Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદની પેઢીનું ૧૮ કિલો સોનું લૂંટનારા શખ્સો પકડાયા

જુનાગઢથી ૧૨ કિમી દૂર ધોળે દિવસે હાઈવે પર અમદાવાદની પેઢીના રૂ. ૫.૬ કરોડની કિંમતના ૧૮ કિલો સોનાની સનસનાટીભરી શનિવારની લૂંટના પ્રકરણમાં જૂનાગઢ પોલીસે અસરકારક તપાસ હાથ ધરી માત્ર ૨૪ કલાકમાં જ પેઢીના કર્મચારીઓ સહિત ચાર આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ પ્રકરણમાં નાસતા ફરતા આરોપીઓ અંગે પોલીસે હજુ સઘન તપાસ ચાલુ રાખી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિતના મુદ્દામાલને પણ જપ્ત કર્યો હતો. ગઇકાલે ધોળા દિવસે અમદાવાદની જ્વેલર્સ પેઢી નટુભાઈ ચોક્સીનું જુનાગઢ જતું ૧૮ કિલો સોનું પાંચ શખ્સો દ્વારા હાઈવે પર વડાગલ ગામ પાસે લૂંટી લેવામાં આવ્યું હતું. રૂ.૫.૬ કરોડના સોનાના કિંમતની ધોળાદહાડે ચપ્પાની અણીએ લૂંટ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી, તો બીજીબાજુ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ગંભીર સવાલો ઉઠયા હતા, જેને લઇ સમગ્ર પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. પોલીસે સીસીટીવી ફુટેજ, આરોપીઓના મોબાઇલ લોકેશન સહિતની કડીઓના આધારે સઘન તપાસ હાથ ધરી આ સમગ્ર લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા ખુદ પેઢીના જ કર્મચારીઓ સહિતના ચાર આરોપીઓની આજે ધરપકડ કરી લીધી હતી. લૂંટ કરાયેલ સોનું અમદાવાદના જ્વેલર્સ નટુભાઈ ચોક્સી પેઢીનું હતું જેને જુનાગઢ ખાતે કંપનીના વર્કશોપમાં કાર દ્વારા મોકલવામાં આવી રહ્યું હતું. નટવર ચોક્સી દેશભરની બ્રાન્ડેડ જ્વેલરી કંપનીઓ માટે જોબવર્કનું કામ કરે છે અને બોલિવુડ એક્ટર્સને પણ તેમની માંગણી મુજબની જ્વેલરી તૈયાર કરીને સપ્લાય કરે છે. કંપની આ માટે મોટા પાયે સોનાની ખરીદી કરે છે અને પછી ઓર્ડર મુજબ તેમાંથી ઘરેણા બનાવી આપે છે. કંપનીનું મુખ્ય મેન્યુફેક્ચરિંગ યુનિટ્‌સ જુનાગઢમાં સ્થિત છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, સોનું સરકારી ઓથોરિટી એમએમટીસી લિમિટેડ પાસેથી ખરીદવામાં આવ્યું હતું અને જુનાગઢ મુખ્ય મેન્યુફેક્ચરિંગ યુનિટમાં મોકલવામાં આવી રહ્યું હતું. જોકે આ સમગ્ર ઘટનામાં પ્રથમ દ્રષ્ટીએ જ કેટલાક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. શા માટે આટલો મોટો સોનાનો જથ્થો કોઈપણ જાતની વિશેષ સિક્યોરિટી વગર ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યો હતો? શું કંપનીના જ કોઈ જાણભેદુનો આમાં હાથ છે?’ જો કે, પોલીસ તપાસમાં આખરે પેઢીના જ કર્મચારીઓની સંડોવણી બહાર આવી હતી, જેના આધારે પોલીસે સમગ્ર ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખ્યો હતો.

Related posts

સરકારની ભરતીમાં અનામતની જોગવાઈ મુજબ નિમણૂંક કરાશે

aapnugujarat

ઘોઘા – હજીરા રો પેક્સ ફેરી સર્વિસ અંગે પત્રકાર પરિષદ સંબોધતા સાંસદ ભારતીબેન શિયાળ

editor

રાજ્યમાં ૨૦૧૮માં માર્ગ અકસ્માતમાં ૫,૯૨૩ લોકો બન્યાં કાળનો કોળિયો, સૌથી વધુ યુવાનો !

aapnugujarat

Leave a Comment

UA-96247877-1