Aapnu Gujarat
ગુજરાત

રૂપાણીના પ્રધાનમંડળનું ટૂંકમાં વિસ્તરણ કરાય તેવી સંભાવના

ગુજરાતમાં ભાજપ સરકારના મંત્રીમંડળમાં આગામી દિવસોમાં મહત્વના ફેરફાર સાથે વિસ્તરણ કરવામાં આવે તેવી શકયતાઓ પ્રવર્તી રહી છે, જેને લઇને ભાજપના વર્તુળમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. તાજેતરમાં આઈ.એ.એસ.ની બદલીઓના મહત્વના આદેશ કરાયા બાદ હવે રૂપાણી સરકારના મંત્રીમંડળના વિસ્તરણની કવાયત હાથ ધરાઇ રહી છે. ગુજરાત સરકારમાં પણ પરિવર્તન જોવા મળે એવી શક્યતા છે. રૂપાણી સરકાર આગામી દસ તારીખની આસપાસ મંત્રીમંડળનું વિસ્તરણ કરે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં ત્રણ નવા ચહેરાઓ અને પાંચ સંસદીય સચિવો સાથે વધુ ૮નો ઉમેરો કરવામાં આવે તેમ મનાઇ રહ્યું છે. ખાસ કરી હાલ નારાજ રહેતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને કોળી નેતા પરસોત્તમ સોલંકીને પણ યોગ્ય સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. રાજકીય સૂત્રો મુજબ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને રાજ્યકક્ષામાંથી કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવામાં આવે તેવી શક્યતા છે. તાજેતરમાં ૧૦૦ દિવસ પુરા કરનારી રૂપાણી સરકારના મંત્રી મંડળનું કદ મુખ્યમંત્રી સહિત ૨૦ નું છે, ત્યારે ભાજપ સંગઠન અને સરકારે મંત્રીમંડળમાં વધારો કરવા માટેની કવાયત શરૂ કરી છે. સંભવતઃ તા.૧૦ એપ્રિલની આસપાસ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તે પ્રકારનું સરકારમાં આયોજન ચાલી રહ્યું છે. નવા ફેરફારોમાં, રૂપાણી સરકારના હાલના મંત્રીમંડળમાં ત્રણ નવા મંત્રીઓને તથા પાંચથી સાત સંસદીય સચિવોને શપથ લેવડાવવામાં આવે તેવી શક્યતાઓ પ્રવર્તી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૯૯ બેઠકો મળી હતી, તેમાંથી મંત્રીમંડળના ૨૦, મુખ્યદંડક અને ઉપદંડક સહિત ત્રણ ,એક વિધાનસભા અધ્યક્ષ અને એક પક્ષ પ્રમુખ મળીને કુલ ૨૫ ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના સૌથી વધુ ધારાસભ્યો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી ચૂંટાયા હતા. તેમ છતાં આ બંને ઝોનમાં પૂરતું મંત્રીપદ ન મળ્યું હોવાનું ફરિયાદો ઊઠી રહી હોવાથી મંત્રીમંડળના આ વખતના વિસ્તરણમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોને સ્થાન આપવામાં આવે તેવી પણ સંભાવના છે. સૌરાષ્ટ્રમાંથી છે સૌથી વધુ મંત્રીઓ હાલના મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રની ૪૮ બેઠકોમાંથી ભાજપને કુલ ૧૯ બેઠક મળી હોવા છતાં મુખ્યમંત્રી સહિત છ મંત્રીઓ ફાળવવામાં આવ્યા છે. જ્યારે મધ્ય ગુજરાતમાં કુલ ૪૦ બેઠકમાંથી ૨૨ બેઠકો ભાજપને મળી હોવા છતાં માત્ર ત્રણ ધારાસભ્યોને મંત્રી પદ આપવામાં આવ્યું છે.બીજીબાજુ, એવી પણ ચર્ચાએ જોર પકડયું છે કે, મંત્રી પરસોત્તમ સોલંકીને પણ તેમની સિનિયોરિટી પ્રમાણે કેબિનેટ મંત્રી બનાવીને તેમની પણ માંગ પૂરી કરવામાં આવે તેવી શક્યતા છે. તો, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કેબિનેટનો દરજ્જો નહી અપાતા તેમની નારાજગીને દૂર કરવા મંત્રીમંડળના વિસ્તરણની સાથે તેમને પણ કેબિનેટનો દરજ્જો આપીને ગૃહરાજ્ય મંત્રી પદે નવા ચહેરાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. આ તમામ ગતિવિધિ જોતાં આગામી દિવસોમાં મંત્રીમંડળના વિસ્તરણની સાથે સાથે ખાતાઓમાં પણ મહત્વના ફેરફાર થાય તેવા સંકેત મળી રહ્યા છે.

Related posts

ટ્રાફિક ઝૂંબેશથી અમદાવાદીઓ નિયમબદ્ધ બન્યાં

aapnugujarat

સુરતમાં દીકરાએ બાપની હત્યા કરી

editor

गुजरात जन अधिकार मंच द्वारा १७ तारीख को जन वेदना महासम्मेलन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1