. ૫૫૦ થી રુ.૬૦૦ થઈ ગયા છે. જેના કારણે ખરીદનારને માસિક રૂ.૨૦૦૦થી ૨૫૦૦ જેટલો ખર્ચો વધુ આવે છે. આ વધારો તમે કઈ બ્રાન્ડની દારૂ લો છો તેના પર આધાર રાખે છે જેથી માસીક ખર્ચમાં રૂ.૧૦૦૦૦ સુધીનું આર્થિક ભારણ આવી શકે છે. સરકારના ભાવવધારાના કારણે તેમના વેપારમાં ૩૦થી ૩૫ ટકા જેટલો માતબર ઘટાડો નોંધાયો છે. હવે જે લોકો આવે છે તેઓ પણ મોંઘી અને સારી બ્રાન્ડની જગ્યાએ સસ્તી બ્રાન્ડની માગણી કરી રહ્યા છે.
બીજીબાજુ, પરમિટ શોપ માલિકોને તેમણે ઇમ્પોર્ટ કરેલી વિદેશી બ્રાન્ડની દારુના જથ્થા અંગે પણ ચિંતા સતાવી રહી છે કેમ કે ઇમ્પોર્ટેડ દારુ પર એક્સાઇઝ વધવાના કારણે જે દારુની બોટલ પહેલા રુ.૫૦૦૦માં આવતી હતી હવે તેના સીધા ડબલ ભાવ રુ.૧૦૦૦૦ થઈ ગયા છે. જેના કારણે તેનો કોઈ લેવાલ મળતું નથી, કારણ કે, આસપાસના રાજ્યોમાં આ દારુની કિંમત ઘણી સસ્તી છે, તો લોકો પણ મોંઘા ટેક્સ સાથે દારુ ખરીદવાથી દૂર રહેતા હોવાથી સરકાર કરોડો રૂપિયાની ટેક્સ રેવન્યુ ગુમાવી રહી છે. આમ, એક્સાઇઝ ડયુટીનો વધારો દારૂના વેપાર અને વ્યવસાય પર બહુ મોટી અસર વર્તાવી રહ્યો છે.

Related posts

કડીમાં પીઝા શોપમાં આગ ભભુકી ઉઠી

editor

ભાજપ શહેરોમાં ૪૦%, ગ્રામીણમાં ૨૫ – ૩૦% ટિકિટ મહિલાને આપશે

editor

ગોધરામા ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલતી એલસીબી પોલીસ

editor

Leave a Comment

UA-96247877-1