Aapnu Gujarat
ગુજરાત

કોંગી ધારાસભ્યોના સસ્પેન્શન મુદ્દે ભાજપ-કોંગીમાં સમાધાન

ગુજરાત વિધાનસભામાં ગૃહની ગરિમાને લાંછન લાગે અને લોકશાહી મૂલ્યોના લીરેલીરાઉ ઉડાવનારા કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ દુધાત અને અમરીષ ડેરને બે વર્ષ માટે અને બળદેવ ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાના વિધાનસભા અધ્યક્ષના નિર્ણયના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી પિટિશનમાં આજે સુનાવણી હાથ ધરાય તે પહેલાં જ વિધાનસભા ગૃહમાં શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ઇલુ-ઇલુના દ્રશ્યો જોવા મળ્યા હતા અને બંને પક્ષે આખરે સમાધાન થઇ જતાં ઘીના ઠામમાં ઘી પડયું હતું. જે મુજબ, વિપક્ષ તરફથી વિધાનસભાના અધ્યક્ષ સામેની અવિશ્વાસની દરખાસ્ત પાછી ખેંચી લેવામાં આવી હતી તો, સામે પક્ષે શાસકપક્ષ તરફથી પણ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કોંગ્રેસના સસ્પેન્ડેડ ત્રણ ધારાસભ્યોને માત્ર સત્ર સમાપ્તિ સુધી જ સસ્પેન્ડ કરવાની નવી દરખાસ્ત ગૃહમાં રજૂ કરી હતી, જે મંજૂર કરાઇ હતી. દરમ્યાન ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કોંગ્રેસ દ્વારા કરાયેલી રિટ અરજીની સુનાવણીમાં સરકારપક્ષ તરફથી આ સમગ્ર મામલે હવે બંને પક્ષે સમાધાન થઇ ગયું હોઇ તેની વિધિવત્‌ જાણ કરવામાં આવતાં હાઇકોર્ટે કેસનો નિકાલ કર્યો હતો. આ અગાઉ વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરવાની દરખાસ્ત મૂકતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, એ દિવસે કાળ ચોઘડિયુ બાઝી ગયુ હતું અને તેથી આવી ઘટના બની હતી. મીઠી અને સારી યાદો સાથે આપણે બજેટસત્રમાં છૂટા પડીએ. દરમ્યાન ગૃહરાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિપક્ષના નેતા સહિતના સભ્યોએ સકારાત્મક વલણ દાખવ્યું છે તે અભિનંદનને પાત્ર છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના અધ્યક્ષ સામે વિપક્ષની અવિશ્વાસની દરખાસ્ત અને કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોના સસ્પેન્શનનો વિવાદ વધુ વકરતાં આખરે શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓની મહત્વની બેઠકોનો દોર ચાલ્યો હતો. જેમાં ખુદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. તો, કોંગ્રેસ તરફથી વિપક્ષના નેતા પરેશ ધાનાણી, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. દરમ્યાન ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલે જણાવ્યું હતું કે, ઘટના દુઃખદ હતી અને એફિડેવીટ દ્વારા કહેવા માંગુ છું કે, મારા દ્વારા કોઇ અપશબ્દો બોલાયા નથી, તેમછતાં જો કોઇની લાગણી દુભાઇ હોય તો હું માફી માંગુ છે. કોંગ્રેસના વિક્રમ માડમે પણ તેમનાથી કોઇ ભૂલ થઇ હોય તો માફી માંગું છું એમ કહી ઉદારતા બતાવી હતી. તો, કોંગ્રેસના અન્ય ધારાસભ્ય અમરીષ ડેરે આ નિર્ણયને લોકશાહીનો વિજય ગણાવ્યો હતો, જયારે કોંગી ધારાસભ્ય પ્રતાપ દુધાતે ત્રણેય ધારાસભ્યોનું સસ્પેન્શન ટૂંકાવી સત્ર સમાપ્તિ સુધીનું કરાતાં તેને આવકાર્યો હતો.

Related posts

૭૯૩ અપક્ષમાંથી માત્ર ત્રણ વિજેતા બન્યાં

aapnugujarat

वडोदरा में १०० परिवार ११ दिन से रास्ते पर : बदतर हालत

aapnugujarat

કેજરીવાલ થયા આઇસોલેટ

editor

Leave a Comment

UA-96247877-1