Aapnu Gujarat
બ્લોગ

ભાજપ માટે આગામી ચુંટણીની રાહ આસાન થઇ

સામાન્ય રીતે ચૂંટણીમાં સફળતાનો શ્રેય કોઈ એક વ્યક્તિને ન આપી શકાય. કેમકે સફળતા પાછળ રાજકીય પક્ષની સંગઠન શક્તિ, ચૂંટણી પ્રચાર, કાર્યકર્તાઓની તાકત અને પ્રતિબદ્ધતા હોય છે.તેમ છતાં કેટલાક ચહેરા એવા હોય છે, જેમની ભૂમિકા વિજયમાં મહત્વની હોય છે.
પાંચ વર્ષ પહેલાં પૂર્વોત્તરના જે રાજ્યમાં ભાજપ ખાતું પણ નહોતો ખોલાવી શક્યો, ત્યાં તેણે ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું છે.
ભાજપના પરફોર્મન્સે રાજકીય વિશ્લેષકોને પણ આશ્રર્યચકિત કરી દીધા છે.મૂળ મરાઠી સુનિલ દેવધર પૂર્વોત્તર ભારતમાં ભારતીય જનતા પાર્ટીનો એવો ચહેરો છે, જેમણે અહીં ક્યારેય ચૂંટણી જ નથી લડી. તેમણે પોતાને સમાચારોમાં પણ નથી ચમકવા દીધાં પણ ત્રિપુરામાં ૨૫ વર્ષોની ડાબેરી સરકારને ટક્કર આપવાનો અને તેમની પાસેથી સત્તા છીનવી લેવાનો શ્રેય ભાજપ સુનિલ દેવધરને જ આપે છે. વર્ષ ૨૦૧૩માં વિધાનસભા ચૂંટણીમાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીને ૪૮ બેઠકો મળી હતીા્‌ જ્યારે ભારતની કમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે સીપીઆઈને ૧ અને ૧૦ બેઠકો સાથે ત્રિપુરામાં કોંગ્રેસ વિપક્ષ હતો. જોકે, આ વખતે ભાજપે ડાબેરીઓને ટક્કર આપી છે તેમાં સુનિલ દેવધરની ભૂમિકા મહત્વની છે. તેમણે દરેક બૂથ સ્તરે જઈ સંગઠન રચીને કાર્ય કર્યું હતું. તેમણે માત્ર મેઘાલય અને ત્રિપુરા જ નહીં પણ પૂર્વોત્તર ભારતનાં અન્ય રાજ્યોમાં પણ કાર્ય કર્યું, તે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(આરએસએસ)નાં પ્રચારક તરીકે સક્રિય રહ્યા. અમિત શાહે જ્યારે ભાજપની કમાન સંભાળી હતી ત્યારે સુનિલ દેવધરને મહારાષ્ટ્રથી વારાણસી મોકલવામાં આવ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી લોકસભા ચૂંટણી લડી રહ્યા હતા. દેવધરે પૂર્વોત્તરમાં કામ કરતાં કરતાં ત્યાંની સ્થાનિક ભાષાઓ પણ શીખી લીધી, જ્યારે તેઓ મેઘાલયના ખાસી અને ગારો જનજાતિના લોકો સાથે તેમની જ ભાષામાં વાત કરવા લાગ્યા ત્યારે આ લોકો આશ્રર્યચકિત થઈ ગયા હતા. દેવધર આ જ રીતે કડકડાટ બંગાળી પણ બોલે છે. કહેવાય છે કે ત્રિપુરામાં ડાબેરી દળો, કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસને ટક્કર આપવાનું કામ પણ તેમણે જ કર્યું છે. વિધાનસભા ચૂંટણી પહેલાં આ પક્ષોના કેટલાક નેતા અને ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા હતા. દેવધરે જમીની સ્તર પર કાર્યકર્તાઓને શોધ્યા અને તેમને પાર્ટીમાં મહત્વ આપ્યું. તેમણે કહ્યું કે સૌપ્રથમ બૂથ લેવલે કાર્યકર્તાઓના સંગઠનને મજબૂત કરવામાં આવ્યું.ત્રિપુરામાં ડાબેરીઓની કેડર બનાવવાની કાર્યશૈલીને તેમણે નિશાન બનાવી. આમ ત્રિપુરામાં આ બાબત ભાજપની સફળતા માટે મહત્ત્વપૂર્ણ પુરવાર થઈ. સુનિલ દેવધરે કહ્યું, “અહીં કોંગ્રેસની છબી અન્ય રાજ્યો કરતાં અલગ છે. કોંગ્રેસ કેટલાક વર્ષોથી ડાબેરીઓને ટક્કર આપતી હતી. અહીં તેમનું નેતૃત્વ સારું છે.”તેમણે વધુમાં કહ્યું કે જ્યારે તેઓ પૂર્વોત્તર ભારતનો પ્રવાસ કરતા હતા ત્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓ સાથે તેમની મુલાકાત થતી હતી. મુલાકાતો બાદ તેમણે આ નેતાઓને ભાજપમાં સામેલ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ નારાજ માર્ક્સવાદી નેતાઓને સામેલ કર્યા.આમ કરતા કરતા તેમનું સંગઠન વિસ્તરણ પામતું ગયું અને મજબૂત પણ થતું ગયું. જોકે, આથી સ્થાનિક કાર્યકરો તેમનાથી નારાજ થયા હતા.પૂર્વોત્તરમાં રાજકીય બાબતોના નિરીક્ષક અને વરિષ્ઠ પત્રકાર સંદીપ ફુકને પણ કહ્યું કે સુનિલ દેવધરે છેલ્લા પાંચ વર્ષોમાં ત્રિપુરામાં પાર્ટીના કેડરને બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.સુનિલ દેવધર ૫૨ વર્ષના છે અને તેઓ અપરિણીત છે. સુનિલ મૂળતઃ મહારાષ્ટ્રના કોંકણ પ્રાંતના ગુહાઘરના છે, તેઓ મુંબઈના અંધેરી વિસ્તારમાં તેમનું ઘર છે, પરંતુ તેઓ પૂર્વોત્તર રાજ્યમાં રહે છે.લાંબા સમયથી દેવધરના સાથી દિનેશ કાનજીના કહેવા પ્રમાણે, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલીન સરસંઘ સંચાલક બાલાસાહેબ દેવરસે આહ્વાન કર્યું હતું કે સ્વયંસેવકો એક વર્ષ દેશને આપે.ત્યારે સુનિલ દેવધરે પૂર્વોત્તર રાજ્યોમાં જવાનું પસંદ કર્યું હતું.”
સુનિલ દેવધર સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરે છે.ભાજપે ત્રિપુરામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને શૂન્ય પર સમેટી ડાબેરીઓના ગઢને ધ્વસ્ત કરી નાંખ્યો. ભારતીય રાજનીતિમાં આ અભૂતપૂર્વ ઘટના છે.ત્રિપુરામાં ભાજપે ગત વિધાનસભા ચૂંટણીમાં ૫૦ બેઠકો પર ચૂંટણી લડી હતી અને ૪૯ પર ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.સીપીઆઈ(એમ)ના નેતા માણિક સરકારની ભારતના શ્રેષ્ઠ મુખ્યમંત્રીઓમાં ગણના થાય છે. ત્રિપુરાની રાજનીતિમાં તેમની મજબૂત પકડ રહી છે.રબર ઉત્પાદનમાં ત્રિપુરાનો કેરળ બાદ બીજો ક્રમ આવે છે. વળી આર્મડ ફોર્સ સ્પેશ્યિલ પાવર એક્ટ હટાવનાર તે પૂર્વોત્તરનું એકમાત્ર રાજ્ય છે.અહીં વિદ્રોહને સમાપ્ત કરી દેવાયો છે. ૩૦થી વધુ કલ્યાણકારી યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે અને અહીંનો માનવ વિકાસ સૂચકાંક પણ સારો છે.જ્યારે ત્રિપુરાની સરકારે રાજ્ય માટે આટલું બધું કર્યું તો પછી કેમ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.આખરે માણિક સરકારે શું ભૂલ કરી? દરેકને આ સવાલ થઈ રહ્યો છે.ભારતીય મતદાતાઓના મગજમાંથી હવે ડાબેરી સરકારો પ્રત્યેનું આકર્ષણ ખતમ કેમ થઈ રહ્યું છે.કોઈ પણ સરકાર માટે ૨૫ વર્ષનો સમય લાંબો સમય ગણાય છે.મતદાતાઓને ફરીથી પોતાની તરફ કરવા માટે અને જીતવા માટે આ લાંબો સમય માનવામાં આવે છે. ચૂંટણી લડી રહેલા તમામ પક્ષ તેમને વધુમાં વધુ મત મળે એવું ઇચ્છતા હોય છે.માણિક સરકારની આ વખતની સૌથી મોટી ભૂલ એ રહી કે તેઓ મતદાતાઓનો અસલ મૂડ પારખી શક્યા નહીં.
માણિક સરકારે એ વાત પણ સ્વીકારી કે તેમની સરકાર નવી રોજગારીનું સર્જન કરવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યનો શૈક્ષણિક દર તો ઊંચો છે પણ શહેરી વિસ્તારોમાં બેરોજગારીનું પ્રમાણ ૧૭ ટકા છે.એટલું જ નહીં ૭મું પગાર પંચ પણ લાગુ નથી કરવામાં આવ્યું. સીપીઆઈ(એમ)ની કેડર પર ભાઈ-ભત્રીજાવાદના આરોપ લાગતા રહ્યા છે.બંગાળી આદિવાસીઓને તેમણે ક્યારેય ગંભીરતાથી લીધા નથી.છેલ્લાં વર્ષોમાં ભાજપે ત્રિપુરામાં મજબૂત પકડ જમાવવા જમીની સ્તર પર કામ કર્યું હતું.તેમને ખબર હતી કે ડાબેરીઓ સાથે મુકાબલો કરવા માટે તેમણે જમીની સ્તરે કામ કરીને કેડરને ધીરે ધીરે મજબૂત કરવી પડશે.આ કામ કરવા ભાજપ અને આરઆએસના ૫૦ હજારથી વધુ કાર્યકર્તાઓ એકજૂટ થયા હતા.તેમણે તેમની કાર્યપ્રણાલીને સીમાવર્તી રાજ્ય અનુસાર બનાવી દીધી હતી.મોર્ચા, વિસ્તારક, પેજ પ્રમુખ અને સંપર્કના આધાર પર પાંચ સ્તરની પ્રણાલી તૈયાર કરવામાં આવી હતી.ત્રણ પ્રકારના મોર્ચા તૈયાર કરાયા હતા. મહિલા, યુવા અને એસસી/એસટી/ઓબીસી.વિસ્તારકોએ એ બાબત નિશ્ચિત કરી કે મંડળમાં આંતરિક વિખવાદ પેદા ન થાય અને પાર્ટીની યુવા બ્રિગેડે તેને સારી રીતે નિભાવ્યું.પેજ પ્રમુખને પેજ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા અને પ્રત્યેકને ૬૦ મતદાતાઓની જવાબદારી આપવામાં આવી. તેમણે મતદાતાઓની જરૂરિયાતોનું ધ્યાન રાખ્યું.તેઓ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પાસે જઈને તેમની સમસ્યા પૂછતા અને પછી આ જાણકારી મંડળ સુધી પહોંચાડતાં હતા.ચૂંટણી પહેલાં ભાજપે આદિવાસી બેઠકો પર પોતાની પકડ મજબૂત કરી નાંખતાં ડાબેરીઓની મતબૅન્કમાં આ મોટું નુકસાન હતું. સ્પષ્ટ પણે સમજી શકાય છે કે ભાજપે પોતાની જીતની રૂપરેખા પહેલાંથી જ તૈયાર કરી લીધી હતી જેમાં તે વિજય મેળવવામાં સફળ પણ રહ્યો.બીજી તરફ ડાબેરીઓ સંતોષ માનીને બેઠા હતા અને કોંગ્રેસે ચૂંટણી પહેલા જ હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં. એક સવાલ એવો પણ છે કે ત્રિપુરામાં હિંદુ મતબેંક સહિતના અન્ય મુદ્દાની કેટલી અસર પડી?
આનો જવાબ હા છે. પણ આ મુદ્દા ભાજપને તેની જીતથી દૂર ન કરી શક્યા.પૂર્વોત્તરના બે અન્ય રાજ્ય નાગાલૅન્ડ અને મેઘાલયમાં પણ ભાજપે સારું પરફોર્મન્સ કર્યું છે.ભાજપની યોજના પણ આ જ હતી. ત્રિપુરાએ તમામને નિશબ્દ કરી દીધા. વળી અન્ય બે રાજ્યોનાં પરિણામોથી પણ ઘણાને આશ્ચર્ય થયું છે.નાગાલૅન્ડમાં એનડીએની સરકાર હતી પણ તેમાં ભાજપનો દબદબો ઓછો હતો.પણ આ વખતે ભાજપે તેમાં સુધારો કર્યો છે. પ્રાદેશિક પક્ષોએ ચૂંટણીનો બહિષ્કાર કરવા છતાં ભાજપ તેમને ચૂંટણીના મેદાન સુધી ખેંચી લાવવામાં સફળ રહ્યો. શાંતિ સમજૂતી અંગેના સ્પષ્ટીકરણના અભાવે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો હતો. ભાજપે તેની સફળ રણનીતિથી આ મુદ્દાને જ ગાયબ કરી દીધો.એક એવું રાજ્ય જ્યાં નાણાં, બંદૂક અને ગ્રામ પરિષદના ફરમાનોની જ બોલબાલા છે, ત્યાં કોઈ પણ પ્રકારની વિચારધારા કામ નથી આવતી.પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સહયોગી નેફુ રિયોએ નામાંકન વખતે હરીફને રોકવા માટે માર્ગ બ્લોક કરાવી દીધો હતો. જેથી તે સમયસર નામાંકન ન કરી શકે. મેઘાલયમાં ગૌહત્યા પર પ્રતિબંધ એક રીતે ભાજપ નાટે નુકસાન ભરેલું પગલું માનવામાં આવી રહ્યું હતું પણ જમીની સ્તરે વાસ્તવિકતા કંઈક અલગ જ હતી.કોલસા અને ચૂનાના પથ્થરોની ખાણમાં લાગેલો પ્રતિબંધ લોકો માટે ગૌહત્યા પરના પ્રતિબંધથી વધુ મહત્ત્વનો છે.

Related posts

नेपाली संसद भंग क्यों हुई ?

editor

ડૉ. બાબાસાહેબ આંબેડકર : રાજકીય નેતાઓનું કર્તવ્ય : શાસનની ધુરા

aapnugujarat

ડેની : ઉત્તમ અભિનેતા જ નહી સારા ગાયક પણ…

aapnugujarat

Leave a Comment

UA-96247877-1