Aapnu Gujarat
શિક્ષણ

બોર્ડ પરીક્ષામાં ડમી, કોપીકેસ સહિત ૩૦થી વધુ કેસ નોંધાયા

ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા દરમ્યાન અમદાવાદ શહેર સહિત રાજયભરના જુદા જુદા સ્થળોના કેન્દ્રો ખાતે ગંભીર ગેરરીતિ, ડમી વિદ્યાર્થી અને કોપી કેસ સહિતના ૩૦થી વધુ કિસ્સાઓ સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. ધોરણ-૧૦માં આજે સવારે વિજ્ઞાનનું પેપર હતું, જે એકંદરે સરળ નીકળતાં વિદ્યાર્થીઓ ખુશ અને રાહતમાં નજરે પડતા હતા. જો કે, આજે શહેરના સાબરમતી વિસ્તારમાં સાધુ વાસવાણી સ્કૂલના સેન્ટર ખાતે ધોરણ-૧૦ની એક વિદ્યાર્થીની મોબાઇલ મારફતે ચોરી કરતા પકડાતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી, બાદમાં બોર્ડ સત્તાવાળાઓ દ્વારા આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ કરાઇ હતી. બીજીબાજુ, પાટણ સહિતના કેટલાક સ્થળોએ ચાર ડમી વિદ્યાર્થીઓ પકડાયા હતા. જયારે ધોરણ-૧૦માં રાજયભરમાં આજે ૨૩થી વધુ કોપી કેસ નોંધાયા હતા, તો ધોરણ-૧૨માં પણ છૂટાછવાયા આઠથી દસ કેસ સામે આવ્યા હતા. ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં આજે બીજા દિવસનું પેપર હતું અને આજની પરીક્ષા દરમ્યાન ગેરરીતિ, કોપી કેસ સહિતના કેટલાક ગંભીર કિસ્સાઓ સામે આવતાં બોર્ડ સત્તાવાળાઓથી માંડી ખુદ શિક્ષણ વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. દાહોદમાં આજે ધોરણ-૧૦નું પ્રશ્નપત્ર લીક થવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો હતો. ધોરણ-૧૦ના વિજ્ઞાનના પેપરના ફોટા મોબાઇલ અને સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં બોર્ડના સત્તાવાળાઓ સહિત તંત્રના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. પહેલા પેપર વખતે પણ દાહોદની એનએનપી હાઇસ્કૂલમાં ચોરીના કૌભાંડનો પર્દાફાશ થતાં ચકચાર મચી ગઇ હતી તો આજે સતત બીજા પેપરમાં પણ દાહોદમાં પેપર લીકની ઘટના સામે આવતાં તંત્રની ઉઁઘ હરામ થઇ ગઇ હતી. પાટણમાં પણ લોર્ડ ક્રિશ્ના સ્કૂલમાં આજે ધોરણ-૧૦ના વિજ્ઞાનના પેપરમાં એક ડમી વિદ્યાર્થી પરીક્ષા આપતાં રંગેહાથ ઝડપાતાં ભારે ચકચાર મચી ગઇ હતી. દરમ્યાન ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં આજે કેમેસ્ટ્રીનું પેપર હતુ અને સામાન્ય પ્રવાહમાં સ્ટેસ્ટીકનું પ્રશ્નપત્ર હતું. જો કે, આ બંને પેપરો પણ એકંદરે સરળ રહ્યા હતા. વિદ્યાર્થીઓને બહુ મુશ્કેલ કે અઘરા જણાયા ન હતા. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં અમદાવાદમાં કોઇ ગંભીર ગેરરીતિનો કિસ્સો સામે આવ્યો ન હતો પરંતુ અમદાવાદ સિવાય બહારગામના કેન્દ્રો પર કયાંક છૂટાછવાટા કોપી કેસ, ગેરરીતિ અને ડમી વિદ્યાર્થી સહિતના આઠથી દસ કેસો નોંધાયા હતા. જે અંગે બોર્ડ સત્તાવાળાઓએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, પહેલા બે પેપરો દરમ્યાન બહાર આવેલા કોપી કેસ સહિતના ગેરરીતિના કિસ્સાઓને ધ્યાને લઇ બોર્ડ સત્તાવાળાઓ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા છે અને બાકીના પેપરોમાં આવી ગેરરીતિ અટકાવવા સમગ્ર વ્યવસ્થાતંત્ર વધુ અસરકારક અને ફુલપ્રુફ બનાવવાની દિશામાં કવાયત હાથ ધરી છે.

Related posts

એમ.એસ.યુનિવર્સિટીમાં એસિડ એટેકની ધમકી આપનારાને સજા થઈ : પોલીસે ઝુબેર પઠાણને મુરઘો બનાવ્યો

aapnugujarat

સુરત જિલ્લામાં એક સ્કૂલ છે, જ્યાં મુસ્લિમ શિક્ષક દ્વારા બાળકોને ભગવદ ગીતા ભણાવવામાં આવી રહી છે

aapnugujarat

ઈતિહાસના પુસ્તકોમાંથી મુઘલોના ચેપ્ટર હટાવાનો ઈરાદો નથી : DHARMENDRA PRADHAN

aapnugujarat

Leave a Comment

UA-96247877-1