Aapnu Gujarat
ગુજરાત

બિભત્સ ગાળો આપનાર સભ્ય સામે કેમ પગલાં નહીં : કોંગ્રેસ

ગુજરાત વિધાનસભામાં મારામારી અને હુમલાના પ્રકરણમાં કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ દુધાત અને અમરીષ ડેરને ત્રણ વર્ષ માટે અને બળદેવ ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાના વિધાનસભા અધ્યક્ષના નિર્ણયને લઇ ગુજરાત કોંગ્રેસમાં ઉગ્ર વિરોધ અને નારાજગીની લાગણી ફેલાઇ છે. વિધાનસભા અધ્યક્ષના આ નિર્ણયના અનુસંધાનમાં ગંભીર પ્રતિક્રિયા આપતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અધ્યક્ષનો આ નિર્ણય પક્ષપાતી, એકતરફી અને ગેરવાજબી છે કારણે બંને પક્ષે કસૂરવાર ધારાસભ્યો વિરૂધ્ધ કાર્યવાહી થવી જોઇતી હતી. કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા તો, જેમણે કોંગ્રેસના ધારાસભ્યોને ઉશ્કેર્યા અને મા-બહેન સામી ગાળો ભાંડી તે ભાજપના ધારાસભ્યો વિરૂધ્ધ કેમ અધ્યક્ષ દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી? એવો વેધક સવાલ પણ ભરતસિંહે ઉઠાવ્યો હતો. તેમણે વિધાનસભા અધ્યક્ષ પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે, વિધાનસભા અધ્યક્ષ માત્ર ભાજપ માટે જ વિધાનસભા ચલાવવામાં આવતી હોય તે પ્રકારનું વર્તન દાખવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિધાનસભા ગૃહમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના ધારાસભ્યોને ઉશ્કેરવાનું અને બિભત્સ ગાળો આપી વાતાવરણ ડહોળવાનું ષડયંત્ર ભાજપના ધારાસભ્યો દ્વારા ચાલી રહ્યું હતું. આજે પણ ભાજપના કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસના ધારાસભ્યોને મા-બહેન સુધીની ગાળો આપતાં કોઇનું લોહી ઉકળી જાય અને પોતાની જાતને રોકી ના શકે તેટલી હદ સુધીની ભાજપના ધારાસભ્યોએ ઉશ્કેરણી કરી હતી. કોંગ્રેસે પણ આવી ગંભીર અને હીન કક્ષાની ઉશ્કેરણી કરનારા ભાજપના હર્ષ સંઘવી, જગદીશ પંચાલ સહિતના કસૂરવાર ધારાસભ્યો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી પરંતુ તે અંગે અધ્યક્ષે કોઇ નિર્ણય જારી કર્યો નહી પરંતુ ભાજપની દરખાસ્ત સ્વીકારી લીધી છે. એ જ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, અધ્યક્ષ લોકશાહીના પ્રસ્થાપિત મૂલ્યો અને સંસદીય પ્રણાલિનો ભંગ કરી ભાજપ સરકારના દબાવ અને કહ્યામાં ફરજ નિભાવી રહ્યા છે. અધ્યક્ષનો નિર્ણય ગેરકાયદે, ગેરવાજબી અને વખોડવાપાત્ર છે. દરમ્યાન પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ પણ અધ્યક્ષના નિર્ણયને વખોડતાં જણાવ્યું હતું કે, આ ઘટના દુઃખદ છે પરંતુ ભાજપ બહુમતી અને સરમુખત્યારશાહીના જોર વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો કે જેઓ ગુજરાતની જનતાનો અવાજ અને વાચા રજૂ કરવા માંગે છે, તેઓને દબાવી રહી છે. ભાજપના ધારાસભ્યો દ્વારા મા-બહેન સુધીની ગંદી ગાળો કોંગ્રેસના ધારાસભ્યોને આપી છેલ્લી કક્ષાની ઉશ્કેરણી કરવામાં આવે અને તે મામલે વિધાનસભા અધ્યક્ષ સંસદીય પ્રણાલિ અને પોતાની તટસ્થ ફરજ ચૂકી પક્ષપાત દાખવે તે ગંભીર અને આઘાતજનક છે. ગુજરાતની પ્રજા ભાજપના આટલી હદના દમનને કયારેય માફ નહી કરે.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મોરારીબાપુ દ્વારા શુભેચ્છા  વચન

editor

જુઓ ​​​​​​​દશામાની મૂર્તિઓની આવી દશા, લોકોએ માતાજીની મૂર્તિઓને રસ્તા પર રઝળતી મૂકી

editor

વાસણામાં વોટર ડ્રેઇન માટે કરોડોનું કામ ખોરવાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1