Aapnu Gujarat
શિક્ષણ

જરૂરિયાતવાળા તાલુકામાં સાયન્સ કોલેજ શરૂ કરાશે : શિક્ષણમંત્ર ચુડાસમાએ ગૃહમાં ખાતરી આપી

પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેઓ સઘન અને સંશોધનાત્મક અભ્યાસ કરતા થાય તથા તેઓની વાંચન તૃષા સંતોષાય તે હેતુથી પ્રાથમિક શાળાના પુસ્તકાલયોમાં પુસ્તકો વધારવા માતબર રકમની જોગવાઈ કરવામાં આવે છે, એમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમિયાન પુછાયેલા લેખિત પ્રશ્નના પ્રત્યુત્તરમાં આ અંગેની વધુ વિગતો આપતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, તા. ૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓના પુસ્તકાલયોમાં પુસ્તકો વસાવવા માટે વર્ષ ૨૦૧૬-૧૭માં ૮૨૭.૯૧ લાખની વર્ષ ૨૦૧૭-૧૮માં ૬૩૧.૭૦ લાખની મળીને છેલ્લા બે વર્ષમાં કુલ ૧૪૫૯.૬૧ લાખની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ૮૨૭.૯૧ લાખની ગ્રાન્ટ પૂરેપુરી વપરાઈ ગઈ છે. સર્વશિક્ષા અભિયાન તરફથી વર્ષ ૨૦૧૭-૧૮માં હાલ ૨૨૨.૮૭ લાખની ગ્રાન્ટ જિલ્લાઓને ફાળવવામાં આવી છે. વર્ષ ૨૦૧૮-૧૯થી એનસીઈઆરટીનો અભ્યાસક્રમ રાજ્યમાં અમલમાં આવનાર હોઈ બાળકોને સહાયરૂપ થાય તેવી પ્રારંભિક વાંચનમાળા બરખા સીરીઝના ગુજરાતીમાં તૈયાર કરવામાં આવનાર પૂસ્તકો ટૂંક સમયમાં બાળકોને આપવામાં આવશે, એમ શિક્ષણ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું. દરમિયાન રાજ્યમાં જરૂરિયાતવાળા તમામ તાલુકાઓમાં તબક્કાવાર સાયન્સ કોલેજ શરૂ કરવા સરકાર કટિબદ્ધ છે. તા. ૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ મોરબીમાં વિજ્ઞાન પ્રવાહની ૧ ગ્રાન્ટેડ કોલેજ જ્યારે ભાવનગર જિલ્લામાં ૧ સરકારી અને ૧ ગ્રાન્ટેડ કોલેજ આવેલી છે. આ પ્રમાણે મહીસાગર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ ૦૧ ગ્રાન્ટેડ, તેમજ દાહોદ જિલ્લામાં ૨ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ આવેલી છે, તેમ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન ધારાસભ્યોઓ દ્વારા વિજ્ઞાન પ્રવાહ કોલેજ અંગે પૂછાયેલા પ્રશ્નો પ્રત્યુત્તર આપતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
રાજ્યની શાળાઓમાં ૫૨ આચાર્યની જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા પ્રગતિ હેઠળ છે. રાજ્યની કોલેજોમાં જીપીએસસી દ્વારા કુલ ૫૫૭ મદદનીશ પ્રધ્યાપકોની જગ્યા ભરવાની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે. ગારિયાધાર તાલુકામાં કોલેજ ફાળવવામાં આવી છે તેના માટે વર્ષ ૨૦૧૭-૧૮ અને વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ ૫૪૨ લાખ તેમજ ૮ એકર જમીન ફાળવવામાં આવી છે. રાજ્યમાં હાલની સ્થિતિએ ૨૨ સાયન્સ કોલેજો આવેલી છે જે વર્ષ ૧૯૯૫-૯૬માં ૩ હતી તેમ પણ શિક્ષણમંત્રી ચુડાસમાએ વિવિધ પૂરક પ્રશ્નના જવાબ આપતાં વિધાનસભા ગૃહમાં ઉમેર્યું હતું. દરમિયાન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવું એ અમારી પ્રાથમિકતા છે. જેના ભાગ રૂપે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં આર્ટસ અને કોમર્સની ૧૪ કોલેજો કાર્યરત છે. વિધાનસભા ખાતે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં આર્ટસ-કોમર્સ પ્રવાહની કોલેજોના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી ચુડાસમાએ કહ્યું કે, વિદ્યાર્થીઓનુે ઉચ્ચ શિક્ષણ આપવા માટે રાજ્ય સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીય કર્યું છે. ભૂતકાળમાં નહોતી એનાથી વધુ કોલેજોનું નિર્માણ અમારી સરકારે કર્યું છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં અંગ્રેજી માધ્યમની કોલેજ શરૂ કરવા અંગે માંગણી આવશે તો રાજ્ય સરકાર ચોક્કસ હકારાત્મક નિર્ણય કરશે, તેમ તેમણે ઉમર્યું હતું. દરમિયાન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દરેક તાલુકા મથકે કોલેજો શરૂ કરશે. અમરેલી અને અમદાવાદ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની કોલેજો શરૂ કરવા અંતર્ગત વિધાનસભા ગૃહમાં પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે, આ સરકારના શાસનમાં સમતોલ વિકાસ થાય અને કોઈને પણ અન્યાય ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અત્યારે જ તાલુકા મથકોએ સરકારી કોલેજો છે અને રાજ્ય સરકારની નીતિ પ્રમાણે તબક્કાવાર બધાજ તાલુકામાં કોલેજો શરૂ કરાશે.

Related posts

લૉકડાઉનના કારણે વાલીઓને સ્કૂલ ફી ચૂકવવામાં મુશ્કેલી

editor

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ

editor

માસ કોપીના કેસમાં ૧૦૦ને ડીબાર કરતો નિર્ણય યથાવત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1