Aapnu Gujarat
શિક્ષણ

લૉકડાઉનના કારણે વાલીઓને સ્કૂલ ફી ચૂકવવામાં મુશ્કેલી

કોવિડ-૧૯ના કેસો વધી રહ્યા છે અને સ્કૂલો ફરી ક્યારે નિયમિતપણે ચાલુ થશે તે અંગે અનિશ્ચિતતાઓ પ્રવર્તી રહી છે ત્યારે લગભગ ૪૦ ટકા વાલીઓ આ વર્ષે લોકડાઉન પછી સ્કૂલ ફી ચૂકવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હોવાનું તારણ ખાનગી કંપની દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં સામે આવ્યું છે. કોવિડના લીધે લોકોના ધંધા અને નોકરીઓ પર અસર પડી હોવાથી આ મુશ્કેલીઓ પડી રહી છે.
કોરોનાના વધતા કેસો, કર્ફ્યૂ અને મિની લોકડાઉનની સ્થિતિ વચ્ચે લોકો આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ફિનટેક કંપની ક્રેડિને એક વ્યાપક સર્વે હાથ ધર્યો હતો.લગભગ ૩૦,૦૦૦ વાલીઓને આ સર્વેમાં ભાગ લેવા માટે આમંત્રિત કરાયા હતા જેમાંથી ૫૦ ટકા વાલીઓએ તેમની આર્થિક સ્થિતિ અને અન્ય નાણાંકીય બાબતો અંગે વિવિધ સવાલોના જવાબો આપ્યા હતા.
સર્વે મુજબ ૫૫ ટકા વાલીઓ માને છે કે હાલની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખતા હાથમાં રોકડ રાખવી જરૂરી છે અને આથી જ તેમને સ્કૂલ ફી ચૂકવવામાં વિલંબ કરવો પડી રહ્યો છે. ૬૮ ટકા વાલીઓના મતે મહામારીના લીધે તેમની આવક પર અસર પડી છે અને સ્થિતિ ફરીથી પહેલા જેવી થતા સમય લાગી શકે છે.
૬૦ ટકા વાલીઓ સ્કૂલ ફી ચૂકવવા માટે હપ્તાની સુવિધા ઈચ્છી રહ્યા છે. ૪૦ ટકા વાલીઓ સ્કૂલ ફી ચૂકવવામાં વિલંબ કરી રહ્યા છે કારણ કે તેમને આશા છે કે સ્કૂલ કે સરકાર તરફથી તેમને ફીમાં ડિસ્કાઉન્ટ મળશે. ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં અમને વાલીઓ પાસેથી અનેક રજૂઆતો મળી હતી કે તેમને ફીમાં ચૂકવણી મોડેથી કરવાથી છૂટ આપવામાં આવે. સરકારના સૂચનના પગલે ૨૫ ટકા ફી પણ જતી કરી છે. સર્વેમાં ૫૧ ટકા લોકો માને છે કે કોવિડ-૧૯થી સામાન્ય જીવન પર આ વર્ષે પણ અસર પડશે એટલે સ્કૂલોએ માત્ર ઓનલાઈન શિક્ષણ જ આપવું જોઈએ.૭૦ ટકા વાલીઓ જ્યાં સુધી કોરોનાનો ખાત્મો ના થાય ત્યાં સુધી પોતાના સંતાનોને સ્કૂલે મોકલવા માંગતા નથી. બાવન ટકા વાલીઓના મતે મહામારીના લીધે તેમની આવક પર અસર પડી છે અને સ્થિતિ પુનઃથાળે પડતા હજુ સમય લાગશે.

Related posts

ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાના પરિણામને લઈને ઉત્સુકતા

aapnugujarat

કેનેડામાં હવે બોગસ સ્ટુડન્ટ્સને પકડી લેવાશે

aapnugujarat

DPS- Bopal organises SRIJAN 2019 interschool extravaganza

aapnugujarat

Leave a Comment

UA-96247877-1