Aapnu Gujarat
શિક્ષણ

ફી ઉઘરાવતાં સંચાલકો વિરૂદ્ધ પડનારા કે.આર.કે.વર્મા સ્કૂલનાં પ્રિન્સિપાલ બરખાસ્ત

ગુજરાત સરકારના ફી નિયમન કાયદા બાદ પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી મનફાવે તેવી ઉંચી અને તગડી ફી ઉઘરાવી રહેલા શાળા સંચાલકોના આત્માને ઝંઝોળતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઘાટલોડિયામાં સોલા રોડ વિસ્તારની કે.આર.કે વર્મા સ્કૂલના મહિલા પ્રિન્સિપાલ મોના રાવલે સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવાતી નિયમ વિરૂધ્ધની ફી મુદ્દે વિરોધ નોંધાવતાં તેમને સચ્ચાઇ સામે અવાજ ઉઠાવવાની બરતરફીની સજા મળી છે. શાળા સંચાલકોની જોહુકમી સામે ઝુકવાને બદલે મહિલા પ્રિન્સીપાલ મોના રાવલે ઝુકવાને બદલે રાજીનામું ધરી દઇ વિદ્યાર્થીઓ અને વાલીઓની લડતમાં પોતાનો સૂર પૂરાવ્યો હતો. એટલું જ નહી, શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ઉઘરાવાઇ રહેલી મનસ્વી અને આડેધડ ફીની લડતમાં આજે કે.આર.કે. વર્મા સ્કૂલના મહિલા પ્રિન્સીપાલ મોના રાવલે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા શહેરના નવરંગપુરા વિસ્તારમાં પંજાબી સેવા સમાજ સામે જાહેરમાં એક દિવસના પ્રતીક ઉપવાસ પર ઉતરી અનોખી પ્રેરણા પૂરી પાડી હતી. મહિલા પ્રિન્સીપાલ મોના રાવલની વિદ્યાર્થીઓ અને વાલીઓને ન્યાય અપાવવાની આ અનોખી લડત જોઇ કેટલાક જાગૃત વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ તેમની સાથે સ્વૈચ્છિક રીતે તેમની સાથે જોડાયા હતા. વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવાયેલી વધુ ફી પરત કરવાની માંગણી કરતાં મહિલા પ્રિન્સીપાલ મોના રાવલે જણાવ્યું હતું કે, સરકારના નિર્ધારિત માળખા અને એફઆરસીમાં કરાયેલ એફિડેવીટ કરતાં ગુજરાતી માધ્યમમાં રૂ.પાંચ હજાર અને અંગ્રેજી માધ્યમમાં રૂ.૭૫૦૦ વધુ ફી ઉઘરાવવા માટે સ્કૂલના ટ્રસ્ટીઓ સત્યપાલ મીગલાની અને ક્રિષ્ન મોહન જુનેજા દ્વારા ભયંકર દબાણ કરાતું હતું. જેને લઇ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો સંઘર્ષ છેલ્લા કેટલાક સમયથી ચરમસીમાએ પહોંચ્યો હતો. કે.આર.કે. વર્મા સ્કૂલ ટ્રસ્ટ સંચાલતિ શાળા છે. જેમાં નવા શૈક્ષણિક વર્ષમાં એડમીશન મેળવનાર આશરે દોઢસો જેટલા વિદ્યાર્થીઓ ફી નિયમન કાયદામાં નક્કી કરાયેલી ફી કરતાં પણ વધુ ફી ચૂકવવા મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની દયનીય હાલત અંગે ચિંતા વ્યકત કરતાં મોના રાવલે વધુમાં ઉમેર્યું હતું કે, શહેરના મોટાભાગના શાળા સંચાલકો સરકારના ફી નિયમન કાયદાને ઘોળીને પી ગયા છે અને તેમની જોહુકમી અને માનસિક ત્રાસનો ભોગ વિદ્યાર્થી અને વાલીઓની સાથે સાથે જે તે શાળાના મારા જેવા સેંકડો કર્મચારીઓને પણ બનવું પડે છે. આ સંજોગોમાં રાજય સરકારે ફી નિયમન કાયદાની અસરકારક અને કડકાઇથી અમલ કરાવી વિદ્યાર્થીઓ અને વાલીઓને ન્યાય અપાવવો જોઇએ એ જ મારા પ્રતીક ઉપવાસ પાછળની માંગણી છે. આ સમગ્ર મામલે અગાઉ રાજયના શિક્ષણવિભાગ, ચેરિટી કમિશનર, ડીઇઓ અને પોલીસ કમિશનર સહિત ૭૦ જેટલી અરજીઓ કરી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવાયેલી વધારાની ફી પરત કરવા પણ માંગણી કરાયેલી છે પરંતુ સત્તાવાળાઓ દ્વારા હજુ સુધી આ મામલે કોઇ પરિણામલક્ષી કાર્યવાહી કરાઇ નથી, તે દુઃખદ છે. સરકારના સત્તાવાળાઓએ આવા બેફામ અને લાલચુ બનેલા સંચાલકો સામે કડક હાથે કામ લેવું જ પડશે તો જ શિક્ષણજગતનું હિત જળવાશે.

Related posts

UKની સ્ટુડન્ટ વિઝા ફીમાં રૂપિયા 13,000નો વધારો

aapnugujarat

રાજ્ય સરકારે શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડ જાહેર કર્યું

editor

બોડેલીની તપોવન વિદ્યાલયમાં વાર્ષિકોત્સવ ઉજવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1