Aapnu Gujarat
રમતગમત

શમી-બુમરાહના તોફાનમાં ઉડ્યું ઈંગ્લેન્ડ

આ વર્લ્ડ કપમાં ભારતે પહેલીવાર પ્રથમ બેટિંગ કરી હતી. જોકે, ટીમની શરૂઆત ખરાબ રહી હતી પરંતુ બાદમાં રોહિત શર્માની અડધી સદી તથા સૂર્યકુમાર યાદવની મહત્વની ઈનિંગ્સની મદદથી ભારતે 50 ઓવરમાં નવ વિકેટે 229 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જોકે, 230 રનના લક્ષ્યાંકના જવાબમાં ભારતીય બોલર્સ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ હથિયાર હેઠા મૂકી દીધા હતા. ઈંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રન પર ઓલ-આઉટ થઈ ગઈ હતી. રોહિત શર્માએ 87 અને સૂર્યકુમારે 49 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે મોહમ્મદ શમીએ ચાર વિકેટ પોતાના નામે કરી હતી.

230 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે મક્કમ શરૂઆત કરી હતી. જોની બેરસ્ટો અને ડેવિડ મલાનની જોડીએ ટીમને મક્કમ શરૂઆત અપાવી હતી. પરંતુ બુમરાહે મલાનને આઉટ કર્યો તે સાથે જ ઈંગ્લેન્ડનો ધબડકો થયો હતો. બેરસ્ટો 14 અને મલાન 16 રન નોંધાવીને આઉટ થયા હતા. ત્યારબાદ જો રૂટ અને બેન સ્ટોક્સ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. બંને બેટ્સમેનો શૂન્ય પર જ આઉટ થયા હતા. કેપ્ટન જોસ બટલર પણ 10 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો.

એક સમયે ઈંગ્લેન્ડે 52 રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ લોઅર ઓર્ડરના બેટ્સમેનોએ થોડો સંઘર્ષ કર્યો હતો. મોઈન અલીએ 15 અને લિયામ લિવિંગસ્ટોને 27 રન નોંધાવ્યા હતા. જ્યારે ક્રિસ વોક્સે 10, ડેવિડ વિલીએ અણનમ 16 તથા આદિલ રાશિદે 13 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે મોહમ્મદ શમીએ સાત ઓવરમાં 22 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રિત બુમરાહે 6.5 ઓવરમાં 32 રન આપીને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. કુલદીપ યાદવને બે તથા રવિન્દ્ર જાડેજાને એક સફળતા મળી હતી.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. વર્તમાન વર્લ્ડ કપમાં ભારત પ્રથમ વખત પ્રથમ બેટિંગમાં આવ્યું હતું. જોકે, ભારતની શરૂઆત ઘણી જ નિરાશાજનક રહી હતી. તેના ટોચના સ્ટાર બેટર્સ ફ્લોપ રહ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી ઓપનિંગમાં આવી હતી. પરંતુ શુભમન ગિલ ફક્ત નવ રનના અંગત સ્કોર પર ક્રિસ વોક્સનો શિકાર બન્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન ભેગો થયો હતો. કોહલી નવ બોલ રમ્યો હતો પરંતુ એક પણ રન નોંધાવી શક્યો ન હતો. શ્રેયસ ઐય્યરચાર રન નોંધાવીને આઉટ થયો હતો. ભારતે 40 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.

જોકે, કેપ્ટન રોહિત શર્માએ એક છેડો જાળવી રાખ્યો હતો. તેણે પહેલા લોકેશ રાહુલ અને બાદમાં સૂર્યકુમાર યાદવ સાથે ભાગીદારી નોંધાવીને ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો. રોહિત શર્માએ વર્તમાન વર્લ્ડ કપમાં વધુ એક અડધી સદી ફટકારી હતી. તેણે 101 બોલમાં 10 ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે 87 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે રાહુલ 39 રન નોંધાવીને આઉટ થયા હતા. રોહિત અને રાહુલે 91 રનની ભાગીદારી નોંધાવી હતી. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા આઠ રન નોંધાવીને આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવે 47 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 49 રન નોંધાવીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડ માટે વિલીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદે બે-બે અને માર્ક વૂડે એક વિકેટ ઝડપી હતી.

Related posts

સિડની ટી-ટ્‌વેન્ટીમાં ટીમ ઈન્ડિયાની જીત

aapnugujarat

આઈપીએલ : સનરાઈઝની રાજસ્થાન પર ૧૧ રને જીત

aapnugujarat

वेलिंग्टन टेस्ट : वापसी जैसा शब्द हम उपयोग नहीं करते – विलियमसन

aapnugujarat
UA-96247877-1