Aapnu Gujarat
ગુજરાત

વાસણામાં વોટર ડ્રેઇન માટે કરોડોનું કામ ખોરવાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિંગ કમિટી અને તાબાની નીચલી કમિટી વચ્ચે સંકલનનો અભાવ હોવાનું છેલ્લા કેટલાક સમયથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે. આનું છેલ્લામાં છેલ્લું તાજુ ઉદાહરણ જોઇએ તો, ગઈકાલની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જોવા મળ્યું હતું, જેમાં વાસણા વિસ્તારના વરસાદી નાળા અને સ્ટ્રોમ વોટરની સફાઈના કરોડો રૂપિયાના કામને સ્ટેન્ડિંગ કમિટીએ બ્રેક મારતાં અનેક તર્ક-વિતર્ક ઊઠ્‌યા છે. આંતરિક મતભેદો સપાટી પર આવતાં હવે એક નવા વિવાદને લઇ ચર્ચા ઉઠવા પામી છે. તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીએ રોડ રિપેરિંગના મામલે જેટ પેચરના કરોડો રૂપિયાના વિવાદાસ્પદ કામને મંજૂરી આપી હતી. ગઈકાલની બેઠકમાં પણ શાસકોએ માઈક્રોસરફેસિંગને લગતા કરોડો રૂપિયાના કામનો કોન્ટ્રાક્ટ એક જ કંપનીને આપવાના રોડ-બિલ્ડિંગ કમિટીના ઠરાવને બહાલી આપી હતી. આ કામમાં વહીવટીતંત્રના એક ઉચ્ચ અધિકારીની જાળવણી કામ કરી ગઈ તેવી પણ ચર્ચા ઊઠી છે. જ્યારે મેયર બીજલબહેન પટેલ અને મ્યુનિસિપલ ભાજપના નેતા અમિત શાહના પાલડી અને વાસણાના કેટલાક વિસ્તારને સામાન્ય વરસાદમાં જળબંબાકાર થતા રોકવા માટે હયાત વરસાદી નાળાને તોડીને નવેસરથી બનાવવાના રૂ. ૨૨.૪૨ કરોડના ટેન્ડરને ગત તા. ૧ ડિસેમ્બર, ૨૦૧૮એ મળેલી વોટર સપ્લાય કમિટીની બેઠકમાં ચેરમેન રશ્મિકાંત શાહે મંજૂરી આપી હતી. આ ઉપરાંત તે જ કમિટીમાં રશ્મિકાંત શાહે આ વિસ્તારની વર્ષો જૂની ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઈની આધુનિક પદ્ધતિથી સાફસફાઈ કરાવવા માટેના રૂ. ૧.૧૩ કરોડના ટેન્ડરને પણ મંજૂર કર્યું હતું. આ બંને કામને સ્ટેન્ડિંગ કમિટીની લીલીઝંડી મળી નથી. આમાં આશ્ચર્યજનક બાબત એ છે કે વોટર સપ્લાય કમિટીની એજન્ડા બેઠકમાં મ્યુનિસિપલ ભાજપના નેતા અમિત શાહ દ્વારા તમામ કામની યોગ્યતા અંગે રાબેતા મુજબ ચર્ચા કરાઈ હતી. ત્યારબાદ વોટર સપ્લાય કમિટીની બેઠકમાં જે તે કામને મંજૂર કે નામંજૂર કરવું તે અંગેનો નીતિવિષયક નિર્ણય લેવાયો હતો તો માત્ર બે દિવસમાં આ બંને કામને અભ્યાસ કરવાનો બાકી હોઇ કારણસર સ્ટેન્ડિંગ કમિટીમાં કેમ અટકાવાયું તેને લઈને અનેક પ્રશ્નો ઊઠ્‌યા છે.
જો સ્ટેન્ડિંગ કમિટીમાં વિવાદાસ્પદ લેખાતા કામને ગણતરીની મિનિટોમાં લીલી ઝંડી અપાય છે તો આમાં શું મ્યુનિસિપલ ભાજપમાં ચાલતા જૂથવાદના કારણે બ્રેક મરાઈ તેવી ચર્ચા પણ કાર્યાલયમાં પણ થઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ ભાજપના ટોચના હોદ્દેદારોના વિભિન્ન બાબતોમાં મતભેદ હોઈ તે સમય સમય પર સપાટીએ આવે છે, જેના કારણે પક્ષની શિસ્તના જાહેરમાં લીરેલીરા પણ ઊડતા રહ્યા છે. અમ્યુકો શાસકોના આ તાજા નિર્ણયને લઇને હવે નવો વિવાદ ચર્ચામાં ઉઠયો છે.

Related posts

मुंद्रा, अंजार और गांधीधाम में जलभराव जैसे दृश्य दिखे

aapnugujarat

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

editor

મા વાઘેશ્વરીના દર્શનાર્થે ઉપડ્યો સોની પરિવારનો સંઘ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1