Aapnu Gujarat
શિક્ષણ

હવે ડિપ્લોમા પ્રવેશ સમિતિમાં વિવાદીત અધિકારીઓ સામેલ

ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયામાં ગત વર્ષે પક્ષપાત અને લાગવગશાહી ચલાવનારા એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસના બે વિવાદીત અધિકારીઓને ફરી વખત આ વર્ષે પણ પ્રવેશ સમિતિમાં સમાવવામાં આવતાં વિદ્યાર્થી સંગઠનોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે. વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ, ગુજરાતના પ્રમુખ આનંદ આઇ.ગોસ્વામીએ આ સમગ્ર મામલે કસૂરવાર અધિકારીઓની તાત્કાલિક પ્રવેશ સમિતિમાંથી હકાલપટ્ટી કરવા અને તેઓની વિરૂધ્ધ કાયદાનુસાર કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી કરી હતી. વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ, ગુજરાતના પ્રમુખ આનંદ આઇ.ગોસ્વામીએ આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, ડિપ્લોમા ઇજનેરીમાં ગત વર્ષની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ હોવાછતાં પાછળથી ખોટી રીતે કેટલાક પ્રવેશ અપાયા હોવાની ગંભીર ફરિયાદ ઉઠી હતી, જેમાં મુખ્યમંત્રીના સંબંધીઓની ભાગીદારીમાં ચાલતી એક ડિપ્લોમા ઇજનેરી કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ પણ બારોબાર ગેરકાયદે રીતે પ્રવેશ આપી દેવાયા હતા. બીજીબાજુ, જેન્યુઇન વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા. એસીપીડીસીના અધિકારીઓ યુ.એન.નાણાવટી અને એચ.આર.પરમાર વિરૂધ્ધ અમે આ પ્રકરણમાં ડાયરેકટર ઓફ ટેકનીકલ એજયુકેશનને પણ ફરિયાદ અને રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઇ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશમાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ તો આપી દેવાયો હતો પરંતુ ભારે આશ્ચર્ય વચ્ચે ૨૦૧૮-૧૯ના આ વર્ષે ફરીથી પ્રવેશ સમિતિમાં ઉપરોકત બંને જવાબદાર અધિકારીઓને સમાવી દેવામાં આવ્યા છે, જેને લઇ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનોમાં ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આવા પક્ષપાતી અને લાગવગ ચલાવતા અધિકારીઓના વલણના કારણે જેન્યુઇન અને લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશમાં ભારોભાર અન્યાય થવાની દહેશત છે તેવો ગંભીર આક્ષેપ પણ આ વિદ્યાર્થી નેતાએ કર્યો હતો. વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ, ગુજરાતના પ્રમુખ આનંદ ગોસ્વામીએ ઉમેર્યું હતું કે, રાજય સરકારમાં ઘણા અનુભવી અને તજજ્ઞ સ્ટાફ ઉપલબ્ધ હોવાછતાં ઉપરોકત બંને અધિકારીઓને ફરીથી પ્રવેશ સિમિતિમાં સમાવવાને લઇ ડિપ્લોમા પ્રવેશ સમિતિ અને તેની પ્રવેશ પ્રક્રિયા બિનજરૂરી રીતે શંકાના દાયરામાં આવી ગઇ છે, તેથી ખરેખર તો, રાજય સરકારે આ બંને અધિકારીઓની પ્રવેશ સમિતિમાંથી તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી કરી તેઓની વિરૂદ્ધ કાયદાનુસાર કાર્યવાહી કરવી જોઇએ. જેથી વિદ્યાર્થી આલમમાં નિષ્પક્ષ, યોગ્ય અને ન્યાયી પ્રવેશનો વિશ્વાસ મજબૂત થાય.

Related posts

આરટીઇ હેઠળ પ્રવેશમાં ફરીથી ખાનગી શાળાઓના ધાંધિયા

aapnugujarat

કેનેડામાં હવે બોગસ સ્ટુડન્ટ્સને પકડી લેવાશે

aapnugujarat

ધો. ૧૦-૧૨નાં વિદ્યાર્થીઓનાં ઘરે આવી જશે માર્કશીટ

editor

Leave a Comment

UA-96247877-1