Aapnu Gujarat
બ્લોગ

સોશિયલ મીડિયા પર ફેક ન્યુઝની ફેંકાફેંક

સોશિયલ મીડિયા પર આજકાલ ફેક ન્યુઝનો મારો વધી ગયો છે. આ પ્રકારના ફેક ન્યૂઝ ક્યારેક મોટી મુશ્કેલીને નોતરુ આપી દેતા હોય છે. ભારતમાં મોટી ગ્લોબલ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા કંપનીઓના પ્રમુખો પર ફેક ન્યૂઝ ફેલાવવાના મામલે ગુનાહીત કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ આવી શકે છે. એક સરકારી સમિતિએ ફેક ન્યૂઝ અંગેની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.ગૃહ સચિવ રાજીવ ગાબાની અધ્યક્ષતા વાળી આ સમિતિએ એક રિપોર્ટ ગૃહપ્રધાન રાજનાથ સિંહને સોંપ્યો છે. સમિતિના સભ્યોએ અલગ અલગ રાજ્યમાં થયેલા હિંસાના બનાવો સામે તપાસ કરવાની વાત કરી છે. ઉલ્લેખનીય છે કે અલગ અલગ રાજ્યમાંથી જે હિંસાના બનાવો સામે આવ્યા હતા તેમા સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું પણ સામે આવ્યું છે.આ મામલે અંતિમ નિર્ણય માટે રિપોર્ટ વડાપ્રધાન મોદીને સોંપવામાં આવશે. કાયદા અને આઈટી પ્રધાન રવીશંકર પ્રસાદે ફેક ન્યૂક પર સખત કાર્યવાહી કરવાની વાત પહેલા જ કરી હતી. ત્યારે હાલ આ રિપોર્ટ મામલે જાણકારોના અભિપ્રાયો માંગવામાં આવી રહ્યા છે.ફેસબુક, વોટ્‌સએપ, ગૂગલ અને ટિ્‌વટર પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયાની કંપનીઓ દ્વારા ઘણીવાર વાર ફેક ન્યૂઝ પર કાબુ મેળવવાનો ભરોસો આપવામાં આવ્યો છે. જો કે અત્યાર સુધીમાં કોઈ યોગ્ય પગલા લેવાયા નથી. જેના પરિણામે આવા સમાચારોથી નફરત અને હિંસાએ ઉગ્ર રૂપ લીધાના ઘણા બનાવો બન્યા છે.પોતાના પ્લેટફોર્મ પર સ્પામ મેસેજીસના ફેલાવાને રોકવા માટે વૉટ્‌સએપ એક નવા અને ખાસ ’સસ્પિશિયસ લિંક ડિટેક્શન’ ફિચર પર કામ કરી રહ્યું છે.માહિતી અનુસાર, અત્યારે આ ફિચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આની મદદથી યૂઝર્સ વૉટ્‌સએપ મેસેજની અંદર હાજર સંદિગ્ધ લિંકને જાણી શકાશે.આ એન્ડ્રોઇડ વર્ઝન ૨.૧૮.૨૦૪ માટે વૉટ્‌સએપ બીટાનો ભાગ છે. જોકે, શરૂઆતી સ્તરમાં હોવાના કારણે આને બધા યૂઝર્સ માટે ઉપલબ્ધ નથી કારાવાયું. ફેસબુકના સ્વામિત્વ વાળી કંપની તરફથી આ કોશિશ સ્પામ અને ફેક ન્યૂઝને પોતાના પ્લેટફોર્મ પર ફેલાવવાથી રોકવા માટે કરવામાં આવી રહી છે.આ પહેલા વૉટ્‌સએપ બીટા વર્ઝનમાં ’ફોર્વર્ડેડ’ લેબલને પણ જોવામાં આવ્યું છે. જેથી યૂઝર્સ પ્લેટફોર્મ પર ફોર્વર્ડેડ મેસેજીસી ઓળખ શકાય અને ફેક ન્યૂઝને ફેલાવવાતા રોકવા મદદ મળે.રિપોર્ટ અનુસાર, આ નવા ફિચરની મદદથી વૉટ્‌સએપ સંદિગ્ધ લિંકની જાણકારી મેળવવા માટે મેસેજમાં અવેલેબલ લિંકનું વિશ્લેષણ કરે છે.આ ફિચરના આવ્યા બાદ વૉટ્‌સએપ ઓટોમેટિક રીતે ઓળખી જશે કે રિસીવ કરવામાં આવેલા મેસેજની લિંક ફેક વેબસાઇટ સુધી તો નથી પહોંચી રહી. આ એવી વેબસાઇટ્‌સ હોઇ શકે છે જે યૂઝર્સ માટે ખતરનાક સાબિત થઇ શકે. સંદિગ્ધ લિંકની ઓળખ થતાં મેસેજને રેડ કલર લેબલથી માર્ક કરી દેવામાં આવશે, જેનાથી યૂઝર્સ આસાનીથી આના બિહેવિયરને સમજી શકશે.સમગ્ર દેશમાં આજે સોશિયલ મીડિયા દ્વારા ફેલાતી અફવા એ ચર્ચાનું અને ચિંતાનું કેન્દ્ર બની ચૂકી છે. ટ્રેજેડી એ છે કે, ટોળાં દ્વારા કોઈ એક વ્યક્તિની હત્યા થતી હોય ત્યારે અન્ય લોકો ઉન્માદમાં આવીને એ ઘટનાક્રમની વિડીયોગ્રાફી કરે છે. વિડીયો ઉતારીને આ પ્રકારના કૃત્યને વ્હોટ્‌સ એપ પર વાયરલ કરવામાં આવે છે. જેનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે, ટોળું જ્યારે કોઇ વ્યક્તિને ઝનૂનપૂર્વક મારતું હોય ત્યારે કદાચ તેઓને કાયદાનો પણ ખોફ રહેતો નથી અને તેથી જ બિન્દાસ્ત વિડીયોગ્રાફી કરીને હત્યાના દૃશ્ય વાઇરલ કરાય છે.શું ભારત દેશમાંથી સહિષ્ણુતા મરી પરવાની છે? કોઈપણ સભ્ય સમાજ માટે આ પ્રકારની ઘટનાઓ ચિંતાજનક છે. વ્હોટ્‌સ એપમાં કે અન્ય સોશિયલ મીડિયા દ્વારા બે પ્રકારના સંદેશાઓ વાયરલ થતા હોય છે. એક તો ‘લવ જેહાદ’, ‘ગૌ હત્યાનો વિરોધ’, ‘હિંદુ-મુસ્લિમ વચ્ચે કોમી-વૈમનસ્યનાં મામલાઓ’- આ તમામ બાબતો એક પ્રકારના રાજકીય એજન્ડાથી સમાજના ધ્રુવીકરણ માટે વોટબેન્કના રાજકારણ માટે ફેલાવવામાં આવે એ બાબત સમજી શકાય એમ છે. ભાજપ, કોંગ્રેસ જેવા પક્ષો સહિત મમતા બેનરજી, કેજરીવાલ, ઉદ્ધવ ઠાકરે, શશી થરૂર, રાહુલ ગાંધી, અમિતભાઈ શાહ વગેરે નેતાઓ રાજકીય ટીપ્પણી કરે અને સોશિયલ મીડિયામાં આ તમામ બાબતો ટોકિંગ પોઇન્ટ બને, રાજકીય ચર્ચાઓ અને એજન્ડા સુદૃઢ થાય-એ તમામ બાબતો સહજ છે, પરંતુ બાળકોને ઊઠાવનારી ગેંગ ફરી રહી છે-એ પ્રકારની અફવાઓનું વધતું જતું ચલણ તંદુરસ્ત સમાજ માટે હાનિકારક છે. સાથોસાથ એક પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે શું માત્ર ઇન્ટરનેટ કે વ્હોટ્‌સ એપ જેવા પ્લેટફોર્મને કારણે આ પ્રકારની અફવાઓ ફેલાય છે કે આ પ્રકારની માનસિકતા સમાજમાં ઊંડે-ઊંડે ઘર કરી ચૂકી છે?.સમાજશાસ્ત્રીઓ કહે છે કે માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં ચિંતાજનક રીતે આ પ્રકારની માનસિકતા સદીઓથી સ્થાપિત થઈ ચૂકી છે. યુરોપમાં એક જમાનામાં એવી વાતો ઊડતી રહેતી હતી કે યહુદીઓની ટોળકી યુરોપિયન બાળકોને ઊઠાવવા માટે ઠેર-ઠેર ફરી રહી છે. યુરોપમાં ભૂતકાળમાં અનેક જગ્યાએ મોબ લિંચિંગના માધ્યમથી યહુદીઓને ગળે ટૂંપો દેવામાં આવ્યો હોય-એવી ઘટનાઓ નોંધાઈ છે. રંગભેદના જમાનામાં અશ્વેતોને શ્વેત લોકો મોતને ઘાટ ઊતારતા હતા. એની પાછળનું પણ મુખ્ય કારણ દહેશતગર્દી હતું. ટૂંકમાં, ભારતમાં પણ હિન્દુ-મુસ્લિમો વચ્ચે આ પ્રકારની ગેરસમજો વર્ષોથી જાણે-અજાણે ચાલતી આવે છે. હવે ઇન્ટરનેટના જમાનામાં એનો લાભ શી રીતે લઈ શકાય- એ માટે પ્રોફેશનલ ટોળકીઓ મેદાનમાં આવી ચૂકી છે. એમ કહેવાય છે કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં વર્ષ-૨૦૧૬માં હિલેરી ક્લિન્ટનનો વિજય તમામ ચૂંટણી સર્વેક્ષણોમાં નિશ્ચિત મનાતો હતો, પરંતુ રશિયાની એક લોબીને હિલેરી ક્લિન્ટન ખૂંચતાં હતાં અને પરિણામે કહેવાય છે કે, રશિયામાં સેન્ટપિટર્સબર્ગ ખાતે એક ટ્રોલ ફાર્મના માધ્યમથી હિલેરી વિરુદ્ધ અફવાઓ ફેલાવવામાં આવી, હિલેરી દ્વારા લખાયેલી અંગત ઇ-મેઈલ લીક કરવામાં આવી.અમેરિકામાં ગન રાઇટ્‌સ, જાતિવાદ, ઇમિગ્રેશન, વિઝાની નીતિઓ અંગે હિલેરી ક્લિન્ટનની ઝાટકણી કાઢવામાં આવી. એટલું જ નહીં, અમેરિકામાં મુસ્લિમ સમુદાય, મેક્સિકનના લોકો વિશે હિલેરી સરકારની શું નીતિ રહેશે? એ મતલબના અણિયાળા સવાલો પૂછવામાં આવ્યા અને માત્ર એક અઠવાડિયામાં અમેરિકી પ્રજાને હિલેરી વિરુદ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરિણામ એ આવ્યું કે હિલેરી ચૂંટણીમાં હારી ગયાં. અલબત્ત, આજદિન તક વ્હાઇટ હાઉસથી માંડીને અમેરિકી ગુપ્તચર સંસ્થાઓ આવાં તત્ત્વોને શોધવા અને જેર કરવાની કોશિશ કરી રહી છે, પરંતુ સફળતા મળી નથી. ખુદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ અને રશિયન સરમુખત્યાર પુતિને આ મુદ્દે અનેક વખત ખુલાસા કર્યા છે, પરંતુ સૌ કોઈ જાણે છે કે માત્રને માત્ર ગોબાચારીને કારણે ડોનાલ્ડ ટ્રમ્પ છેલ્લી ઘડીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની ગયા અને પ્રથમ સ્ત્રી રાષ્ટ્રપ્રમુખથી અમેરિકા વંચિત રહી ગયું. જોકે, અમેરિકામાં જમણેરી વિચારસરણીનો ઉદય ડોનાલ્ડ ટ્રમ્પના આગમનથી થયો હોવાનું કહેવાય છે.સમાજશાસ્ત્રીઓનું અન્ય એક જૂથ માને છે કે, સમગ્ર વિશ્વમાં જમણેરી વિચારસરણી ધરાવતા નેટ-એક્ટિવિસ્ટોની લોબી પાવરફુલ બની છે અને જેને પગલે ઠેર-ઠેર જમણેરી બળોની રાજકીય તાકાત વધી રહી છે. બ્રિટનમાં બે વર્ષ પહેલાં બ્રેક્ઝિટ (બ્રિટને યુરોપમાંથી અલગ થવું જોઈએ કે કેમ)ના મુદ્દે યુરોપની એક લોબીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જબરદસ્ત અપપ્રચારની આંધી ચલાવી હતી અને ૫૨ (બાવન) વિરુદ્ધ ૪૮ ટકાની પાતળી સરસાઈથી બ્રિટન આખરે યુરોપથી છૂટું પડશે.
આ પરિપ્રેક્ષ્યમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીનો એક અભ્યાસ કહે છે કે દુનિયાની મહાસત્તાઓ હવે જનાદેશ પ્રાપ્ત કરવા કે જનાદેશને ગુમરાહ કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કે દુરુપયોગ કરતી રહે છે. આ અભ્યાસ અનુસાર વર્ષ-૨૦૧૬માં દુનિયાના ૧૭ દેશો ઇન્ટરનેટ દ્વારા લોબિંગ કરતા હતા. વર્ષ-૨૦૧૭માં તેનું પ્રમાણ વધીને ૪૮ દેશો સુધી પહોંચ્યું છે.
ખુદ અમેરિકી સરકાર વર્ષ-૨૦૧૦થી દર વર્ષે સોશિયલ મીડિયાના માધ્યમથી સાઇકોલોજિકલ ઓપરેશન્સ પાછળ ૫૦૦ મિલીયન ડોલર ખર્ચે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઇસ્લામિક ધાર્મિક કટ્ટરતાવાદને ખાળવાનો હોય છે. એક ડિપ્લોમેટ દ્વારા આ સંદર્ભમાં અપાયેલું ઉદાહરણ અત્યંત રસપ્રદ છે. ‘આ રાજદૂતને એક દિવસ સવારે વ્હોટ્‌સ એપ દ્વારા એવો મેસેજ મળ્યો કે વિશ્વના સૌથી વિકસિત રાષ્ટ્ર પૈકીના એક જાપાનમાં એક પણ મુસ્લિમ નથી, એક પણ મસ્જિદ નથી અને અરેબિક ભાષામાં અહીં કોઈ વ્યવહાર થતો નથી.’ સામાન્ય રીતે આ પ્રકારનો મેસેજ ગુડ મોર્નિંગના સંદેશાઓમાં ખપાવી દેવાતો હોય છે, પરંતુ હકીકતમાં ઇસ્લામવિરોધી માનસિકતાને પ્રોત્સાહિત કરવાનો અપ્રગટ એજન્ડા આ મેસેજમાં વ્યક્ત થાય છે, એમ કહીને આ ડિપ્લોમેટ લખે છે કે ‘કેટલાક લોકો આ પ્રકારનાં મેસેજની વિચારસરણીને સંમત થઈને ફોરવર્ડ કરતા હોય છે, તો અન્ય કેટલાક લોકો માત્ર કૌતુક કે કુતૂહલ ખાતર મેસેજ આવ્યો છે, એ બીજાની સાથે શેયર કરીને પોતાનો વ્હોટ્‌સ એપ ધર્મ નિભાવે છે, પરંતુ હકીકતમાં આ પ્રકારનાં મેસેજીસથી પણ સમાજનું ધ્રુવીકરણ થતું હોય છે.’ કહેવાનું તાત્પર્ય એ છે કે સોશિયલ મીડિયા અને ફેક મેસેજના ઉપયોગ અને દુરુપયોગથી અમેરિકા, બ્રિટન, રશિયા, યુરોપ કે જાપાન જેવા દેશો પણ બાકાત નથી. આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકામાં મુસ્લિમવિરોધી કોમી-રમખાણો માત્ર સોશિયલ મીડિયાના પ્રતાપે થયાં હતાં. એ અગાઉ બ્રાઝિલમાં સોશિયલ મીડિયાને કારણે મોટી રાજકીય ઉથલપાથલ થઈ હતી. મ્યાનમારથી માંડીને મેક્સિકો તથા જર્મની, તાઈવાન અને અમેરિકા જેવા દેશોમાં સાયબર ઓપરેશન્સ કરવા માટેની પ્રોફેશનલ એજન્સીઝ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.ઓક્સફર્ડનો સ્ટડી કહે છે કે માત્ર ચીનમાં જ ૨૦ લાખ લોકો સાયબર ટ્રૂપ-સાયબર સૈનિક તરીકે નોકરી કરી રહ્યા છે. અઝર બૈઝાન, ઈરાન, યુક્રેન અને વિયેટનામ જેવા દેશોમાં ભણેલા-ગણેલા શિક્ષિત બેકારો સાયબર આર્મીમાં જોડાઈને વિશ્વભરમાં ગેરસમજ અને અફવા ફેલાવવાના મિશનમાં સામેલ થતા હોય છે. અમેરિકાના વ્હાઈટ હાઉસથી માંડીને ભારતીય સંસદ અને સુપ્રીમ કોર્ટ આ સાયબર આર્મીથી પરેશાન છે, પરંતુ આ ભસ્માસુરને નાથવાનું કામ સરળ નથી. કમનસીબે, રાજકીય પક્ષો પણ આ પ્રકારની પ્રોફેશનલ એજન્સીઝનો લાભ ઊઠાવવામાં માહેર હોય છે. ઓક્સફર્ડનો સ્ટડી કહે છે કે ભારતીય રાજકારણમાં પણ આ દૂષણ ઘૂસી ચૂક્યું છે. વર્ષ-૨૦૧૪ની લોકસભા ચૂંટણીથી માંડીને કર્ણાટકની તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી અફવા ફેલાવવાના પ્રયત્નો થયા હતા, એવા નક્કર પુરાવા ભારતીય ચૂંટણી પંચ પાસે મોજુદ છે, પરંતુ એક્શનના નામે માત્રને માત્ર ‘નો-એક્શન’ જોવા મળે છે ત્યારે આ દેશના શિક્ષિત અને સભ્ય સમાજની ફરજ એ છે કે અફવાઓને વેગવંતી બનાવવાને બદલે સમાજમાં જનજાગૃતિ ફેલાય એ જ સમયનો તકાદો છે.વ્હોટ્‌સ એપ દ્વારા અફવા ફેલાવનારાઓ પર અંકુશ લાવવા માટે ‘ફોરવર્ડેડ મેસેજ’ની સંખ્યાના દુનિયાના તમામ દેશો માટે ૨૦ સુધીની નિયંત્રિત કરી છે, પરંતુ ભારતના કિસ્સામાં એ નિયંત્રણ વધારીને પાંચ સુધી કરવામાં આવ્યું છે, જે પુરવાર કરે છે કે ભારતમાં અફવા ફેલાવનારાઓની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે. વર્ષ-૨૦૧૯ની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ અફવાઓનું પ્રમાણ ચોક્કસ વધશે એ પણ નિશ્ચિત છે, કારણ કે અફવા ફેલાવવાનો ‘બિઝનેસ’ આજની તારીખે દુનિયાનો સૌથી વધુ મલાઈદાર ધંધો બની ચૂક્યો છે, જ્યાં ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી કરોડોની કમાણી થાય છે..

Related posts

લોકહૃદયના બેતાજ બાદશાહ ઇન્દુલાલ યાજ્ઞિક

aapnugujarat

मोदी को मुस्लिम सम्मान

aapnugujarat

जाधव को रिहा करे पाकिस्तान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1