Aapnu Gujarat
શિક્ષણ

કેનેડામાં હવે બોગસ સ્ટુડન્ટ્સને પકડી લેવાશે

ભારતથી વિદેશ ભણવા જતા સ્ટુડન્ટ્સમાં અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા સૌથી વધુ ફેવરિટ છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી કેનેડાના કારણે અમુક વિવાદ થયા છે. ભારતના સ્ટુડન્ટ્સ કેનેડા જવા માટે કંઈ પણ કરતા હોય છે જેના લીધે વિઝા ફ્રોડના કિસ્સા વધ્યા છે. કેનેડા આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યું છે અને ઈન્ટરનેશનલ સ્ટુડન્ટની બાબતમાં કોઈ ફ્રોડ ન થાય તે માટે પ્લાનિંગ કર્યું છે. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામમાં કોઈ છેતરપિંડી ન થાય તે માટે IRCCએ અમુક પગલાંની જાહેરાત કરી છે જેનાથી જેન્યુઈન સ્ટુડન્ટને ફાયદો થશે અને બોગસ સ્ટુડન્ટ્સને કેનેડામાં એન્ટ્રી કરતા અટકાવી શકાશે.

IRCCએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે અમે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામમાં સુધારા કરવાના છીએ. તેનાથી જેઓ ખરેખર સ્ટુડન્ટ છે તેમને પ્રોટેક્શન મળશે પરંતુ જેઓ વિદ્યાર્થી હોવાનો દેખાડો કરીને નિયમોના છીંડાનો ઉપયોગ કરે છે તેમને કેનેડામાં રોકવામાં આવશે. અમે ઈચ્છીએ છીએ કે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ કેનેડામાં ભણે અને અહીંથી રિટર્ન થાય ત્યારે તેમનો ગ્રોથ થયો હોય. આગામી મહિનાઓમાં કેનેડામાં અસલી સ્ટુડન્ટને પારખવા માટે ત્રણ ફેરફાર કરવામાં આવશે.

1) પહેલી ડિસેમ્બર, 2023થી કેનેડામાં દરેક પોસ્ટ સેકન્ડરી ડેઝિગ્નેટેડ લર્નિંગ ઈન્સ્ટિટ્યૂટ (ડીએલઆઈ)એ દરેક અરજકર્તાના લેટર ઓફ એક્સેપ્ટન્સની IRCC પાસે ચકાસણી કરાવવી પડશે. તેના પરથી ખબર પડી જશે કે કયો સ્ટુડન્ટ ફ્રોડ કરીને કેનેડામાં આવી રહ્યો છે. આ એક વધારાનું વેરિફિકેશન છે જેનાથી બનાવટી એક્સેપ્ટન્સ લેટરને અટકાવી શકાશે. અગાઉ કેનેડામાં જેટલા સ્ટુડન્ટ કૌભાંડો આવ્યા છે તેમાં આવા બોગસ લેટરનો ઉપયોગ થયો હોવાનું જાણવા મળ્યું છે. કેનેડામાં માત્ર ઓથેન્ટિક લેટર ઓફ એક્સેપ્ટન્સ ધરાવતા લોકોને જ સ્ટડી પરમિટ આપવામાં આવશે.

2) આ ઉપરાંત 2024ના ફોલ સેમેસ્ટરથી IRCCમાં રેકગ્નાઈઝ્ડ ઈન્સ્ટિટ્યૂશનના ફ્રેમવર્કનું પાલન થશે જેનાથી પોસ્ટ-સેકન્ડરી ડીએલઆઈને ફાયદો મળશે.

3) આગામી મહિનાઓમાં IRCC દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પ્રોગ્રામ માટે એક વ્યાપક એસેસમેન્ટ કરવામાં આવશે. તેનાથી કેનેડાના લેબર માર્કેટમાં વાસ્તવમાં કેવી ડિમાન્ડ છે તે સમજી શકાશે અને તેનાથી ઈમિગ્રેશન પોલિસીના ટાર્ગેટ નક્કી કરવામાં આવશે.

કેનેડાએ આ બધા સુધારા એટલા માટે કરવા પડશે કારણ કે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ તેની ઈકોનોમીને ટેકો આપી રહ્યા છે. ભારત સહિત કેટલાક દેશોમાંથી બનાવટી લોકો પણ સ્ટુડન્ટના નામે કેનેડામાં આવે છે, પરંતુ કેનેડા આ અંગે સખત વલણ અપનાવે તેવી શક્યતા છે.
કેનેડાના અર્થતંત્રમાં ઈન્ટરનેશનલ એજ્યુકેશનનો હિસ્સો 22 અબજ ડોલરથી વધારે છે. એટલે કે કેનેડાની ઓટો ઈન્ડસ્ટ્રી કરતા પણ એજ્યુકેશન ઉદ્યોગ વધારે કમાણી કરે છે. આ ઉપરાંત ફોરેન સ્ટુડન્ટના કારણે કેનેડામાં બે લાખથી વધારે જોબનું સર્જન થાય છે. 2020માં કોવિડના કારણે કેનેડામાં વિદેશી સ્ટુડન્ટનું આગમન બંધ થઈ ગયું ત્યારે કેનેડાના જીડીપીમાં સાત અબજ ડોલરનો ઘટાડો થયો હતો.
કેનેડા હવે જેન્યુઈન સ્ટુડન્ટ અને બોગસ સ્ટુડન્ટ વચ્ચે ભેદ પારખવા માગે છે. ઓક્ટોબરમાં IRCCએ 103 કેસ તપાસ્યા હતા જેમાં 63 સ્ટુડન્ટ ખરેખર ભણવા આવ્યા હતા જ્યારે 40 બનાવટી હતા. આવા કેસને ઓળખવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

Related posts

હેરિટેઝ ફેસ્ટ – સાસ્કૃતિક કાર્નિવલ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મક પ્રતિભાને લોકો સમક્ષ દર્શાવવાની તક

aapnugujarat

ડભોઇ તાલુકાની ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ દ્વારા કોવિડ ૧૯ જાગૃતિ અભિયાન યોજાયું

editor

ડીસાની આદર્શ પ્રાથમિક શાળામાં સ્વયં શિક્ષક દિન ઊજવણી કરાઈ

aapnugujarat
UA-96247877-1