Aapnu Gujarat
બ્લોગ

પૉલિગ્રાફ ટેસ્ટઃ જૂઠ બોલે કૌઆ કાટે, ખરેખર?

હમણાં જ સંપન્ન ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષે પોતાના પ્રતિપક્ષ પર આક્ષેપ કર્યો કે જૂઠું બોલવું, જોરથી બોલવું અને વારંવાર બોલવું તેવું તેઓ કરે છે. પરંતુ કોઈ રાજકીય પક્ષે એવો પડકાર ન ફેંક્યો કે ચાલો, લાઇડિટેક્ટરનો ટેસ્ટ કરાવી લઈએ. ખબર પડી જશે કે હું સાચું જ બોલું છું. જૂના સમયમાં અને આજે પણ ક્યાંક કોઈ વર્ગમાં માતાજીના સમ આપીને કે બીજી કોઈ આકરી અને કેટલીક વાર અમાનવીય પરીક્ષા (ઉકળતા તેલમાં હાથ નખાવીને) કરાવીને તે ખોટું બોલે છે કે નહીં તે જાણવામાં આવે છે.
જોકે વિજ્ઞાનમાં આ માટે લાઇ ડિટેક્ટર છે. પૉલિગ્રાફને યાંત્રિક આત્મા ગણવામાં આવે છે. જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે લોકો આ યંત્ર તરફ વળે છે અને જે રીતે હૃદયના ધબકારા જોવા મળે છે તે રીતે જૈવતબીબી (બાયોમેડિકલ) જવાબ મળે તેની આશા રાખે છે.
ઘણી વાર ઘણા લોકો પોતાના પૉલિગ્રાફ ટેસ્ટને બતાવીને કહે છે કે જુઓ, હું તો સાચું જ બોલતો હતો. વચ્ચે સ્ટાર પ્લસ પર ‘સચ કા સામના’ નામનો વિવાદાસ્પદ શૉ પણ આવતો હતો જેમાં સેલિબ્રિટી સ્પર્ધકોને પ્રશ્નો પૂછવામાં આવતા અને સાથે જ પૉલિગ્રાફ મશીન દ્વારા જોવામાં આવતું કે તે સાચું બોલે છે કે નહીં. આ શૉમાં જે સત્ય બહાર આવતું તે વિવાદને જન્મ આપતું કારણકે કેટલુંક સત્ય એવું હોય જેમાં પારકા લોકો વિશેની માહિતી પણ ખુલ્લી પડે.
પરંતુ તમે જાણીને ચોંકી જશો કે પૉલિગ્રાફ મશીન કામ કરતું જ નથી. ૧૯૬૫માં પ્રથમ વાર આ યંત્રની સમીક્ષા કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કેલાઇ ડિટેક્ટર કોઈ છે જ નહીં, પછી તે માનવ હોય કે મશીન. આ મંતવ્યને દરેક વૈજ્ઞાનિક પ્રકાશને પણ સમર્થન આપ્યું છે. બહુ જ જવલ્લે જ જોવા મળતા સંજોગો સિવાય, પૉલિગ્રાફનાં પરિણામો અમેરિકાના તો ન્યાયાલયમાં પણ માન્ય નથી. ઉપરાંત નિષ્ણાતો તો એમ કહે છે કે આ ટેસ્ટની સમગ્રતયા બિન ઉપયોગિતા વારંવાર ઉઘાડી પડી છે. અમેરિકાનો અનેક હત્યા કરનારો ગેરીરિજવે જે ગ્રીન રિવરહત્યારા તરીકે જાણીતો છે તેણે ૧૯૮૭માં લાઇ ડિટેક્ટર ટેસ્ટ પસાર કર્યો હતો જેનાથી ન્યાયમાં બે દાયકા વિલંબ થયો હતો.
લાઇડિટેક્ટરની મહત્ત્વતા આજે પણ શા માટે ચાલુ છે? કદાચ એ કારણે કે આપણે જાણવા માગીએ છીએ કે વ્યક્તિ સાચું બોલે છે કે નહીં તે આપણે જાણવું છે. ૧૦૦ વર્ષ પહેલાં તે વપરાશમાં આવ્યું ત્યારથી પૉલિગ્રાફ મોટા ભાગે એવું ને એવું જ રહ્યું છે. આજે ચૂંટણી પંચની વૉટર ટર્ન આઉટ ઍપ પણ દર તબક્કે અપડેટ કરવાની ફરજ પડતી હોય તો પછી પૉલિગ્રાફ મશીન કેમ અપડેટ નથી કરાતું?
પૉલિગ્રાફ મશીનમાં માનવ શરીરના કાર્ડિયો વાસ્ક્યુલર, રેસ્પિરેટરી અને ઇલેક્ટ્રૉડર્મલ પરિણામો પર નજર રાખવામાં આવે છે. બ્લડ પ્રેશર કફ હૃદયમાં આવતા-જતા રક્ત પ્રવાહ પર નજર રાખે છે. બીજું સાધન ધબકારા માપે છે. છાતી પર મૂકાયેલી રબર ટ્યૂબ ફેફસામાં આવતી અને જતી હવા પર નજર રાખે છે.
ફિંગર પ્લેટ ચામડીમાંથી નીકળતા પરસેવાની તપાસ રાખે છે. આ બાયોમેટ્રિક પરિણામો ચોક્કસ હોય છે તેમ હડર્સ ફિલ્ડ યુનિવર્સિટીમાં ઇન્વેસ્ટિગેટિવ અને ફૉરેન્સિક સાયકૉલૉજીમાં વ્યાખ્યાતા જૉનસિનૉટ્ટ કહે છે.
સિનૉટ્ટના કહેવા પ્રમાણે, પૉલિગ્રાફ હંમેશાં કામ કરે જ છે કારણકે તમામ પૉલિગ્રાફ ફિઝિયૉલૉજિકલ પરિણામ માપે છે. પરંતુ તેનું પણ કહેવું છે કે તે ક્યારેય જૂઠાણું પકડતું નથી. ક્રાઇમ સાઇકૉલૉજી રિવ્યૂમાં વર્ષ ૨૦૧૫ના એક સંશોધન પત્રમાં સિનૉટ્ટ અને તેમના સાથી મારિયાલૉનોઉએ એક કડવું સત્ય રજૂ કર્યુંઃ જ્યારે વ્યક્તિઓ સક્રિય રીતે જૂઠાણું પકડવા જાય છે ત્યારે ચોકસાઇનું સ્તર સંભાવનાની ઉપર હોય છે.

Related posts

સોશિયલ મીડિયા પર ફેક ન્યુઝની ફેંકાફેંક

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1