Aapnu Gujarat
બ્લોગ

મેઇક ઈન ઈન્ડિયામાં પરિવર્તન

૧૯૯૧માં દેશનું અર્થતંત્ર ખાડે ગયું હતું અને વિદેશી હુંડિયામણ મેળવવા કેન્દ્રએ દેશની માલિકીનું સોનું ઈંગ્લેન્ડની બેંકમાં ગિરવે મૂકવું પડયું હતું.
આ કપરા સંજોગોમાંથી ઉગારવા તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવે દેશમાં ઉદારીકરણના યુગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ વર્ષ ૨૦૦૦થી ૨૦૧૩ વચ્ચે વૈશ્વિક સંજોગો અનુકૂળ બન્યા અને દેશ વિકાસની દિશામાં અગ્રેસર રહ્યો. ઓઈલ સિવાયની નિકાસોમાં ૧૮ ટકાનો વધારો થયો અને જીડીપીનો વૃદ્ધિ દર ૮ ટકાને આંબી ગયો. પરંતુ આમ છતાં આના જેટલા લાભ મળવા જોઈએ. એટલા મળ્યા નહીં. સહુથી ઝડપી વિકાસ દર પ્રાપ્ત કર્યા છતા દેશ અમુક લાભથી વંચિત રહી ગયું.નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં દેશમાંથી થતી નિકાસનું મૂલ્ય ૩૧૫ બિલિયન ડોલરના આંકડાને આંબી ગયું. પરંતુ ઓઈલના નીચા ભાવ છતાં નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ સુધીમાં દેશમાંથી થતી નિકાસનો આંકડો ૨૭૭ અબજ બિલિયન ડોલરના તળિયે ઉતરી આવ્યો.
હવે સંજોગો સુધરી રહ્યા હોય એવા ચિહ્નો છે, પરંતુ, પૂરતા નથી. વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં દેશના અર્થતંત્રનું કદ પાંચ ટ્રિલિયન ડોલરના સ્તર સુધી પહોંચાડવું હોય તો અર્થતંત્રમાં મામૂલી સુધારો નહીં પરંતુ હરણફાળ ભરવી પડશે. દેશમાંથી થતી નિકાસનો આંકડો એક ટ્રિલિયન ડોલરથી વધી જાય એ તકેદારી લેવી પડશે.તાજેતરમાં વર્ષોમાં દેશમાંથી થતી નિકાસનો પ્રવાહ પલટાયો છે. સ્કીલ લેબર અને કેપીટલ ઈન્ટેસિવ પ્રોડકટ પર દેશે વધુ જોર આપ્યું છે. વિકસિત દેશોને પડતા મૂકી વિકાસશીલ દેશો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યુરોપ અને અમેરિકા જેવા સમૃદ્ધ દેશને બદલે ભારતે એશિયા અને આફ્રિકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
યુરોપિયન યુનિયન વાર્ષિક બે ટ્રિલિયન ડોલરનો માલ-સામાન આયાત કરે છે. આમાં ભારતનો ફાળો માત્ર ૪૦ અબજ ડોલર જેટલો છે. લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો ૮૦૦ અબજ ડોલર મૂલ્યના માલ સામાનની આયાત કરે છે. આમાં ભારતમાં ફાળો માત્ર ૧૦ અબજ ડોલર છે.
વર્ષ ૨૦૨૫ સુધીમાં દેશમાંની થતી નિકાસનો આંકડો ૧ ટ્રિલિયન ડોલરને સ્પર્શે એ માટે વાર્ષિક ૧૮ ટકાના દરે નિકાસ વધવી જોઈએ. આ વિકાસદરનો એ જ જાદુઈ આંકડો છે જે ભારતે વર્ષ ૨૦૦૦થી ૨૦૧૩ વચ્ચે હાંસલ કર્યો હતો. હકીકતમાં આજની વૈશ્વિક પરિસ્થિતિ નિકાસ માટે મુશ્કેલ છે.આ વાત માત્ર ભારત માટે નહીં, વિશ્વના લગભગ તમામ દેશો માટે લાગુ પડે છે. માત્ર નિકાસ પર આધાર રાખી વિકાસ સાધવાનો યુગ પૂરો થયો. વ્યૂહાત્મક વાણિજય અને ઔદ્યોગિક નીતિ ઘડતા દેશને ૨૫ કરતા અધિક વર્ષો લાગ્યા. ઉદારીકરણથી પહેલી પ્રક્રિયા ૧૯૯૧માં શરૃ થઈ હતી. ‘મેક ઈન ઈન્ડિયા’ એક આદર્શ સ્લોગન છે. પરંતુ, વિશ્વના નાગરિકો ‘મેડ ઈન ઈન્ડિયા’ માલ નહીં ખરીદે ત્યાં સુધી આ સ્લોગન માત્ર કાનમાં ગુંજતું રહેશે. એના પડઘા વાસ્તવિક્તામાં નહીં પરિણમે.
સરકાર દ્વારા એક તરફ મેઇક ઈન ઈન્ડિયા કેમ્પેઇનની જાહેરાત કરાઇ છે અને બીજી તરફ દેશમાં જે પ્રોજેક્ટ હાથ ધરાયેલા છે તેના અમલીકરણના વિલંબના કારણે સરકારી તિજોરી પર તોતિંગ બોજો આવી પડયો છે.
આંકડા મંત્રાલયે જાહેર કરેલા રિપોર્ટ મુજબ હાથ ધરાયેલા ૧૨૮૯ પ્રોજેક્ટનું મૂલ્ય રૂા. ૧૬,૦૫,૧૫૭-૦૧ કરોડ અંદાજાયું હતું. પરંતુ વિવિધ કારણોસર આ પ્રોજેક્ટમાં ઢીલ પડતા હવે તેનું અમલીકરણ મૂલ્ય રૂા. ૧૮,૧૦,૭૩૩.૭૦ કરોડ અંદાજાયું છે. આમ, આ પ્રોજેક્ટ પાછળ એટલે કે તેની મૂળ કિંમત કરતા ૧૨ ટકા વધુ મતલબ રૃા. ૨,૦૫,૫૭૬.૬૯ કરોડ વધારાનો ખર્ચ (ઓવરકોસ્ટ) થયો છે.આ ૧૨૮૯ પ્રોજેક્ટ પર નજર નાંખીએ તો તેમાંથી ૪ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે.
૧૦ પ્રોજેક્ટ ચાલુ માસ અંતે પૂરા થશે અને ૩૧૨ પ્રોજેક્ટ શિડયૂલ્ડ મુજબ કાર્યરત છે. જ્યારે ૨૯૭ પ્રોજેક્ટ વિવિધ કારણોસર અટવાઇ પડયા છે. આમ, ૧૨૮૯ પ્રોજેક્ટમાંથી ૩૫૯ પ્રોજેક્ટમાં કોસ્ટ ઓવર રન એટલે કે તેના અંદાજિત ખર્ચ કરતા વધારે ખર્ચ થવા પામ્યો છે.અટવાઇ પડેલા ૨૯૭ પ્રોજેક્ટમાં ૫૧ પ્રોજેક્ટ એકથી ૧૨ માસ મોડા પડયા છે. ૬૫ જેટલા પ્રોજેક્ટ્‌સ ૨૫થી ૬૦ માસ મોડા પડયા છે. જ્યારે ૭૮ પ્રોજેક્ટસ ૬૧ માસથી વધુ સમય માટે મોડા પડેલા છે.
રેલવે પ્રોજેક્ટસના જાહેર થયેલા ડેટા પર નજર કરીએ તો, રેલવેના કુલ ૨૧૩ પ્રોજેક્ટ્‌સ વિવિધ કારણોસર અટવાયેલા છે, જેના કારણે સરકારના માથે રૂા. ૧.૭૩ લાખ કરોડનો બોજો પડયો છે તેમ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લિમેન્ટેશન મંત્રાલયના ઓક્ટોબર ૨૦૧૭ના અહેવાલમાં જણાવાયું છે. આંકડા મંત્રાલય નિયમિત ધોરણે રૂા. ૧૫૦ કરોડ અને તેનાથી વધુનો ખર્ચ ધરાવતા કેન્દ્રીય પ્રોજેક્ટ્‌સનું નિરિક્ષણ કરે છે.આ અહેવાલ મુજબ આ ૨૧૩ રેલવે પ્રોજેક્ટ્‌સનો મૂળ ખર્ચ રૂા. ૧૨૩,૧૦૩.૪૫ કરોડ હતો. પરંતુ આ પ્રોજેક્ટ્‌સ વિલંબમાં મુકાવાથી તેનો ખર્ચ હવે વધીને રૂા. ૨,૯૬,૪૯૬.૭૦ કરોડ થઈ ગયો હોવાનો અંદાજ છે.
આ બાબત દર્શાવે છે કે આ પ્રોજેક્ટ્‌સ વિલંબમાં મુકાવાથી તેના ખર્ચમાં એકંદરે ૧૪૦.૮૫ ટકાનો વધારો થયો છે. મંત્રાલયે આ વર્ષે ઓક્ટોબરમાં ભારતીય રેલવેના ૩૫૦થી વધુ પ્રોજેક્ટ્‌સનું નિરિક્ષણ કર્યું હતું.
આ અહેવાલ મુજબ મંત્રાલયની દેખરેખ હેઠળના ૩૫૦ પ્રોજેક્ટ્‌સમાંથી રેલવેના ૩૬ પ્રોજેક્ટ્‌સમાં ૧૨ મહિનાથી લઈને ૨૬૧ મહિના સુધીનો વિલંબ થયો છે. રેલવે બાદ પાવર સેક્ટર બીજું એવું ક્ષેત્ર છે જ્યાં પ્રોજેક્ટ વિલંબમાં મુકાવાથી ખર્ચનો બોજ સૌથી વધુ વધી ગયો છે. આંકડા મંત્રાલય દ્વારા નિરિક્ષણ કરવામાં આવતા ૧૨૬ પાવર પ્રોજેક્ટ્‌સમાંથી ૪૩ પ્રોજેક્ટ્‌સ પરનો બોજ રૂા. ૫૮,૭૨૮.૨૩ કરોડ વધી ગયો છે.આ ૪૩ પ્રોજેક્ટ્‌સનો મૂળ ખર્ચ રૂા. ૧૦૪,૪૪૯.૬૨ કરોડ હતો, જે વધીને અંદાજે રૂા. ૧૬૩,૧૭૮.૪૫ કરોડ થઈ ગયો છે. અહેવાલ મુજબ પાવર સેક્ટરના ૧૨૬ પ્રોજેક્ટ્‌સમાંથી ૬૪ પ્રોજેક્ટ્‌સ ૨ મહિનાથી લઈને ૧૩૬ મહિના સુધી વિલંબમાં મુકાયા છે.
આમ, વિવિધ પ્રોજેક્ટસ તેની નિયત સમયમર્યાદા વટાવી ગયા હોવા છતાં તે પૂરા થયા નથી. આ પ્રતિકૂળતા પાછળ જમીન સંપાદનની તકલીફો, પર્યાવરણીય મંજૂરીમાં વિલંબ, ભંડોળની તંગી, વિવિધ પ્રતિકૂળતાના કારણે રૂકાવટ, કાયદાકીય ગૂંચ જેવા કારણો જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ બધા કારણો પાછળ મૂળ તો સરકારી તંત્ર જ છે.
આમ, સરકારી તંત્રની ઉદાસીનતાના કારણે જ આ પ્રોજેક્ટો અટવાઇ પડયા છે જેના કારણે સરકારી તિજોરી પર તોતિંગ બોજો આવી પડયો છે. આમ, એક તરફ સરકાર મેઇક ઈન ઈન્ડિયાના ઢોલ-નગારા પીટે છે અને બીજી તરફ સરકારી તંત્રની ઉદાસીનતાના કારણે જ સરકારી તિજોરી પર તોતિંગ બોજો પડી રહ્યો છે જે જોતા મેઇક ઈન ઈન્ડિયામાં પરિવર્તન થઇ રહ્યું છે.૧૯૯૧થી ભારતનું મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રનો દર જીડીપી/જીવીએને સમાંતર દરે ચાલતો હતો. જોકે નિકાસમાં વધારો થયો છે. ૧૯૯૦-૯૧માં જીડીપીના ૬.૯૩ ટકા જેટલી નિકાસ હતી. ૨૦૧૬-૧૭માં નિકાસ ૧૯.૩૧ ટકા પર પહોંચી હતી.જોકે તેનો અર્થ એમ કરવાની જરૂર નથી કે એક્સપોર્ટ વધવાથી મેન્યુફેક્ચરીંગ વધ્યું છે. હકીકત એ થઈ કે વધુ પડતી ગેરંટીઓના કારણે તેમજ ટેકનોલોજીના કારણે મેન્યુફેક્ચરીંગ ક્ષેત્ર સાથે જોડાયેલી નિકાસ સ્પર્ધા વિહોણી બની ગઈ હતી. ગેરકાયદે ચાલતા ધંધા માટે પણ પૂરતી સલામતી જોવા મળવા લાગી છે.વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝનના કરાર હેઠળ આયાત કરાતી ચીજોના ભાવ બાંધવામાં આવ્યા હતા. વધતી આયાતને નાથવા થોડા સમય માટે સેફ ગાર્ડ ડયુટી નાખી શકાય એમ હતી. ડમ્પીંગ સામે પગલાં લેવા એન્ટી ડમ્પીંગ ડયુટી લગાવી શકાય એમ હતું. આ ઉપરાંત ભારતના માર્કેટમાં ઘૂસાડાતાં સસ્તી અને નબળી ગુણવત્તાવાળી ચીજોને રોકવા પણ પગલાં લઈ શકાત !! બિઝનેસ કરતાં અનેક દેશો અને મોટા મેન્યુફેક્ચરર્સ ઓપન, સ્પર્ધાત્મક અને નિયમબદ્ધ વર્લ્ડ ટ્રેડ સિસ્ટમ હેઠળ સમૃદ્ધ થયા છે.
મેક ઈન ઈન્ડિયા વાળી ઝુંબેશ ફલોપ ગઈ છે એવી જ રીતે ડુઈંગ બિઝનેસ પણ એક ભ્રમણા સમાન સાબિત થઈ છે. જ્યારે ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારાનો દાવો એ પણ ખોખલી વાતો હતી. સંસ્થાઓમાંથી જ વિરોધના સૂર બહાર આવી રહ્યા છે.નીતિ આયોગના ભૂતપૂર્વ વાઇસ ચેરમેન ડૉ. અરવિંદ પાનગરીયાએ કસ્ટમ ડયુટી વધશે એમ માનતા હતા. પીએમઈએસીના સભ્ય ડૉ. રથીન રોયે નાણા ખાધ અંગે સરકાર ગંભીર નથી એમ કહીને ટીકા કરી હતી. લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ સામે ડૉ. સુરજીત ભલ્લાએ નારાજગી વ્યક્ત કરી છે તો નીતિ આયોગના વાઈસ ચેરમેન ડૉ. રાજીવ કુનારે કહ્યું છે કે સુધારાના જે કોઈ પગલાં લેવાયા છે તે ટેમ્પરરી ધોરણે છે.આરબીઆઈની મોનેટરી પોલીસી કમિટીએ છ અનિશ્ચિતતા એવી દર્શાવી છે કે તેના કારણે ફુગાવો થાય. આ પૈકીની ત્રણ તો બજેટમાંની દરખાસ્તો સાથે સીધી જોડાયેલી છે.

Related posts

નવરાત્રિની શોભા : નવરંગી ચુંદડી અને પંચરંગી ચણિયાચોળી

aapnugujarat

પૉલિગ્રાફ ટેસ્ટઃ જૂઠ બોલે કૌઆ કાટે, ખરેખર?

aapnugujarat

વધારે પડતાં ઉપવાસ તમારા સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે હાનિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1