Aapnu Gujarat
બ્લોગ

ચીનનું આક્રમક વલણ ભારત માટે ખતરનાક

ભારતના સામરીક હિતોને સૌથી વધારે નુકસાન ચીન દ્વારા થઈ રહ્યું છે. એનડીએની અટલ બિહારી વાજપેયીના વડપણ હેઠળની સરકારના તત્કાલિન સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝે ચીનને ભારતનું દુશ્મન નંબર વન ગણાવ્યું હતું. ભારત સાથે ૧૯૬૨માં હિંદી-ચીની ભાઈ ભાઈના બેશુદ્ધ વાતાવરણમાં યુદ્ધ કરનાર ચીન છેલ્લા કેટલાંક વર્ષોથી ભારત સાથે અત્યંત આક્રમક વલણ દાખવી રહ્યું છે. ઈન્ડિયન ડિફેન્સ રિવ્યૂના સંપાદક અને સંરક્ષણ મામલાના જાણકાર કેપ્ટન ભરત વર્માએ ચીનના વલણને જોઈને આગાહી કરી હતી કે ચીન ભારત વિરુદ્ધ યુદ્ધ છેડશે. ભારતને અંતિમ પાઠ ભણાવવા માટે હતાશ થઈ ચુકેલી ચીની સરકાર પાસે તેના ઘણાં કારણ છે કે આ સદીમાં એશિયામાં તે પોતાનું પ્રભુત્વ કાયમ કરી શકે. ચીની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના સામાયિક કીશીના અંકમાં પ્રકાશિત લેખમાં ભારત સાથેના સીમા વિવાદના ઉકેલ માટે અને શાંતિ સ્થાપિત કરવા માટે યુદ્ધની તરફેણ કરવામાં આવી હતી.
સંરક્ષણ મામલાના મેગેઝીન ઈન્ડિયન મિલિટ્રી રિવ્યૂમાં પ્રકાશિત લેખમાં ભારતીય સેનાના સેવાનિવૃત મેજર જનરલ જી.ડી.બક્ષીએ દાવો કર્યો હતો કે ભારતની વધતી આર્થિક હેસિયત અને અમેરિકા સાથેના નજીકના સંબંધો જંગનું કારણ બનશે. જો કે સંરક્ષણ વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, ચીનના ભારત પરના આ સંભવિત હુમલામાં અમેરિકા કોઈ દખલ કરશે નહીં, કારણ કે ઈરાક અને અફઘાનિસ્તાનના યુદ્ધમાં અમેરિકાની સેનાને જાનમાલની ઘણી હાનિ પહોંચી છે. જી.ડી.બક્ષીએ સંભાવના વ્યક્ત કરી છે કે ચીનથી સંભવિત યુદ્ધમાં ઓપરેશનનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીર હશે, જ્યાં પૂર્વ અને પશ્ચિમી છેડા પર પાકિસ્તાન સાથે મળીને હુમલો કરી શકે છે.ભારતના સેનાધ્યક્ષ જનરલ વી. કે. સિંહે પોતાના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાન અને ચીનને ભારતની સુરક્ષા માટે ટેન્શનના બે મોટા કારણો ગણાવ્યા હતા. પાકિસ્તાનમાં શાસનની સમસ્યા અને આતંકવાદી સંગઠનોને સરકારી મદદ મળવી ચિંતાનું કારણ છે, તો ચીનની વધતી લશ્કરી તાકાત ભારત માટે મોટો પડકાર બનેલો છે. ચીન દ્વારા છેલ્લા કેટલાંક સમયમાં ઉઠાવાયેલા પગલાં તેના ખતરનાક ઈરાદા જાહેર કરે છે. તેમાં તિબેટમાં રણનીતિક રીતે મહત્વના વિકાસ કામોમાં ઝડપ, ચીનની આવાગમનની ક્ષમતામાં વધારો, કારાકોરમ હાઈવેને પહોળો બનાવવો, ગિલગિટમાં ચીની સૈનિકોની તેનાતી અને ગિલગિટની પહાડીઓમાં ગુફાઓ તથા સુરંગોનું નિર્માણ કરી ત્યાં ડોંગ ફેંગ ૨૧ ડી વિમાનની તેનાતી કરવાની વ્યવસ્થા કરવી, મુખ્ય છે. તિબેટમાં લડવા માટે સૈન્ય અભ્યાસમાં ઝડપ જેવા પગલાં પણ સામેલ છે.આ સિવાય ચીને બ્રહ્મપુત્ર નદી પર ૩૩૭૦ ફૂટની ઊંચાઈવાળો બંધ બાંધ્યો છે. તેના કારણે બ્રહ્મપુત્ર નદીના વહેણ પર વિપરીત અસર પડશે. પરંતુ ચીન બંધની ઊંચાઈને ઓછી નહીં કરવા માટે અક્કડ છે.
જૈંગૂમ બંધ તિબેટના પૂર્વ ભાગમાં બનાવાય રહ્યો છે અને તેનાથી ભારત તરફ હિમાલયના પર્યાવરણ પર પણ વિપરીત અસર પડશે. ચીન બ્રહ્મપુત્ર પર અન્ય ઘણાં ડેમ બનાવવાની યોજના કરી રહ્યું છે અને સંકેત છે કે ચીને આ પરિયોજનાઓ પર કામ પણ શરૂ કરી દીધું છે. એક રિપોર્ટ પ્રમાણે, ચીન બ્રહ્મપુત્ર નદી પર લગભગ ૨૪ બંધો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. તેના સિવાય પાંચ બંધ ડેમ બામચૂ નદી પર પણ બનાવાય રહ્યાં છે, આ નદી ભારતમાં કોસી નદીના નામથી જાણીતી છે. ચીન ભારત સાથે પાણીની વહેંચણી સંદર્ભે કોઈપણ સંધિ પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર નથી. આમ ચીન ભારતની જળસંપદા પર પણ ટાંપીને બેઠું છે.ચીન ભારતના સામરીક હિતોને પાકિસ્તાનનો ઉપયોગ કરીને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. પાકિસ્તાન ભારત સામે આતંકવાદનો અને ચીન પાકિસ્તાનનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. જેના કારણે ચીન પાકિસ્તાની સેનાને પરમાણુ શસ્ત્રો, મિસાઈલ, ફાઈટર પ્લેન જેવી યુદ્ધસામગ્રીઓ પૂરી પાડે છે. જેના કારણે ભારતની લશ્કરી શક્તિની સાથે પાકિસ્તાન સમતુલા જાળવી શકે. જ્યારે પાકિસ્તાન ભારત સામેની તેની દુર્ભાવનાઓના પરિણામે આતંકવાદને હથિયાર બનાવીને ભારતને નબળું પાડીને ૧૯૭૧ના યુદ્ધમાં મળેલી કારમી હારનો બદલો વાળવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
ચીનના ટેકાને કારણે હવે પરિસ્થિતિ એવી થઈ છે કે પાકિસ્તાની સેના અમેરિકાને પણ આંખો બતાવવા માંડી છે. આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઓસામા બિન લાદેનને અમેરિકાએ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ નજીકના એબટાબાદમાં હણ્યો. ત્યાર બાદ પાકિસ્તાને જણાવ્યું હતું કે તે પોતાની સાર્વભૌમિકતાનો ભંગ કદાપિ સહન કરશે નહીં.આ બધું પાકિસ્તાની સેના ચીનના પાછલા બારણે મળી રહેલા મજબૂત ટેકાથી કરી રહી છે.અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની સામરીક હિતો પાર પડશે, તો તેનું સૌથી મોટું નુકસાન ભારતને થશે. ભારતના સામરીક નુકસાનમાં ચીનનો ફાયદો છે. તેને કારણે ચીન પાકિસ્તાનને મદદ કરવામાં આગળ પડતો ભાગ ભજવશે. ચીને પાકિસ્તાન સાથે મળીને ભારત સામે આક્રમક વલણ ચરમ પર પહોંચાડી દીધું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચીને પોતાના સૈનિકો તેનાત કર્યા હોવાના અમેરિકા અખબારમાં અહેવાલ પ્રકાશિત થયા હતા. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારત પોતાનો ભાગ ગણે છે. આ ક્ષેત્ર પર પાકિસ્તાનનો ગેરકાયદેસરનો કબજો હોવાની વાત ભારત ઉઠાવતું રહે છે. પરંતુ તેને નજરઅંદાજ કરીને ચીને કારાકોરમ હાઈવે અને અન્ય પરિયોજનાઓ પર કામ કરવાનું ચાલુ જ રાખ્યું છે. ચીને અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના નાગરીકને સ્ટેપલ વીઝા આપવાની અવળચંડાઈ પણ કરી છે. તાજેતરમાં ભારતીય સરહદમાં ફરી એક વખત ચીનની સેનાએ ઘૂસણખોરી કરી છે.
ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકો કાશ્મીરના ન્યૌમા સેક્ટરના ચુમાર વિસ્તારમાં ઘૂસ્યા હતા. એવી જાણકારી પણ બહાર આવી છે કે ચીની સેનાના બે હેલિકોપ્ટર્સે પણ ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી. ચીની સૈનિકો ભારતીય સીમામાં દોઢ કિલોમીટર સુધી ઘૂસી આવ્યા હતા. ચીની સૈનિકોએ ભારતીય સીમાના ખાલી બંકરો અને ટેન્ટોને પણ નુકસાન પહોંચાડયું છે. આ પહેલો મોકો નથી કે જ્યારે ચીની સેનાએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી હોય. ૨૦૦૯માં લડાખમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરીને લાલ રંગથી ચીની ભાષામાં ક્ષેત્ર ચીનનું હોવાનું લખ્યું હતું.
આ પહેલો મોકો નથી કે જ્યારે ચીની સેનાએ આવી હરકત કરી હોય. આ પહેલા ચીની નૌસેનાએ ભારતીય યુદ્ધજહાજ આઈએનએસ ઐરાવત વિયેતનામના પોર્ટમાંથી પાછું ફરી રહ્યું હતું, ત્યારે દક્ષિણ ચીન સાગરમાં હસ્તક્ષેપ કરીને પોતાની ઓળખ જણાવવા કહ્યું હતું. ત્યાર બાદ વિયેતનામના દાવાવાળા સમુદ્રી ક્ષેત્રમાં તેલ શોધવાનો કાર્યક્રમ ચાલુ રાખવા સંદર્ભે ચીને ભારતને ધમકી આપી છે. દક્ષિણી ચીને સમુદ્રમાં ચાલી રહેલા શોધ કાર્ય પર કડક શબ્દોમાં ભારતને ચેતવણી આપતાં કહ્યું હતું કે તેના તટીય વિસ્તારમાં કોઈપણ પ્રકારના શોધ કાર્યથી તેની સાર્વભૌમતાનું ઉલ્લંઘન થાય છે અને તેનાથી વિવાદ વધી શકે છે. જો કે ભારતને ધમકી આપનારું ચીન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પોતાની પરિયોજનાઓ અને લશ્કરી ઉપસ્થિતિ યથાવત રાખી રહ્યું છે અને ભારતની કોઈપણ પ્રકારની ચેતવણીને માની રહ્યું નથી.આવા સંજોગોમાં ભારત અને ચીન વચ્ચે તણાવ યુદ્ધ કે તેના જેવી સ્થિતિ સુધી વણસવાની શક્યતાઓ વિશેષજ્ઞો જોઈ રહ્યાં છે.ભૂતકાળમાં ભારતીય વિશેષજ્ઞો જણાવી ચુક્યા છે કે, ચીન થંડર ડ્રેગન નામના ઓપરેશનની યોજના બનાવી રહ્યું છે. તેમાં પાકિસ્તાન સાથે મળીને તે ભારત પર બે તરફથી હુમલો કરશે. જાણકારોના માનવા પ્રમાણે, ઓપરેશન હેઠળ પાકિસ્તાની સેના પીપલ્સ લિબરેશન આર્મી તિબેટના લોખા વિસ્તારમાં આક્રમક સૈન્ય અભ્યાસ કરશે, જેથી ભારતીય સેના ધોખામાં રહે. તેની સાથે ૨૬/૧૧ની તર્જ પર પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા ભારતના મહત્વપૂર્ણ શહેર મુંબઈ કે અન્ય કોઈ શહેર પર હુમલો કરવામાં આવશે. આ ઓપરેશનના બ્લૂ પ્રિન્ટ પ્રમાણે ભારતીય જનતાના મનવમાં ઉપજેલા ગુસ્સાને કારણે ભારત પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સેના દ્વારા હુમલા કરશે, ત્યાર બાદ પાકિસ્તાન ભારતના મુખ્ય શહેરો પર જવાબી હુમલા કરશે. જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક સ્તરે સૈન્ય હુમલા વચ્ચે પરિસ્થિતિ ગંભીર થતાં જ રાજ્યના મેદાન વિસ્તારમાં સૈનિકોને ઉતારવામાં આવશે. બીજી તરફ, પીપલ્સ લિબરેશન આર્મી તિબેટમાં પોતાની રેપિડ એક્શન ફોર્સના જવાનોને સક્રિય કરી દેશે. ઓપરેશન થંડર ડ્રેગન પ્રમાણે પાકિસ્તાન વિરુદ્ધ ભારતના હુમલાના ત્રણ સપ્તાહમાં ચીનની સેના લડાખમાં પોતાનું અભિયાન શરૂ કરી દેશે.ભારતના સેવાનિવૃત જનરલ દીપક કપૂરે સેના માટે ચીન અને પાકિસ્તાન સરહદે ટુ ફ્રન્ટ વોર ડોક્ટ્રિનની તરફેણ કરી હતી. તેની પાછળની ગણતરી ચીન અને પાકિસ્તાન તરફથી થનારા સંભવિત એકસામટા આક્રમણ સામે ભારતની સુરક્ષા કરવાની હતી. તાજેતરમાં અમેરિકાના સંરક્ષણ મથક પેન્ટાગોનના રિપોર્ટમાં ચીનની સૈન્ય ક્ષમતાઓ સંદર્ભે રિપોર્ટ પ્રકાશિત થયો છે. જેમાં ભારતની સરખામણીએ ચીનની સૈન્ય ક્ષમતા ઘણી વધારે હોવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે ચીનની મોટી સૈન્ય ક્ષમતા સામે ભારતે પણ વળતી વ્યૂહરચના ઘડવી પડે, તે સમયની માગણી છે. ભારત પર ચીન આક્રમણ કરશે કે કેમ, તેનો આધાર ભારતે ચીનને જડબાતોડ જવાબ આપવામાં કરેલી તૈયારી પર છે.

Related posts

सहितयोत्सव

aapnugujarat

તુમ્હારી સુલુ દ્વારા વિદ્યાનું ધમાકેદાર પુનરાગમન

aapnugujarat

सुविचार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1